૧૯૬૧ની વાત છે. ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથિલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ-પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા. ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં સેંકડો વર્ષ પહેલાંની તોપો અને તોપગોળાના ચિહ્ન હજી સુધી જોવા મળે છે.

બેતવા નદીને કિનારે હવે ઓરછા એક સામાન્ય સાધારણ ગામ બની ગયું છે. પરંતુ આજથી ૩૦૦ વર્ષ પહેલાં એક સમૃદ્ધ નગર હતું. સને ૧૬૬૩માં મહારાજા ચંપતરાય અહીંથી ચાલ્યા ગયા. ત્યાર પછી આ નગર મોગલોને અધીન રહ્યું. આમ છતાં પણ એમના પુત્ર છત્રસાલ એક ઇતિહાસ પ્રસિદ્ધ વીર થઈ ગયા. તેઓ ઓરછાને પાછું ન લઈ શકયા.

ગુપ્તજીએ મહેલના એક કક્ષમાં બેસીને અમને બે કથા સંભળાવી. એ સાંભળીને મન કંપી ગયું અને આંખમાં આંસુ આવી ગયાં. પહેલી વાત તો કુંવર હરદૌલની અને મહારાજ ચંપતરાયની રાણી સારંધાની.

એમણે કહ્યું કે દ્વિજેન્દ્રલાલ રાય અને કર્નલ ટોડેએ સિસોદિયા અને રાઠોડોને ઇતિહાસમાં અમર કરી દીધા. આમ જોઈએ તો બુંદેલાની વીરતાની પણ કંઈ મણા ન હતી.

આ કથાની નાયિકા સારંધા બુંદેલ ખંડના એક સાધારણ જમીનદારની પુત્રી હતી. પોતાની સુંદરતા અને સાહસ માટે દૂર સુદૂર સુધી પ્રસિદ્ધ બની હતી. એ દિવસોમાં બુંદેલ ખંડમાં મોગલ અને પઠાણોનાં આક્રમણ વારંવાર થતાં રહેતાં. એટલે સ્ત્રીઓ પણ શસ્ત્ર સંચાલન કરવાનું જાણતી.

ઓરછા નરેશ મહારાજ ચંપતરાયે સારંધાનાં સૌંદર્ય અને શૌર્ય વિશે સાંભળ્યું હતું. સારંધાના મોટાભાઈ ઠાકુર અનિરુદ્ધસિંહની પાસે સારંધાના વિવાહનો સંદેશ મોકલ્યો.

ઠાકુરના આનંદનો પાર ન રહ્યો. કયાં આટલા મોટા રાજ્યના અધિપતિ અને કયાં તેઓ એક નાના જાગીરદાર! આમ છતાં પણ એમણે કહેણ મોકલ્યું કે મહારાજને ચાર રાણીઓ તો પહેલેથી જ છે અને જો મારી બહેનને પટરાણી બનાવે તો તેનો પુત્ર જ રાજ્યનો અધિકારી બને તો અમને આ સંબંધ મંજૂર છે.

ઘણી ધામધૂમ સાથે લગ્ન પૂરાં થયાં. સારંધા પટરાણી બનીને ઓરછામાં રહેવા લાગી. એને ચાર પુત્ર થયા. એમાંથી એક પરમ પ્રતાપી છત્રસાર હતા. ચંપતરાય શાહજહાંના દરબારમાં મોટા સુબા હતા. ઓરછા ઉપરાંત કાલપી પણ એમની જાગીરમાં હતી. જ્યારે ઔરંગઝેબ રાજા બન્યા ત્યારે એમનો દરજ્જો વધારવામાં આવ્યો. તેમને બાર હજારી સુબા બનાવી દીધા. એ સમયે હિન્દુ રાજાઓમાં જયપુરના મિરઝા રાજા જયસિંહ સિવાય આટલું મોટું સન્માન બીજા કોઈને મળ્યું ન હતું.

