સરિતાઓના સંગમને ભારત પુરાતનકાળથી જ પવિત્ર માનતું આવ્યું છે. એ સરિતા સંસ્કૃતિનું પ્રતીક છે એટલે જો બે કે તેથી વધુ સરિતા – સંસ્કૃતિઓનો સમન્વય થાય અને સંસ્કૃતિનો પર વધુ વિશાળ બને તે જ ભારતીય સંસ્કૃતિની હંમેશા અભીષ્ટ વસ્તુ રહી છે. સમગ્ર ભારતીય ઇતિહાસ એની સાક્ષી પૂરે છે, સરિતા સંગમ અને સંસ્કૃતિ સંગમ તો તીર્થ છે! – તારનાર છે! ભારતીય સંસ્કૃતિનું આજનું સ્વરૂપ એની જ દેણગી છે.

વિવેકાનંદ કાલીન ભારતમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ આમનેસામને ખડી થઈ ચૂકી હતી. અન્ય સંસ્કૃતિઓની પેઠે સંઘર્ષ કરવાનું તો ભારતવર્ષની નસોમાં જ ન હતું. તેથી પોતાની પુરાતન પ્રણાલીને અનુસરીને એણે એ ધોધમાર ધસી આવતી સંસ્કૃતિ સાથે સંવાદ સાધવાનું વિચાર્યું. જોકે એવા કેટલાક પ્રયાસોય થવા તો માંડયા હતા. કોઈક પ્રયાસ કૃત્રિમ કાટછાંટ અને સાંપિયા કરીને સંવાદ સાધવા મથતો હતો. તો વળી કોઈક પ્રવાસ પોતાને એમાં વિલીન કરીને સંવાદ ઇચ્છી રહ્યો હતો! એવા પ્રયાસો તો ભારતીય સંસ્કૃતિની દુર્બળતા સૂચવતા હતા અને કૃત્રિમ હોવાથી નિષ્ફળ નીવડયા હતા.

પણ સ્વામી વિવેકાનંદની સંવાદ સાધવાની પદ્ધતિ સહજ, ઐતિહાસિક, નિરાળી અને અનન્ય છતાં પરંપરાગત હતી. ભારતની સંસ્કૃતિના ભોગે તેઓ કશો જ એવો કહેવાતો સંવાદ – સમન્વય સાધવા રાજી ન હતા કારણ કે ભૂતકાળનો દીને – ઈ – લાહીનો અને તત્કાળનો બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ અને થિયોસોફીનો ઉપક્રમ એમની આંખોની સામે જ હતો! અને એનાં પરિણામોને પણ એમની દૂરગામી નજરે પારખી લીધાં હતાં. બે કૃત્રિમ મિશ્રણો હતાં, સમન્વયની સુષમા એમાં ન હતી!

એટલે એમણે આ બંને સંસ્કૃતિઓની ‘સમરસતા’ (mixture) નો નહિ, પણ બંનેના ‘સમન્વય’નો (federation) માર્ગ જ સ્વીકાર્યો. સમરસતાની વ્યક્તિત્વવિહોણી અભાનતાને બદલે સમન્વયની બંનેના વ્યક્તિત્વને જાળવતી સભાનતાને સ્વીકારવાનો માર્ગ જ પસંદ કર્યા કે ભારત પોતાનું તત્ત્વજ્ઞાન પશ્ચિમને આપે અને પશ્ચિમ પોતાનું ભૌતિક વિજ્ઞાન ભારતને આપે! સાતેય રંગોની સમરસતાનું કાળું ધાબું નહિ, પણ સાતેય રંગોનું વ્યક્તિત્વ જળવાય એવું મેઘધનુષ એમણે પસંદ કર્યું. સાતેય સુરોનો ઘોઘરો કર્ણકર્કશ ભેગો અવાજ નહિ, પણ દરેકે દરેક સૂરનું વ્યક્તિત્વ જાળવતી અસંખ્ય શ્રવણ મધુર રાગરાગિણીઓ પસંદ કરી. એકતામાં વૈવિધ્યનો આ પ્રાચીન શંખ એમણે ફરી આ ખરે વખતે ફૂંક્યો – ઐતિહાસિક આવશ્યકતા પૂરી કરી.

