શેઠ રામજીલાલ  પોતાના ગામની આજુબાજુના વિસ્તારમાં અને સમગ્ર પ્રાંતમાં પ્રસિદ્ધ હતા. એમણે ભિન્ન ભિન્ન પ્રકારનાં પાંચ-છ કારખાનાં નાખ્યાં હતાં. એમાં હજારો મજૂરો કામ કરતા. વિદેશોમાં આયાત નિકાસનો કરોડો રૂપિયાનો વેપાર થતો. વેપાર ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રમાં પણ એમની નામના હતી. તેઓ શાળાઓ, કોલેજ, છાત્રાલય અને હોસ્પિટલોનું સંચાલન કરતા. તેઓ નિમ્બાર્ક સંપ્રદાયના વૈષ્ણવ હતા. એમણે પોતાના મકાનની પાસે જ શ્રીનાથજીનું એક વિશાળ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં ઘરની દરેક વ્યક્તિએ નિત્ય બંને સમયે પ્રસાદ લેવો પડતો. બધી રીતે સુખી સંપન્ન પરિવાર, શેર માટીની ખોટ! એટલે પતિપત્ની દુ:ખી રહેતાં. એકવાર કુંભના મેળામાં તેઓ હરિદ્વાર ગયાં. ત્યાં એમને બે વર્ષનો એક બાળક સેવાસમિતિના સ્વયંસેવકો દ્વારા મળી ગયો. શેઠાણી તો છોકરાને દત્તક લઈને રાજી રાજી. છોકરાનો ગૌર વર્ણ અને સુંદર નખશિખ જોઈને એ કોઈ કુલીન ઘરનો જ હશે એવું અનુમાન કરી શકાય. પોતાના ઘરે આવીને ધામધૂમથી દત્તક લેવાની વિધિ પતાવી. હજારો લોકોને ભોજન આપ્યું. એ જ વખતે એક હોસ્પિટલ અને કોલેજનો પાયો પણ નાખ્યો. બાળકનું સુંદરમજાનું નામ રાખ્યું – ગોપાલકૃષ્ણ. લોકોએ એ સમયે બહુ વધુ પૂછપરછ પણ ન કરી. બાળકનું આવવું એટલું શુભ બન્યું કે એક જ વર્ષમાં શેઠાણીએ એક દીકરીને જન્મ આપ્યો. ધનદોલત દિવસે ન વધે એટલી રાતે વધવા માંડી.

આ રીતે ૧૭-૧૮ વર્ષ આનંદમાં વહી ગયાં. ગોપાલ અને એની નાની બહેન બંને કોલેજમાં ભણતાં હતાં. સગાં ભાઈબહેન કરતાં પણ વધારે પ્રેમભાવ. ગોપાલ ભણવા-ગણવામાં તો હોશિયાર હતો પણ રમત-ગમતમાં પણ પહેલો કે બીજો જ રહેતો. એમ.એ.માં પ્રથમ નંબરે પાસ થયો. ત્યાર પછી તે વિદેશ જવા ઇચ્છતો હતો, પણ શેઠજી એનાં લગ્ન કરાવીને એને વેપારમાં લગાવી દેવા ઇચ્છતા હતા. સુમને પોતાના ભાઈ માટે એક સુંદર અને સાધન-સંપન્ન સખીની પસંદગી પણ કરી લીધી. કેટલીયે વાર ઘરે બોલાવીને ગોપાલ અને માતપિતાને બતાવી પણ દીધી. એક રીતે એમના સંબંધની વાત પાકી થઈ ગઈ, માત્ર ઔપચારિક વિધિ બાકી હતી.

એ જ વર્ષે બિકાનેરના ઉત્તરીય પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. હજારો લોકો ગામ છોડીને પશુધન સાથે માળવા તરફ જવા લાગ્યા. શેઠજીએ પોતાના વિસ્તારમાં એમના વિશ્રામ માટે વ્યવસ્થા કરી રાખી. એકાદ-બે દિવસ અહીં રોકાઈને યાત્રીઓ થાક ઊતારતા. બીજા સ્વયં-સેવકોને સાથે રાખીને ગોપાલ અને સુમન પણ આ સેવા કાર્યમાં રસ લેતાં. એક દિવસ તેઓ આવી જ રીતે યાત્રીઓના એક સમૂહની સાર સંભાળ લેતા હતા ત્યારે એમાંથી એક આધેડ વયનો માણસ ગોપાલને નીરખી નીરખીને જોવા લાગ્યો. થોડીવાર પછી પોતાનાં ઘરવાળાંને બોલાવી લાવ્યો.

