અવતાર તરીકે શ્રીરામકૃષ્ણ

અવતારનાં અનેક ચિહ્નો છે. શાસ્ત્રોક્ત ચિહ્નનો ઉલ્લેખ શ્રીકૃષ્ણે ગીતામાં કર્યો છે; ધર્મની જ્યારે ગ્લાનિ થાય અને અધર્મ પ્રવર્તે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે છે. તેઓ સાધુ પુરુષોનું રક્ષણ કરે છે અને દુષ્ટોને દંડે છે.

અવતારની બીજી નિશાનીઓ પણ છે; એનામાં પ્રાણીમાત્ર પ્રત્યે દયા હોય છે; એ પાપીઓનો ઉદ્ધાર કરે છે; એ વિનાશ માટે નહીં; પૂર્ણ કરવા માટે આવે છે; એનામાં અલૌકિક શક્તિઓ હોય છે; તેઓ શુચિતાની અને ત્યાગની મૂર્તિ હોય છે; તેઓ તદ્દન નિ:સ્વાર્થ હોય છે અને પોતાના ભક્તોનાં કુકર્મોનો નાશ કરે છે; ધર્મનો તેઓ નવો પંથ સ્થાપે છે. વિશેષે તો, ઈશ્વર મનુષ્યરૂપે અવતરે છે ત્યારે, તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે.

શ્રીરામકૃષ્ણના જીવનનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે, એમની દિવ્યલીલાના ત્રણ ભાગ જોવા મળે છે; પહેલો તબક્કો: ગયાવિષ્ણુ લાહાનાં મા નાના ગદાધરને ખૂબ ચાહતાં હતાં એમ સુરેશચંદ્ર દત્તે લખ્યું છે. જ્યારે પણ એ ખાસ વાનગી રાંધે તો, પહેલાં એ ગદાધરને ચખાડે. એ કહેતાં કે: ‘ગદાઈ, એમ લાગે છે કે તું મનુષ્ય નથી; તું ભગવાન છે.’ શ્રીરામકૃષ્ણ નાના હતા ત્યારે એમની દિવ્યતાને પ્રસન્ન લાહાએ પણ પિછાણી હતી. વધારામાં, કામારપુકુરના એક વૃદ્ધ દુકાનદારે પણ ઠાકુરનો દેવતાઈ ભાવ જોયો હતો અને, એમણે જાણ્યું હતું કે તેઓ મનુષ્ય ન હતા પણ, પોતાની દિવ્ય લીલા પ્રગટ કરવા પૃથ્વી પર પધાર્યા હતા. એક દિવસે એ મીઠાઈની ટોપલી લઈને ગયા અને, એક ખેતરમાં એમણે ગદાઈને એ ધરી. લાગણીથી ગળગળા થઈ જઈ, એ વૃદ્ધ દુકાનદાર બોલ્યા: ‘ગદાઈ, હું ખૂબ ઘરડો થયો છું અને ભવિષ્યની તારી દિવ્ય લીલા હું જોઈ નહીં શકું.’

દક્ષિણેશ્વરમાં એક દિવસે શ્રીરામકૃષ્ણે મ.ને કહ્યું કે: ‘લોકોને પ્રેમ અને જ્ઞાનનો બોધ દેવા માટે, ઈશ્વર જાતે જ અવતરે છે. વારુ, મારે વિશે તમે શું ધારો છો?’

‘મારા પિતાજી એકવાર ગયાધામ ગયા હતા, ત્યાં રઘુવીરે એમને સ્વપ્નમાં કહ્યું કે, ‘હું તારા પુત્રરૂપે અવતરીશ.’ એટલે પિતાજી બોલ્યા: ‘પ્રભુ, હું તો રંક બ્રાહ્મણ છું. હું આપની સેવા શી રીતે કરી શકીશ?’ ‘એની ચિંતા છોડ’, રઘુવીર બોલ્યા, ‘એ બધું થઈ રહેશે.’

‘મારી ફોઈની દીકરી, હૃદયની મા, મારા પગની પૂજા ચંદન-પુષ્પથી કરતી. એક દિવસે એને મસ્તકે પગ મૂકી મેં કહ્યું કે, ‘તું વારાણસીમાં મૃત્યુ પામીશ.’