પશ્ચિમના વિજ્ઞાન અને ભારતના વેદાંત સાથે આવો સમન્વય સાધવાના એમણે અનેકવિધ પ્રયત્નો કર્યા. સૌ પ્રથમ તો તેમણે એ સિદ્ધ કરવા ઇચ્છયું કે જગત અને એના ક્રિયાકલાપો તરફ વેદાંતનું વલણ અવૈજ્ઞાનિક નથી. એમણે કહ્યું કે સમગ્ર વૈજ્ઞાનિક શોધખોળના પાયાના બે મુખ્ય સિદ્ધાંતો તો અદ્વૈત વેદાંતમાંથી જ મળે છે :

(૧) ઔક્તિક પ્રણાલી જે કહે છે કે સામાન્યથી વિશેષમાં અને વિશેષથી સામાન્યમાં જઈને સાર્વભૌમ સામાન્યની વ્યાખ્યા કરવી અને (૨) કોઈ વસ્તુ – ઘટનાની વ્યાખ્યા વસ્તુની બહારથી નહિ, પણ ભીતરથી કરવી જોઈએ.

આ રીતે વિજ્ઞાનની બંને શરતો પૂરી કરતા હોવાથી ભારતીય વેદાંતનું મૂલ્ય પણ પશ્ચિમી વિજ્ઞાન કરતાં જરાય ઓછું નહિ, પણ અદકેરું જ છે, ઉપર કહેલા બે સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત સત્તાનું વ્યાપકત્વ અને બીજો સિદ્ધાંત કાર્યકારણ ભાવના વૈશ્વિક સિદ્ધાંતને નિર્દેશીને કારણ કરતાં કાર્ય જુદું નથી એમ બતાવે છે.

ઉપલા બે સિદ્ધાંતો ઉપરાંત વિજ્ઞાન – અધ્યાત્મની ભાઈબંધીને સુદૃઢ કરે એવી એક ત્રીજી વાત પણ છે તે એ છે કે વેદાંતની પેઠે વિજ્ઞાન પણ સર્વ વસ્તુઓની નૈસર્ગિક એકતાનો સ્વીકાર કરે છે. સ્વામીજી પછી સો વરસે આજે વિજ્ઞાને એ તારવ્યું છે કે સંપૂર્ણ સૃષ્ટિ એક સાગર જેવી છે. અને આપણે એના નાનામોટા વમળો જ છીએ!’

સ્વામીજીએ વળી કહ્યું : ‘વિજ્ઞાનને શાખાઓ છે તો ધર્મને પણ છે. વિજ્ઞાનની શાખાઓ પેઠે જ ધર્મની શાખાઓ પણ પોતાના અનુભવો, સિદ્ધાંતો, કાર્યપદ્ધતિઓ, મૌલિકતાઓ, નિષ્કર્ષો – બધું જ હોય છે; બંને અનુભવસિદ્ધ હોય છે. ભારતનું યોગશાસ્ત્ર વિજ્ઞાનની બધી આવશ્યકતાઓને પૂરી પાડે છે. આ રીતે પશ્ચિમ વિજ્ઞાનસરિતા ભારતની અધ્યાત્મ સરિતા સાથે સભાન સમન્વય સાધીને પારસ્પરિક સહાયતાથી બંને બેવડો લાભ ઉઠાવી શકે એ વાત સ્વામી વિવેકાનંદે પોતાની આગવી રીતે પહેલવહેલી જ કરી હતી.

ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે પૂર્ણ માનવજીવન માટે ‘પરા’ અને ‘અપરા’ બંને વિદ્યાઓની જરૂર છે બેમાંથી એકની પણ ઓછપ અધૂરા જીવનનું સ્વરૂપ છે. ઈશાવાસ્યોપનિષદે ભારપૂર્વક આ વાતને જુદી જુદી રીતે ત્રણેક વાર કરી છે. એટલે બંનેને પોતાની મર્યાદા છે એ સમજી લેવું જોઈએ છતાં વિજ્ઞાન જો પોતાના પૂર્ણત્વનો દાવો કરે, તો એ સ્વામીજીને મંજૂર નથી. ધાર્મિક અંધવિશ્વાસોની પેઠે વિજ્ઞાનમાંયે અંધવિશ્વાસો છે જ. વિજ્ઞાનની બધી વાતોને સામાન્ય લોકો વગર વિચાર્યે જ સ્વીકારી લે છે ને?

