(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે ‘મેં કયારેય કોઈની પાસેથી આવો પ્રેમ જોયો નથી. મારે માટે તો રામકૃષ્ણ ભગવાન જ છે! એમનું એક વાકય મારી બધી શંકાઓ દૂર કરી દેતું. અત્યારે પણ મને શંકા ઉત્પન્ન થાય અને એમનું સ્મરણ કરું કે તરત જ દૂર થઈ જાય છે! મને લાગે છે કે એમનું અનુસરણ કે એમનો પ્રેમ દુર્લભ નથી! મને તો એમનું વિસ્મરણ થવું જ કઠિન લાગે છે.’

એક વાર ધખધખતા બપોરે ગિરીશ ઠાકુરને મળવા કાશીપુર આવ્યા. ત્યારે રામકૃષ્ણની બીમારી એટલી બધી વધી ગઈ હતી કે કોઈની મદદ વગર તેઓ પડખું ય ફરી શકતા નહતા. દૂબળું શરીર દુખ્યા કરતું. એમણે લાટુને વારાહનગરના કંદોઈની પ્રસિદ્ધ દુકાનેથી લાવેલ નાસ્તો ગિરીશને આપવા કહ્યું. ગિરીશ નાસ્તો ખાતા હતા ત્યારે ઠાકુરને તેને કંઈક ઠંડું પીવું છે એવું લાગ્યું. ઓરડાને એક ખૂણે માટીનો કૂંજો પડયો હતો. ત્યાં રહેલા સૌના આશ્ચર્ય વચ્ચે ઠાકુર ઘસડાતા ઘસડાતા ત્યાં પહોંચ્યા અને એમણે એમાંથી ઠંડુ પાણી ગિરીશને પાયું! પોતાના ભક્તો પ્રત્યે કેવો ઉત્કટ પ્રેમ! કેવી ઊંડી એમની ક્ષમાશીલતા! ગિરીશનો મિત્ર કાલીપદ ઘોષ પણ એક અલગારી જ હતો. તે પણ એવી જ રીતે ઠાકુરનો નજીકનો ભક્ત બની ગયો હતો.

ગિરીશે એકવાર રામકૃષ્ણને દક્ષિણેશ્વરમાં બાળકની પેઠે રડતા જોયા. આવી રીતે ખૂબ રોતા તેમને તેણે કયારેય જોયા ન હતા, તેથી તે સ્તબ્ધ બની ગયા! એમણે પછીથી એનું કારણ પૂછતાં ઠાકુરે કહ્યું: ‘મારો શરીરનો બાંધો નબળો છે એટલે ભક્તોને ત્યાં જવા માટે મારે ગાડીની કે નાવની જરૂર પડે છે. અને આ નિત્યાનંદનું શરીર મજબૂત હોવાથી તે પગપાળા પણ જઈ શકે છે’, મને એવું મજબૂત શરીર હોત તો?’ બીજે એક વખતે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘હું સાબુદાણાની રાબ પીને પણ અન્યોનું કલ્યાણ કરવા ઇચ્છું છું.’

દક્ષિણેશ્વરના માલિકની એક ભગવતી નામની નોકરાણી હતી. યુવાન વયમાં તે દુરાચારી હોવા છતાં ભારે અભિમાની હતી. રામકૃષ્ણ એને ઘણાં વરસોથી ઓળખતા અને તેના તરફ કરુણાની નજરે જોતા. કથામૃતમાં કહ્યા પ્રમાણે એકવાર માસ્ટર મહાશય અને રાખાલ મહારાજની હાજરીમાં ભગવતીએ કામુક ભાવથી ઠાકુરના પગ પકડયા! જાણે વીંછી કરડયો હોય તેમ ઠાકુર બેઠા થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા: 

‘ગોવિંદ! ગોવિંદ!’… ખૂણામાંથી ગંગાજળથી ભરેલ લોટો લાવીને દુ:ખી થતાં થતાં પેલી સ્ત્રીએ જ્યાં સ્પર્શ કર્યો હતો તે ભાગ ધોઈ નાખ્યો! ઓરડામાં બેઠેલા ભક્તો તો આ ઘટના જોઈને સ્તબ્ધ જ થઈ ગયા! (કથામૃત, ૨૩૪ – ૫)… ઠાકુર તો બધી સ્ત્રીઓમાં જગદંબાને જ જોતા એટલે એમણે ભગવતીને ઠપકો પણ ન આપ્યો અને એટલું જ કહ્યું: ‘તમારે મને છેટેથી જ વંદન કરવા!’ બધા ભક્તોની વચ્ચે અપમાનજનક સ્થિતિમાં ભગવતીને કાપો તો લોહી ન નીકળે તેવી અવસ્થા થઈ ગઈ, પરંતુ કરુણાસાગર ઠાકુરે તેમના મનને શાંત કરવા જગદંબાની સ્તુતિનાં ત્રણ ગીતો ગાયાં. પછીથી ભગવતીએ ઠાકુરની આજ્ઞાને માન આપીને તીર્થાટન કર્યું અને જરૂરતમંદોને દાનમાં ધન આપ્યું.

