(ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું – એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ…)

દીવાદાંડી

બ્રહ્મચર્યનું પાલન કરવા અને મનની એકાગ્રતા કેળવવા ઘણા પ્રકારની શિસ્તને અનુસરવું પડે છે. કોઈ પણ વ્યક્તિમાંથી એક શક્તિશાળી સૈનિકનું સર્જન કરવા માટે કેટકેટલાય શિસ્તાભ્યાસ એના પર લાદવા પડે છે, એ ઘણા જાણતા નથી. એવી જ રીતે ચંદ્રના મિશનમાં અવકાશયાત્રીરૂપે અત્યંત કઠિન અને સતત તાલીમની જરૂર પડે છે એ બહુ ઓછા લોકો જાણે છે. જો આવું જ હોય તો પોતાના મનને સંયમમાં રાખવા અને શક્તિશાળી, સાર્થક તેમજ શાંત જીવન જીવવા માટે કેટલા પ્રમાણમાં વધારે શિસ્તાભ્યાસની જરૂર પડે છે, એનો જરા વિચાર કરી જુઓ.

આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે દૃશ્યો જોઈએ છીએ, જે બાબતો આપણે સાંભળીએ છીએ, જે શબ્દો આપણે બોલીએ છીએ અને જે લોકો સાથે આપણે સંલગ્ન રહીએ છીએ- આમાંની દરેકે દરેક બાબત આપણા આત્મસંયમ પર એનો પ્રભાવ પાડે છે. જો આ બધાં સારાં હોય, તો આપણા બ્રહ્મચર્યનો અભ્યાસ વધુ પ્રબળ બનશે અને વીર્યનું રક્ષણ થશે. જો આ બધા ખરાબ હોય તો બ્રહ્મચર્યનો ભંગ થાય છે.

આજના યુવાનો અને યુવતીઓએ એક વિચિત્ર જીવનપ્રણાલી અપનાવી છે અને તે અંતે તેમના વ્યક્તિત્વને છિન્નભિન્ન કરી નાખે છે. અલબત્ત, આજે પણ મહાન પવિત્રતાવાળાં યુવાન યુવતીઓ જોવા મળે છે- ‘તેઓ વણસૂંઘ્યાં પુષ્પો જેવાં અને વણચાખ્યાં ફળો જેવાં છે અને જે પ્રભુને સમર્પિત કરી શકાય.’ આની સંખ્યા અલ્પ છે, પણ એની સંખ્યા વધવી જોઈએ અને સતત વધતી રહેવી જોઈએ.

પરંતુ એનો અર્થ એ નથી કે બધાએ નૈષ્ઠિક બ્રહ્મચારી બનવું જોઈએ. એટલે કે જીવનના અંત સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને અપરિણીત રહેવું જોઈએ. આવું ક્યારેય નહીં. સારું, જો કોઈ આવી શિખામણ આપે તો એને કોણ કાને ધરવાનું છે? આપણા યુવાનો અને યુવતીઓ તેઓ જ્યાં સુધી પરણે ત્યાં સુધી સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે તે પૂરતું છે. તરુણાવસ્થામાં આટલો આત્મસંયમ અત્યંત જરૂરી છે.

સ્વામી વિવેકાનંદ ચારિત્ર્ય ઘડતર અને માનવ ઘડતર કરવાની વાત કરે છે. ભવ્ય વ્યક્તિત્વ કેળવવા તેમણે તેજસ્વી વિચારો આપ્યા છે. આ વ્યક્તિત્વના ભવનની મૂળ આધારશિલા બ્રહ્મચર્ય છે.
જો આપણા યુવાનો જેમાં બધા સદ્ગુણો ખીલી ઊઠે એવું સર્વાંગી વ્યક્તિત્વ વિકસાવવા માગતા હોય તો એમણે અનિવાર્યપણે બ્રહ્મચર્યનું આચરણ કરવું પડે.

જો આપણા યુવાનો દિવ્ય મેધાશક્તિથી ચમકતા મેધાવી બનવા ઇચ્છતા હોય તો બ્રહ્મચર્ય એમના વ્યક્તિત્વની આધારશિલા બનવી જોઈએ.