આઈન્સ્ટેઈન, ડાર્વિન વગેરેની બધી જ વાતો બરાબર, કોણ સમજ્યું છે? અને આ બંનેના સિદ્ધાંતોનું ખંડન પણ પછીના વૈજ્ઞાનિકોએ કર્યું જ છે ને? સ્વામીજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયને અનિવાર્ય બતાવતાં કહ્યું કે વિજ્ઞાન વગરનું અધ્યાત્મ અંધ છે અને અધ્યાત્મ વિહોણું વિજ્ઞાન સાવ લંગડું છે.

આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતોની ઊણપો બતાવવામાં યે સ્વામીજી પાછા નથી પડયા. ક્રમવિકાસવાદની ક્ષતિઓ બતાવતાં તેમણે કહ્યું : ‘તો ક્રમ સંકોચનો સ્વીકાર કેમ નહિ?’ ‘અસત્‌થી સત્‌ જન્મે જ નહિ’, ‘મશીનમાંથી તો નિયોજિત ઊર્જા જ પ્રાપ્ત થઈ શકે.’ ‘જો માણસ અમીબાનું વિકસિત રૂપ હોય, તો તો આપણે માનવું જોઈએ કે બુદ્ધ – ઈસા વગેરે પણ એક સમયે સાદા એવા રૂપધારી હતા!’ આજે ‘દેખાતા આપણા ઉચ્ચતર જીવનના સંઘર્ષો’ શું એમ સિદ્ધ કરે છે કે આપણે ક્યારેક ઉચ્ચતમ -અવસ્થાએ પહોંચીને પછી પતિત થઈ ગયા છીએ?

સ્વામીજીએ એક વધુ વિવાદાસ્પદ વાત છેડી : ‘સ્થૂળ પદાર્થસમૂહથી સૂક્ષ્મ વિચારોની (માનસિક શક્તિની) ઉત્પત્તિ થાય છે કે પછી સૂક્ષ્મ વિચારો જ સ્થૂળ શરીર જન્માવે છે? સ્વામીજીના મતાનુસાર શરીરયંત્રના ભાગોના વિશિષ્ટ મેળથી વિચાર જન્મવાની વાત કંઈ સમસ્યાનું પૂરું સમાધાન આપી શકે નહિ. શરીરને કઈ શક્તિ નિર્મે છે? કઈ શક્તિ વિવિધ જડ પદાર્થોને મેળવીને દેહ રચે છે? આ પ્રશ્ન તો તોય ઊભો જ રહે છે! આત્મચેતના અને વિચારનું કારણ સ્થૂળ દેહને માનતાં તો ગાડાને બળદની આગળ જોડવા જેવું જ

થાય! કારણ તો હંમેશા કાર્યથી સૂક્ષ્મ જ હોય છે. એ જ સાચો સિદ્ધાંત છે; એમાં જ પૂરું સમાધાન છે, અર્થાત્‌ શક્તિ (ચેતના) જ જડ પદાર્થોની સમુચિત મેળવણીથી દેહ સર્જે છે – દેહના માધ્યમથી પોતે પ્રકટ થાય છે.

જડ પદાર્થમાંથી ઊર્જા પેદા થવાની વાત પણ ખોટી છે : એને બદલે એમ કહેવું જોઈએ કે જડ પદાર્થનું અસ્તિત્વ જ નથી. એ તો કેવળ શક્તિ – ઊર્જાનો અવસ્થાવિશેષ જ છે. ઘનતા, કઠિનતા, સ્થૂલતા વગેરે દેખાતી જડ પદાર્થની અવસ્થાઓ તો ગતિનાં પરિણામોથી દેખાતાં રૂપો હોઈ શકે છે. જલીય પદાર્થોના પ્રવાહને વેગીલો બનાવવાથી એમાં સ્થૂલ પદાર્થ જેવી શક્તિ આવી જાય છે. એક વેગીલી જલધારાનો મારો પથ્થરના મારા કરતાં કંઈ ઓછો નથી જ હોતો! એવું જ વાવાઝોડાંમાં ફૂંકાતા વાયુનું પણ છે. એ જડ પથ્થરને ઉલાળીને ક્યાંયનો ક્યાં ફેંકી દે છે! તમે જો કરોળિયાની જાળના તારને અસીમિત તીવ્ર ગતિથી હલાવશો, તો એ લોઢાની સાંકળ જેવો મજબૂત બની જશે! અને મોટામસ ઝાડ થડનેય કાપી શકશે.

