૧૯મી સદીના અંતિમ ચરણની વાત છે. કરાંચીના એક મધ્યમ વર્ગના સિંધી પરિવારમાં હરનામ નામનો એક બાળક હતો. મા તો નાનપણથી જ મરી ગઈ હતી. પિતાએ પ્રૌઢ ઉંમરે ફરીથી એક ગરીબ ઘરની કન્યા સાથે લગ્ન કરી લીધાં. હરનામને બે સાવકાં ભાઈ-બહેન પણ હતાં.

હરનામની વિવાહિત એક મોટી બહેન પણ હતી. એને ક્યારેય વાર-તહેવારે પિયર બોલાવવામાં ન આવતી. ક્યારેક ક્યારેક છાનીમાની ભાઈની નિશાળમાં આવતી અને થોડીક ચીજવસ્તુઓ આપી જતી. ઘરમાં નાનાં ભાઈબહેન માટે મોટા અવસર પ્રસંગે નવાં કપડાં સીવડાવવામાં આવતાં અને જાત-જાતની મીઠાઈઓ પણ બનતી. ઘરમાં હરનામનો કોઈ ભાવ ન પૂછતું. બિચારો હરનામ લલચામણી આંખે બધું જોયા કરતો. વળી ક્યારેક પેલાં સાવકાં ભાઈબહેન એમને કંઈક આપવા માગતાં તો અપર-મા ના પાડી દેતી.

એક દિવસ એક સામાન્ય ભૂલ થઈ. એટલે અપર-માએ હરનામને ઢોરમાર માર્યો. પિતા બધું જોતા રહ્યા પણ પત્નીના ડરથી કંઈ બોલ્યા નહિ. ભૂખ્યો-તરસ્યો હરનામ ઘરમાંથી ભાગીને દરિયા કિનારે ઊભેલ કોઈ માલવાહક જહાજમાં છુપાઈ ગયો.

થોડીવાર પછી પેલું જહાજ તો ઉપડ્યું, ત્યારે એને સાચી વાતનો ખ્યાલ આવ્યો અને હિબકાં ખાતો ખાતો રડવા લાગ્યો. પર્શ્યન ઓઈલ કંપનીનું એ વહાણ હતું. મોટા ભાગના વહાણના ચાલકો-ખલાસીઓ આરબ હતા. બે-ચાર ઓફિસર પણ હતા. જ્યારે એમણે ૧૨-૧૩ વર્ષના એક અત્યંત સુંદર બાળકને આ પરિસ્થિતિમાં જોયો તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ધીમે ધીમે તેમણે બધી બાબતની જાણકારી મેળવી લીધી. હવે વહાણ કંઈ કરાંચી જઈ શકે એમ ન હતું. બાળક પર વહાણના કેપ્ટનને સ્નેહપ્રેમ ઉપજ્યો. એણે પોતાની કેબીનમાં એને રાખી લીધો. વહાણ ઈરાન પહોંચ્યું પછી કેપ્ટને એ બાળકને એક ધનવાન ઈરાની પરિવારના ઘરમાં નોકરરૂપે રાખી દીધો. હરનામ કુશાગ્ર બુદ્ધિવાળો હતો. થોડા જ સમયમાં એને અરબી, ફારસી અને અંગ્રેજી ભાષામાં બોલવાનો સારો અભ્યાસ થઈ ગયો.

એ દિવસોમાં ઈરાનમાં તેલની કંપનીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓ હતા. પર્શ્યન ઓઈલ કંપનીના સૌથી મોટા અધિકારી ત્યાં બ્રિટનના એક સર્વોચ્ચ રાજદૂત પણ રહી ચૂક્યા હતા. એક દિવસ ટહેલતાં ટહેલતાં સાહેબ અને એમનાં પત્ની અરબી શબ્દ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં. હરનામ ત્યાંથી પસાર થતો હતો. એણેે બંને હાથ જોડીને વિનંતીપૂર્વક કહ્યું કે મેમસાહેબ એમાં ‘જુમલો’ શબ્દ સાચો છે. હવે તો હરનામ પર આ બંનેની પૂરેપૂરી કૃપા થઈ ગઈ. એને પોતાના બંગલામાં રહેવા, ખાવાની સુવિધા મળી ગઈ. હાથ ખર્ચી માટે મહિને ૨૦૦ રૂપિયા પણ મળવા લાગ્યા. હરનામનું કામ આટલું કે મેમસાહેબને અરબી અને ફારસી ભણાવવી.

