વૃદ્ધત્વનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્ય આંકવું જોઈએ. ખૂબ ધ્યાનપાત્ર વાત એ છે કે સ્વામીજી પોતે એક ભક્તિવાદીના પ્રિયશિષ્ય હોવા છતાં ભાગ્યે જ ભાવાવેશના પ્રવાહમાં તણાતા જણાય છે. રહસ્યાનુભૂતિઓમાં ખૂબ સાવધાન રહેવાનું તેઓ કહે છે: ‘ગૂઢ વિદ્યાઓ અને રહસ્યવાદમાં મહાન સત્યો રહેલાં હોવા છતાં એણે આપણો લગભગ નાશ કરી નાખ્યો છે. આપણે બહુ લાંબું રડયા, હવે પુરુષનું નિર્માણ કરનારા ધર્મની આપણને જરૂર છે. તમને નિર્બળ બનાવતી વસ્તુઓને ઝેર જેવી ગણીને ફેંકી દો. સત્ય બળવાન છે. નિર્બળ બનાવતા રહસ્યવાદને ફેંકી દો.’

રામકૃષ્ણના તેઓ સન્નિષ્ઠ શ્રદ્ધાળુ હતા. પણ ગૂઢ દૃષ્ટાઓમાં રામકૃષ્ણ કેટલા હશે? સરળ ઉપદેશ કરતા રામકૃષ્ણમાં કોઈ સંપ્રદાય – સંઘ ઊભો કરવાની ખેવના ન હતી. જો એમનામાં એવું કંઈક ભાળ્યું હોત તો સ્વામીજી એમના તરફ ખેંચાયા હોત જ નહિ. એમને તો સત્યનો મુક્ત ઉપદેશ જ ઈષ્ટ હતો. ખાનગી પ્રચારલક્ષી સોસાયટી – સંપ્રદાયોની ખેંચાખેંચી સ્વામીજીને ક્રોધિત કરી મૂકતી. ધાર્મિક સત્યો મૂઠીભર લોકોનો ઈજારો નથી. એ તો ભારતીય પરંપરાની વિરોધી વાત છે. ભારતભૂમિ પર કદી એવું ઉપદેશાયું નથી કે ધર્મમાં ગૂઢ રહસ્યો છે અને એ હિમાલયની ગુફાઓમાં ખાનગી સંસ્થાઓની જ સંપત્તિ છે! સ્વામીજી ચૌદ વરસ સુધી હિમાલય અને ભારતમાં પ્રવાસ કરતા રહેલા એક સંન્યાસી હતા. છતાં એમણે કયાંય આવી ગુપ્ત સંસ્થાઓ જોઈ નથી એમ સ્વમુખે તેમણે કહ્યું છે.

તર્ક પરનો તેમનો અખૂટ વિશ્વાસ કોઈ પણ વહેમ  તરફ અણગમો જન્માવતો. ખરેખર તેમનો વૈજ્ઞાનિક ખ્યાલ શિશુસહજ ઉત્સાહથી ભરપૂર હતો. કેમેરા, ઉષ્ણતા વિતરણ, યંત્ર ચક્રો, આંખનાં સ્નાયુઓનું કાર્ય – વગેરેની પ્રક્રિયાઓમાંથી તેમણે પોતાની અનેક ઉપમાઓ લીધી હતી. વેદાંતદર્શન વિશે બોલતાં ઘણીવાર તેઓ ભૌતિક વિજ્ઞાનની કોઈપણ શાખામાં કૂદી પડતા. અને એનાં રૂપકોથી અદ્વૈત વેદાંત સમજાવતા. વૈજ્ઞાનિકો સાથેનો પરિસંવાદ તેઓ છોડતા જ નહિ. એકવાર કોલકાતાના પ્રાણી સંગ્રહાલયમાં ટહેલતાં, તેઓ ત્યાંના પરિરક્ષકને મળ્યા. તેમની સાથે ઉત્ક્રાંતિના પ્રાચીન – અર્વાચીન સિદ્ધાંતોની ચર્ચા કરી. અમેરિકામાં પણ વિલિયમ થોમ્પ્સન અને એવા અન્યોને મળીને ભૌતિકશાસ્ત્રની છેલ્લામાં છેલ્લી પ્રક્રિયાઓ તેમણે સાંભળી. તેમના ધર્મસંબંધી વિચારો ભૌતિક – વૈજ્ઞાનિક ખ્યાલોથી રસાયેલા જણાય છે. કોઈવાર તેમણે ધર્મને પણ વિજ્ઞાન જ ગણ્યો છે. નૈતિક – આધ્યાત્મિક સત્યો સાથે વ્યવહાર કરતું વિજ્ઞાન જ તેમને મતે ધર્મ છે. પ્રાકૃતિક વિજ્ઞાન બહારનું અને ધર્મવિજ્ઞાન ભીતરનું નિયમાન્વેષણ કરે છે. અને એ બન્ને એકતા માટે પ્રયત્નશીલ છે. બંને મુક્તિની ખોજ કરે છે પણ બંનેની દિશાઓ જુદી જુદી છે. એક માનવની મુક્તિ અને બીજું સમસ્ત જાતિની મુક્તિ ઝંખે છે.