અમેરિકામાં અનેક પ્રસંગોએ સ્વામીજીને નાસ્તિકો, અજ્ઞેયવાદીઓ, ભૌતિકવાદીઓ અને કહેવાતા બૌદ્ધિકો સાથે વાતો કરવાના અવસરો મળ્યા હતા. પરંતુ તે સૌને તેમના પોતાના જ સિદ્ધાંતો દ્વારા પરાજિત કરીને સ્વામીજીએ સ્પષ્ટ બતાવી આપ્યું કે જડ પદાર્થની ધારણા એક માન્યતા જ માત્ર છે; એમાં તથ્ય નથી. અને છેવટે એ ભૌતિકવાદી દૃષ્ટિકોણ એક અસ્વીકાર્ય દાર્શનિક કલ્પના જ છે! સ્વામીજીએ બતાવ્યું કે યથાર્થ જ્ઞાનની સરખામણીએ ભૌતિકજ્ઞાન ખોટું જ ઠરે છે. એટલું જ નહિ પણ જે નિયમો અને સિદ્ધાંતો પર તે ખડું થયું છે. તે સિદ્ધાંતો અને નિયમો જ તેને ખોટું ઠેરવી જાય છે. તર્ક-બુદ્ધિને ય પોતાની એક સીમા હોય છે. યુક્તિ પોતે જ પોતાથી ઉપરવટના કોઈક તત્ત્વનો સંકેત કરી જાય છે. કારણ કે જો યુક્તિને જ છેવટની માનવામાં આવે તો છેવટે તો એ આપણને એક એવા તત્ત્વ પર ઊભા રાખી દેશે કે જડ પદાર્થ ઊર્જાશક્તિ અને મનથી પણ ઊંચે સ્થાને બિરાજે છે! પ્રત્યક્ષ પર આધારિત અને એને જ યથાર્થ માનતું જ્ઞાન, આપણને બુદ્ધિ અને ઈંદ્રિયોની પેલી પારના પ્રદેશ સુધી પહોંચાડી શકતું નથી – અતીન્દ્રિય જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવી શકતું નથી અને એ જ જ્ઞાન જગતના પાયારૂપ છે, આપણને એ જ અભીષ્ટ છે! બાહ્ય જ્ઞાન તો દેશ-કાલથી સીમિત અને વિષયેન્દ્રિય સંનિકર્ષથી જન્મેલું મર્યાદિત જ્ઞાન જ છે. લોકોત્તર જ્ઞાનને એ ન જ આંબી શકે.’ અને એ પશ્ચિમના વિદ્વાનો તો કેવળ અભિવ્યક્ત ચેતનાને જ ઓળખે છે, અનભિવ્યક્ત ચેતનાની તો તેમને કોઈ કલ્પના સુદ્ધાં નથી! એટલે પારમાર્થિક સત્ય સંબંધે નિર્ણય લેવામાં તેઓ અસમર્થ છે. તાત્પર્ય એ છે કે પશ્ચિમી વિજ્ઞાન જીવન અને અસ્તિત્વ સંબંધી સૌથી મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ ઉકેલી શકતા નથી.