સને ૧૮૮૪ સપ્ટેમ્બરની ૨૪મી તારીખે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા. ચૈતન્યનો પાઠ ભજવવા માટે ગિરીશે તે દિવસે વિનોદિનીને નીમી હતી. નાટક પૂરું થયા પછી ઠાકુરે વિનોદિનીનાં વખાણ કરીને એને ખૂબ આશીર્વાદ આપ્યા. ઠાકુર તો આધ્યાત્મિક કેફમાં હતા. વિનોદિનીએ એમને પ્રણામ કર્યા! ઠાકુરે એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું: ‘મા! પ્રકાશો!’ શ્રીરામકૃષ્ણના આવા આશીર્વાદ પામીને વિનોદિની તેમને સાક્ષાત્ ઈશ્વર જ માનવા લાગી. ઠાકુરે પણ એની છેલ્લે દર્શન કરવાની ઇચ્છાને પૂરી કરી, જ્યારે તેણીએ સાંભળ્યું કે શ્યામપુકુરમાં ઠાકુર સખ્ત બીમાર છે, ત્યારે કાલીપદ ઘોષ એને ઠાકુરની સન્મુખ લાવ્યા હતા. આ કાલીપદ ઘોષ ઠાકુરના ગૃહસ્થભક્તો પૈકીના એક હતા. તેમણે પણ ઠાકુરના કહેવાથી પોતાની ખરાબ ટેવો છોડી દીધી હતી. ઠાકુરની ગંભીર બીમારીને કારણે તેમના શિષ્યો ગમે તેને ઠાકુરની મુલાકાત કરાવતાં અચકાતા હતા. કોઈક અપવિત્ર માણસને મળવાથી ઠાકુરની બીમારી વધી જવાનો તેમને ડર લાગતો. કાલીપદ તો ઠાકુરને અવતાર જ માનતા! એટલે આવી કોઈ માન્યતાને તેઓ માનતા નહિ. પણ રામકૃષ્ણના બીજા હિતચાહક શિષ્યો તો આવું માનતા એટલા માટે એમના માન ખાતર એમણે વિનોદિનીને સલાહ આપી કે તે યુરોપિયન ગૃહસ્થનો વેશ ધારણ કરે કે જેથી એને કોઈ ઓળખી ન શકે. કાલીપદે એને શિષ્યો આગળ પોતાના મિત્ર તરીકે ઓળખાવી ઠાકુરના ઓરડામાં પ્રવેશ કર્યો. ઓરડામાં જતાંવેંત કાલીએ વાતનો ઘટસ્ફોટ કરી દીધો. ખરી બીના જાણીને ઠાકુરને પણ રમૂજ થઈ અને તેમની યુક્તિનાં વખાણ કરવા લાગ્યા. પછી કાલીપદે વિનોદિનીના જીવન પરિવર્તનની વાત કહી. ઠાકુર ખુશ થયા અને વિનોદિનીને ટૂંકો જરૂરી થોડો ઉપદેશ આપ્યો અને પછી તેમણે ઠાકુર પાસેથી વિદાય લીધી. ત્યારે વિનોદિનીની આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ ભરાઈ આવ્યાં તેણે ઠાકુરનો પાદસ્પર્શ કર્યો અને ચાલી નીકળી!

