(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અત્રે પ્રસ્તુત છે.)

એક વખત એવું બન્યું કે બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી મહારાજ)નાં માતુશ્રીએ સને ૧૮૯૪માં મા દુર્ગાની પૂજા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ વાત સ્વામી વિવેકાનંદને જણાવવામાં આવી. તેમણે અમેરિકાથી તેમના ગુરુભાઈને પત્રમાં લખ્યું, ‘બાબુરામનાં માતાજીએ મગજ ગુમાવ્યું છે કે શું! જ્યારે દુર્ગાસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી જીવંત છે ત્યારે મા દુર્ગાની પૂજા શા માટે?’ આમ ‘જીવંત દુર્ગા’ શબ્દ સ્વામી વિવેકાનંદે શ્રીશ્રીમા માટે પ્રયોજ્યો છે.

આમ છતાં ૪થી જુલાઈ, ૧૯૦૨માં સ્વામીજીએ મહાસમાધિ લીધી, તે પહેલાં ૧૯૦૧માં તેમણે પોતે બેલુર મઠમાં મોટા પાયે દુર્ગાપૂજાનું આયોજન કર્યું હતું. પરંતુ તેની પાછળ એક કારણ છે.

ઘટના એવી બની કે એક દિવસ સ્વામીજીને એવું દર્શન થયું કે મા દુર્ગાની પૂજા માટીની મૂર્તિમાં થઈ રહી છે. તેમણે એ વાત સ્વામી બ્રહ્માનંદજી મહારાજને કરી. સ્વામી બ્રહ્માનંદજીએ પણ કહ્યું, ‘મને પણ એવું દર્શન થયું છે. જ્યારે હું ગંગાતટે એક બેંચ પર બેઠો હતો, ત્યારે મેં જોયું કે મા દુર્ગા દક્ષિણેશ્વરથી અહીં એક બીલીના વૃક્ષ પાસે આવ્યાં.’ એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે બેલુર મઠમાં દુર્ગાપૂજા કરવી. છેલ્લી ઘડીએ નક્કી તો થયું પણ પ્રતિમા ક્યાંથી લાવવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. ગમે તેમ પણ એક પ્રતિમા મળી આવી અને દુર્ગાપૂજા સંપન્ન કરવામાં આવી. તે સમયથી દર વર્ષે વિધિપૂર્વક, સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે બેલુર મઠમાં વિશાળ પાયા પર અને અન્ય કેટલાંક કેન્દ્રોમાં પણ દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે.

દુર્ગાપૂજાનો શ્રીમા શારદાદેવીના નામે સંકલ્પ કરવામાં આવ્યો અને સ્વામી વિવેકાનંદજીએ તેમને આ પૂજામાં ઉપસ્થિત રહેવા વિશેષ નિમંત્રણ પાઠવ્યું. ૧૮મી ઓક્ટોબર, ૧૯૦૧ના રોજ ‘જીવંત દુર્ગા’ શ્રીમા શારદાદેવી ત્યાં પધાર્યાં.

૧૬મી ઓક્ટોબર, ૧૯૧૪માં બાબુરામ મહારાજે ફરી શ્રીશ્રીમાને આમંત્રણ આપ્યું ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એકત્રિત જનસમુદાયને લાગ્યું કે જાણે સાક્ષાત્‌ મા દુર્ગા તેમની સખીઓ સાથે આવ્યાં છે! શ્રીમા તો અતિ નમ્ર હતાં. લજ્જાપટાવૃત્તા રહેતાં એટલે કોઈ પણ તેઓની દિવ્યતા વિશે જાણી શકતું નહીં. શ્રીશ્રીમાએ એ વખતે ગુપ્ત વાત જાહેર કરતાં કહ્યું, ‘જુઓ, અમે પણ મા દુર્ગાની જેમ સાજસજીને આવ્યાં છીએ.’ વિવિધ પ્રસંગોએ શ્રીમાએ સ્વયં કહ્યું હતું કે—પોતે સ્વયં દુર્ગા જ છે.

