तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्।

‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’

‘ઘણાં યુદ્ધોમાં, ખાસ કરીને આંતર્યુદ્ધોમાં, લોકો પોતાના માણસો સામે લડે છે. અમેરિકાના આંતર્યુદ્ધમાં કેટલાક લોકો પોતાનાં સ્વજનો સામે લડ્યા હતા! અને આ એવા આંતર્યુદ્ધ કરતાં કશુંક વિશેષ હતું – આ તો કુટુંબીઓ વચ્ચે જ યુદ્ધ હતું. એક પક્ષે કૌરવો અને બીજે પક્ષે પાંડવો. બીજા સાથીઓ ઉભય પક્ષે જોડાયા હતા. અર્જુનના ગુરુઓ પણ સામે હતા. હવે અર્જુન સામે એક કરુણ પરિસ્થિતિ ઊભી થાય છે અને પોતાના વિષાદને એ વાચા આપે છે. આ અધ્યાયનું શીર્ષક જ અર્જુનવિષાદયોગ છે. આ યોગ એ માટે છે કે તે વિષાદમાંથી મહાન ફળ નિષ્પન્ન થાય છે. આપણે વિચાર કરવા, તોળવા લાગીએ છીએ. તમારે સલાહ જોઈએ છે, માર્ગદર્શન આપે એવું તત્ત્વજ્ઞાન જોઈએ છે. માટે તો આને યોગ કહેવાય છે, અર્જુનવિષાદયોગ.

अर्जुन उवाच-

दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्॥२८॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।

वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते॥२९॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।

‘હે કૃષ્ણ, મારા આ સ્વજનોને યુદ્ધ કરવા શસ્ત્રસજ્જ થઈ ઊભેલા જોઈને, મારાં ગાત્રો ઢીલાં થાય છે, મારું મુખ સુકાય છે, આખું શરીર કંપે છે; મારું ધનુષ્ય, ગાંડીવ હાથમાંથી સરી પડે છે અને મારી ચામડી બળે છે.’

અર્જુનની પરિસ્થિતિ ગંભીર છે. એના જ્ઞાનતંતુઓ ખૂબ ઉત્તેજિત થઈ ગયા છે.

न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः॥३०॥
निमित्तानि च पश्यामि विपरीतानि केशव।

‘તેમજ, હે કેશવ, હું ખડો ઊભો રહેવા સમર્થ નથી. મારું મન ભમે છે અને મને વિપરીત શુકનો દેખાય છે.’

માણસ ખૂબ મૂંઝાયેલો હોય, ખૂબ ગભરાયેલો હોય તેનું આ આબેહૂબ ચિત્ર છે.

न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे॥३१॥
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।

‘હે કૃષ્ણ, મારા આ સ્વજનોને હણવામાં મને મારું શ્રેય દેખાતું નથી. નથી મને વિજયની, રાજ્યની કે સુખની ઇચ્છા.’

किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा॥३२॥
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च।

त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च॥३३॥
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः।

मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा॥३४॥

‘હે ગોવિન્દ, અમને રાજ્યનું શું ફળ મળશે, અથવા ભોગોનું અને જીવનનું પણ શું ફળ મળશે? જેમને માટે આ રાજ્ય, ભોગો, સુખ વગરેની અમે ઇચ્છા કરીએ છીએ તે સૌ જીવન અને સમૃદ્ધિ ત્યજીને સામે યુદ્ધમાં ઊભા છે; એ કોણ કોણ છે? આચાર્યો, કાકાઓ, પુત્રો, પિતામહો, મામાઓ, સસરાઓ, પૌત્રો, સાળાઓ અને બીજા સંબંધીઓ છે.’

૩૨ થી ૩૪ એ ત્રણ શ્લોકમાં આ સૌનો ઉલ્લેખ છે. અર્જુન કઠિન પરિસ્થિતિમાં છે. અર્જુનની ગહન મૂંઝવણની વાત પછીના શ્લોકોમાં આવે છે.

एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते॥३५॥

‘એ લોકો મને મારી નાખે તો પણ, હે મધુસૂદન! ત્રિલોક રાજ્ય માટે પણ હું એમને હણવા ઇચ્છતો નથી; તો પછી આ પૃથ્વી માટે કેમ મારું?’

આ ઊર્મિલ વિચારોને લઈને અર્જુન યુદ્ધમાંથી ખસી જવાનો પાકો વિચાર કરી રહ્યો છે.

निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः॥३६॥

‘હે કૃષ્ણ, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થશે? આ આતતાયીઓને મારવાથી અમને પાપ જ વળગશે.’

એ આતતાયીઓ જ છે. કેટલાં તો દુષ્કૃત્યો એમણે કર્યાં છે. એક સમયે અમોને બાળી નાખવાની કોશિશ એમણે કરી હતી. તેમ છતાં, આ યુદ્ધ કરવામાં મને આનંદ આવતો નથી.

तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान्।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव॥३७॥

એટલે, હે માધવ, ધૃતરાષ્ટ્રના પુત્રો, અમારા ભાઈઓને મારવા અમને યોગ્ય નથી. અમારા સ્વજનોને હણી અમે કઈ રીતે સુખી થઈ શકીએ?

यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्॥३८॥

कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन॥३९॥

‘અતિશય લોભને પૂરા વશ થયેલા આ કૌરવો કુળનાશના અને મિત્રદ્રોહના પાપને સમજતા નથી તો પણ, હે જનાર્દન, કુળક્ષયના અને સમાજના નાશના અનિષ્ટથી અમારે શા માટે આઘા ન રહેવું?

યુદ્ધથી સમાજમાં સડો પેસશે, કુટુંબો ભાંગશે, અનેક સ્ત્રીઓ વિધવા થશે અને અનેક બાળકો અનાથ થશે. આ સઘળાં અનિષ્ટો યુદ્ધમાંથી જન્મે છે. આ કૌરવોને આ દુષ્પરિણામોની જાણ નથી. પણ અમને છે તો, અમારે શા માટે એ દિશામાં આગળ વધવું?

कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत॥४०॥

‘કુળનાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે. કુરુ કુળમાંથી સંસ્કૃતિનો ક્ષય થાય છે. સામાજિક મૂલ્યોના નાશથી આખા કુળ પર અધર્મ છવાઈ જાય છે.’

યુદ્ધમાંથી અનિષ્ટો જન્મે છે, આપણે આજે એ જોઈ શકીએ છીએ. યુદ્ધો, સંઘર્ષો, તનાવો પાછળ કેટલાં બધાં અનિષ્ટો આવે છે? સામે આવી પડેલા યુદ્ધમાંથી ખસી જવાનાં પોતાનાં કારણો અર્જુન ગણાવે છે. હજી આગળ કહે છે:

अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः॥४१॥

‘મહા યુદ્ધ થાય ત્યારે કેટલી બધી વિધવાઓ અને કેટલાં અનાથ બાળકો ઉભાં થાય છે! અધર્મ ફેલાતાં, સામાજિક મૂલ્યો દૂર થતાં, કુળની સ્ત્રીઓ દોષમાર્ગે ચાલનારી થશે. આથી ભયંકર પરિસ્થિતિ ઊભી થતાં, હે વાર્ષ્ણેય – કૃષ્ણ, પ્રજા વર્ણસંકર થશે અને સમગ્ર સમાજ પ્રદુષિત થશે.’

सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः॥४२॥

‘સમાજ છિન્નભિન્ન થતાં કુળ અને કુળઘાતીઓ નરકને પામવાના. તેમના પિતૃઓ પણ પિંડ અને તર્પણ બંધ થતાં નરકે જ જવાના.’

અગ્નિસંસ્કારને સમયે આપણે આમ કરીએ છીએ. દેહાંતીઓ, માતાપિતાઓ અને અન્ય વડીલોને, શ્રાદ્ધકાળે, આપણે આવો વિધિ કરીએ છીએ. આ બધું કરવાનું ખૂબ મુશ્કેલ થતાં સમાજમાં અવ્યવસ્થા થવાની.

दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः॥४३॥

‘કુલઘાતીઓના આવા વર્ણસંકરતા ઉત્પન્ન કરનારા દોષોને લઈને શાશ્વત જાતિધર્મો અને કુલધર્મોનો નાશ થશે.’

उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन।
नरके नियतं वासो भवतीत्यनुशुश्रुम॥४४॥

‘હે કૃષ્ણ! જેમના કુળધર્મો નાશ પામ્યા હોય તેવાં નરનારીઓનો અવશ્ય નરકે વાસ થાય છે એમ આપણે સાંભળ્યું છે!’

अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः॥४५॥

‘અરે! એ કેવી તે ખેદની વાત છે કે, અમે મોટું પાપ કરવા પ્રવૃત્ત થયા છીએ; રાજ્યસુખના લોભમાં સ્વજનોને હણવા અમે તૈયાર થયા છીએ.’

यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्॥४६॥

‘શસ્ત્રહીન અને પ્રતિકાર નહીં કરતા એવા મને, ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવો, રણમાં મારી નાખશે તો તે મારે માટે વધારે સારું થશે.’

અર્જુન અહીં આખરી ન્યાય તોળી કૃષ્ણને કહે છે કે, ‘હું પૂરો અને પાકો અહિંસાવાદી થવા માગું છું.’ કટોકટીના ખરા સંજોગો ઊભા થયા છે. યુદ્ધ શરૂ થવાનું છે, એ માટે સજ્જ થઈને આવેલો, યુદ્ધ ઝંખતો અર્જુન, આ કટોકટીની ક્ષણે, પાણીમાં બેસી જાય છે, યુદ્ધમાંથી પોતાના પૂરા ખસી જવાનો ઇરાદો જણાવે છે કારણ, એ ગ્લાનિથી, નિરાશાથી, ખૂબ ઘેરાઈ ગયો છે. શ્રીકૃષ્ણ શું કહે છે? અર્જુનની આ બધી મૂંઝવણોના ઉત્તર શ્રીકૃષ્ણ આપે છે તે બીજા અધ્યાયમાં આપણે જોશું. પરંતુ, એ પળે શું બન્યું તેનો અહેવાલ આપતાં સંજય કહે છે:

 सञ्जय उवाच – સંજય બોલ્યો: 

एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत्।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः॥४७॥

‘રણભૂમિ પર આમ બોલીને, પોતાનાં ધનુષ્યબાણને ત્યજી દઈને, મનમાં શોક વિહ્વળ થઈને અર્જુન રથમાં (પોતાની) જગ્યાએ બેસી ગયો.’

મોહ, ગ્લાનિ, ખેદ સાથે પહેલો અધ્યાય આમ પૂરો થાય છે. યુદ્ધારંભે, રણક્ષેત્રમાં શોકવિહ્વળ અર્જુનનું આ ચિત્ર છે. ‘મારે નથી લડવું.’ એમ કહીને એ જાતને વાળી લે છે અને, અહિંસાની આપણી સમજથી ક્યાંય વધારે જોરદાર દલીલો કૃપા, કરુણા અને અહિંસા માટે કરે છે. કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવે છે: ‘રણક્ષેત્રમાંના બીજા બધા કરતાં અર્જુન ચડિયાતો ન હતો? એ અહિંસાની વાત કરે છે ને અહિંસા તો મોટો સદ્‌ગુણ છે.’ આની ચર્ચા આપણે બીજા અધ્યાયના સ્વાધ્યાયમાં કરશું. પણ શ્રીકૃષ્ણ કહે છે કે દરેક કિસ્સામાં અહિંસા સદ્‌ગુણ નથી. અહિંસા વીર, બળવાન, ભાવાત્મક હોવી ઘટે. ગીતામાં આગળ શ્રીકૃષ્ણ આ પ્રકારનો બોધ આપશે. શ્રીકૃષ્ણ પૂછે છે: ‘આ વિષમ સંજોગે તારામાં નિરાશા ક્યાંથી આવી?’ અર્જુન માટે જાણે કે, એના જ્ઞાનતંતુઓ તૂટી ગયા છે. દેહ કંપે છે, મગજ ઘુમરીઓ લે છે. શું છે આ બધું? સાચા સદ્‌ગુણનો આધાર બળ છે, નિર્ભયતા છે. આ સદ્‌ગુણ નથી. માનવચિત્તને કશું થઈ ગયું છે. કેમ જાણે એના પાયા હચમચી ગયા છે. અર્જુન સમો વીર, હિમ્મતબાજ  માનવી રણભૂમિમાં કાયરની જેમ વર્તે છે. શ્રીકૃષ્ણ અર્જુનને આમ માપે છે: એના પ્રત્યે પૂરી સહાનુભૂતિ હોવા છતાં, એની દલીલોનો સ્વીકાર કરતા નથી. આમ પહેલો અધ્યાય પૂરો થાય છે.

इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः॥

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.