પોતાની જીવનકથામાં વિનોદિનીએ લખ્યું: ‘હવે લોકો મારા પતિત જીવનની ટીકા કરે એની મને પરવા નથી. મને ઠાકુરના આશીર્વાદ મળી ચૂકયા છે. એમના પ્રેમાળ આશાસ્પદ આશીર્વાદે મને સંતોષ આપ્યો છે. હું જ્યારે ખૂબ હતાશ થઈ જાઉં છું ત્યારે તેમના મધુર કરુણામય મુખને મારા હૃદયમાં નિહાળું છું અને તેમના ‘હરિ ગુરુ, ગુરુ હરિ’ એવા શબ્દો સાંભળું છું.’… શ્રીરામકૃષ્ણના અવસાન પછી તેણીએ સ્વેચ્છાથી પોતાનો અભિનેત્રીનો વ્યવસાય છોડી દીધો હતો. એ વ્યવસાય છોડયો. ત્યારે તો એની અભિનેત્રી તરીકે કીર્તિ ટોચ પર હતી! પણ તેણીએ લગ્ન કર્યાં.(ભીનીમચિાી ઇચસિૈંજરહચ -સ્વામી તથાગતાનંદ,પાનું ૮૦) સામાન્ય ગૃહસ્થ જીવન જીવતાં એ પ્રભુપરાયણ બની ગઈ. એનું પ્રમાણપત્ર આપતાં ગિરીશે કહ્યું છે: ‘આ સ્ત્રીનું જીવન આપણને મોટો પાઠ ભણાવી જાય છે. લોકો તેણીને હલકી ગણી ચણભણ કરે, ધિક્કારે. પણ પતિતપાવન પ્રભુ તેને ધિક્કારતા નથી. પણ પાપોમાંથી છોડાવે છે. વિનોદિનીનું જીવન એનું જીવતું જાગતું ઉદાહરણ છે.’

આવું જ એક બીજું ઉદાહરણ લૂંટારું પહેલવાન દુરાચારી મન્મથનું પણ છે. એ ઠાકુરને ધાકધમકી આપવા માટે ભાડે રાખવામાં આવ્યો હતો કે ઠાકુરે ભક્તોને મળવા બાગબાઝારમાં જવું જ નહિ! વાત એમ હતી કે યોગિનમા બાગબાઝારની નેબુ બાગાનની શેરીમાં જ રહેતાં હતાં અને ઠાકુરને મળવા અવારનવાર દક્ષિણેશ્વરમાં જતાં. પણ એમના ભાઈ હીરાલાલને એ જરાય ગમતું નહિ. હવે જ્યારે યોગિનમાએ રામકૃષ્ણને પોતાને ઘેર પધારવા નિમંત્રણ આપ્યું ત્યારે હીરાલાલે આ મન્મથ ગુંડાને ઠાકુરને ત્યાં આવતા રોકવા માટે ભાડે રાખ્યો કે જેથી ઠાકુર કયારે પણ કોઈ પણ ભક્તને ત્યાં જઈ જ ન શકે! અને મન્મથની ધાક પણ એવી હતી કે કોલકાતાનો અન્ય કોઈ ગુંડો એનો સામનો કરતાં ડરતો! બધી ગુંડાટોળીઓ એનાથી ડરતી. પણ એનું પછી શું થયું, તે વિશે સ્વામી અખંડાનંદ પોતાનાં સ્મરણોમાં લખે છે: ‘…પણ મન્મથે જ્યાં ઠાકુરને જોયા અને એમની પાસેથી થોડા શબ્દો સાંભળ્યા કે તરત જ તે એમનાં ચરણમાં પડી ગયો અને રડતાં રડતાં કહેવા લાગ્યો કે ‘હે ઠાકુર મને માફ કરો’, ઠાકુરે કહ્યું: ‘કશો વાંધો નહિ. એક વાર દક્ષિણેશ્વર આવજે.’ (સ્મૃતિકથા, ઉદ્બોધન ૪૨/૩)

પછી મન્મથે દક્ષિણેશ્વરમાં ઠાકુરની મુલાકાત લીધી. એણે કરેલ વિનંતીથી તેની સાથે સ્વામી અખંડાનંદ પણ હતા. જ્યારે તેઓ મળ્યા ત્યારે ઠાકુરે તેને માત્ર સ્પર્શ જ કર્યો. ઠાકુરના આ સ્પર્શમાત્રે જ તેનું ધીરે ધીરે કરતાં સાવ રૂપાંતર કરી નાખ્યું. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ તેના પર પ્રેમભર્યું વર્તન દાખવતા. ઠાકુરે મન્મથે ફેંકી દીધેલું જનોઈ પાછું પહેરાવ્યું. તેને તેઓ કાલીમંદિરમાં લઈ ગયા અને આશીર્વાદ આપ્યા. મન્મથ રામકૃષ્ણનો મહાન ભક્ત બની ગયો. માત્ર બે મુલાકાતોમાં તો તે ઠાકુરને ‘પ્રિયનાથ’ ‘પ્રિયનાથ’ કરી સ્મરણ કરવા લાગ્યો તે પછીથી કોલકાતા રહેવા ગયો. લોકોએ એને બહાર – ભીતર બધી જ રીતે બદલાયેલો જોયો. તપશ્ચર્યાથી એનું શરીર પાતળું થઈ ગયું. સ્વામી વિવેકાનંદ એને ઓળખતા હતા વરાહનગર મઠમાં પણ તે જતો – આવતો અને ‘પ્રિયનાથ પ્રિયનાથ’ જપ્યા કરતો. અંતે તે શાંતિથી જ અવસાન પામ્યો.