શ્રીરામકૃષ્ણદેવ પણ શ્રીમા શારદાદેવીને ‘જીવંત દુર્ગા’ સ્વરૂપ જ માનતા હતા. શ્રીરામકૃષ્ણદેવ જ્યારે ૨૨ વર્ષના હતા ત્યારે શ્રીમાની વય ૫ વર્ષની હતી; તે સમયની વાત છે. લોકોની શ્રીરામકૃષ્ણદેવ વિશેની ભળતી-સળતી વાતોથી ચિંતિત તેમનાં માતુશ્રી ચંદ્રામણીદેવીએ તેમનું લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેઓ ઠાકુરને જાણ કર્યા વિના જ કન્યા શોધવા લાગ્યાં. જ્યારે ઠાકુરને આ વાતની ખબર પડી તો તેમણે માતા ચંદ્રાદેવીને કહ્યું, ‘તમે મારા લગ્ન માટે ચિંતિત છો? મારા માટે કન્યા નક્કી જ છે; જયરામવાટી જાઓ.’ આમ, રામચંદ્ર મુખોપાધ્યાયની પાંચ વર્ષની સુપુત્રી શારદા સાથે તેમનું દિવ્ય લગ્ન થયું. પછી તરત જ ઠાકુર દક્ષિણેશ્વર ચાલ્યા ગયા.

શ્રીરામકૃષ્ણ વિશે લોકોની વાતો સાંભળીને શ્રીમા ૧૮ વર્ષની વયે દક્ષિણેશ્વર જવા પ્રેરાયાં. ત્યાં પહોંચ્યાં ત્યારે એક દિવસ ઠાકુરે તેમને પૂછ્યું, ‘તમે મને સંસારમાં લઈ જવા આવ્યાં છો? હું આધ્યાત્મિક સાધના કરવા માગું છું.’ આપણી સમજ પ્રમાણે ગામડાની અશિક્ષિત, ગરીબ કન્યા શારદાએ કહ્યું, ‘ના! ના! હું તમને સંસારમાં લઈ જવા માટે નહીં, હું તો તમને તમારા આધ્યાત્મિક માર્ગમાં સહાય કરવા આવી છું. મને પણ તમારી સાથે એ પથ પર લઈ જાઓ.’

ત્યાર બાદ એક વખત શ્રીમાએ શ્રીઠાકુરને પ્રશ્ન કર્યો, ‘તમે મને કઈ દૃષ્ટિએ જુઓ છો?’ ત્યારે શ્રીરામકૃષ્ણદેવે ઉત્તરમાં કહ્યું હતું, ‘જે મા (ચંદ્રામણિદેવી) નોબતખાનામાં રહે છે, જે મા (ભવતારિણી મા કાલી) મંદિરમાં નિવાસ કરે છે, એ જ મા મારી સમક્ષ છે. હું તમને એ જ માતાના સ્વરૂપમાં જોઉં છું.’

એટલું જ નહીં, પાંચમી જૂન, ૧૮૭૨ના ફલહારિણી કાલીપૂજાના દિવસે પોતાના જ ઓરડામાં શ્રીમા શારદાદેવીની ષોડશોપચાર પૂજા કરી. શ્રીમા સમાધિમગ્ન થઈ ગયાં. શ્રીઠાકુરે પોતાની આધ્યાત્મિક સાધનાનું ફળ શ્રીમાને ચરણે ધરી દીધું, તેમને પ્રણામ કર્યા અને સ્તોત્રનું ઉચ્ચારણ કર્યુ.

सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके।
शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।

ઠાકુર પોતે પણ સમાધિમાં સરી પડ્યા. કોઈ પતિએ પોતાની પત્નીને આટલું સન્માન આપ્યું હોય, તેવું ઉદાહરણ ઇતિહાસમાં ક્યાંય જોવા મળતું નથી. આ ઘટનાથી શ્રીમાનાં માતુશ્રી ચિંતિત થઈ ગયાં. હવે મારી દીકરીને કોઈ મા કહેવાવાળું નહિ હોય. ત્યારે ઠાકુરે કહ્યું, ‘ચિંતા ન કરો. એટલા બધા લોકો તેમને મા કહેશે કે તેઓ એ સાંભળીને થાકી જશે.’ આજે બધા ગુરુભાઈઓ, ગૃહસ્થ ભક્તો, અનુયાયીઓ, દેશ-વિદેશના અન્ય ભક્તો શ્રીશારદાદેવીને ‘મા’, ‘મા’ કહેતા થાકતા નથી.

આમ તો શ્રીમા શારદાદેવી ‘લજ્જાપટાવૃત્તા’ રહેતાં તેમ છતાં ઘણા લોકોએ તેમની દિવ્યતાનો અનુભવ કરેલો છે. રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ શ્રીશ્રીમાના સાક્ષાત્ શિષ્ય હતા. તેઓને શ્રીમાએ દીક્ષા પ્રદાન કરી હતી. તેમણે પણ કહ્યું હતું કે શ્રીમા શારદાદેવી બહારથી એટલાં સામાન્ય લાગતાં કે કોઈને તેમના દિવ્ય સ્વરૂપની ખબર પડતી નહોતી.

મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે હું મારા વિદ્યાર્થીકાળમાં ૧૯૭૦માં ઉદ્‌બોધન ગયો હતો ત્યારે કોઈ સ્વામીએ મને વરદા મહારાજ (સ્વામી ઈશાનાનંદજી)ને મળવા કહ્યું. વરદા મહારાજ શ્રીમાના શિષ્ય હતા. તેમણે શ્રીમાના સેવક તરીકે વર્ષો સુધી શ્રીમાની સેવા કરી હતી. તેમણે મને ગળગળા થઈ કહ્યું હતું, ‘सर्वमंगल मांगल्ये… સ્તોત્રમાં જે દેવીની વાત છે, એ જ શ્રીમા શારદાદેવી છે. ટપકતાં આંસુ સાથે તેમણે કહ્યું કે ત્યારે તો હું તેમની દિવ્યતા પિછાણી શક્યો ન હતો. આજે હું તેમને જાણી શક્યો છું કે મેં જેમની સેવા કરી છે, તે અન્ય કોઈ નહીં પણ સાક્ષાત્ જગદંબા છે.’

૪થી સપ્ટેમ્બર, ૧૯૧૮ના દિવસે શ્રીમાએ સરજુબાલા સેનને કહ્યું હતું, ‘લોકો મને ભગવતી કહે છે. મને લાગે છે કે તેઓ સાચું જ કહે છે.’ શ્રીમાના જીવનમાં કેટલાય આશ્ચર્યજનક પ્રસંગો ઉદ્‌ભવ્યા છે. એવા ઘણા પ્રસંગોએ શ્રીમાએ પોતાના વિશેની ગુપ્ત વાતો જાહેર કરી છે.

