વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ – આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને તેનાથી ખરીદી શકાતી સામગ્રીઓ બંને મનુષ્ય દ્વારા સર્જાયેલાં છે. પરંતુ માણસ પોતાનું ખુદનું મૂલ્ય વીસરી ગયો છે! અને બીજી આશ્ચર્યકારક હકીકત એ છે કે આ ‘માણસ’ નામે હસ્તિ અને તેનું ‘પૈસો’ નામે સર્જન બંને અલ્પજીવી છે. આ અલ્પ સમયગાળો કે જેમાં આ બંને ‘માનવ’ અને ‘પૈસો’ અસ્તિત્વ ધરાવે છે અને અલોપ થાય છે એ છે ‘સમય’. કેટલો મૂલ્યવાન છે સમય! પરંતુ સમયનો મર્મ અને તેનું મૂલ્ય એ બધાંને સ્પષ્ટ નથી. સમયનાં મૂલ્યને સમજવા આપણે ઊંડાણથી વિચારવાની જરૂર છે. પછી જ આપણને ભાન થશે કે ‘સમય’ એ જ એકમાત્ર આપણી પાસેની ‘સંપત્તિ’ છે.

સરસ મજાની રાત્રિની નિદ્રા પછી સવારે જાગતાં વેંત જ વ્યક્તિ અમૂલ્ય ચોવીસ કલાકનો વારસ બની જાય છે. આ ખજાનાને અત્યંત કાળજીપૂર્વક ઉપયોગમાં લઈને જ જીવનમાં જે કદી છૂટ્યું છે તે પૂર્ણ કરી શકાય છે. સમય એટલો અમૂલ્ય અને કીમતી છે કે માત્ર તેનો યોગ્ય ઉપયોગ કરીને એક સામાન્યજન પણ સર્વ વિજેતા સમ્રાટ બની શકે!

અહીં કેટલાક એવા મુદ્દાઓ પ્રસ્તુત છે જે વ્યક્તિ પોતાનાં સમયનો લાભદાયી રીતે ઉપયોગ કરવા મથે છે તેમને ઉપકારક નીવડશે.

(૧) યાદ રાખો કે ‘સમય’ અત્યંત કીમતી છે.

(૨) એક વાર સરી ગયેલો સમય ક્યારેય પાછો નહિ આવે તે કઠોર સત્યને સમજો.

(૩) પહેલાં નક્કી કરો અને પછી તેને વળગી રહો – જે કામ ચોક્કસ સમયે કરવાનું છે તે હું અવશ્ય પૂર્ણ કરીશ જ.

(૪) જો તમે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાની ‘આદત’ પાડશો તો તમારે વ્યગ્ર થવું નહિ પડે કે ‘હવે હું શું કરું, હવે પછી હું શું કરીશ’ વગેરે અને એથી પણ તમે તમારો ઘણો સમય બચાવી શકશો.

(૫) તમારે શું કરવાનું છે તે બાબતે સ્પષ્ટ રહો, ભલે એ કામ નાનું કે નજીવું હોય.

(૬) જો તમે રસપૂર્વક અને ધ્યાનથી કામ નહિ કરો, પછી તમે જે કરતા હો તે, તમે તમારા સમયને વેડફી રહ્યા છો. આ સાદાં સત્યને યાદ રાખો.

(૭) માનો કે તમારી કંઈ ભૂલ થઈ તો તેના ઉપર વિચારો કર્યા કરવાને બદલે અને તમારી જાતને કોસવાને બદલે અને તમારી આજુબાજુનાને દોષિત માનવાને બદલે જો તમે તમારી ભૂલને સુધારવાનો પ્રયત્ન કરશો અથવા તેના પછી હવે તમારે શું કરવાનું છે તે હાથ પર લેશો તો પણ સમયના બગાડમાંથી તમે બચી શકશો.

(૮) એ જ વ્યક્તિ સફળ થાય છે જે યોગ્ય સમયે યોગ્ય વિચારે છે, નિર્ણય લે છે.