બીજો તબક્કો: આ ગાળા દરમિયાન મોટા પંડિતો અને ઉચ્ચ આધ્યાત્મિક સાધકોએ ઠાકુરને અવતાર તરીકે પ્રમાણ્યા હતા. સ્વામી શારદાનંદે લખ્યું છે કે:

આ ગાળા દરમિયાન એક દિવસે ઠાકુર અને મથુર પંચવટીમાં હતા અને હૃદય પણ ત્યાં હતો એમ અમે સાંભળ્યું છે. વાતચીત કરતાં પોતાને વિશે બ્રાહ્મણીના પોતે અવતાર હોવા અંગેના અભિપ્રાયની વાત ઠાકુરે મથુરને કરી. ઠાકુર બોલ્યા: ‘એ કહે છે કે અવતારનાં બધાં લક્ષણો (પોતાને ચીંધીને) આ દેહમાં છે. બ્રાહ્મણી શાસ્ત્રોમાં પારંગત છે અને એની પાસે ઘણાં પુસ્તકો છે.’ હસીને મથુરે કહ્યું કે: ‘બાબા, એ ગમે તે કહે, શાસ્ત્રાનુસાર દસ કરતાં વધારે અવતારો નથી. તો એના શબ્દો કેવી રીતે સાચા હોઈ શકે? પણ, મા કાલીએ પોતાની કૃપા આપની ઉપર વરસાવી છે તે સત્ય છે.’

એ લોકો આમ વાતો કરતા હતા ત્યારે, એક સાધ્વીને મથુરે એમની પાસે આવતી જોઈ. મથુરે ઠાકુરને પૂછ્યું કે, ‘આ તે બાઈ (ભૈરવી બ્રાહ્મણી) છે?’ ઠાકુરે હા કહી. મથુરને ચીંધીને ઠાકુરે બ્રાહ્મણીને કહ્યું કે, ‘મા, મારા વિશે તમે જે કહો છો તે હું આમને કહેતો હતો. પણ એ કહે છે કે, શાસ્ત્રો દસ અવતારોનો જ ઉલ્લેખ કરે છે, એથી વધારેનો નહીં.’ બ્રાહ્મણીને પ્રણામ કરીને મથુર બોલ્યા કે, ‘હા, મેં આ વિશે વિરોધ કરેલો.’ બ્રાહ્મણીએ તરત જવાબ આપ્યો. ‘ભગવાન વ્યાસે ભાગવતમાં ચોવીસ અવતારો જણાવ્યા છે અને પછી અવતારોની અનંત સંખ્યા નિર્દેશી છે. વળી, વૈષ્ણવ શાસ્ત્રોએ જણાવ્યું છે કે ચૈતન્ય ફરી અવતરશે. વિશેષમાં, એમની અને શ્રીરામકૃષ્ણની વચ્ચે ચોટદાર સામ્ય છે.’ બ્રાહ્મણીને ઉત્તર આપવો શક્ય નહીં હોઈ, મથુર મૂંગા રહ્યા.

સ્વામી શારદાનંદે આગળ લખ્યું છે કે:

ઠાકુરની સાધનાના ત્રણ અગત્યના કાળમાં, ત્રણ પ્રખ્યાત આધ્યાત્મિક પંડિતો આવ્યા હતા અને, ઠાકુરની આધ્યાત્મિક દશા જોઈને એ વિશે પોતાની અનુભૂતિની ચર્ચા કરવાની તક તે સાધકોને મળી હતી. ઠાકુર તંત્રસાધનામાં પૂર્ણ થયા ત્યારે પંડિત પદ્મલોચન તેમને મળ્યા હતા; વૈષ્ણવ તંત્રમાં ઠાકુર સિદ્ધ થયા ત્યારે પંડિત વૈષ્ણવચરણ એમની પાસે આવ્યા હતા; અને ઠાકુરની બધી સાધનાઓ પૂર્ણ થઈ ત્યારે, ઠાકુરની દિવ્યજ્યોતનું દર્શન કરવા ગૌરી પંડિત ભાગ્યશાળી બન્યા હતા. પદ્મલોચને ઠાકુરને જોયા ત્યારે એ બોલ્યા હતા કે: ‘ઈશ્વરની હાજરી અને એની શક્તિ હું આપનામાં જોઉં છું.’ ભાવમાં આવી જઈ વૈષ્ણવચરણે ઠાકુરનું સ્તોત્ર સંસ્કૃતમાં લખ્યું હતું અને, ઠાકુરને તે ગાઈ સંભળાવી કહ્યું હતું કે ‘આપ અવતાર છો.’ ઠાકુરને ગૌરી મળ્યા ત્યારે એણે કહ્યું હતું કે, ‘શાસ્ત્રોમાં મહાભાવ વિશે જે કંઈ કહેવાયું છે તે સઘળું મને આપનામાં દેખાય છે. વિશેષમાં, શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી નથી તેવી બીજી ઉચ્ચ દશાઓ પણ આપનામાં મને દેખાય છે. વેદોમાં, વેદાંતમાં કે બીજાં શાસ્ત્રોમાં વર્ણવી છે તે ઉચ્ચ દશાઓથી ક્યાંય ચડિયાતી આધ્યાત્મિક કક્ષા આપે પ્રાપ્ત કરી છે. આપ મનુષ્ય નથી; સર્વ અવતારોનું મૂળ ઈશ્વર, આપની અંદર વસે છે.’