સાધારણ લોકસમુદાય તરફ જ નહિ પણ પોતાના ગામડામાં મૂંગા પ્રાણીઓ તરફ પણ ઠાકુરની માયા મમતાનો ઉલ્લેખ શ્રીશ્રીમાએ પોતે જ આ પ્રમાણે કર્યો છે કે  – એક વખત વર્ષાઋતુમાં એટલો વરસાદ વરસ્યો કે કામારપુકુરનાં બધાં ખેતરો પૂરનાં પાણીથી ભરાઈ ગયાં. એવાં ખેતરોમાં થઈને ઠાકુર કુલી રોડ તરફ થઈને કુદરતી હાજતે જઈ રહ્યા હતા, પૂરનાં પાણી ખેતરોમાં ઘણી માછલીઓ ઘસડી લાવ્યાં હતાં અને લોકો લાકડીઓ મારી તેમને પકડતા હતા. એમાંની એક માછલી ઠાકુરના પગે ચોંટી. એટલે ઠાકુરે પેલા પકડનારાઓને કહ્યું: ‘મહેરબાની કરીને મારે શરણે આવેલી આ માછલીને પકડશો નહિ.’ તેમ કહી પગથી એ માછલીને પકડીને પાસેના તળાવમાં ધકેલી દીધી! પછી ઘેર જઈને બોલ્યા: ‘અહા! કોઈ આ રીતે આશરે આવે તો એને અવશ્ય જીવનદાન આપવું જોઈએ!’ હૃદયે કહ્યું: ‘મામા, તમે માછલી છોડી દીધી!’

દક્ષિણેશ્વરમાં એક બિલાડી પોતાનાં ત્રણ બચ્ચાંઓને લઈ મંદિરના પરિસરમાં અહીંતહીં ભટકતી હતી. એ છેવટે રામકૃષ્ણના ઓરડામાં જ રહી. ત્યાં એમની કોઈ યોગ્ય સારસંભાળ લેનાર ન હતું. પેલી બિલાડી તો શ્રીરામકૃષ્ણના પગ પાસે જ સૂતી. જો શ્રીરામકૃષ્ણના હાથનો કે પગનો એને સ્પર્શ થઈ જતો, તો તે જાણે એમને એકદમ પ્રણામ કરતી હોય તેમ નમતી! આ બિલાડી અને તેનાં બચ્ચાનું શું કરવું, તેની ઠાકુરને ભારે ચિંતા થઈ. એમને પૂરું ખાવાનું ય મળતું ન હતું! એક દિવસ એક સ્ત્રીભક્ત તેમને મળવા આવ્યાં ત્યારે તેમણે કહ્યું: ‘મારું એક કામ કરશો?’ સ્ત્રીભક્તે તો બે હાથ જોડી કહ્યું કે ‘ગમે તે કામ હશે તો યે કરીશ.’ એટલે ઠાકુરે તેમને બિલાડી અને તેનાં બચ્ચાંની સારસંભાળ રાખવા લઈ જવાનું કહ્યું: ‘જુઓ, તે મારે આશરે આવ્યાં છે એટલે એમની પૂરી કાળજી લેવાની છે.’ (આ વાત તે સ્ત્રીભક્તે ભગિની દેવમાતાને પછીથી જણાવેલી હતી અને દેવમાતાએ પોતાનાં સંસ્મરણોમાં નોંધી હતી.)