વિવેકાનંદના આ ચિન્તન પાસાનો ન થવો જોઈએ તેટલો અતિરેક થયેલો જોવા મળે છે. કોઈ પણ રીતે વહેમને સ્વીકારવાની વિવેકાનંદ સ્પષ્ટ રીતે ના જ પાડે છે; એ તો ખરું, પણ સાથો સાથ વિજ્ઞાનની તેમની અભિરુચિ ગૌણ હતી તે ધ્યાનાર્હ છે. એ પોતે મૂળ તો ધર્મના જ માણસ હતા. તેમનો અભિગમ આધ્યાત્મિક સત્યોના અન્વેષણ પ્રત્યે જ હતો. તેમને એવું લાગ્યું હતું કે પ્રાકૃતિક પરિબળોને ઉદ્ઘાટિત કરીને તેના પર અમુક પ્રમાણમાં પ્રભુત્વ મેળવવાની શક્તિ પશ્ચિમ પાસે છે. અને ભારત પાસે અધ્યાત્મનાં સત્યો પ્રકટ કરવાની શક્તિ અને કર્તવ્ય છે. આ ફરક સામાન્ય ભાષાપ્રયોગમાં પણ દેખા દે છે. દા.ત. મૃત્યુ વિશે ભારતવાસી કહેશે કે ‘તેણે દેહ છોડી દીધો.’ પણ પશ્ચિમવાસી કહેશે: ‘એણે પોતાના પ્રેતને તજી દીધું.’ ભારતીય વિચાર મુજબ ‘આત્માએ દેહ છોડયો’ એમ કહેવાય પણ યુરોપીય વિચાર મુજબ ‘શરીરે આત્મા છોડયો’ એમ કહેવું પ્રાપ્ત થાય છે.