‘સમયનું મહત્ત્વ’ – કેટલુંક ચિંતન

* કેટલાક કહે છે ‘સમય’ એ ‘પૈસા’ કરતાં વધુ અગત્યનો છે. પરંતુ જો તેના ઉપર ધ્યાનપૂર્વક વિચારવામાં આવે તો તમને જણાશે કે બંને સમાન રીતે મહત્ત્વનાં છે. જો તમે સમયનો સુયોગ્ય ઉપયોગ કરશો તો જ તમે પૈસા કમાઈ શકશો; અને જો તમે તમારા ઉપાર્જિત કરેલાં નાણાંનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરશો તો તમારા સમયને સારી રીતે બચાવી શકશો. પરંતુ તે માટે આ બંનેનો યોગ્ય ઉપયોગ કરવાનું બુદ્ધિચાતુર્ય તમારી પાસે હોવું એટલું જ જરૂરી છે.

* દીવાસ્વપ્નો જોનારા લોકો જેઓ હવામાં કિલ્લા બાંધે છે તેઓ માત્ર પોતાના સમયને બરબાદ કરે છે. જેઓ જાગ્રત છે, પોતાની શક્તિનો રચનાત્મક રીતે વિકાસ કરે છે, એ લોકો પોતાના સમયને લાભપ્રદ રીતે વાપરી જાણે છે.

* જેઓ જૂગટામાં, ઘોડા દોડાવવાની હોડમાં, શરતોમાં, લોટરીમાં પડ્યા રહે છે, તેઓ પણ પોતાના સમયને વ્યર્થ ગુમાવે છે. જેઓ અર્થપૂર્ણ પ્રવૃત્તિમાં રોકાયેલા રહે છે તેઓ તેમના સમયને સદુપયોગથી સાર્થક કરે છે.

* લોકો અનેક પ્રકારના હોય છે. કેટલાક જડ બુદ્ધિવાળા, કેટલાક કુટેવો અને ઇન્દ્રિય સુખોમાં રચ્યાપચ્યા રહેતા, કેટલાક હંમેશાં બીમાર અને માંદલા હોય છે. કેટલાક બધો સમય જુદા જુદા કેસ ફાઈલ કરવામાં, કોર્ટનાં કામોમાં ગળાડૂબ રહે છે અને કેટલાક સરકારી ઓફિસોના ઘક્કા ખાતાં રહે છે. જે રીતે પાણી પર્વતના ઢોળ પરથી વહી જાય તે જ રીતે સ્વાભાવિકતાથી અને અનાયાસે નિર્બંધપણે આવા બધા લોકોના હાથમાંથી સમય સરકી જાય છે.

* જો સંપત્તિ ગુમાવી હોય તો દરેકને પીડાનો અનુભવ થાય છે. તે પોતાના નુકશાન પર શોક કરે છે અને તેને મેળવવા ઘણે લાંબે સુધી પ્રયત્ન કરે છે. પરંતુ સોમાંથી એક પણ એવો માણસ નથી મળતો કે જે સમયને ગુમાવવાનો વસવસો કરતો હોય!

* જે વધુ સમય મળે એમ ઇચ્છતો હોય તેમણે પોતાને સોંપાયેલું કાર્ય જરા વધુ ઝડપથી અને સંભાળથી પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તેનો ખાસ્સો એવો સમય બચી જશે. જેમ કે તમે સામાન્યત: ૮ કલાક સૂતા હો તો તમે ઊંઘ ઘટાડીને ૭ કલાકની કરી નાખો અને આ રીતે તમને દરરોજ ૧ કલાક વધારાનો મળી શકે. ધારો કે જમવામાં તમને ૨૦ મિનિટ લાગતી હોય તો ૧૫ મિનિટમાં તમારું ભોજન પૂરું કરવાનો યત્ન કરો. જો નહાવામાં ૨૦ મિનિટ લાગતી હોય તો ૧૦ મિનિટમાં સ્નાન કરી લેવાનો પ્રયત્ન કરો. આ રીતે તમે જાતે જ ઘણો બધો સમય તમારાં અન્ય કામો માટે ફાળવી શકો. પરંતુ એ બાબત અગત્યની છે કે આ રીતે બચાવેલા સમયનો કઈ રીતે સફળ ઉપયોગ કરવો.