આ બધું જોઈને સુમને હસતાં હસતાં કહ્યું: ‘અરે! ભાઈ આ રીતે આપ શું જુઓ છો? આપની આંખમાં આંસુ કેમ?’ થોડીવાર સુધી તો પેલો પ્રૌઢ કંઈ બોલ્યો નહિ. પછી ખચકાતાં ખચકાતાં કહ્યું: ‘બહેન, મારો છોકરો રામુ આજથી અઢાર વર્ષ પહેલાં હરિદ્વારના કુંભ મેળામાં ખોવાઈ ગયો હતો. એનો રંગ પણ આવો જ ઉઘડતો હતો. એના ડાબા ગાલ પર આવું જ નિશાન હતું. આ કુંવર સાહેબને જોઈને બહેન અમને અમારા ખોવાયેલા દીકરાની યાદ આવી ગઈ.’

ઘરે જઈને સુમને પિતાજીને બધી વાત કરી. વાત સાંભળતાં જ એમનો ચહેરો ઝંખવાણો પડી ગયો. રાતે પેલા પ્રૌઢને બોલાવીને પૂછતાછ કરી. એ લોકો ચમાર હતા, એ પણ જાણી લીધું. એ વર્ષે કુંભસ્નાન કરવા ગયાં હતાં ત્યાં લોકોની ભીડમાં એનો એકનો એક દીકરો ખોવાઈ ગયો. આજ દિવસ સુધી એના કોઈ ખબર-અંતર આવ્યા નથી. ‘છોકરાના શરીર પર બીજા કોઈ ચિહ્ન હતાં ખરાં?’ એવું જ્યારે શેઠજીએ પૂછ્યું ત્યારે પેલા ભાઈએ કહ્યું કે એના ડાબા હાથમાં એક ઘાનું નિશાન છે.

આ બધી વાતો ગોપાલ અને એની મા પણ સાંભળતાં હતાં. એ સમયે પેલા ગરીબ ચમારને ૨૦૧ રૂપિયા આપીને રવાના કર્યા અને કહ્યું: ‘ભાઈ, તું આવી નકામી અર્થવગરની વાતો ન કર. તમે લોકો કાલે જ અહીંથી ચાલ્યા જાઓ, એ જ સારું રહેશે.’ પણ આવી વાતો છુપાવી છૂપતી નથી. લોકોને તો હંમેશાં ક્યાંકને ક્યાંક બહાનું જોઈતું હોય છે. ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. આ બાજુએ શેઠ અને શેઠાણી બંને ઓરડો બંધ કરીને અંદર બેસી રહ્યા. ખૂબ કહેવા છતાં પણ ભોજન માટેય બહાર ન નીકળતા.

ગોપાલ દરેક રીતે યોગ્ય અને શાણો સમજુ હતો. બધી વાત એની સમજમાં આવી ગઈ. દૃઢ નિશ્ચય કરીને બીજે દિવસે સવારે બહેન સુમન પાસે જઈને કહ્યું: ‘બહેન, જે થવાનું હતું તે થઈ ગયું. પ્રભુ જાણે છે કે એમાં મારો દોષ કંઈ નથી. આમ છતાં પણ મારે લીધે તમારે સૌને આટલું મોટું અપમાન સહન કરવું પડ્યું. હવે ગમે તેમ કરીને પિતાજી અને માને ભોજન કરાવવાનો ઉપાય શોધો. એ ગઈકાલથી ભૂખ્યાં-તરસ્યાં છે.’ સુમને જોયું કે જે ભાઈ હંમેશાં હસીમજાક કરતો એ એને નામે પોકારે છે. અને બહેનજી એમ કહીને સંબોધે છે. ખચકાઈને થોડો દૂર બેઠો છે.