૧લી ફેબ્રુઆરી, ૧૯૦૭ના દિવસે સ્વામી અરૂપાનંદજીએ શ્રીમાને સાક્ષાત્કારમાં (મુલાકાત વખતે) પૂછ્યું, ‘શ્રીરામકૃષ્ણ કોણ છે?’ શ્રીમાએ ઉત્તરમાં કહ્યું, ‘તેઓ મારા માટે ભગવાન છે. પછી તેમણે ઉમેર્યું માત્ર મારા માટે નહીં, નિરપેક્ષ દૃષ્ટિએ પણ એ ભગવાન છે.’ સ્વામી અરૂપાનંદજીએ મનમાં વિચાર કર્યો કે, ‘જો ઠાકુર ભગવાન છે, તો શ્રીશારદાદેવી ભગવતી થયાં. તો શા માટે તેઓ રસોઈ વગેરે જેવાં દુન્યવી કાર્યો કરે છે? શું આ માયા છે?’ પછી તેમણે આ વાત શ્રીમાને પૂછી. શ્રીમાએ કહ્યું, ‘જરૂર, આ માયા જ છે. જો એમ ન હોત તો હું નારાયણની બાજુમાં લક્ષ્મીરૂપે વૈકુંઠમાં બિરાજિત હોત!’ આમ દેવી વૈકુંઠમાંથી જયરામવાટીમાં અવતરિત થયાં હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધ વખતે શ્રીમા જયરામવાટીમાં બધા સમાચાર લોકો પાસેથી સાંભળતાં. વિનાશની વાતો સાંભળીને શ્રીમા અત્યંત દુઃખી થયાં અને જાણે સ્મશાનમાં મા કાલી અટ્ટહાસ્ય કરતાં હોય, તેમ શ્રીમા ‘હા, હા, હા’ કરી હસવા લાગ્યાં. વધુને વધુ મોટેથી હસતાં રહ્યાં. બધા લોકો ભયભીત થઈ ગયા. જાણે મા કાલી સ્વયં સમગ્ર વિશ્વનો સંહાર કરવા આવ્યાં હોય! લોકોની અનેક વિનંતીઓ પછી શ્રીમા શાંત થયાં.

આપણે જાણીએ છીએ કે નરેન્દ્રનો (સ્વામી વિવેકાનંદ) જન્મ માતા ભુવનેશ્વરીદેવીએ વીરેશ્વર શિવની પૂજા કરી, બાદમાં થયો હતો અને નરેનમાં ‘આશુતોષ’—કંઈ વિચાર્યા વિના સર્વેનું કલ્યાણ કરવું તથા ‘આશુરોષ’—એકદમ ક્રોધિત થઈ જવું—જેવા ભગવાન શિવના ગુણો હતા. તેઓ શ્રીઠાકુર સાથે ઘણી દલીલો કરતા, પરંતુ શ્રીમાનો પ્રત્યેક શબ્દ તેમના માટે આદેશ સમાન હતો. શ્રીમા સામે તેઓ કોઈ દલીલ ન કરતા. જ્યારે તેઓ શ્રીમાને મળવા માટે જતા ત્યારે મા ભગવતી પાસે જવાનું હોય, તેમ ગંગાજળથી પોતાને શુદ્ધ કરીને જતા.

સ્વામીજીના ગુજરાત પરિભ્રમણ દરમિયાન તેમને જેતલસરમાં આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર શ્રી હરગોવિંદદાસ અજરામર પંડ્યા પાસેથી શિકાગોમાં યોજાનાર પ્રથમ વિશ્વ ધર્મપરિષદ વિશે માહિતી મળી. પોરબંદર ગયા ત્યારે શંકર પાંડુરંગ પંડિતે પણ તેમને અમેરિકા જવાનો આગ્રહ કર્યો. દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન આલાસિંગા પેરુમલ અને અન્ય લોકોએ પણ સ્વામીજીને વિશ્વ ધર્મપરિષદમાં જવા માટે કહ્યું. આમ વિચારનો ઉદ્‌ભવ તો થયો, પરંતુ તેમને જવાની કોઈ ઇચ્છા ન જન્મી.

