(ગતાંકથી આગળ)

આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोधत, ‘ઊઠો, જાગો અને, ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’, એમ સ્વામી વિવેકાનંદે મુક્ત અનુવાદ કર્યો છે. કેવો તો સુંદર વિચાર છે! આપણું જીવન આગેકૂચ કરે છે. વહેતું વારિ સ્વચ્છ અને શુદ્ધ હોય છે; બંધિયાર ખાબોચિયું ઉપાધિનું ઘર હોય છે. તેવું જ થાય બંધિયાર જીવન અને બંધિયાર મન. હવે અર્જુન પોતાની લાગણીઓને અને ઊર્મિઓને વશ રાખી શકે છે. માનવ વિકાસનો એ આરંભ છે. કોઈ પ્રાણી લાગણીઓને અંકુશમાં રાખી શકતું નથી. કોઈ લાગણી થાય તેવાં જ તે પોતાના વર્તન દ્વારા તેને આપમેળે અભિવ્યક્ત કરે છે. પણ મનુષ્ય લાગણીઓને વશમાં રાખી શકે છે. ત્યાર બાદ, વાતાવરણને સમજવા કોશિશ કરે છે ને પછી, એ પરિસ્થિતિને અનુરૂપ થાય છે. આમ, લાગણીઓને વશમાં રાખવી તે ચિંતનનું પ્રથમ પગલું છે પછી, અસરકારક કાર્ય આવે. લાગણીનો ઊભરો જોરદાર હોય ત્યારે, મગજ બહેર મારી જાય છે. લાગણીઓ થોડીક પણ શાંત થાય ત્યારે, નિખરેલું ચિંતન શરૂ થાય છે. જ્ઞાનતંતુશાસ્ત્રનો આ નિયમ છે; પ્રાણીઓ પોતાની લાગણીઓને અંકુશમાં રાખી શકતાં નથી. પર્યાવરણ પર અંકુશ રાખવાનું પહેલું પગલું આપણી લાગણીઓ વશમાં રાખવાનું છે. કશુંક જુઓ છો તે ભેગા, તમે એની ઉપર કૂદી પડો છો, કાં તો એનાથી દૂર નાસો છો. પરંતુ, માનવો જ માત્ર પોતાની લાગણીઓને અંકુશમાં રાખી શકે છે, અવલોકન કરી, અભ્યાસ કરી, વિચાર કરી, પરિણામોને મનમાં વાગોળી શકે છે અને કાર્યરૂપે જાતને અભિવ્યક્ત કરી શકે છે. મનુષ્ય એ રીતે પર્યાવરણને અંકુશમાં રાખે છે; કોઈ પણ પ્રાણી એમ કરી શકતું નથી. ધ લિવિંગ બ્રેય્‌ન નામના પોતાના પુસ્તકમાં જ્ઞાનતંતુશાસ્ત્રી ગ્રે વોલ્ટર્સ કહે છે કે, મનુષ્યમાં છે તે શક્તિનો અંશ પણ ચિમ્પાન્ઝીમાં નથી.

એટલે, અર્જુન હવે મનથી વધારે શાંત થયો છે. પછીથી આ અધ્યાયમાં આગળ શ્રીકૃષ્ણ પોતાનું જીવનદર્શન રજૂ કરે છે ત્યારે, એ કહેવાના છે કે મનની આ શાંત દશા, તટસ્થ દશા આવશ્યક છે. શબ્દ છે समत्व. આ લાગણીઓને, ઊર્મિઓને મનમાં જ ભંડારી રાખ. એમને જરા શાંત કરી દે. પછી તું સ્પષ્ટ જોઈ શકીશ, નહીં તો દિલ્હીમાં ધૂળની આંધી ઊઠે છે તેના જેવું એ થશે. લોકો એને આંધી કહે છે; કંઈ જ દેખાય નહીં. આખું આકાશ ધૂળથી ઘેરાઈ જાય. એ જ રીતે, નિરંકુશ ઊર્મિઓ અને લાગણીઓ મનમાં આંધી જેવી બની જાય છે. એ ટાઢી પડે ત્યારે તમને બધું સ્પષ્ટ દેખાવા લાગે, તો લાગણીના, ઊર્મિના ઊભરા હેઠળ કશું જ બોલતા નહીં. એ વખતે કંઈપણ કરશો તો સરખું નહીં થાય. વિચાર વડે લાગણીઓ અંકુશમાં રાખવી ઘટે. કર્મનો આરંભ કરતાં પહેલાં વિષયનાં બધાં પાસાંઓનો અભ્યાસ કરવો ઘટે. શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી બ્રહ્માનંદ કહેતા તે પ્રમાણે, કોઈને કડક પત્ર લખવો હોય તો, તે લખ્યા પછી, એ પત્રને એકબે દહાડા તમારા ઓશિકા નીચે દબાવી રાખવો. પછી એ પત્ર મોકલવો. તમે જાતે જ એને નરમ બનાવશો. એ વેળા તમે ભડકો થયા હતા અને એ ભડકો ધીમે ધીમે શાંત થઈ ગયો છે. લખ્યા ભેગો જ એ પત્ર ટપાલમાં નાખ્યો હોત તો, તમને પોતાને જ થયું હોત, ‘મેં એમ શા માટે કર્યું?’ એનાથી આખી પરિસ્થિતિ વણસી ગઈ. આમ મનુષ્યોમાં આ શક્તિ છે. એનો અમલ ન કરો તો, તમે પશુ જેમ વર્તો છો. મનુષ્યને આપણે વિચારશીલ પ્રાણી કહીએ છીએ. પણ વિચાર દૂર થાય ત્યારે માત્ર પ્રાણી રહે. એટલે, અર્જુન હવે વધારે દોષમુક્ત મનવાળો થયો છે. ટોનિકની અસર થઈ છે. એટલે હવે, એ શાંત, સંકલિત મન:સ્થિતિમાં અને વધારે સુસંગત રીતે શ્રીકૃષ્ણને કહે છે:

अर्जुन उवाच-

कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन।
इषुभिः प्रतियोत्स्यामि पूजार्ही अरिसूदन॥४॥

અર્જુન બોલ્યો:

‘હે કૃષ્ણ, ભીષ્મ અને દ્રોણ જેવા સામે યુદ્ધમાં, હું બાણ કેવી રીતે મારી શકું? એ સૌ મારે માટે પૂજાયોગ્ય છે.’ અહીં વધારે સંબદ્ધ ભાષા જોવા મળે છે, સંખ્યે એટલે, ‘યુદ્ધમાં’ યુદ્ધમાં હું કેવી રીતે इषुभिः प्रतियोत्स्यामि, દ્રોણ જેવાઓ સામે, ‘તીવ્ર બાણો વડે લડી શકું?’ એઓ पूजार्ही,  પૂજા યોગ્ય છે. એ અમારા વડીલો છે. દ્રોણ ગુરુ છે. ભીષ્મ પિતામહ સમાન છે. આ અર્જુનનો શ્રીકૃષ્ણને પહેલો પ્રશ્ન છે. બીજો છે:

गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्॥५॥

‘મારા પૂજ્ય વડીલોને હણવા કરતાં મારે માટે ભીખ માગી નિર્વાહ કરવો સારો છે; પોતાની હેતુસિદ્ધિ માટે અહીં આવેલા આ ગુરુઓને મારીને, મારે લોહી ખરડાયેલા ભોગો ભોગવવાના આવે.’

गुरून्‌ अहत्वा, ‘આ ગુરુઓને હણ્યા વિના’; ગુરુનો અર્થ અહીં માત્ર વિદ્યાગુરુ (શિક્ષક) નથી થતો; એનો અર્થ છે, ‘પૂજ્ય વડીલો! हि महानुभावान्,  ‘મહાનુભાવો, આદરણીય લોકો’ श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके, ‘ઘેર ઘેર ભટકીને હું ભિક્ષા માગવાનું પસંદ કરીશ.’ अहत्वा अर्थकामान्‌ तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्,  ‘સ્થૂળ ભોગોની પાછળ દોડતા આ લોકોને હું મારું તો એમના લોહીથી ખરડાયેલું અન્ન જ મારે ખાવાનું આવે.’ अर्थकाम  એટલે, સમૃદ્ધિ માટેની કામના. એને અર્થકામ શા માટે કહેવામાં આવે છે?

મહાભારતમાં, તેના આરંભમાં જ, એક પ્રસંગ આવે છે. યુદ્ધ આરંભાયું એની થોડીવાર પહેલાં જ, જયેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર પોતાના શત્રુઓ સામે લડવા ચાહતા ન હતા; નિ:શસ્ત્ર બનીને એ સામી બાજુએ ગયા – બેઉ પક્ષોના યોદ્ધાઓ આશ્ચર્યથી એ જોતા જ રહ્યા – અને, ભીષ્મ, દ્રોણ અને શલ્યના ચરણસ્પર્શ કર્યા; એમને પોતાને પક્ષે આવી જવા અથવા તટસ્થ રહેવા વિનંતી કરી. અને ભીષ્મે, દ્રોણે તથા શલ્યે એક જ ઉત્તર આપ્યો કે, ‘અમે તારી સામે યુદ્ધ કરીશું.’ કારણ? ‘અમે કૌરવોના, દુર્યોધનના, ઋણી છીએ. એ અમને પગાર આપે છે, અન્ન આપે છે, અમે આ ઉપકારને વશ છીએ.’ એટલે અમે તને સહાય કરી શકીએ એમ નથી. તારી સામે અમારે લડવું જ પડશે.’ એ સમયે યુધિષ્ઠિરને એ ત્રણેએ એમ કહ્યું હતું (મહાભારત, ભીષ્મપર્વ, ૩૫):