એ સ્ત્રીભક્ત તેમને પોતાને ઘરે લઈ ગયાં. પછી જ્યારે જ્યારે તેઓ મંદિરે આવતાં ત્યારે ઠાકુર અવશ્ય તે બચ્ચાંની સારવાર વિશે પૂછતા. રખેને એ મહિલા કોઈ બીજાને એ બિલાડી અને બચ્ચાંને સોંપી દે તો? એનો અંદેશો તેમને રહેતો! તેઓ કહ્યા જ કરતા: ‘ધ્યાન રાખજો, તેઓ મારે શરણે આવ્યાં છે!’ ત્યાર પછી તે બિલાડી અને તેનાં બચ્ચાંઓએ કયારેય એ સ્ત્રીભક્તનું ઘર છોડયું નહિ. એક વરસ પછી બિલાડી માંદી પડી અને મરી ગઈ! મરી ત્યારે તે સ્ત્રીભક્તે તેના મુખમાં ગંગાજળ પાયું હતું! (Days in an Indian Monastery, by Sister Devmata )

શ્રીઠાકુર અવારનવાર ભક્તોને ઘેર ઘોડાગાડી કરીને જતા આવતા. પૂરતા પોષણને અભાવે કોઈક વાર ઘોડાઓ ભાર ખેંચી શકતા ન હતા. જ્યારે ઠાકુર આવું જોતા ત્યારે તેમનું હૈયું કરુણાથી ભરાઈ જતું. ઘોડાગાડીવાળો ઘોડાને એવામાં જ્યારે ચાબુક ફટકારતો ત્યારે તેમને પોતાને ફટકાર્યાના વેદના થતી. એને માટે જ ઠાકુર પોતાના ભક્ત બેનીપાલની ગાડીમાં જ બહાર જવાનું રાખતા કારણ કે તેના ઘોડા મજબૂત અને સ્વસ્થ હતા.

આવાં આવાં તો અસંખ્ય ઉદાહરણો છે. આપણે કેટલાં યાદ કરીએ? કથામૃત, લીલા પ્રસંગ, શ્રીરામકૃષ્ણ પુરાણ, વગેરે અનેક પુસ્તકો તેમજ સામાયિકોમાંથી કેટલાક પ્રસંગો ચૂંટીને મૂકવાનો અહીં પ્રયાસ કર્યો છે. અન્ય તો એવી પાર વિનાની ઘટનાઓ પડી છે!

શ્રીરામકૃષ્ણ માનવજાતને ઈશ્વર સાક્ષાત્કારના સાચા માર્ગો બતાવવા અવતર્યા હતા. તેઓ આપણી વેરવિખેર પડેલી શક્તિઓને ભેગી કરીને સાંધવા માટે અને એક ઘનીભૂત શક્તિ પેદા કરવા માટે પધાર્યા હતા કે જેથી તે માનવ જીવનના આખાય ક્ષેત્રનું, અને તેના પ્રયત્નનું સાતત્ય જાળવે. શ્રીરામકૃષ્ણના ઉદય સાથે જ દિવ્ય પ્રેમની આધ્યાત્મિક ઊર્મિઓ માનવજાત ઉપર ફરી વળી અને એણે પવિત્ર સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. એણે લોકોત્તર ભવ્ય પ્રભાવક સૂક્તો અને પાવન અભિવ્યક્તિ કરતાં નિર્મલ કલાસ્વરૂપોનું નિર્માણ કર્યું છે. શ્રીરામકૃષ્ણ ઓછું બોલ્યા છે, તેઓ તો ઈશ્વરભક્તિમાં જ લીન રહેતા. તેમની ઈશ્વર સંબંધી ઉક્તિઓ અને તેમનું આધ્યાત્મિક જીવન તો ઈશ્વરી સત્યનું સઘનરૂપ જ હતાં. અને એમાંથી પ્રસ્ફૂટિત થતો પ્રકાશ એને સાંભળનારાઓનાં મન અને હૃદયને ભેદી નાખતો.

શ્રીરામકૃષ્ણના સારગર્ભ શબ્દો આપણા આધ્યાત્મિક ચારિત્ર્યને ઘડવામાં પર્યાપ્ત અને છેવટ સુધીનો પ્રભાવ પાથરે છે. કથામૃતમાંના તેમના શબ્દો આપણને આધ્યાત્મિક આનંદનો આસ્વાદ કરાવે છે. આપણું ઉત્તમ કર્તવ્ય તો એ છે કે તેમના એ વિચારોને વિશ્વમાં ફેલાવી દઈએ કે જેને જાણીને સમગ્ર માનવજાતિ પોતાનું મોક્ષદાયી કલ્યાણ પ્રાપ્ત કરી લે.

સંદર્ભ: 

(૧) રામકૃષ્ણ કથામૃત

(૨) શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ

(૩) – સ્વામી તથાગતાનંદ કૃત Celebrate Ramakrishna

(૩) મેક્સમૂલર – Ramakrishna: His Life and Seyings

(૪) ઉદ્બોધન વગેરે સામયિકોના કેટલાક લેખો.

Total Views: 8

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.