* આપણે સમય બચાવવાની કડાકૂટ શા માટે કરવી જોઈએ? સમય બચાવીને આપણને શું મળવાનું? આવા પ્રશ્નો ઘણા કહેવાતા ડાહ્યા અને બધું સમજનારા લોકો કરતા હોય છે. વારુ, તેમને જે કહેવું હોય તે કહેવા દો. પરંતુ જેઓને સમય બચાવવો હોય અને તેને અર્થપૂર્ણ રીતે વાપરવો હોય તેમણે આવી વાહિયાત વાતો કરનારાઓથી તો દૂર જ રહેવું જોઈએ.

* સમયને વેડફવામાં ‘ભૂલકણાપણું’ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક જણ પોતાના રૂમને તાળું મારી શહેરના દૂરના વિસ્તારમાં રહેતા મિત્રને મળવા માટે ગયો. ઘણો લાંબો વખત તેણે તેના મિત્ર સાથે વાતો કરી, ભરપેટ ભોજન કર્યું અને પછી તેના ઘેર પાછો આવ્યો. પરંતુ પોતાનો રૂમ ખોલવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે ચાવી ખોવાઈ ગઈ હતી. ક્યાં ખોવાઈ હશે? ચાવી ક્યાં હોઈ શકે? ઓહ! તેને યાદ આવ્યું કે મિત્રના ઘેર રસોડામાં ફ્રીજ પર ચાવી રહી ગઈ હતી. ફરી તેને ધક્કો ખાઈને જવું પડ્યું ચાવી માટે! કેટલો બધો સમય વેડફાઈ ગયો.

ઘણા લોકો સાવ ભૂલકણા સ્વભાવથી હેરાન થતા હોય છે. આ ક્ષણે ભરપેટ જમ્યા હોય અને બીજી ક્ષણે હમણાં જ જમ્યા એ ભૂલી જઈને બીજી વાર જમવા માટે ગોઠવાઈ જાય. મુશ્કેલીના સમયમાં ખૂબ જરૂર હોય ત્યારે અચાનક મિત્રનું સ્મરણ થાય અને લોન માટે તેની પાસે પહોંચી જાય. જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવે ત્યારે લોન વિશે સઘળું ભૂલી જાય, અરે મિત્રને જ ભૂલી જાય! આપણે એને ઈરાદાપૂર્વકનું ભૂલકણાપણું કહી શકીએ, પોતાના ફાયદા માટેનું ભૂલકણાપણું આ તો!

માણસ શા માટે ભૂલી જાય છે? ઘણાં કારણો હોઈ શકે, પરંતુ પાયાનું કારણ છે શૂન્યમનસ્કતા.

આવી શૂન્યમનસ્કતાથી છૂટકારો કઈ રીતે મેળવવો? પોતાની જાતનું વિશ્લેષણ અને પોતાની જાતને સૂચનો કરીને. આપણે આપણી જાતને શું સૂચન કરવું જોઈએ? ‘રે મન, જો આ જ રીતે વારંવાર ભૂલી જઈશ, તો કોઈ પણ બાબતે ક્યારેય સફળ થઈશ નહિ. ઊલટું દરેક પગલે પોતાથી જ ઊભા થયેલાં વિઘ્નનો સામનો કરવો પડશે. તેથી જીવનની પ્રતિક્ષણે જાગરૂકતા કેળવ. અત્યારે તું છો તેના કરતાં થોડો વધુ સાવધાન રહે, તારી જાતને થોડી વધુ જાગૃત રાખે તો તને કેટલી પ્રગતિ મળે અને ફાયદો થાય તે વિચારવાનો જરા પ્રયત્ન તો કર.’