ઓગણીસમી સદીના અંતભાગે ઘણા શુદ્ધ દેશભક્તો એમ માનતા કે ધર્મ હવે સામાજિક પ્રગતિનો પૂર્ણવાહક રહ્યો નથી. એટલે હવે ભારતીય સંસ્કૃતિને  નવો વળાંક આપવાની જરૂર છે. આ વાત સાથે વિવેકાનંદ સહમત થયા નહિ અને પાછળથી મહાત્મા ગાંધી પણ આ સાથે લેશમાત્ર સહમત ન થયા! આ બંને મહાપુરુષોએ વિચાર્યું કે ધર્મ તો ભારતના પ્રારબ્ધ સાથે જડાયેલો જ છે. સ્વામીજીએ કહ્યું: ‘સારા માટે કે નરસા માટે, પણ ભારતમાં હજારો વર્ષોથી ધાર્મિક આદર્શ પ્રવાહિત રહ્યા કર્યો છે. ભારતના સમસ્ત વાતાવરણમાં જાણે કે તાણાવાણાની પેઠે ગુંથાઈ રહ્યો છે. ભારતીય રક્તના બિન્દુએ બિન્દુમાં અનુસ્યૂત થઈને રહ્યો છે; ભારતના પ્રાકૃતિક બંધારણ સાથે એકાકાર થઈ ગયો છે; ભારતીય જીવનની પ્રાણશક્તિ બની રહ્યો છે. પ્રતિક્રિયા રૂપે એટલી જ શક્તિ જગાડયા વિના શું તમે એને છોડી શકશો? તમે શું એવું ઇચ્છો છો કે ગંગા પોતાની હિમશય્યામાં પાછી ફરી જાય અને નવો પ્રવાહ અંક્તિ કરવા માંડે?’ … ‘ધર્મનું પશ્ચિમી અર્થઘટન આર્થિક – રાજકીય મૂલ્ય સંદર્ભે જ થતું રહ્યું છે પણ ભારતનો ધર્મ સંબંધી ખ્યાલ તો પૂર્વવત્ સમગ્ર જીવનલક્ષી જ રહ્યો છે. આજે ય ભારતીય માનસ ધર્મના માધ્યમ વગરના જીવનનું આકલન કરી શકતું નથી. અંગ્રેજ ધર્મને રાજનીતિ દ્વારા સમજે છે, અમેરિકન તેને સામાજિક પરિવર્તન દ્વારા સમજે છે, પણ આપણે ભારતીય તો રાજનીતિ અને સમાજ પરિવર્તનને ધર્મ દ્વારા જ સમજી શકીશું. ધર્મ જ આપણી મુખ્ય સૂરાવલિ છે. બાકી તો બધાં એનાં જ અવનવાં રૂપો છે.’ સ્વામીજીને લાગ્યું કે ધર્મને અનાવશ્યક બાહ્ય ઉપચારો અને ક્રિયાકાંડોમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા યોગ્ય જ છે. પણ ધાર્મિક આદર્શને સર્વોચ્ચ ગણવાની પ્રાચીન પરંપરાનો ત્યાગ કરવો ભારતને પોસાય તેમ નથી જ!

અને આ જ કારણથી સ્વામીજીએ પોતે શાંકરદર્શનના ચુસ્ત અનુયાયી હોવા છતાં ભારતીય જીવનમાં ઈશ્વરવાદી ધર્મના મૂલ્યની પૂરેપૂરી કદર કરી. દર્શનનાં સર્વોચ્ચ સત્યોને સમગ્ર જનસમૂહ સુધી પહોંચાડવાની પહેલ કરનાર રામાનુજાચાર્યને તેમણે બિરદાવ્યા. રામાનુજે સૌ માટે અધ્યાત્મના દરવાજા ખોલી નાખ્યા! આજે ય ધર્મ સંસ્થાપનનું એ માર્ગદર્શક સૂત્ર છે.

શંકરનો નિર્ગુણ નિરપેક્ષવાદ, રામાનુજ અને તેમના શિષ્યોનો ભક્તિમાર્ગ અને બૌદ્ધધર્મનો માનવતાવાદ – આ ત્રણેયે એક બીજામાં ઓતપ્રોત થઈને એક ધાર્મિક પરંપરા ઉત્પન્ન કરી, એમ સ્વામીજી માનતા. તેમણે બુદ્ધને ‘હૃદય અને મસ્તિષ્કના અનન્ય સર્વોચ્ચ સમન્વયરૂપ તથા મહાન આત્મશક્તિની અભિવ્યક્તિ કરનાર વિરલ વિભૂતિ’ ગણ્યા છે. લાંબા કાળથી હિન્દુ અને બૌદ્ધધર્મ વચ્ચે પડેલી તિરાડ માટે બંને ધર્મોને જવાબદાર તેઓ માને છે. હિન્દુ ધર્મે ચુસ્ત રૂઢિવાદી બનીને બૌદ્ધ ધર્મનું કેવળ નિષેધક પાસું જ ઉપસાવ્યું હતું. તો વળી બૌદ્ધો બુદ્ધોપદેશનો મર્મ જ સમજ્યા નહિ!

આમ છતાં બંને ધર્મો પરસ્પર ઘણા નજીક રહ્યા છે. બૌદ્ધ કલા – દર્શન – સાહિત્ય અને ધર્મે ભારપૂર્વક રજૂ કરેલાં કેટલાંક મૂલ્યોનું ભારતીય સંસ્કૃતિમાં સ્થાયી સ્થાન છે. પોતાનાં અમેરિકાનાં પ્રવચનો પૈકીના એકમાં સ્વામીજીએ હિન્દુ અને બૌદ્ધ ધર્મના સંબંધને યહૂદી અને ખ્ર્રિસ્તી ધર્મના સંબંધ જેવો ગણાવ્યો છે. બુદ્ધ કશું નવું શીખવવા નહિ પણ પુરવણી કરવા, તોડવા ફોડવા નહિ પણ સમારકામ કરવા આવ્યા હતા, પણ એના અનુયાયીઓ જ એમના સંદેશનો મર્મ ન પારખી શકયા!