આ રીતે વિજ્ઞાનની મર્યાદાઓ બતાવતા હોવા છતાં સ્વામીજી વિજ્ઞાનની દેણગી અને એ વિજ્ઞાનના ધર્મ સાથેના સમન્વયની સંભાવનાનો સ્વીકાર કરતા હતા, એમણે આ બંને વાતોને સમાજમાં સુનિયોજિત કરવા પ્રયત્નો કર્યા હતા. ધર્મ અને વિજ્ઞાન – એ બંને જ્ઞાનના જ બે પ્રકારો છે, એ બંને પ્રકારો પ્રકૃતિના નિયમો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિજ્ઞાન કહેવાતા ભૌતિક જગતના નિયમો જાણવા મથી રહ્યું છે. તો ધર્મ – આધ્યાત્મિકતા – મનના એ સૂક્ષ્મ જગતનું અન્વેષણ કરવા પ્રયત્ન કરે છે કે જેથી એને બહારના જગતની જાણકારી મળે શકે. એટલે ધર્મની શોધખોળનો પરિઘ વધારે વ્યાપક અને વધુ ઊંડો છે. આ રીતે જોતાં ધર્મ વિજ્ઞાનનો જ વિસ્તાર છે. જે રીતે જડ પદાર્થ અને મન એકબીજા સાથે સંકળાયેલાં છે, તેવી જ રીતે વિજ્ઞાન અને ધર્મ પણ પરસ્પર સંકળાયેલાં જ છે, જુદાં નથી. એટલે ‘સત્ય’ના અનુસંધાનમાં મનુષ્યોના પ્રયત્નોમાં વિજ્ઞાન અને ધર્મ આ બંને પ્રકારની વિદ્યાઓ (ઉપનિષદના શબ્દોમાં કહીએ તો ‘પરા’ અને ‘અપરા’ વિદ્યા) એક અવિભાજ્ય સાંકળ જેવી જ છે. સ્વામીજીએ એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ‘અંતર્જગત’ અને ‘બાહ્ય જગત’ જુદાં નથી અને દરેક સ્તરે આ સ્થૂલ જગત સૂક્ષ્મમાં પર્યવસિત થાય છે, અર્થાત્‌ વિજ્ઞાન દર્શનમાં પર્યવસિત થઈ જાય છે.

ભારતની ભૌતિક સમૃદ્ધિ વધારવા માટે સ્વામીજી વિજ્ઞાનની આવશ્યકતાને ખૂબ સારી રીતે સમજતા હતા આજથી ૧૨૫ વર્ષ પહેલાં પણ ભારતની જનતા માટે પીવાનું શુદ્ધ પાણી જરૂરી સમજતા અને તે માટે જાગરુક હતા! ભારતની ભૌતિક ઉન્નતિમાં એમને એટલો બધો રસ અને લગાવ હતા કે અમેરિકા જઈને એમણે સ્પષ્ટ રીતે, ‘અમને વિજ્ઞાન આપો અને અમારી પાસેથી આધ્યાત્મિકતા એના બદલામાં લો.’ – એમ કહી દીધું! સ્વામીજી અમેરિકામાં એથી ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો અને ટેક્‌નીકલ સંસ્થાઓની ખૂબ આતુરતાથી મુલાકાત લેતા. અને એવા ઉદ્યોગોની ભારતમાં સ્થાપના કરવા માટે ધનસંગ્રહનો પ્રયત્ન કરતા હતા. પોતાના ગરીબ દેશ માટે ઉદ્યોગ સ્થાપનાર્થે સમૃદ્ધ અમેરિકા પાસે ભીખ માગવામાં એમને નાનપ ન હતી! એમની પ્રારંભિક યોજના તો સર્વત્યાગી ધ્યેયનિષ્ઠ સંન્યાસીઓનો એક સ્કંધ ઊભો કરવાની હતી; કે જે પરંપરા પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાનની સાથોસાથ વિભિન્ન યંત્રોની સહાયતાથી લૌકિક અને આધુનિક વૈજ્ઞાનિક તાલીમનો પણ ઘેર ઘેર પ્રચાર – પ્રસાર કરે.

આ ઉપરાંત સ્વામીજી આ વાત પણ ખૂબ સારી રીતે સમજતા હતા કે ભૌતિક ઉન્નતિ થતાંવેંત એની સાથોસાથ જ જડવાદ – ભૌતિક મનોવૃત્તિ – પણ ફેલાવા લાગે જ છે. એટલા માટે એક તરફ સ્વામીજી એવું ચાહતા હતા કે ભારતની ભૌતિક પ્રગતિયે થાય, ભારતીય જનતાને ભોજન ઉપરાંત થોડો ભોગવિલાસ ભલે મળે પણ એની સાથોસાથ જ બીજી તરફ સામાજિક – રાજનૈતિક વિચારો કર્યા પહેલાં તેઓ ભારતને આધ્યાત્મિક વિચારોથી – ધર્મભાવનાથી તરબોળ કરી દેવા ચાહતા હતા.

