શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે. બધા દેવતાઓએ દેવીને તેમનાં સ્વરૂપ વિશે પૂછ્યું હતું, તેના જવાબમાં તેમણે કહ્યું: ‘હું બ્રહ્મ સ્વરૂપિણી છું, આનંદ તેમજ નિરાનંદમયી પણ હું જ છું. તેવી જ રીતે વિજ્ઞાન અને અવિજ્ઞાન હું જ છું.’ મા દુર્ગાની ઉપાસના પૂરા ભારતભરમાં બધે જ જોવા મળે છે. રાષ્ટ્રશક્તિ તેમજ માતૃત્વના સ્વરૂપમાં તેમની બધે જ પૂજા કરવામાં આવે છે. ઉમા, ગૌરી, ચંડી, ચામુંડા, કાલી આ બધાં જ તેમનાં જ નામરૂપો છે. દુર્ગા સપ્તશતિમાં મા કાલી, મા લક્ષ્મી તેમજ મા સરસ્વતી આ ત્રણ પ્રમુખ રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. શૈવ તેમજ શાક્ત સંપ્રદાયોમાં દુર્ગા ઉપાસનાનું ઘણું માહાત્મ્ય છે.

સૌથી પહેલાં દુર્ગાનું વર્ણન તેમજ તેમનાં સ્તોત્રો મહાભારત ગ્રંથમાં મળે છે. તેનાથી જાણવા મળે છે કે મહાભારતના સમયમાં મા દુર્ગાની શક્તિ તરીકેની ઉપાસના થતી હતી. ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધ ભૂમિમાં અર્જુનને કલ્યાણ માટે દુર્ગાની સ્તુતિ કરવાનો આદેશ આપેલ તેવો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. (મહાભારત, ભીષ્મપર્વ, અધ્યાય ૨૩, શ્લોક ૧ થી ૧૯). શ્રીકૃષ્ણના આદેશથી અર્જુને રથમાંથી ઉતરી મા દુર્ગાની સ્તુતિ કરી હતી. દુર્ગાનાં અનેક રૂપો માટે આ સ્તોત્રોના એક શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે: ‘તમે સ્વાહાકાર છો, સ્વધા છો, તેમજ કળા, કાષ્ઠા, સરસ્વતી, સાવિત્રી, વેદમાતા તેમજ વેદાંત છો.’ આ સ્તોત્રનાં આરાધ્ય દેવી મા દુર્ગાએ અર્જુનને આશીર્વાદ આપ્યા હતા એમ તેમાં વર્ણવવામાં આવેલ છે.

‘દુર્ગા’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે: ‘દ’ એટલે દૈત્યનો નાશ, ‘ઉ’ એટલે વિઘ્નનો નાશ, ‘ર્’ રોગ હરણ, ‘ગ’થી પાપનો નાશ તેમજ ‘આ’થી ભયનો નાશ તેમજ શત્રુનું દમન. બીજો અર્થ એ છે કે દૈત્યનો વિનાશ કરનાર, તેના ઉપરથી દુર્ગા નામ પડ્યું.

દુર્ગા જ રાષ્ટ્રની પ્રતિમા શા માટે? તેનો અર્થ રાષ્ટ્ર પાસે દૃઢ મનોબળ, સર્વ પ્રકારની સમૃદ્ધિ તથા આધ્યાત્મિક સંપદા હોય ત્યારે જ રાષ્ટ્રનો વિકાસ થાય છે. સિંહ એ દુર્ગાનું વાહન છે. સિંહનો અર્થ ધર્મનું રૂપ થાય છે અને ધર્મ એ સમાજનું ચલ તેમજ અચલનું ધારણ કરે છે તેથી તે દુર્ગાનું વાહન છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે:

બ્રહ્મણાપિ પ્રહષ્ટેન તસ્યૈ પરમશક્તયે ।
પ્રબલ: કેશરી દત્તો વાહનત્વે સમાગત: ॥

સ્વયં પ્રજાપતિ બ્રહ્મદેવે દુર્ગામાને સિંહરૂપી વાહન આપ્યું છે તેમ આ શ્લોકમાં વર્ણન છે.

દેવી સદ્‌ગુણ તેમજ સામર્થ્યની અધિકારિણી (રાજ્ઞી) છે અને સિંહ પ્રાણીઓનો રાજા છે. દૈવીનાં વાળ યમના તેજથી નિર્માણ થયા છે તેમ માર્કંડેય પુરાણમાં કહેવામાં આવ્યું છે. સિંહ પણ તેનાં ગરદનનાં વાળથી બળવાન લાગે છે. દૈવી પુરાણનાં સંદર્ભ અનુસાર – વિષ્ણુ, મહાદેવ, પાર્વતી, કાર્તિકેય, નાગગણ, અશ્વિનીકુમાર, ચંદ્ર, સૂર્ય, વસુકુળ, વરુણ, ચંડિકા, યમ તેમજ યક્ષ વગેરે દેવતાઓનો સિંહનાં વિવિધ અંગોમાં વાસ હોવાનું માનવામાં આવે છે.

વ્યક્તિગત સાધનાની દૃષ્ટિકોણથી સિંહના પ્રતિકનો અર્થ બહુ સારી રીતે વર્ણવવામાં આવ્યો છે. સિંહ બળવાનનો પ્રતિક હોવા છતાં સમર્પણનો ભાવ, વાહન બનવાની નમ્રતા તેમની પાસે જોવા મળે છે. સાધકોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. 

મનના ખૂણામાં છુપાયેલ હિન પશુભાવ જાગૃત ન થાય તે માટે સત્ત્વગુણનો પ્રભાવ જેમાં છે તેવાં માતૃ સ્વરૂપિણી મા દુર્ગા તેના ઉપર સવાર છે. તેઓ તેનો સંયમ કરી રહી છે. બીજો અર્થ એ છે કે લોકશિક્ષણનું કરવાનું હોય ત્યારે સત્ત્વગુણ સાથે રજોગુણ પણ હોવો જોઈએ. સિંહ એ રજોગુણનું પ્રતિક છે. 

જનહિતનું કાર્ય કરવું હોય તો જ્ઞાન, ઇચ્છા, ક્રિયા આ બધી શક્તિનું જાગરણ થવું જરૂરી છે. રજોગુણ ઉપર સત્ત્વગુણનું નિયંત્રણ હશે તો સામાજિક કલ્યાણનું કાર્ય યોગ્ય રીતે થઈ શકશે, તેમજ સમાજમાં સદ્ભાવના સ્થાપિત થશે.

આ પ્રકારનો વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસ થાય તેનો નિર્દેશ, ‘દુર્ગા તેમજ તેનું વાહન – સિંહ’ દ્વારા સમજાવવામાં આવ્યું છે.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.