(ગયા અંકમાં યુવાનની સંપદા, બ્રહ્મચર્ય વિશે આપણે વાંચી ગયા, હવે આગળ…)

અભ્યાસ અવલોકન ૧ : ‘હું ખૂબ ચિંતિત છું.’

એક કોલેજના વિદ્યાર્થીએ મને એક વખત પૂછ્યું, ‘સ્વામીજી, અભ્યાસ કરવાનું તો ઘણું ઘણું છે, પણ મારું મન અસ્થિર રહે છે. હું મારું મન પરીક્ષા માટે વિષયો પર એકાગ્ર કરી શકતો નથી. મારે આ એકાગ્રતા મેળવવા માટે શું કરવું જોઈએ?’

મેં થોડો સમય તેના તરફ સ્થિરતાથી જોયું. મેં એની આંખમાં ઊંડે સુધી જોયું. સામાન્ય રીતે જ્યારે કોઈ શહેરમાં રહેનારો અસ્થિર અને અસંયમિત મનની ફરિયાદ લઈને આવે ત્યારે તેનું કારણ જોવા દૂર જવું પડતું નથી. મેં એને કહ્યું, ‘તું તારા મનમાં એક નજર નાખ અને ખલેલ કઈ છે એ શોધી કાઢ. એનું કારણ શું છે એ શોધવાનો પ્રયત્ન કર. પછી બધું એની મેળે ઉકેલાઈ જશે.’

આ હતો કિશોર, જેની આંખો બીજા કોઈ સમયે ઊઘડી હતી. શહેરનાં બધાં આકર્ષણો સ્વાભાવિક રીતે તેને પોતાની ઝેરી લપેટમાં લઈ રહ્યાં હતાં. જો કે એના મનના ઊંડાણમાં એક ધમાચકડી હતી અને એ ગરબડ છે, એમ એ જાણતો ન હતો. તો પછી તે એનું કારણ કેવી રીતે જાણી શક્યો? એટલે જ્યારે મેં તેને મનની અંદર ડોકિયું કરીને પોતાની માનસિક અસ્થિરતાનું કારણ શોધવા કહ્યું ત્યારે તે મારા શબ્દોનો ભાવાર્થ સમજી ન શક્યો.

એણે ફરીથી પૂછ્યું, ‘સ્વામીજી, તમે શું કહેવા માગો છો?’ પછી હું શું કહેવા માગતો હતો તે વાત વિગતે કરી, ‘તમારી આંખોને સંયમમાં રાખો એટલે તમારું મન સંયમમાં આવી જશે.’

આ શબ્દો પણ એને માટે તો એટલા જ મુંઝવનારા બની ગયા. એના ચહેરા ઉપર પ્રશ્નાર્થ દેખાયો. પછી તેને મારે વધારે ખુલ્લા મનથી વાત કરવી પડી,

‘જો ભાઈ, જ્યાં સુધી તું તારો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી નારીઓ તરફ, તેમના દેહ તરફ અને તેમના પોશાક વગેરે તરફ નજર ન નાખવી. આ બધી વસ્તુઓ તારી જાણ વિના તારા મનના ખજાનાને લૂંટી લેશે. આ જ એકાગ્રતાના અભાવનું કારણ છે. એમાં કોઈ સંદેહ નથી કે તું ગમે તેટલો અભ્યાસ કરે અને ગમે તેટલો ક્રિયાશીલ બને અને જો તું યુવાન સ્ત્રીઓની સ્મૃતિમાં તારા મનને જવા દઈશ તો એ બધું વ્યર્થ જવાનું, એ વાત ચોક્કસ છે. યુવાનીમાં મન સ્વાભાવિક રીતે જંગલી ઘોડા જેવું છે. પ્રારંભથી જ જો તેને કડક શિસ્તથી તું સંયમમાં ન રાખે તો તે તને જ્યાં ધારશે ત્યાં ખેંચી જશે, તારા રસ્તેથી તને ચલિત કરી દેશે અને ઊંડી ખાઈમાં નાખી દેશે. આવું ઘેલું મન યુવાન સ્ત્રીઓ તરફ જાય તો એ વધારે ઘેલું બને છે. બીજાં દસ વર્ષ સુધી તું સ્ત્રીઓ તરફ નજર ન કરતો અને જ્યારે તું પરણે પછી ભલે યુવાન સ્ત્રીઓ સાથે હળેમળે, પણ એ તારા પર વધારે પ્રભાવ નહીં પાડી શકે.’