રાણી સારંધા અને પુત્રો સાથે ચંપતરાય વચ્ચે વચ્ચે દિલ્હીમાં પણ રહેતા. એમની પાસે એક ઈરાકી ઘોડો હતો. એની જોડ આખી મોગલ સલ્તનતમાં કયાંય ન હતી. કોઈ એક સમયે આ ઘોડો શાહજહાંના સેનાપતિ વલીબહાદુરની માલિકીનો હતો. એ ઘોડાને ચંપતરાય યુદ્ધમાં જીતીને પોતાના તબેલામાં લાવ્યા હતા. હવે આ વલીબહાદુર ઓરંગઝેબનો સરસેનાપતિ બની ગયો. પોતાનો ઘોડો પાછો લેવાના અવસરની રાહ જોતો હતો. એક દિવસ કુંવર છત્રશાહ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યો હતો. એ વખતે વલીબહાદુરના સિપાઈઓએ તેની પાસેથી ઘોડો આંચકી લીધો.

છત્રશાહની ઉંમર એ વખતે ૧૪ વર્ષની હતી. રાણીને ઘરે આવીને બધી વાત કરી. એના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. એ સમયે ચંપતરાય કોઈ યુદ્ધમાં ગયા હતા. દિલ્હીમાં રાણી એકલી હતી. એણે પોતાના ૨૫ વિશ્વાસુ સિપાઈઓને સાથે લીધા અને બાદશાહના દરબારમાં જઈને વલીબહાદુરને પડકાર્યો.

‘ખાઁ સાહેબ, એક બાળક પર હાથ ઉપાડતાં આપને શરમ ન આવી? જો તમે મર્દ હતા તો પછી ઘોડાને લડાઈમાં કેમ છોડી આવ્યા હતા!’

બાદશાહ અને બીજા દરબારીઓએ જોયું કે એક અત્યંત તેજસ્વી અને રૂપવતી મહિલા તલવાર હાથમાં લઈને ખાઁ સાહેબને પડકારતી હતી.

બાદશાહ ઓરંગઝેબ પોતાના મુસ્લિમ સેનાપતિનું ભર્યાં દરબારમાં અપમાન થતું જોઈને ક્રોધમાં રાતોપીળો થઈ ગયો. પણ એ ઘણો કૂટનીતિવાળો હતો. રાજા ચંપતરાયની વીરતા અને એના સાહસને એ બરાબર ઓળખતો હતો. એટલે એણે રાણીની તરફદારી કરીને કહ્યું : ‘રાણી સાહેબા! આપની બહાદુરીથી અમે ખૂબ ખુશ છીએ. પરંતુ એક ઘોડા માટે સલ્તનતના સરસેનાપતિને આવી રીતે નારાજ કરવો કે એનું અપમાન કરવું એ આપના માટે અને રાજા સાહેબ માટે પણ સારું ન કહેવાય.’

આ સાંભળીને સારંધાએ મક્કમ અવાજે કહ્યું : ‘બાદશાહ સલામત, અહીં પ્રશ્ન ઘોડાનો નથી. પણ અમારી આનબાનનો છે. અમે બુંદેલા પોતાની ઈજ્જત અને પોતાનું માન જાળવવા બધું છોડવા તૈયાર હોઈએ છીએ.’

એ સાંભળીને ઓરંગઝેબે કહ્યું: ‘રાણી સાહેબ, જો આપના મહારાજા અહીં હોત તો અમારી હાજરીમાં કદાચ આવા શબ્દો કહેવાની હિંમત ન કરત. ખૈર! આપ સૌ તમારા મુકામે જાઓ. ઘોડો આપને મળી જશે. પણ એની મોટી કિંમત ચૂકવવી પડશે.

જ્યારે રાજા ચંપતરાય દિલ્હી આવ્યા અને બધી વાતો સાંભળી ત્યારે એને ઘણી ચિંતા થઈ અને આમ છતાં અંત સુધી રાણી અને કુંવરને જ સાથ દીધો. પરિણામે એની સુબાગીરી અને જાગીર ઓરંગઝેબે છીનવી લીધી. તેઓ ઓરછામાં આવી રહેવા લાગ્યા.

વલીબહાદુર ભર્યાં દરબારમાં થયેલું પોતાનું અપમાન ભૂલ્યો ન હતો. થોડા દિવસો પછી એણે એક મોટી ફોજ લઈને ઓરછાને ચારે બાજુથી ઘેરી લીધું. એની ફોજમાં દેશદ્રોહી અને ધર્મદ્રોહી એવા કેટલાક રજપૂતો પણ હતા.