ઠાકુરે કશું ઔપચારિક શિક્ષણ લીધું ન હતું છતાં, પોતાના શિષ્યોના પડકારથી તેઓ ડરતા નહીં. ‘સાધુને માનતાં પહેલાં એને દિવસે જોવો અને રાતે પણ જોવો’, એમ એમણે શિષ્યોને કહ્યું હતું; ‘ખોટા સિક્કાને તારવવા માટે નાણાવટી રૂપિયાને ખખડાવે છે તેમ મારી પણ કસોટી કરજો.’ ઠાકુર સત્યમાં પ્રતિષ્ઠિત હતા અને પડકારથી તેઓ ડરતા ન હતા.

ત્રીજો તબક્કો: રાજા છૂપે વેશે પોતાના રાજ્યમાં નીકળે છે; લોકો એને ઓળખી કાઢે તે ભેગા એ તરત મહેલમાં પાછા ફરે છે. પોતાની દિવ્ય લીલાના અંતિમકાળમાં ઠાકુરે પોતાના ભક્તો સમક્ષ પોતાની દિવ્યતા પ્રગટ કરી હતી. એમને અભયનું પ્રદાન કર્યું હતું અને પછી, સ્વધામે જવા તેઓ તત્પર થયા હતા. તેઓ કહેતા: ‘સચ્ચિદાનંદ સાગરમાંથી અહીં એ જ અવતાર પ્રગટ્યો, એણે પોતાની જાતને કૃષ્ણ તરીકે ઓળખાવી અને ત્યાં પ્રગટ થઈને પોતાની જાતને ઈસુ ખ્ર્રિસ્ત તરીકે ઓળખાવી.’

રામચંદ્ર દત્તને કેશવ સેને કહ્યું હતું: ‘શ્રીરામકૃષ્ણ કોણ છે એ તમે જાણતા નથી. એટલે તો તમે એમને સ્પર્શો છો, એમની પાસે ગીતો ગવરાવો છો અને નાચ કરાવો છો. એમના શરીરને સુંવાળા મખમલના કપડામાં વીંટી એને કાચના કબાટમાં રાખો. પછી એમને થોડાં ફૂલ ધરાવો અને દૂરથી પ્રણમો.’

ઠાકુરને મળ્યા તે પહેલાં સુરેશચંદ્ર દત્ત બ્રાહ્મસમાજના સભ્ય હતા અને કેશવના ભક્ત હતા. સુરેશે લખ્યું છે: ‘મારા બ્રાહ્મ મિત્રો જાણે છે કે નહીં તે હું જાણતો નથી પણ, ખાતરીવાળા સ્રોતમાંથી મને જાણવા મળ્યું છે કે, પોતાના જીવનના અંત ભાગમાં, કેશવ ઠાકુરની અવતાર તરીકે ખાનગીમાં પૂજા કરતા. ઠાકુર એક દિવસે કેશવને ઘેર ગયા ત્યારે, પોતાના પૂજાઘરને પાવન કરવા ઠાકુરને કેશવે વિનંતી કરી. ઠાકુર પૂજાઘરમાં ગયા. ત્યાં કેશવે ઠાકુરને ચરણે પુષ્પો અર્પી પૂજા કરી અને એ વિશે બીજા કોઈને ન કહેવા એણે વિનંતી કરી.’