આ જ રીતે મેં એને નાનું વક્તવ્ય પણ સંભળાવ્યું. તે યુવાને શાંતિથી સાંભળ્યું. મેં ધાર્યું કે તે હવે મારા શબ્દોને બરાબર સમજી ગયો છે. પરંતુ તેના પ્રતિભાવથી જણાયું કે આજની વધારે છૂટ આપનારી સંસ્કૃતિ કે સભ્યતાએ તેને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. તેણે કહ્યું,

‘સ્વામીજી, તમે મને કહ્યું છે કે મારે છોકરીઓ તરફ નજર પણ ન નાખવી જોઈએ. આ કેવી રીતે શક્ય બને? જો હું આજે સામાજિકતા ન કેળવું તો બીજી બાજુએ મારા મિત્રો મારી હાંસી ઉડાડશે અને પેલી છોકરીઓ પણ માનશે કે હું બીકણ છું. આજના આધુનિક યુગના દિવસોમાં જો તમે એવી સલાહ આપો કે છોકરા-છોકરીઓએ એકબીજાથી અંતર રાખવું તો એ જરાય સ્વીકાર્ય વાત નથી, કારણ કે તે વ્યવહારુ નથી. વળી, જો આપણે એમના તરફ પોતાની બહેન જેવી દૃષ્ટિ રાખીએ તો છોકરીઓ સાથે હળવામળવામાં શું ખોટું છે?’

આ રીતે હવે એ યુવાનનો વારો મને ભાષણ સંભળાવવાનો આવ્યો! મારા જેવા એક સંન્યાસી માટે એના શબ્દોએ બહારની દુનિયાની વાસ્તવિક પરિસ્થિતિ વ્યક્ત કરી હતી. તે જુવાને મારા ‘કાળજૂના’ દૃષ્ટિકોણને ભારપૂર્વક અવગણ્યો. પછી મેં વિચાર્યું કે હવે એની સાથે વધારે ચર્ચા ન કરવી એ જ વધારે સારું રહેશે. એટલે મેં એને કહ્યું,

‘સારુ ભાઈ, હું સંન્યાસી છું. આજના આધુનિક સમાજમાં સામાજિકતા કેળવવાની આ બધી સમસ્યાઓને હું કેવી રીતે જાણી શકું. તારી આ વાત પરથી હવે હું પરિસ્થિતિને સમજું છું. એટલે હવે તું જેમ છે તેમ જ રહેજે. મારા શબ્દો સાંભળીને તારે યુવાન સ્ત્રીઓ સાથે હળવામળવાનું બંધ કરવાની જરૂર નથી. તું તારા રસ્તે આગળ વધી શકે છે અને જે કરે છે તે જ ચાલુ રાખ.’

તેને મારી શિખામણ કેવી લાગી હશે એ મારા માટે રહસ્ય છે. ગમે તેમ હોય, તેણે તરત જ મારી રજા લીધી.

મેં એ યુવાનને જ્યાં સુધી પોતાનું ભણવાનું પૂરું ન થાય અને તેનાં લગ્ન ન થાય ત્યાં સુધી યુવાન સ્ત્રીઓ તરફ ન જોવાનું કહ્યું હતું. આ ઉપરાંત જે લોકો પોતાના મનને એકાગ્ર કરવા ઇચ્છે છે, પરણે ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા ધરાવે છે, એવા લોકો માટે આ શિખામણ છે, બીજા માટે નહીં.

એક દિવસ એકાદ મહિના પછી એ જ યુવાન મારી પાસે દોડતો આવ્યો અને ઉત્સાહથી બોલી ઊઠ્યો, ‘સાચું, સ્વામીજી, તે દિવસે તમે મને કહેલા શબ્દો ખરેખર સાચા છે. મારું મન સાવ ખરાબ અવસ્થામાં આવી ગયું છે. હવે મારે શું કરવું એ જાણતો નથી. હું મહામુસીબતમાં છું. મને એમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો.’

મેં એને આશ્વાસન આપ્યું. પછી મેં એને સંયમની કેટલીક વાતો સમજાવી અને એનો અભ્યાસ કરવા કહ્યું. તે ખૂબ શાંત મને પાછો ગયો. જ્યારે એ પાછો આવ્યો ત્યારે તેણે મને કહ્યું કે એ નિયમોનું અનુસરણ કરવાથી મને મનની ઘણી શાંતિ મળી છે.

યુવાન સ્ત્રી-પુરુષોનું પરસ્પર મુક્તપણે હળવું મળવું એ ખરેખર ઘણી ભયંકર બાબત છે, આ મારો એકલાનો મત નથી; આ વાત આપણા પ્રાચીન પ્રબુદ્ધ ઋષિઓએ પણ કરી છે. આ સંદર્ભમાં આપણા યુવાનો શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, પંડિત મદનમોહન માલવિયા જેવા મહાપુરુષોના ઉપદેશો અને અભિપ્રાયોનો અભ્યાસ કરીને લાભ મેળવી શકે. જો આમ નહીં બને તો આ સમસ્યા એમના મનમાં હંમેશાંને માટે વિરોધાભાસી બની રહેશે. પોતાના અનુભવથી આ સત્ય એના ગળે બરાબર ઊતરે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હશે. (ક્રમશ 🙂

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.