બુદ્ધની મૌલિક રીતે કરેલી રજૂઆત સ્વામીજીએ સ્વીકારી જ છે એટલે એ રીતે તેઓ નવીન હોવા છતાં હિન્દુ ધર્મમાં ન હોય એવું કશું પ્રદાન કરવાનું એમની પાસે ન હતું. બુદ્ધ તો હિન્દુ ધર્મનું સાતત્ય દર્શાવવા આવ્યા હતા, એ બુદ્ધ ધર્મનું વિશિષ્ટ મૂલ્ય છે. બંને ધર્મો પરાવલંબી જ છે, એક વિના બીજો ટકી જ ન શકે, બૌદ્ધ અને બ્રાહ્મણનું વિભાજન ભારતના અધ:પતનનું કારણ છે – આવું માનીને સ્વામીજી બંનેનો સમન્વય કરવાની હાકલ કરે છે.

માણસને સત્ તત્ત્વની અપૂર્ત કલ્પનાઓ દ્વારા નહિ જ પણ પ્રેમને તાંતણે બાંધી – સાંકળી શકાય છે. બૌદ્ધો અને વૈષ્ણવોએ વેદાંતની કઠોર તાત્ત્વિકતાને ભાવાત્મક- પ્રેમાત્મક સ્પર્શથી કૂણી બનાવી એમ સ્વામીજી માને છે અને એ માટે એ બંને ધર્મોની પ્રશંસા કરે છે.

પ્રેમનો-હૃદયનો મહિમા ગાતાં તેઓ થાકતા નથી. તેઓ કહે છે ‘અતિ સૂક્ષ્મ પરમાણુથી માંડીને સર્વોચ્ચ આદર્શ સુધીનું સમસ્ત વિશ્વ પ્રેમની જ અભિવ્યક્તિ છે. પ્રેમ જ સર્વ વિશ્વનું સંચાલક બળ છે. પ્રેમશક્તિથી જ ઈશુ માનવજાત માટે જીવન સમર્પિત કરવા તૈયાર થયા હતા. પ્રેમ વિના તો જગતના એક ક્ષણમાં ટુકડા થઈ 

જાય! પ્રેમ જ સ્વયં ‘ઈશ્વર’ છે. પ્રેમ જ ‘ઈશ્વર’ છે.

અહીં કોઈને પ્રશ્ન થાય કે માનવ જાતને એક જ ધાર્મિક આદર્શ સાથે જોડવા માટે જો એકલો પ્રેમ જ સમર્થ હોય તો પછી ઈશ્વરનો વિચાર છોડી શા માટે ન દેવો? એના જવાબમાં સ્વામીજી પોતાનો સાહસિક નિર્ણયાત્મક અભિગમ દાખવતાં કહે છે: ‘ઈશ્વરની વિભાવનામાં ભાવ જગાડવાની મહાન શક્તિ છે!!… ‘મને ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે તમે શા માટે જૂના – પુરાણા ‘ઈશ્વર’ શબ્દનો પ્રયોગ કરો છો? તો એનું કારણ એ છે કે આપણા લક્ષ્યને માટે એ જ એકમાત્ર ઉત્તમ શબ્દ છે. માનવજાતિની બધી આશા-આકાંક્ષાઓ અને સંતોષ આ જ શબ્દમાં કેન્દ્રિત થયેલ છે, એને હવે બદલવો શકય નથી. આપણું બધું મહાન – મંગલ – પવિત્ર એની સાથે જ જોડાયેલું છે. જો ઈશ્વર ખાલી સર્વોચ્ચ સત્તા અને નિરપેક્ષ શક્તિનું જ પ્રતીક હોત તો તો કંઈ આમ હજારો વર્ષોથી માનવ કલ્પનામાં એનો પ્રભાવ ચાલુ ન રહ્યો હોત! તો તો માનવના ભુલાતા જ્ઞાન અને વધતા પ્રકૃતિ પ્રભુત્વ સાથે ‘ઈશ્વર’ શબ્દ પણ ભુલાઈ ગયો હોત! પણ ઈશ્વર વિચાર આજેય પ્રેમભાવ જગાડી રહ્યો છે – પ્રેમસંબંધ જગાડી રહ્યો છે! એની અવિનાશી શક્તિનું આ પ્રમાણ છે.