એ બંનેએ અનેક વિનંતી કરીને ઓરડાનું બારણું ખોલાવ્યું. જોયું તો એક જ દિવસમાં પિતાજી તો જાણે વૃદ્ધ હોય એવું લાગ્યું અને માતા બિચારી અચેત થઈને પડી છે. દરરોજની જેમ આજે ગોપાલે પિતાનાં ચરણનો સ્પર્શ ન કર્યો. થોડા દૂર ઊભા રહીને કહ્યું: ‘પિતાજી, મારો અને તમારો સંબંધ આટલા દિવસ સુધી જ ઈશ્વરને મંજૂર હતો. હવે તમે બંને હિંમત રાખીને મને વિદાય કરો. મારાં માની ખરાબ દશા તો જુઓ! એમને પણ સાંત્વના આપો. આપે જેટલો મને ભણાવ્યો એનાથી મહિને ૨૦૦-૩૦૦ રૂપિયા તો હું કમાઈ શકીશ.

ઘણા સમયથી ભીતર રોકી રાખેલો ઉદ્વેગ આંખો દ્વારા વહેવા લાગ્યો. આટલા મોટા પ્રતિષ્ઠિત શેઠ એક નાના બાળકની જેમ વિલાપ કરવા લાગ્યા. કહેવા લાગ્યા: ‘હું ભલે ચમાર થઈ જાઉં; પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં હું તને નહિ છોડું. ભલે તેં અછૂતને ઘરે જન્મ લીધો; પણ એટલું તો મને બતાવ કે તારા જેવા ધાર્મિક, નિષ્ઠાવાન, પ્રામાણિક યુવક ઉચ્ચવર્ણમાં પણ કેટલા છે? રામ તો ૧૪ વર્ષ માટે વનવાસ ગયા હતા, પણ તું મને આ વૃદ્ધાવસ્થામાં સદાને માટે છોડીને ચાલ્યો જવા માગે છે.’

આ બાજુએ શેઠની હવેલીમાં સવાર પડતાં જ કોઈને કોઈ બહાને સગાં સંબંધીઓ એકઠાં થવા લાગ્યાં અને ઉપરછલ્લી સાંત્વના બતાવવા લાગ્યાં. કેટલાક તો બધુંય જાણતા હતા, છતાંય પૂછ્યું, ‘હે ભાઈ, શું થયું? કેવી રીતે થયું? વગેરે!’ સાથે ચમારોમાંથી પણ કેટલાકને લઈને આવ્યા હતા. 

થોડીવારમાં જ ગોપાલ એ બધાની સામે જઈને કહેવા લાગ્યો: ‘આપે જે કંઈ સાંભળ્યું છે એ બધું સત્ય છે. હું કોલાયત ગામના ચમારનો છોકરો છું. આ જ સમયે હું ઘર અને આપનું ગામ છોડીને જવા તૈયાર છું. શેઠજીને આપ સૌ માફ કરી દો, એવી મારી હૃદયની વિનંતી છે. એમણે જે કંઈ પણ કર્યું છે એ પૂરી જાણકારી વિના કર્યું છે. અને ભાઈ, મોટામાં મોટા પાપ કે દોષનું પ્રાયશ્ચિત પણ કરી શકાય ખરું.’ પરંતુ શેઠજી કોઈ રીતે ગોપાલને છોડવા તૈયાર ન હતા. એમની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. એ એમને ભેટી પડીને કહેવા લાગ્યા: ‘આ સુમન પણ ગાંસડાં-પોટલાં બાંધીને તારી સાથે આવવાની તૈયારી કરી રહી છે, તો પછી અમે બંને એકલાં આ ઘરમાં શું કરીએ? ચાલો, અમે પણ કોઈ બીજા ગામમાં જઈને ચમારોની સાથે રહેવા માંડશું.’ ગોપાલ જો ઇચ્છત તો શેઠજીના આ ભાવપૂર્ણ ઉદ્‌ગારોનો લાભ ઉઠાવી શકત. એણે સુમન અને શેઠજીને અનેક રીતે સમજાવી ફોસલાવીને ત્યાંથી વિદાય લીધી. બીજે દિવસે જ એક યાત્રીસમૂહની સાથે તે માળવા જવા રવાના થયો. શેઠે અને શેઠાણીએ ઘણી વિનંતી કરી પણ એણે ઘરમાંથી બે-ચાર ધોતિયાં અને ઝભ્ભા સિવાય એકેય વસ્તુ સાથે ન લીધી. એની વિદાય વખતે આખું ગામ ઊમટી પડ્યું. ગઈ કાલ સુધી તો લોકો આ બધું ઈર્ષ્યા અદેખાઈથી જોતા હતા. પણ આજે એ બધાની આંખો પણ ભીની થઈ ગઈ.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.