આર્યમાનસ પ્રશ્નનો ઉત્તર બહારથી મેળવવા માટે અત્યાર સુધી મથામણ કરી રહ્યું હતું. જે કંઈ મળ્યું તેને વિશે તેણે પ્રશ્ન કર્યો; સૂર્યને, ચંદ્રને અને તારાઓને પ્રશ્ન કર્યો; અને આ રીતે જે કંઈ મળી શકે તે તેણે મેળવ્યું. સમગ્ર પ્રકૃતિ વધારેમાં વધારે એમને એટલો ઉપદેશ આપી શકી કે સગુણ ઈશ્વર એ જ વિશ્વનો શાસક છે; આથી વધારે કંઈ કહી શકી નહિ. ટૂંકમાં બાહ્ય જગતમાંથી આપણને માત્ર શિલ્પીનો વિચાર મળે, જેને આપણે યોજનાનો સિદ્ધાંત કહીએ છીએ તે મળે. આપણે સૌ જાણીએ છીએ કે એ બહુ તર્કશુદ્ધ-દલીલ નથી; આમાં કંઈક બાલિશતા લાગે છે. પણ બાહ્ય જગતમાંથી ઈશ્વર વિશે તો એટલું જ આપણે જાણી શકીએ કે આ જગતને કોઈ સર્જકની જરૂર છે. પણ એટલાથી જગતનું સ્પષ્ટીકરણ થતું નથી. આ જગત માટેનાં ઉપાદાન તેની પાસે હતાં અને આ ઈશ્વરને એ બધાં ઉપાદાનોની જરૂર પડી; મોટામાં મોટો વાંધો આની સામે એ છે કે ઉપાદાનોથી તે મર્યાદિત બને છે. ઘર બાંધવાનાં સાધનો વિના તે બાંધનારો ઘર બાંધી શકે જ નહિ. તેથી એ સાધનો દ્વારા તે મર્યાદિત બન્યો; ઉપાદાનો જે કાંઈ કરવા દે તે જ એ કરી શકે. તેથી આ યોજના-સિદ્ધાંત પ્રમાણે કલ્પેલો ઈશ્વર વધારેમાં વધારે તો એક શિલ્પી જેવો છે. વળી એ પણ વિશ્વનો મર્યાદિત શિલ્પી છે; સાધનોથી એ બંધાયેલો છે અને મર્યાદિત છે; એ મુદ્દલ સ્વતંત્ર નથી. આટલું તો એ લોકોએ ક્યારનુંય શોધી કાઢ્યું હતું, અને બીજા લોકો આટલેથી સંતોષ માનત. બીજા દેશોમાં એમ જ બન્યું. પણ માનવ મન એટલેથી સંતોષ ન પામ્યું. વિચારશીલ સમજુ માણસો, આગળ જવા માગતા હતા, પણ પછાત માનસવાળાએ એમને પકડી રાખી તેમને આગળ વધવા દીધા નહિ. પણ સદ્ભાગ્યે આ ભારતીય ઋષિઓ દબાવી શકાય તેવા ન હતા; એમને નિરાકરણ જોઈતું હતું અને તેથી આપણે જોઈએ છીએ કે તેમણે બાહ્ય વસ્તુઓને છોડી દઈ પોતાની શોધને માટે અંત:કરણને પસંદ કર્યું…

આપણે જોઈએ છીએ કે આ પ્રાચીન આર્ય તત્ત્વચિંતકોએ નવા વિષયની શરૂઆત કરી હતી. એમને માલૂમ પડ્યું કે બાહ્ય જગતમાં ગમે તેવી શોધખોળ કરવાથી પોતાના પ્રશ્નનો ઉત્તર નહિ મળે. તેમણે જોયું કે બાહ્ય જગતમાં યુગો સુધી શોધખોળ કરવા છતાં તેમના પ્રશ્નનો ઉત્તર મળવાનો નથી. તેથી તેઓ આ બીજી રીત ભણી વળ્યા; અને આ બીજી રીત પ્રમાણે તેમને શિખવવામાં આવ્યું કે ઈંદ્રિયોની વાસનાઓ, અનુષ્ઠાનો અને બાહ્ય આચારો, એ બધાંએ એમની અને સત્યની વચ્ચે એક પડદો પાડ્યો છે. આ પડદો કોઈ અનુષ્ઠાનથી દૂર થઈ શકે એમ નથી. આથી એમને એમના મનનો જ આશ્રય લેવો પડ્યો, પોતામાં જ સત્ય શોધવા માટે મનનું પૃથક્કરણ કરવું પડ્યું; બાહ્ય જગત દ્વારા એમને સફળતા મળી નહિ તેથી તેઓ આંતરિક જગત ભણી વળ્યા; અને ત્યારે વેદાંતની સાચી ફિલસૂફીનો ઉદ્ભવ થયો. આ ભૂમિકાથી વેદાંતની ફિલસૂફી શરૂ થાય છે; વેદાંત ફિલસૂફીનો એ મૂળભૂત પાયો છે.

(સ્વા. વિ.ગ્રં.ભાગ -૧.૨૮૭,૨૮૯)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.