એક ભાઈ એકવાર એક ખૂબ અગત્યની મીટિંગમાં હાજરી આપવા બેંગલોર ગયા. તેમને લઈ જવાની તમામ વસ્તુ કાળજીપૂર્વક ગોઠવી – સૂટકેસ, પાણીની બોટલ, ફળો અને બિસ્કિટ, વગેરે બધું જ બરાબર લાગ્યું હતું. આખરે જ્યારે તેમને સ્ટેશન સુધી લઈ જવા રીક્ષા આવી, તેણે ઝડપથી પોતાનો સામાન ઉપાડ્યો અને સ્ટેશન જવા રવાના થયા. સ્ટેશન આવતાં તે ટ્રેનમાં ચડ્યા અને બારીની બાજુની સીટમાં સ્થાન લીધું. ટ્રેન સમયસર ઉપડી. દોડતી ટ્રેને શહેર બહારના અને ગ્રામ્ય વિસ્તારનું જીવંત ચિત્ર તેની સામે તાદૃશ કર્યું. શહેરી વિસ્તારનાં નક્કર દૃશ્યોથી ટેવાયેલી એની આંખોને માટે અત્યંત લીલાંછમ ગ્રામીણ દૃશ્યો નર્યો આનંદ આપતા હતાં. તેના મસ્તિષ્કમાં તાજું આનંદનું ઝરણું વહી રહ્યું. પ્રકૃતિની છટા અને લીલાંછમ ગામોને જોવાનો આનંદ તેનું સ્વપ્નપ્રદેશમાં વહી ગયેલું અસ્તિત્વ ટિકિટ કલેક્ટરના નઠોર અને કંઈક માગણી કરતા અવાજથી હલી ગયું. એ અવાજે એના ઘૂમતા મનને વાસ્તવિક જગતમાં લાવી દીધું. અને ફરી પાછા પોતાના જગતમાં પ્રવેશેલા એ ભાઈએ પોતાના ગજવામાં ટિકિટ કાઢવા માટે હાથ નાખ્યો. તે ચિત્કારી ઊઠ્યો! પરંતુ.. ના; એ કદાચ બીજા ખિસ્સામાં હશે. પરંતુ અરે ના, એ કદાચ થેલામાં હશે. અરેરે, સાહેબ હું ભૂલી જ ગયો છું. ટિકિટ ઘેર જ રહી ગઈ છે. સાચવીને કબાટમાં મૂકી હતી. સ્ટેશને પહોંચવાની ઉતાવળમાં લેતાં રહી ગઈ. હું અત્યંત દિલગીર છું, સાહેબ.’ ‘મારી નોકરીમાં તારા જેવા મેં ઘણા જોયા છે. તારું ‘સોરી’ નહિ ચાલે, તું શું સમજે છે?’ ટિકિટ કલેક્ટરે સખ્તાઈથી કહ્યું. ‘મહેરબાની કરીને સાંભળો સાહેબ, તમારે મારા પર વિશ્વાસ રાખવો જ જોઈશે. હું ખરેખર તે ઘેર ભૂલી ગયો છું.’ ‘શું તું એમ માને છે કે આવાં નબળાં આપીને છટકી શકીશ? મારી નોકરીના બે દાયકા કંઈ એમ ને એમ નથી ગાળ્યા. કાં તો દંડ ભરપાઈ કર અથવા પછીના સ્ટેશને ઊતરી જા. આવી હોશિયારીભરી યુક્તિ-પ્રયુક્તિથી બચી નહિ શકે.’ દંડની મોટી રકમ ભરપાઈ કરવા જેટલા પૈસા પાસે ન હોવાથી તેણે ઉતરવું જ પડ્યું.

તેમ છતાં પણ, એને અમુક પ્રકારે દંડ તો ચૂકવવો જ પડ્યો. તેણે ફરી ટિકિટ કઢાવી અને મુંબઈ જતી પાછળની ટ્રેનમાં ચડી પણ ગયો. પરંતુ જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે મીટિંગ મોટા ભાગે તો પૂરી જ થઈ ગઈ હતી. થોડી લાપરવાહીએ આ બધી આફત વહોરી હતી. મુંબઈ પહોંચ્યા છતાંયે મીટિંગ તો ગુમાવી. કંઈ પણ ન મેળવવાની બેંગલોરથી મુંબઈ સુધીની એ મુસાફરી માત્ર બની રહી!