ત્યાર બાદ તેમને દર્શન થયું કે શ્રીરામકૃષ્ણદેવ સમુદ્રમાં જઈ રહ્યા છે અને તેમને આવવા કહી રહ્યા છે, ત્યારે તેમને લાગ્યું કે શ્રીરામકૃષ્ણ પણ તેમને અમેરિકા જવા માટે કહી રહ્યા છે. આમ છતાં તેઓ વિદેશમાં જવાનો કોઈ નિર્ણય નહોતા લઈ શકતા. મદ્રાસમાં સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં રહેતા કેટલાક લોકોએ તેમને રાત્રે કોઈ સાથે વાતચીત કરતા સાંભળ્યા હતા. આ બાબતે સ્વામીજીએ કહ્યું હતું કે તેઓ શ્રીરામકૃષ્ણદેવ સાથે વિવાદ કરી રહ્યા હતા. તેમને શ્રીરામકૃષ્ણદેવ અમેરિકા જવા સમજાવી રહ્યા હતા. છેવટે તેમણે નક્કી કર્યું, જો શ્રીમા કે જેઓ—સ્વામીજી માટે સર્વોચ્ચ ન્યાયાલય હતાં—તેઓ મને જવાની આજ્ઞા આપશે તો જ હું જઈશ. તેમના પત્રના ઉત્તરમાં શ્રીમાનો પત્ર આવ્યો, જેમાં સ્વામીજીને અમેરિકા જવા માટેની શ્રીમાએ પરવાનગી આપી હતી. કારણ એ હતું કે શ્રીમાને પણ એવું દર્શન થયું હતું અને ઠાકુરે તેમને કહ્યું હતું કે નરેન તમને પત્ર લખશે અને તમે પણ ઉત્તરમાં તેને અમેરિકા જવા માટે અનુમતિ આપજો.

શ્રીશ્રીમાનો અનુમતિ-પત્ર મળ્યો ત્યારે સ્વામીજી એ પત્ર મસ્તક પર રાખી નૃત્ય કરવા લાગ્યા. અંતે, તેમણે અમેરિકા જવાનો નિશ્ચય કર્યો. એ પછીની વાત આપણે સૌ જાણીએ છીએ.

સ્વામી શ્રીધરાનંદજી મહારાજ જ્યારે બ્રહ્મચારીના વેશમાં હતા ત્યારે સ્વામી શાંતાનંદજી મહારાજના સેવક હતા. એક વાર સ્વામી શાંતાનંદજી ક્ષયરોગથી સંક્રમિત થયા. એ સમયમાં તબીબી સારવારના અભાવે ક્ષયરોગ એક જીવલેણ બીમારી ગણાતી. તેમને રાંચીના રામકૃષ્ણ મિશન ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા. તે સમયે તેઓ બીમારીથી અજાણ હતા, જ્યારે તેમને ખબર પડી કે તેઓ આ રોગથી સંક્રમિત થયા છે ત્યારે તેઓ તેમના ઓરડામાં જતા રહ્યા અને ઓરડો બંધ કરી દીધો. ત્રણ દિવસ સુધી ઓરડો ન ખોલ્યો. ભોજન વગેરેનો ત્યાગ કરી દીધો અને આ ત્રણ દિવસ સુધી તેઓ સતત રડતા રહ્યા અને શ્રીમાને પ્રાર્થના કરતા રહ્યા કે, ‘મને જે કંઈ થયું છે, તેનું મને કોઈ દુઃખ નથી. પરંતુ આ બ્રહ્મચારી જે મારી સેવા કરે છે, તેને સંક્રમણ ન થવું જોઈએ.’ જ્યારે ત્રણ દિવસ પછી ઓરડો ખોલ્યો ત્યારે તેઓ હસતા હતા! શ્રીમાએ તેમને દર્શન આપ્યાં હતાં અને કહ્યું હતું, ‘હા, હું તને વચન આપું છું, તેને કશું નહીં થાય.’ ત્યાર પછી મહારાજે ભોજન ગ્રહણ કર્યું હતું. સ્વામી શ્રીધરાનંદજી મહારાજ આજે પણ ૯૭ વર્ષની વયે શ્રીશ્રીમાના આશીર્વાદથી સિડની, ઓસ્ટ્રેલિયામાં સેવારત છે. જુઓ, આ છે શ્રીમાની કૃપા!