ઠાકુરની દિવ્ય લીલાના અંત ભાગમાં, ઠાકુર અવતાર છે એમ, ગિરીશ છૂટથી કહેવા લાગ્યા. ૧૮૮૫ના માર્ચની ૧લીએ ઠાકુરે નરેન્દ્રને પૂછ્યું કે: ‘ગિરીશ મારે વિશે જે કહે છે તેમાં તું સમ્મત છો?’

નરેન્દ્ર: ‘આપ અવતાર છો એમ પોતે માને છે એમ એણે કહ્યું હતું. એનો કશો પ્રતિભાવ મેં આપ્યો ન હતો.’

ઠાકુર: ‘પણ એની શ્રદ્ધા કેવી જબ્બર છે! તને એમ નથી લાગતું?’

થોડા દહાડા પછી ઠાકુરે નરેન્દ્રને પૂછ્યું કે: ‘કેટલાક લોકો મને અવતાર કહે છે. એ વિશે તું શું ધારે છે?’

નરેન્દ્ર: ‘બીજાઓના અભિપ્રાયને આધારે હું મારો મત બાંધતો નથી. હું સમજી શકીશ અને જાતે માની શકીશ ત્યારે જ હું તેમ કહી શકીશ.’

ગળાના કેન્સરને કારણે, કાશીપુરના ઉદ્યાનગૃહે ઠાકુર ખૂબ પીડા સહન કરતા હતા. ઘેંસ (ભાતનું પ્રવાહી) પણ એ ગળે ઉતારી શકતા ન હતા. એક દિવસે નરેન્દ્ર બાજુમાં બેઠા હતા. એને વિચાર આવ્યો કે આ કટોકટીને સમયે, ‘હું અવતાર છું’, એમ ઠાકુર કહે તો, ‘હું એ માનીશ.’ તરત જ ઠાકુર બોલ્યા કે: ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ શરીરમાં રામકૃષ્ણરૂપે છે.’ નરેન્દ્ર આભા બની ગયા.

રામેન્દ્ર સુંદર ભક્તિતીર્થ છોકરો હતા ત્યારે, એ શ્રીરામકૃષ્ણને મળ્યા હતા. વિવેકાનંદના પ્રોફેસર હતા તેવા એક બંગાળી ખ્ર્રિસ્તી પ્રોફેસરને એ ઓળખતા હતા. એ પ્રોફેસરે રામેન્દ્રને નીચેનો વાર્તાલાપ કહ્યો અને રામેન્દ્રે એને પછીથી પોતાનાં સંસ્મરણોમાં સ્થાન આપ્યું.

પ્રોફેસર: ‘વારું, નરેન્દ્ર, તેં શું કર્યું? આખરે તું પાગલ પૂજારીને શરણે ગયો? એ પૂજારી ઈશ્વર છે એમ તું માને છે તેમ પણ મેં સાંભળ્યું છે; અને એ વળી જગતનો ઉદ્ધાર કરવા આવ્યો છે, આવી બાલિશ વાતો તું માને છે શું?’

શાંતિપૂર્વક વિવેકાનંદે ઉત્તર આપ્યો કે: ‘સાહેબ, આપે બરાબર જ સાંભળ્યું છે. તેઓ ઈશ્વર છે અને આ જગતના ઉદ્ધાર માટે આવ્યા છે તેમ હું માનું છું. અગાઉ, આપની માફક, મેં પણ એને પરીકથા માની હોત. શ્રીરામકૃષ્ણને પોતાને જ મેં ઘણીવાર એમ કહ્યું પણ છે. એ સાંભળી, બાળકની માફક હસીને તેઓ કહેતા, ‘હું શું તને મારામાં માનવા કહું છું?’ પણ, સાહેબ, આખરે મારે એ માનવું પડ્યું છે. એ રામકૃષ્ણ દેહમાં ઈશ્વર અવતર્યા છે એમ એક દિવસ એમણે મને બતાવ્યું. જે  રામ હતા અને જે કૃષ્ણ હતા તે જ રામકૃષ્ણ રૂપે આવ્યા છે. રામ અને કૃષ્ણનાં જુદાં જુદાં રૂપો એમણે મને બતાવ્યાં છે અને પછી, એ બંને રૂપો રામકૃષ્ણ દેહમાં એકરૂપ થયાં છે તે પણ તેમણે મને બતાવ્યું છે. એ ભ્રમજાળ નથી. ઉઘાડી આંખે મેં એ જોયું છે. આ દર્શનથી વિશેષ પણ, રામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર જ છે તે હું સમજ્યો છું, તેનો મેં સાક્ષાત્કાર કર્યો છે અને તેનાં દર્શન કર્યાં છે.’