કોઈ ચોક્કસ કારણ વગર જ સમયનો પુષ્કળ વેડફાટ ઊભી કરતી પરિસ્થિતિઓમાં સપડાઈ જવું એ હવે અસામાન્ય નથી રહ્યું. મુસાફરી કરતાં હોઈએ તે દરમિયાનનો સમય, ક્યાંક લાઈનમાં ઊભાં હોઈએ તે સમય, કોઈની રાહ જોતાં હોઈએ ત્યારે અથવા સ્કૂલ અને કોલેજમાં ફ્રી તાસ હોય, આવા સમયનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમને બસમાં કે ટ્રેનમાં બારી પાસે સીટ મળે તો આખા રસ્તે તમે સુંદર કુદરતી દૃશ્યોને જોઈને માણી શકો. ગ્રામ્ય વિસ્તારનો તાજગી આપનારો નજારો અને કુદરતના માતૃરૂપનાં આનંદમયી દૃશ્યો નિહાળવામાં તમે તમારી જાતને ગૂંથાયેલી રાખી શકો. જો તમારું વલણ આધ્યાત્મિક હોય તો હરિના નામનું સ્મરણ કરીને અથવા પરમાત્માનું મધુર મહિમાગાન કરીને પણ તમારા સમયને ફળીભૂત કરી શકો. કેટલાક એવા હોય છે કે જે બસ અથવા ટ્રેનની મુસાફરીમાં ઝોકે ચડે છે, આવા સુખી આત્માઓ માટે સમયને પસાર કરવાનો ઉત્તમ માર્ગ છે ઊંઘી જવું. એરોપ્લેનથી મુસાફરી કરનારાઓ માટે જોવા જેવું કંઈ હોતું નથી. તેઓના માટે કોઈ પુસ્તક વાંચવામાં જાતને પરોવવી એ ઘણું ઉપયોગી નીવડશે.

લાઈનમાં પોતાના વારાની રાહ જોતા હોઈએ ત્યારે જો તમારા સ્વભાવને અનુરૂપ કોઈ વ્યક્તિ હાજર હોય તેની સાથે અર્થપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં પણ તમે સમયને પસાર કરી શકો; અથવા તો તમે વાંચેલી કે સાંભળેલી બાબતો પર ચિંતન કરી શકો, અથવા અગાઉ તમે વાંચેલ કે સાંભળેલ શ્લોકો અથવા કોઈ ધર્મગ્રંથોના ઉદાત્ત વિચારોના અર્થ પર મનન કરી શકો. ક્યારેક એવું બને કે તમે કોઈને મળવા માટે રાહ જોતા હો. આવા સમયે ‘હજી સુધી તે કેમ આવ્યો નહિ?’ એવા વિચારમાં મન ચાલ્યું જાય છે. પરંતુ આવી ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેનાથી તે જલદી આવવાનો નથી.

વળી તેના મોડા આવવાનાં કોઈ સબળ કારણો હોય, અથવા કોઈ આકસ્મિક કારણસર તે દિવસે તે ન પણ આવે. તો એની રાહ જોવામાં ને ચિંતા કરવામાં કેટલો સમય અને શક્તિ બગડે! વારુ, રાહ જોવી એ જીવનનું અનિવાર્ય અનિષ્ટ છે. તે સંપૂર્ણપણે ટાળી શકાય નહિ. રાહ આપણે જોવી રહી, તેનો ઉપાય નથી; પરંતુ આપણા સમય ને શક્તિ અકારણ ચિંતા કે વ્યગ્રતામાં બગડે નહિ તેનું ધ્યાન રાખો. આવા અનિવાર્ય સંજોગોમાં આપણે આપણી ઊર્જા બચાવીએ અને આપણો સમય રચનાત્મક કાર્યોમાં વાપરીએ.

વિદ્યાર્થીજીવનમાં પણ અનેકવિધ રીતે સમય બરબાદ થતો હોય છે. જેમ કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓને મળતા ફ્રી પિરિયડ. થોડી તૈયારી અને સતર્કતાથી આવા અચાનક મળી ગયેલા ફ્રી સમયનો ઘણો જ ફાયદો ઉઠાવી શકાય.

અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી તેમાં તો માત્ર કેટલાંક સૂચનો અને સંકેતો સમાવિષ્ટ છે. જેનાથી બીજી બાબતોમાં વેડફાઈ જતા સમયનો સદુપયોગ આપણે નિશ્ચિત રીતે કરી શકીએ. દરેકે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને પોતાના સમયને રચનાત્મક રીતે વાપરવાના માર્ગો વિશે વિચારવું રહ્યું. ઉપર જે કંઈ કહેવાયું તે તમને એ બાબતે જાગૃત કરવા માટે જ કે જો તમે સાવધાન નહિ રહો તો સમય તમારા હાથમાંથી સરકી જશે અને જિંદગીમાં પસ્તાવા સિવાય બાકી કંઈ જ ન રહે. જો જીવન પ્રત્યે તમે થોડા ગંભીર રહેશો તો તમારા સમયને અર્થપૂર્ણ રીતે વાપરીને ઘણું બધું પ્રાપ્ત કરી શકો.

આપણે સામાન્ય રીતે એક શબ્દ પ્રયોજીએ છીએ ‘મનુષ્ય-કલાક’. આ શબ્દની પાછળ મોટી સંકલ્પના રહેલી છે. મોટા ભાગના લોકો માનવ-શક્તિને પ્રાય: જાણે છે. પરંતુ તમે ‘મનુષ્ય-કલાક’ વિશે ક્યારેય વિચાર્યું છે? આ ‘મનુષ્ય-કલાક’ શું છે? બધા એ બાબત સાથે સહમત થશે કે દરેક માણસને ૨૪ કલાકના રૂપે દરરોજ અમૂલ્ય ખજાનો સાંપડે છે. ખરું કે નહિ? તેથી, વિશ્વના હજારો લોકો ઘડિયાળના કાંટે કામ કરે છે અને છતાં દિવસનો કુલ સમયગાળો રહે છે ૨૪ કલાક. એમ નથી? પરંતુ આપણે જરા ઊંડાણથી વિચારશું તો સમજાશે કે જો એક માણસ પાસે એક દિવસના ૨૪ કલાક, તો બે માણસના મળીને દિવસના ૪૮ કલાક થયા અને એકસો માણસના મળીને ૨૪૦૦ કલાક થયા. તેથી જો મુખ્ય મહેમાન અથવા માનનીય મંત્રીશ્રી કાર્યક્રમમાં એક કલાક મોડા પડે તો તેમાં હાજરી આપનારા ૧૦૦૦ લોકોના કુલ ૧૦૦૦ મનુષ્ય-કલાક અર્થ વગરના ગયા તેમ કહેવાય. કદાચ આ વિચિત્ર ગણતરી જણાય, પણ તે સાચી છે. દરેક જગાએ બધો વખત સમયના આ વિસ્તૃત નિકંદનથી વિશ્વ ઉભરાઈ રહ્યું છે, અને એવા લોકોનું તો પૂછવું જ શું કે જેઓને ‘સમય’ માટે નહિવત્ માન છે અને જિંદગીનો મોટા ભાગનો સમય જેમતેમ વેડફે છે. અફસોસ, સમય તેમનો કોળિયો કરી જાય છે. ખાલી થઈ જાય ત્યાં સુધી તેને ચૂસી લે છે. એથી, બહુ મોડું થાય તે પહેલાં જ જાગી જઈએ.

ચાલો, આપણે સમયનું સન્માન કરવાનું શરૂ કરીએ. આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીએ, સારી રીતે આયોજન કરીએ, સમયને યોગ્ય રીતે ગોઠવીએ અને જીવને આપેલો મહત્તમ સમય સરસ રીતે વાપરીએ. તેથી જ સમય પર કાબૂ મેળવવાના યોગ્ય ચોક્કસ સાધનો શોધવાં જરૂરી બની જાય છે. જીવનને મહાન અને સાર્થક કરવા માટે મહાનતાને પ્રાપ્ત કરવા માટે આ જ એકમાત્ર માર્ગ છે.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.