એની પૂર્વ તૈયારીરૂપે જાણે કોઈ સંકેત હોય તેમ સ્વામીજી જ્યારે યાકોહામાથી યુ.એસ.એ.ની મુસાફરી ‘એમ્પ્રેસ ઓફ ઈન્ડિયા’ નામની સ્ટીમરમાં કરી રહ્યા હતા, ત્યારે શ્રી જે. એન. તાતા પણ એ જ સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સ્વામીજીના વ્યક્તિત્વથી એટલા બધા પ્રભાવિત થયા કે એક પત્રમાં તેમણે સ્વામીજીના પોતાની સાથેના આ મિલનને બુદ્ધના મિલન સાથે સરખાવ્યું હતું. વાતચીત દરમિયાન સ્વામીજીએ એમને સૂચવ્યું કે : ‘આપણે યંત્રો અને યંત્રના ભાગોને વિદોશોમાંથી શા માટે મંગાવવા જોઈએ? તમે ભારતમાં જ એવી ફેકટરી શા માટે ઊભી ન કરી શકો? એનાથી માલના ઉત્પાદનનો ખર્ચ ઘણો ઓછો થાય અને સારી સંખ્યામાં ભારતના લોકોને રોજીરોટી પણ મળી શકે?’ આ સાથે વધુમાં તેમણે એવું પણ પરોક્ષરૂપે સૂચવ્યું કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાનની સંસ્થા પણ ભારતમાં હોવી જ જોઈએ અને એ ભારતીયો દ્વારા જ સંચાલિત થતી હોવી જોઈએ. સર તાતાએ એકથી એક ભવ્ય સંસ્થા ઊભી કરવા મોટા દાનની ઘોષણા કરી. તેમણે એ વિશે એક સુંદર પત્ર સ્વામીજીને લખ્યો અને એમની પાસેથી પ્રેરણા મેળવ્યા બદલ એમનો આભાર માન્યો.

આગળ કહ્યા પ્રમાણે સ્વામીજી પશ્ચિમ ભૌતિકતાપ્રધાન સભ્યતાનું ભારતમાં અંધાનુકરણ થાય એ કોઈપણ ભોગે ઇચ્છતા ન જ હતા. એટલે આ માટે એની વિરુધ્ધ તેમણે વારંવાર ચેતવણી આપ્યા જ કરી છે. શરૂ શરૂમાં તો તેઓ પશ્ચિમના લોકોની – ખાસ કરીને અમેરિકાવાસીઓની ઊડીને – આંખે વળગે તેવી સંઘબદ્ધતાને જોઈને પહેલા અંજાઈ તો ગયા હતા. પરંતુ, પછી થોડાક જ દિવસોમાં તેમની અંતર્દૃષ્ટિએ જોઈ લીધું કે એ લોકો ભલે સાવ થોડા સમયમાં કોઈક સ્થાયી સંસ્થા ઊભી કરી શકે છે, અને ભારતના લોકો એવું ભલે કરી શકતા નથી પણ એમનાં કરેલાં આવાં સંગઠનો પાછળ સ્વાર્થ જ કેવળ હોય છે! સ્વામીજીએ એમનાં સંગઠનોના ભીતરના હેતુને તરત જ પારખી લીધાં! આવાં સંગઠનોમાં સ્વામીજીએ જોયું કે આ તો સ્વાર્થપરક ધૂર્ત એવો નીતિવિહોણો ગાડરિયો પ્રવાહ છે કે ફક્ત અન્યનું શોષણ કરવા જ સંગઠિત થયો છે! પછી સ્વામીજી બોલ્યા કે બહુ વખાણાયેલી પશ્ચિમની સભ્યતા તો મૂળે અધ્યાત્મિકતા વિહોણી અને પોતાના પાડોશી માનવના સંહારમાં જ નિપુણ છે.

એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સમાજના બહુમતી લોકો કાંઈ સત્યપ્રેમી અથવા સાચા અર્થમાં ધાર્મિક હોતા નથી. પ્રજાપતિના સુર અને અસુર એવાં બે જાતનાં સંતાનોમાં અસુરોની સંખ્યા જ વધારે હતી એવું ઉપનિષદોનું કહેવું છે : આ વાત તો ભારતને પણ લાગુ પડે છે. અહીં પણ ધાર્મિકો લઘુમતિમાં જ છે. બહુમતીના લોકો તો બધે કામ અને કાંચનના જ લોભી હોય છે. આમ છતાં ભારતની વિશેષતા એ છે કે અહીં આખા સમાજના જીવનનું કેન્દ્રબિન્દુ ‘અધ્યાત્મ’ છે આધ્યાત્મિક ભિત્તિ પર ભારતીયજનોનું જીવન આધારિત છે. ભારતના સમાજનું અને એની જીવનપદ્ધતિનું બંધારણ એવી રીતે થયું છે કે એ ભૌતિક સુખસમૃદ્ધિ માટે પ્રયત્ન કરવા છતાં પણ ધીરે ધીરે ગમે તે વ્યક્તિ પોતાના જીવનના આધ્યાત્મિક પરમ-ચરમ લક્ષ્ય તરફ વળાંક લીધા વગર કદાપિ રહી શકે જ નહિ.

આધુનિક પ્રૌદ્યોગિક પ્રગતિને પરિણામે ભૌતિક સુખસગવડોમાં ભારે વિકાસ થઈ ગયો છે. પણ એને લીધે ભારતની સંસ્કૃતિના આધ્યાત્મિક આધારને – એના ભીતરના પ્રવાહને – માટે પણ મોટો ખતરો ઊભો થયો છે! રોજબરોજના જીવનમાં આધ્યાત્મિક ભાવ નાખવા માટે આપણા દરેક કાર્યના ‘આધ્યાત્મિકીકરણ’ માટે એક નવી પ્રણાલી – નવી સાધના પદ્ધતિ – ની આવશ્યકતા ઊભી થઈ છે. સ્વામીજીએ આ કાર્યપ્રણાલીની આપણને ભેટ ધરી છે.’ એ ભેટ છે આ સંદેશ : ‘આપણા બધામાં દિવ્યતા અન્તર્નિહિત છે, એ દિવ્યતત્ત્વને પ્રગટ કરવું’ એ જ મોટું શિક્ષણ! દિવ્યતાની અભિવ્યક્તિ માટે મથામણ કરો. સૌ પહેલાં તો સ્વામીજીએ તરેહ તરેહની દાર્શનિક દલીલો અને વિચારમંથનની મદદથી ‘અંતિમ આધ્યાત્મિક સત્ય’ની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર પછી જ એને પામવાનો ઉપાય બતાવ્યો કે જેનાથી એની ઠીક અભિવ્યક્તિ થઈ શકે! ‘શિવભાવે જીવસેવા’ જ એ ઉપાય છે. એના દ્વારા જ માનવજીવનને આધ્યાત્મિક દિશા ચીંધી શકાય તેમ છે.