પ્રથમ મહાયુદ્ધમાં ઈરાન મધ્યપૂર્વનું પૂરવઠા કેન્દ્ર બની ગયું. કરોડો રૂપિયાનો માલસામાન મહિને અહીંથી વિતરીત થતો. તેલ કંપની માટે એક મોટા સાહેબને નિયામક બનાવવામાં આવ્યા. મોટા ભાગના સામાનની વિતરણની વ્યવસ્થા અને તેનું કામ હરનામની દાસ કંપનીને મળ્યું હતું. ૧૯૧૮ સુધીમાં હરનામદાસ કરોડપતિ શેઠ બની ગયા. ત્યાંને ત્યાં જ એણે ચાર-છ કોન્ટ્રેક્ટ લગ્ન પણ કરી લીધાં. આ કોન્ટ્રેક્ટ મેરેજની પત્નીઓ ઉપરાંત એના રંગમહેલમાં એકથી એક સુંદર નોકરાણીઓ પણ હતી. સેંકડો નોકર-ચાકર, મુનિમ, ગુમાસ્તા આવીને ઘર અને ઓફિસનું કામકાજ સંભાળતા. એના દરવાજે અનેક અતિથિઓ અને પ્રતિનિધિઓ આવતા રહેતા. બધાનું યોગ્ય માનસન્માન થતું.

સંજોગવશાત્ એક દિવસ એક ભારતીય સંન્યાસી ફરતો ફરતો ત્યાં જઈ ચડ્યો. સ્વદેશમાંથી આવેલ સંન્યાસી એટલે બીજાના કરતાં એની આગતા-સ્વાગતા વધારે થાય એ સ્વાભાવિક હતું. એક મહિના સુધી કોઈ રાજા-મહારાજા જેવું આદર-સત્કારનું આયોજન એમને માટે થયું. વિદાય લેતી વખતે દક્ષિણામાં કીમતી શાલ અને ઘણી મોટી રોકડ રકમ પણ આપવામાં આવી.

૧૫ વર્ષનો લાંબો સમય ગાળો વીતી ગયો. એક સાધુ મહારાજ હરિદ્વારની પાસે મુનિની રેતીમાં એક મોટી પકોડાની દુકાન પર ઊભા રહીને એ દુકાનદારને ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. એમણે મહારાજને પ્રેમથી નાસ્તા માટે આમંત્રણ આપ્યું. પહેલેથી જ ચાર-પાંચ સંન્યાસી પ્રસાદ લેતા હતા. દુકાન પર ગ્રાહકોની ભીડ જામી હતી.

દુકાનદારે મહારાજને પૂછ્યું: ‘મહારાજ, આપ એટલું ધ્યાન લગાડીને મારા તરફ કેમ જોતા હતા?’

સંન્યાસીએ ૧૫ વર્ષ પહેલાંના પોતાના ઈરાનના પ્રવાસની વાત કરી અને કહ્યું કે શેઠ હરનામ દાસનો ચહેરો આપની સાથે બરાબર મળતો આવે છે. જ્યારે એ સંન્યાસીને ખ્યાલ આવ્યો કે તેઓ હરનામ દાસ સાથે જ વાત કરી રહ્યા છે ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી એમણે જે વાત કહી તે આવી છે:

તમારા નીકળી ગયા પછી એક વર્ષ બાદ મોટા સાહેબની બદલી થઈ ગઈ અને એની જગ્યાએ નાના સાહેબે કામ સંભાળી લીધું. હું કંઈ એને માખણ-મસકો લગાડતો નહિ એટલે તે અને તેણે મોઢે ચડાવેલા મિત્રો અને કર્મચારીઓ મારી ઈર્ષ્યા કરતા રહેતા. થોડા દિવસ પછી મારા પર છેતરપીંડીનો મુકદ્દમો ચલાવ્યો અને મને મોતની સજા મળી.