જો મા સરસ્વતીની બુદ્ધિપ્રતિભા અને મેધાશક્તિથી આપણાં વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓને તેજોજ્જવલ બનાવવી હોય તો બ્રહ્મચર્યના દિવ્ય આદર્શને એમના પરિસરમાં મહિમાન્વિત કરવો જોઈએ.

જો દરેક ઘરને એક મધુર નિવાસસ્થાન બનાવવું હોય તો ત્યાં બ્રહ્મચર્યનું વાતાવરણ હોવું આવશ્યક છે.

જો આપણે આ બધી બાબતોને મેળવવા મથીશું તો આપણું આખું રાષ્ટ્ર ભવ્ય બનશે. એટલું જ નહીં, પણ તેજોજ્જલ વર્તમાન પાસે આપણો સુવર્ણમય ભૂતકાળ પણ એની સામે ઝાંખો અને રંગહીન લાગશે.

પરંતુ બ્રહ્મચર્ય એ અશક્ય આદર્શ છે, એમ કહીને કેટલાક નાસ્તિકો આ આખા વિષયને દૂર ધકેલી દેવા માગે છે. આવા માણસો હંમેશાં રહ્યા છે, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એમને અંધારિયા નાસ્તિક મનોવલણમાં રહેવા દો. આવા નાસ્તિકોના બરાડાઓ ઉપહાસભરી ચીસો આપણા મનને અવળે પાટે ન ચડાવે એ જરૂરી છે. જેમ જેમ આ નાસ્તિકો અને નિરાશાવાદીઓ બ્રહ્મચર્યની પૂર્તિ કરવાના આપણા પ્રયાસમાં વધારે ને વધારે પ્રમાણમાં રોકેટોકે તેમ તેમ આપણે એક સાધક કે મુમુક્ષુ તરીકે આપણા આદર્શને મેળવવા વધારે દૃઢ અને ઉત્સાહી બનવું પડે. જેટલા પ્રમાણમાં બીજાઓ તરફથી પ્રતિકાર અને ઉપહાસ આપણને મળે તેટલા પ્રમાણમાં આપણાં શ્રદ્ધા અને ખંત વૃદ્ધિ પામવાનાં. પરંતુ વિચિત્ર હકિકત તો એ છે કે જ્યારે આપણે બ્રહ્મચર્યના દિવ્ય આદર્શને અનુભવવા મથીએ છીએ ત્યારે વાસ્તવિક રીતે આપણા પોતાના મનમાં પ્રગતિ સામેનો મહાનતમ વિરોધ ઊભો થાય છે! જો આવું જ હોય તો બીજા તરફથી આવતી અડચણોની શી વિસાત? આમ છતાં પણ બાહ્ય અને આંતરિક વિઘ્નોનો વીરતાથી સામનો કરીને બ્રહ્મચર્ય કેળવવું જોઈએ. આ આંતરિક બંધનોને પાર કરવા કોઈ પણ વ્યક્તિમાં વધારે પ્રમાણમાં સહજ પ્રેરણા અને હિંમતની જરૂર છે. શ્રીશંકરાચાર્ય એક રસપ્રદ પ્રશ્ન પૂછે છે અને પછી તેનો જવાબ તેઓ પોતે જ આપે છે : ‘આ દુનિયાને વાસ્તવિક રીતે કોણ જીતી શકે છે?’ ઉત્તર : ‘જે પોતાના મનને જીતે છે તે દુનિયાને જીતી શકે છે.’ અરે, દુનિયાને જીતવી કદાચ શક્ય બને, પણ આપણા પોતાના મનને જીતવું વધારે મુશ્કેલ છે. આમ છતાં પણ એ એક ભવ્ય સત્ય છે કે જે માનવોત્તર પ્રયાસ કરે છે અને પોતાના મન પર વિજય મેળવે છે તે આ દુનિયામાં મહાન બળ અને શક્તિનો ડાયનેમો બની જાય છે.