સિસ્ટર નિવેદિતાના શબ્દોમાં કહીએ તો ‘ખરેખર જ જો ‘એક’ અને ‘અનેક’ – બંને એક જ સત્ય હોય, તો ફક્ત ઉપાસનાના સર્વે માર્ગો જ નહિ, પરંતુ કર્મોના બધા જ પ્રકારો, સંઘર્ષના બધા માર્ગો, સર્જનના સર્વ માર્ગો પણ સામાન્યતયા સાચ જ છે અને તે બધા સત્યનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એટલે હવે આગળ ઉપર લૌકિક અને ધાર્મિક જેવો કોઈ ભેદ રહેતાં જ નથી. કર્મ કરવું એ ઉપાસના કર્યા બરાબર જ છે; વિજયપ્રાપ્તિ જ ત્યાગ છે; સમગ્ર જીવન જ ધર્મ છે. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરીને પોતાના અધિકારમાં રાખવી, એ તો ત્યાગ કર્યા પછી વળી એનાથી વિમુખ થઈ જવા જેવી કઠોર થાપણ છે! સ્વામી વિવેકાનંદ અનુસાર, ‘કારખાનું, અધ્યયન વર્ગ, ખેતર અને ખેલકૂદનું મેદાન – વગેરે બધાં ભગવાનના સાક્ષાત્કાર માટે એટલાં જ ઉત્તમ અને યોગ્ય સ્થાન છે જેટલાં કે સાધુની કુટિર કે મંદિરનું દ્વાર વગેરે છે! એવા લોકો માટે માનવસેવા અને ઈશ્વરપૂજા, પૌરુષ અને શ્રદ્ધા, સાચું નૈતિક બળ અને આધ્યાત્મિકતા વચ્ચે કશો જ ફરક હોતો નથી.’ એક વાર સ્વામીજીએ કહ્યું હતું : ‘કલા, વિજ્ઞાન અને ધર્મ – એ ત્રણેય એક જ સત્યની અભિવ્યક્તિનાં વિવિધ માધ્યમ છે પણ એને સમજવા માટે અવશ્ય જ અદ્વૈતનો સિદ્ધાંત જોઈએ.’

આ દૃષ્ટિ – આ સિદ્ધાંત જ આપણે આજે ખોઈ બેઠા છીએ, ‘મૂલ્ય’ શબ્દનો વાસ્તવિક જીવનલક્ષી, માનવીય ગુણલક્ષી સત્ય, અહિંસા, પ્રેમ વગેરે અર્થ ભૂલીને આપણે આજે એનો સસ્તો, ભૌતિક અને ખોટો અર્થ રૂપિયા – પૈસામાં કરવા બેઠા છીએ! પરિણામે અનેકાનેક પારિવારિક, સામાજિક, ધાર્મિક અને વૈયક્તિક સમસ્યાઓના ભોગ થઈ પડયા છીએ!

ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ સ્વામીજીએ આ ઉપરની રીતે ઉકેલ્યો છે. અને એ ઉકેલનાં વિવિધ પાસાં પણ આપણે ઉપર જોયાં છે, એનું શાસ્ત્ર પ્રામાણ્ય પણ દર્શાવ્યું છે. અને ભારતની સાંસ્કૃતિક વિશેષતા સાથે એનો સંવાદ પણ સાધ્યો છે. સ્વામીજીએ એ પણ બતાવ્યું છે કે કોઈપણ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની પેઠે ધર્મ પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ છે. એમણે વધુમાં કહ્યું કે આધુનિક ભૌતિક વિજ્ઞાન અને ભૌતિકવાદી જીવનપદ્ધતિ અપૂર્ણ જ છે, પૂર્ણતત્ત્વને એ પમાડી ન શકે! એટલા માટે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી – એ બંનેનો સમન્વય, ‘શ્રેય’ અને ‘પ્રેય’નો સમન્વય, ‘અભ્યુદય’ અને ‘નિ:શ્રેયસ્‌’નો સમન્વય જ માનવજાતિના કલ્યાણ માટે – મોટા પાયાના કલ્યાણ માટે – આવશ્યક છે. આ માટે એમણે એક વ્યાવહારિક યોજના પણ બતાવી છે કે જેથી બંનેનું સુખદ સામંજસ્ય સાધી શકાય. અને એ સામંજસ્ય ગંગા – યમુનાના સંગમ સ્થળે સ્પષ્ટ દેખાતા બંને પ્રવાહો જેવું જ વ્યક્તિત્વરક્ષી ભાતીગળ અને છતાં એકમેક સાથે સુમેળ સંવાદ સાધનારું હોય. સાતેય વિવિધ સૂરોના મધુરમિલનથી એવાં અખંડ સંગીત ભારતમાં ગુંજો. અને સ્વામી વિવેકાનંદની એ મહેચ્છા શ્રીઠાકુર પૂર્ણ કરે એવું આપણે ઇચ્છીએ. ‘પુરુષાર્થ કરે સૌએ, દા દેવો હરિહાથ છે.’

चरैवेति, चरैवेति
चरोति चरतो भग:।

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.