ભક્તોને ઠાકુરનાં દર્શનો

પોતાના જીવનકાળ દરમિયાન પોતાના ભક્તો સમક્ષ ઠાકુર આધ્યાત્મિક રૂપમાં પ્રગટ થયા હતા. ઢાકામાં, એકવાર પોતાના પૂજાઘરમાં બેસીને વિજયકૃષ્ણ ગોસ્વામી ધ્યાન કરતા હતા. ઠાકુર હતા દક્ષિણેશ્વરમાં, તો પણ વિજયે અચાનક ઠાકુરને પોતાના પૂજાઘરમાં જોયા. એ દૃષ્ટિભ્રમ તો નથી ને તેવી ખાતરી કરવા એમણે ઠાકુરના શરીરને સ્પર્શ કર્યો અને એ એમને સત્ય જણાયું. કોલકાતા આવ્યા પછી એ શ્યામપુકુર ગયા અને ભક્તો સમક્ષ તેમણે પોતાના અનુભવની વાત કહી:

વિજય: ‘મેં એમને (અર્થાત્ ઠાકુરને) ઢાકામાં જોયા છે.’

ઠાકુર (હસીને): ‘એ કોઈ બીજું હશે.’

નરેન્દ્ર: ‘મેં પણ એમને ઘણીવાર જોયા છે. (વિજયને) તમારા બોલને હું માનતો નથી એમ શી રીતે કહી શકું?’

નૃત્યગોપાલ ગોસ્વામીએ પણ ઠાકુરને ઢાકામાં જોયા હતા. એ ઘટના એમણે આમ વર્ણવી છે: ‘હું ઢાકા હતો ત્યારે મને ખૂબ અસુખ જણાતું હતું. નગરની બહાર એક ઝાડીવાળો વિસ્તાર હતો જે કબ્રસ્તાન તરીકે વપરાતો હતો. ત્યાં થોડે અંતરે કોઈને ભોંય પર બેઠેલ જોઈ હું નવાઈ પામ્યો. પાસે જઈ મેં પૂછ્યું કે: ‘તમે અહીં શું કરો છો?’ પોતે મારી સાથે વાત કરવા માગે છે એમ એમણે મને કહ્યું. તેઓ બોલ્યા થોડુંક જ છતાં, એમને બોલે મારી બધી શંકાઓ અને નિરાશાઓ દૂર થઈ ગઈ. ઊભા થઈ તેઓ ચાલવા લાગ્યા. પછી, મારી તરફ ફરી વત્સલતાથી મને કહે કે: ‘નૃત્યગોપાલ, મારા વહાલા, તું જેને વળગ્યો છે તેને છોડજે મા.’ એ પછી મેં ફરી એમને જોયા નથી. મેં આ બધું વિજયને કહ્યું. એમણે કહ્યું કે એ વ્યક્તિને એમણે પણ જંગલમાં જોઈ હતી. એ રાતે મને અદ્ભુત સ્વપ્ન આવ્યું: એમાં એ દિવ્ય દેખાતી વ્યક્તિ સાથે મારી જાતને વાતો કરતી મેં જોઈ; એમનાં અદ્ભુત વચનો હું સાંભળતો હતો. મારો આનંદ અવર્ણનીય હતો.’ 