ઝડપથી વ્યવસ્થા કરીને, મુનીમોને કામ સોંપીને ચાર-પાંચ લાખની મૂડી લઈને મારા પોતાના સચિવ સાથે હું ઈરાનમાંથી છૂપાવેશે નીકળી ગયો. રસ્તામાં મારો પેલો સચિવ સાથેની પેટીઓ લઈને ક્યાં ઊતરી ગયો એની ખબર ન પડી. જ્યારે હું મુંબઈ બંદરે પહોંચ્યો ત્યારે મારા હાથે રહેલી કીમતી ઘડિયાલ અને થોડાઘણા રૂપિયા જ મારી પાસે હતા.  ઘડિયાલ વેંચવા હું ત્રણચાર દુકાને ફર્યો. દુકાનદારો મારો મેલો પોશાક અને વધેલી દાઢી જોઈને શંકા કરવા લાગ્યા કે કદાચ આ ભાઈએ ઘડિયાલ ક્યાંકથી ચોરી લીધી છે. એટલે ૫૦-૬૦ રૂપિયા સુધી જ આપવા તૈયાર થયા. મને ગુસ્સો આવ્યો અને ઘડિયાલને દરિયામાં ફેંકી દીધી.

અહીં તહીં મજૂરી કરતો રહ્યો. સંજોગો આવ્યા એટલે અહીં આવીને મોટી કચોરીની દુકાન ખોલી નાખી. થોડા દિવસો સુધી તો મનમાં સંતાપ રહ્યો. પણ એક દિવસ એક મહાત્માજી આવ્યા. એમણે ઉપદેશ આપ્યો: ‘બેટા, ધન અને માનમાં સાચું સુખ નથી. ઈશ્વરના બંદાની સેવા કરતો રહે, શાંતિ મળશે.’ ત્યારથી જ મહાત્માઓને પ્રસાદ આપીને જે કંઈ બચે એનાથી બે ટાઈમનું ભોજન મને આરામથી મળી રહે છે. સવારના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી મહેનત કરું છું એટલે શરીરેય સાજું-તાજું રહે છે. મનમાંયે કોઈ ચિંતા રહેતી નથી. અહીં તો ભગવતી ગંગાનો કિનારો છે અને સાધુ-મહાત્માઓનો સંગલાભ, એનાથી ખરેખર ઘણો આનંદ મળે છે. સંન્યાસીએ પ્રસાદ મેળવીને હરનામ દાસને પ્રણામ કર્યા અને કહ્યું કે વાસ્તવમાં જ આપ સુખદુ:ખમાં સમદર્શી અવસ્થાવાળા અને બંનેના સમભોગી છો.

ઈ.સ. ૧૯૬૧માં હરનામદાસનું મૃત્યુ થયું. મારા મિત્ર સ્વર્ગીય શ્રીરામ શર્મા (વિશાળ ભારતના સંપાદક)ને ઘરે એક બે વખત એમની સાથે મુલાકાત થઈ હતી. ગરીબી હતી છતાં તેઓ તો પહેલાં જેવી જ ટેવો – એકાદ-બે ધાબળા અને કોટ પાસે જ હોય. કોઈ જરૂરતવાળો મળે તો આપી દે. કેટલાય દિવસ સુધી પોતે અત્યંત ઠંડીમાં રહેતા અને જ્યારે પૈસા ભેગા થાય અને સંભવ બને ત્યારે પોતાને માટે કોટ બનાવી લેતા. આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય એમના મુખ પર દીનતા કે દુ:ખનો ભાવ દેખાતો નહિ.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.