લોકો સમક્ષ ઘરમાં બ્રહ્મચર્યનો મહિમા અને એની આવશ્યકતા લાવવાં ઘણાં મુશ્કેલ છે. જેવી આપણે બ્રહ્મચર્ય વિશે રજૂઆત કરીએ છીએ કે લોકો ઋષિ વિશ્વામિત્રનો પ્રસંગ ટાંકીને તેને અશક્ય કહીને ભૂંસી નાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ બધાએ એટલું જાણવું જઈએ કે કઠોર પ્રયાસ કરવાના સદ્ગુણને લીધે આ જ ઋષિ અંતે બ્રહ્મજ્ઞાની બન્યા હતા અને એટલે જ વિશ્વામિત્ર ફરીથી પાપમાં પડતા નથી, પરંતુ તેઓ તો દૃઢ નિર્ણયશક્તિ, અચળ સંઘર્ષ અને અવિરત પ્રયાસનું ઉદાહરણ છે!

આવી જ બાબત ઋષિ વાલ્મીકિની છે. એ વાત સાચી છે કે પોતાના પૂર્વજીવનમાં તેઓ લૂંટારા હતા, પણ પછીથી એણે કરેલી સાધના તરફ નજર તો નાખો! અને એના જીવનમાં કેવું જબરૂં પરિવર્તન આવ્યું! એ આધ્યાત્મિક પરિવર્તનના પરિણામે રામાયણના નામે માનવજાતને કેવી ભવ્ય સાહિત્યકૃતિ તેમણે આપી છે! હજારો વર્ષ પછી આ અનન્ય મહાકાવ્ય આજે પણ લોકોના હૃદયના તારને એક સૂરે ઝણઝણાવે છે!

જ્યારે આપણે આવી સફળતાની સેંકડો વાર્તાઓ જોઈએ છીએ ત્યારે આટલું સ્પષ્ટ થાય છે કે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે માનવ આત્માની સંપૂર્ણ ઉત્ક્રાંતિ થઈ છે, જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સામાન્ય મરણશીલ માનવ દિવ્યતાની કક્ષાએ ઉન્નત થયો છે, તો તે બ્રહ્મચર્યની શક્તિથી જ. આધ્યાત્મિક રીતે પરિવર્તિત થયેલ આ આત્માઓની દરેક મહાન સિદ્ધિ બ્રહ્મચર્યની શક્તિનું પ્રકટીકરણ હતું. એટલે આટલું સ્પષ્ટ છે કે બ્રહ્મચર્ય ભવ્ય અને તેજોજ્જવલ વ્યક્તિત્વના ઘડતર માટે પાયાનો પથ્થર છે.

એટલે આપણે આપણા વ્યક્તિત્વમાં આ સર્વોત્કૃષ્ટ આદર્શને પ્રતિબિંબિત કર્યા વિના શું આપણે વિચારવિહિન અને સસ્તા સંશયવાદના સમૂહને લીધે પોતાની જાતને વેચી નાખવી જોઈએ? ઉચ્ચ ધ્યેયવિહોણા, મહાન સ્વપ્ન ન સેવનારા, પોતાના જીવનમાં મહત્ત્વનું કંઈ પ્રાપ્ત ન કરનારા, વાંકદેખા, નબળા મનવાળા લોકોની દલીલોથી આપણા આ પવિત્ર સાહસભર્યા કાર્યને શું આપણે નાઉમેદ કરવું જોઈએ? આપણા જીવન પર પ્રભાવ પાડનાર, પછી ભલે તે બ્રહ્મચર્યને વખોડનાર સામાન્ય માનવ હોય કે બ્રહ્મચર્યનું પાલન કરીને શાશ્વત કીર્તિ મેળવનાર હોય, શું એમને માટે આપણે સામાન્ય બુદ્ધિનો અભાવ રાખવો જોઈએ? અજ્ઞાન અને પ્રમાદને જોઈને શું આપણે ઉન્નતિ માટેના પ્રયત્નો છોડી દેવા જોઈએ કે આપણે વધારે ઉન્નત બનીને શાણપણથી ઝળકી ઊઠવું જોઈએ? (ક્રમશ 🙂

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.