આ પ્રેમ લાગણીવેડા નથી. સ્વામીજી કહે છે કે બૌદ્ધિક સૂચન કરતાં હૃદયનું સૂચન ઉચ્ચતર હોઈ શકે. આવું સ્વીકાર્યા છતાં તેમનું સામાન્ય વલણ બુદ્ધિજીવીનું છે. વળી અંતરાત્માનો અવાજ તો સબળ – નિર્બળ બંને હોઈ શકે. એ તો ભીતરના ધર્મ અને ભક્તિના પ્રમાણ (કક્ષા) પર આધારિત છે. ‘ભક્તિ આપણને આપણી જ ભાવુકતાથી ઉન્મત્ત – પાગલ મન્દાગ્નિવાળાઓનો દેશ ન બનાવી મૂકે તે જોવું જોઈએ.’ પંજાબ જેવા ઉગ્ર પ્રકૃતિના પ્રદેશમાં ભક્તિની સૌમ્ય અસર પડી શકે. એટલે સ્વામીજીએ પંજાબમાં ભાવપ્રધાન ગીતો અને બંગાળમાં શૌર્ય – પૌરુષનો પયગામ આપ્યો હતો.

પ્રેમને લાગણીવેડાથી જુદો પાડવા માટે એને બહારના કર્મકાંડો અને રૂઢિઓથી છોડાવવાની ખાસ જરૂર છે. કર્મકાંડના આડંબરો જો કે અલ્પજીવી હોય છે  એટલે રૂઢિજન્ય નુકસાનથી એનું કરેલું નુકસાન ઓછું હોય છે. રૂઢિઓ – રિવાજો પણ સમાજની પ્રાણશક્તિ હણનારાં છે. એટલે સ્વામીજીએ ચેતવણી આપી હતી કે રૂઢિઓ – રીતરિવાજો પર ચણાયેલો ધર્મ તો ધર્મ વેચતી એક દુકાન જ છે! એમાં ઈશ્વર સાધ્યને બદલે સાધન બની જાય છે. કર્મકાંડ પર આધારિત ધર્મ ઉપર પણ તેમણે ઘણા આકરા પ્રહારો કર્યા. અને એમાં રહેલા ગુરુ-શિષ્ય સંબંધની વિકૃતિ વિશે પણ તેમણે ઘણું કહ્યું છે. એમણે એવા ગુરુવાદને ‘દેશનો ધીખતો ધંધો’ કહીને વગોવ્યો, અંધવિશ્વાસની હાંસી ઉડાવી. આવી બાબતોમાં તેમનામાં કયાંક કયાંક કબીરનું આખાબોલાપણું તરી આવે છે.

સ્વામી વિવેકાનંદનું દર્શન ‘કર્મયોગ’નો સંદેશ આપે છે. તે મનુષ્યને કર્તા તરીકે સંબોધે છે – માત્ર જ્ઞાતા કે ચિંતક તરીકે નહિ. વિવેકાનંદે પસંદ કરેલો વિશિષ્ટ જ્ઞાનમાર્ગ – પરંપરાથી વિશિષ્ટ જ્ઞાનમાર્ગ એનો રહસ્યસ્ફોટ કરી શકે છે. તેમણે જ્ઞાન – ભક્તિ – કર્મને કયારેય અલગ માર્ગે દોરી જતા અલગ માર્ગો તરીકે જોયા જ નથી; પણ પૂર્ણતા તરફ દોરી જનાર એક રાજમાર્ગના પેટા વિભાગો તરીકે જ જોયા છે. આ માટે તેમનું ‘અવેકન્ડ ઈન્ડિયા’ (પ્રબુદ્ધ ભારત) નામનું તેમનું કાવ્ય વાંચી જવા યોગ્ય છે. તેમાં તેમણે આ ભાવોને પ્રશંસનીય રીતે આલેખ્યા છે.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.