આવાં કેટલાંયે ઉદાહરણો, ઘટનાઓ છે, જ્યાં શ્રીમા શારદાદેવીએ સ્વયં સ્વીકાર કર્યો છે અને કહ્યું છે, ‘હા, હું દેવી જ છું.’ શ્રીમાએ બગલા સ્વરૂપ ધારણ કર્યું હતું, કાલી સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટલાયે ભક્તોને વિવિધ પ્રકારે દર્શન થયું છે. ભારતના એક શહેરની એક પ્રખ્યાત કંપનીનાં અધિકારી સ્ત્રીભક્ત કોવિડથી સંક્રમિત થયાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં. તેમને ચિંતા થવા લાગી કે જો મને કંઈ થઈ જશે તો બંને બાળકોનું શું થશે, એને પણ ક્યાંક સંક્રમણ નહિ લાગી જાય ને? બીજું, તેમને સાંભળવાની પણ થોડી તકલીફ હતી, એટલે એ ડર પણ હતો કે હું ડૉક્ટરને સરખા જવાબ તો આપી શકીશ ને.

તેઓએ મંત્રદીક્ષા ગ્રહણ કરી હતી. વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને જપ શરૂ કર્યા. અચાનક તેમણે અનુભવ્યું કે તેમના ખાટલા પર કોઈ બેઠું છે. એક સુંદર મહિલા, શ્વેત વસ્ત્રોમાં, દિવ્ય મુખારવિંદ સાથે બેઠાં છે અને તેમના દેહમાંથી દિવ્ય સુગંધ આવી રહી છે. તેઓ એકદમ આનંદિત થઈ ગયાં અને ફરી નિદ્રામાં સરી ગયાં. જ્યારે જાગ્યા ત્યારે તેમણે નર્સને પૂછ્યું, ‘થોડી વાર પહેલાં સાડી પહેરીને, જે નર્સ આવ્યાં હતાં એ કોણ છે?’ નર્સે કહ્યું, ‘શું વાત કરો છો? અહીં કોઈ નર્સ સાડી નથી પહેરતી અને કોઈ નર્સ માસ્ક વિના અહીં આવી ન શકે.’ ત્યારે તેઓ સમજી ગયાં કે શ્રીશ્રીમા શારદાદેવી આવ્યાં હતાં. તે સમયે શ્રીમાએ તેમને આશ્વસ્ત કર્યાં હતાં કે ચિંતા ન કરો, તમે સાજાં થઈ જશો અને તમને ડૉક્ટર સાથે વાતચીતમાં પણ કશી મુશ્કેલી નહીં પડે. બાળકોને પણ કશું જ નહીં થાય.

પછી તેમણે મને અમારી ગુજરાતી માસિક પત્રિકા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માટે એક લેખ લખી મોકલ્યો. શીર્ષક આપ્યું, ‘સારું થયું મને કોરોના થયો.’ કેવી અજબ વાત! લેખમાં લખ્યું, ‘જો મને કોરોના ન થયો હોત, તો મને શ્રીમાનાં દર્શન ન થયાં હોત.’

આમ શ્રીશ્રીમા જીવંત દુર્ગા છે. ૨૧મી જુલાઈ, ૧૯૨૦ના દિવસે તેઓ તીરોધાન પામ્યાં, આમ છતાં તેઓ આજે પણ સૂક્ષ્મરૂપે જીવંત છે. જેઓ તેમને પ્રાર્થે છે, તેઓને માર્ગદર્શન આપવા માટે, મદદ કરવા માટે કરુણામયી શ્રીમા શારદાદેવી હાજરાહજૂર છે.

सृष्टि स्थिति विनाशानां शक्तिभूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते॥

તેઓ સૃષ્ટિની રચના કરે છે, પાલન કરે છે અને વિનાશ પણ કરે છે. તેમને કારણે જ આપણે જીવંત છીએ. તેઓ શાશ્વત, સનાતન અને અનાદિ છે.

આપણે શ્રીશ્રીમાનાં ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને આપણા આધ્યાત્મિક પથમાં માર્ગદર્શન આપે અને તેમનાં ચરણોમાં હંમેશાં આપણી ભક્તિ રહે.

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.