આમ છતાં પણ બુંદેલાઓ ઘણી બહાદુરીપૂર્વક લડયા. બાદશાહની આવડી ફોજ સામે એમની શી 

હસ્તી? ધીરે ધીરે બધા સિપાઈ માર્યા ગયા. કિલ્લામાં કેવળ સ્ત્રીઓ અને બાળકો જ હતાં.

રાજાએ પણ ઘાયલ થઈને ખાટલો પકડયો હતો. રાણી રાતદિવસ પતિની સેવામાં રહેતી. એમને વારંવાર અપશુકન થવા લાગ્યાં. હવે એને એવું સ્પષ્ટપણે લાગ્યું કે આ કિલ્લાને બચાવવો મુશ્કેલ છે.મનમાં વિચાર કર્યો કે બને તો આપણે પોતે ગમે તેમ કરીને અહીંથી બહાર નીકળીને દૂર કોઈ જગ્યાએ ચાલ્યા જઈએ. કદાચ એમ કરવાથી બીજા લોકોનો જીવ તો બચી જાય!

માત્ર દસ સિપાઈઓ સાથે રાજા અને રાણી અંધારી રાતે કિલ્લાના ગુપ્ત દરવાજેથી બહાર નીકળ્યાં. રાણી ઘોડા પર હતી અને બીમાર રાજા પાલખીમાં હતા. બીજા દિવસે મોગલ સિપાઈઓએ એમને ઘેરી લીધા. દસ સિપાઈ વીરતાપૂર્વક લડતાં લડતાં મૃત્યુ પામ્યા. રાણી પણ સારી હિંમત અને બહાદુરીપૂર્વક લડી, પરંતુ આટલી મોટી ફોજ સામે એ બીચારી કરે ય શું? પૂરેપૂરી ઘાયલ થઈ ગઈ. પોતાના ઘાવને બચાવીને જલદીથી મહારાજની પાલખી પાસે આવીને કહેવા લાગી: ‘મહારાજ! અંતિમ વિદાય લેવા આવી છું. ભૂલચૂક માફ કરો. આપનાં ચરણોની સેવા કરવા ત્યાં સ્વર્ગમાં રાહ જોઈશ.’

મહારાજાએ કહ્યું : ‘હે રાણી! વીસ વર્ષથી તું સુખ દુ:ખની મારી સાથી હતી. આજે મને આ દુશ્મનોના હાથમાં આવી બીમારીની પરિસ્થિતિમાં મને છોડીને જતાં તમને કંઈ દુ:ખ ચિંતા થતાં નથી? શું તમે મને ઉંમરભર મોગલોના કેદખાનામાં છોડીને ચાલ્યા જશો?’

એ સાંભળીને સારંધાએ કહ્યું : ‘મહારાજ! કાલ સુધી તો હું ઓરછા રાજ્યની રાણી હતી. પણ આજે દરેક રીતે હું અસહાય છું. આમ છતાં આપ મને જે આજ્ઞા આપશો એને હું શિરોમાન્ય ગણીશ.’

મહારાજાએ કહ્યું : ‘સારંધા! તમે હંમેશા મારી વાત માની છે. આજે હું બીમાર છું, અસહાય છું, આમ છતાં પણ મને એટલો વિશ્વાસ છે કે મારી અંતિમ વાતને તમે કાને ધરશો. મારું મન કહે છે કે તમારો વીર પુત્ર જીવંત છે. તે દુશ્મનોનો બદલો અવશ્ય લેશે. તમે એક કામ કરો કે તમારી આ તલવાર પહેલાં મારી છાતીમાં ભોંકી દો અને પછી તમારી છાતીમાં ભોંકી દેજો.’

રાણીએ રડતાં રડતાં કહ્યું : ‘મહારાજ! આપ આ કેવી આજ્ઞા આપો છો. શું આજ સુધી આવું બન્યું છે ખરું? શું તમે મને કાયમને માટે પતિહન્તા બનાવવા ઇચ્છો છો?’

રાજાએ કહ્યું : ‘રાણી, આ સમય વ્યક્તિગત બાબતોનો નથી. તમે મને વચન આપ્યું છે અને તમારે પૂરું કરવું જોઈએ.’ બાદશાહના સિપાઈઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં બે લોહી નીતરતી લાશ જોઈ. રાણીનું માથું પતિની છાતી પર હતું.

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.