સ્વામી અદ્વૈતાનંદે લખ્યું છે કે: ‘હું પહેલવહેલો ઠાકુરને મળ્યો ત્યારે હું એમને જરાય સમજી શક્યો નહીં. એમને લોકો મહાત્મા શા માટે કહે છે તેની મને નવાઈ લાગી!’ એમની બીજી મુલાકાત વેળા પણ તેમને એવો જ અનુભવ થયો અને, એમણે નક્કી કર્યું કે, ‘હવે ઠાકુરને ફરી મળવું નથી.’ અંતે, કોઈ મિત્રની વિનંતીથી, એ ત્રીજી વાર ઠાકુરને મળવા ગયા. આ વેળા ઠાકુરે એમને એવા તો પકડી લીધા કે એ છટકી શક્યા નહીં.’ આ વિશે એ કહેતા કે, ‘ઠાકુરે મારો કબજો લઈ લીધો. રાત દિવસ હું એમના જ વિચારમાં રહેતો. ઠાકુરના વિયોગથી મારી છાતીમાં પીડા થતી. ગમે એટલું હું મથું તો પણ, એમનો ચહેરો ભૂલી શકતો નહીં.’

પોતાના પૂજાઘરમાં સુરેન્દ્ર મિત્ર રોજ ધ્યાનમાં બેસતા. ઠાકુરની દિવ્યતા જોવાની એમને એકવાર ઇચ્છા થઈ. પોતે પોતાના પૂજાઘરમાં ધ્યાનમાં બેસે છે ત્યારે પોતાને ઠાકુર દેખાશે તો જ, ‘હું એમને અવતાર માનીશ’, એમ એણે નિશ્ચય કર્યો. કેવી તો આશ્ચર્યકારક ઘટના! થોડા સમય પછી પોતાના પૂજાઘરમાં એમને ઠાકુર દેખાયા. આમ કસોટી કર્યા પછી સુરેન્દ્રે ઠાકુરનું શરણ લીધું.

સુરેન્દ્ર શરાબી અને વ્યભિચારી હતા, પણ ઠાકુરની કૃપાથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું. સ્વામી તુરીયાનંદે લખ્યું છે કે: ‘સુરેન્દ્ર ઠાકુરને મળ્યા તે પછી લાંબા કાળ પછીની એક વાત છે. ઓફિસેથી છૂટી ઘેર જતી વેળા એક વેશ્યાને ઘેર જવા એ લલચાયા. એ સ્ત્રીઓના ઓરડે જવા માટે સીડી ચડી એ પેલીના ઓરડામાં દાખલ થયા. પણ આશ્ચર્ય! ત્યાં એ સ્ત્રી ન હતી, ત્યાં શ્રીરામકૃષ્ણ ઊભા હતા! ખૂબ ભોંઠા પડીને સુરેન્દ્ર ત્યાંથી નાઠા.

દેવેન્દ્ર એકવાર દક્ષિણેશ્વર આવ્યા અને એમને મેલેરિયા તાવ ચડી આવ્યો. ઠાકુરે એમને નાવ માર્ગે પાછા મોકલ્યા અને સાથે બાબુરામને મોકલ્યા. કોઈ સંબંધીને ઘેર જઈ દેવેન્દ્ર બેહોશ થઈ ગયા. પૂરા ચાળીસ દહાડા એ અર્ધભાવાવસ્થામાં કે ઉન્માદમાં રહ્યા. પોતે દક્ષિણેશ્વરમાં જ છે એમ માની એ વારંવાર ઠાકુરનું નામ લેતા. નવાઈની વાત એ થઈ કે, અસહ્ય પીડાથી એની આંખો ખૂલી જતી ત્યારે એને ઠાકુર પોતાના બિસ્તરની પડખે બેઠેલા દેખાતા.

ઠાકુર પાસેથી મંત્રદીક્ષા લીધા પછી દેવેન્દ્રે પોતાના અનુભવની વાત કરી હતી: ‘એ સમયે ઠાકુર મને સર્વત્ર દેખાતા. રસ્તે જતાં તેઓ મને મારી આગળ ચાલતા અને કોઈવાર મારી સામે જોતા દેખાતા. હું ઊભો હોઉં, બેસું કે સૂઉં ત્યારે, ઠાકુરને પણ હું તેમ જ જોતો. એ હંમેશાં મારી સાથે જ વસતા. એક દિવસ હું કાલીમાતાને પ્રણમ્યો તો મને એ મારી આગળ રહેલા દેખાયા. ઠાકુર મારા સર્વસ્વ અને રક્ષક છે એ સમજાવવા એ નિત્ય મારી પાસે વસતા એમ હું માનું છું.’

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.