अर्थस्य दासो पुरुषो दासस्त्वर्थो न कस्यचित्,
इति सत्यं महाराज बद्धोऽस्म्यर्थेन कौरवैः –

આ અગાઉની વાત છે; ભીષ્મ ત્યારે કૌરવોના અતિથિ હતા; દ્રોણને પગાર, રહેવા ઘર અને બીજું સર્વ કૌરવો તરફથી મળતું હતું; આજની ભાષામાં કહીએ તો, બધી હક્સાઇ સાથે નિમાતો અમલદાર. દ્રોણને એ મળતું હતું; શલ્યને પણ. આમ સૌ કૌરવો સાથે બંધાયેલા હતા. ગીતા પણ આ ભીષ્મ પર્વમાં જ આવે છે. આ શ્લોક કહે છે, ‘માણસ પૈસાનો દાસ છે, પૈસો કોઈનો દાસ નથી.’ ભાષા જ જુઓ. इति सत्यं महाराज बद्धोऽस्म्यर्थेन कौरवैः, ‘પૈસા વડે અમે કૌરવો સાથે બંધાયા છીએ; કૌરવો અમને પગાર, ભથ્થાં વ. આપે છે.’ આજે પણ આ કેટલું સાચું છે? આપણને મળતા પગાર વડે આપણે બંધાઈ જઈએ છીએ; જેમની આપણે ચાકરી કરીએ છીએ તેમને આપણે વફાદાર છીએ; આપણાથી બીજું કંઈ કરી શકાતું નથી. એમ શા માટે? કારણ આપણને અન્ન, પાણી, ઘર વ. ઈન્દ્રિયતૃપ્તિનાં સાધનો અને એ બધી સુખસગવડ જોઈએ છે અને એ સઘળાં માટે પૈસો જોઈએ. મોટા ભાગના લોકો પૈસાના દબાણને વશ હોય છે. અર્જુન આ પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. એ બધા અર્થકામો છે, એમને હણવાથી મને શું મળવાનું? એમના લોહીથી ખરડાયેલો ખોરાક મને મળશે ને એ મારે ગળે નહીં ઊતરે. એને બદલે હું ભિક્ષાન્ન પસંદ કરું, એમ અર્જુન કહે છે. પછી,

न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः।
यानेव हत्वा न जिजीविषाम स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥६॥

અમારી સાથે ધૃતરાષ્ટ્ર પુત્રો – કૌરવો – છે; સૌ યુદ્ધ માટે સજ્જ. આ પરિસ્થિતિમાં અમારે માટે શું લાભદાયી છે તે અમે નથી સમજતા. न चैतद्विद्मः कतरन्नो गरीय:, ‘અમારે માટે સૌથી વિશેષ અગત્યનું અને લાભદાયી શું છે તે મને સમજાતું નથી.’ શું છે એ?  यद्वा जयेम यदि वा नो जयेयुः, ‘અમે જીતીએ કે અમે એમને જીતવા દઈએ – આ બે વિકલ્પોમાંથી હું પસંદ કરી શકતો નથી. અમારા માટે શું હિતકર છે તે હું જાણતો નથી. यानेव हत्वा न जिजीविषाम, ‘જેમને હણીને જીવવાની અમને ઇચ્છા નથી; तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ‘અંધ ધૃતરાષ્ટ્રના પુત્રો, આ કૌરવો અમારી સામે ખડા છે તે સૌને હણ્યા પછી અમારે જીવવાપણું જ નહીં રહે.’ આમ શ્રીકૃષ્ણ સમક્ષ એ વધારે તાર્કિક રીતે પોતાની મૂંઝવણ રજૂ કરે છે. પછીનો શ્લોક ગીતાબોધના ચોક્કસ અર્થ સન્મુખ આપણને ખડા કરી દે છે. અર્જુન કહે છે, ‘મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તમારા ચડિયાતા જ્ઞાનનું શરણ હું શોધું છું. મારું જ્ઞાન અહીં કામ નથી આપતું. હું તમારો શિષ્ય છું. મારે માટે શ્રેયસ્કર શું છે તે કૃપા કરી મને કહો;’ શિષ્ય આમ કહે ત્યારે જ, ગુરુ બોધ દેવાનો આરંભ કરે. વેદાન્તમાં વણમાગી સલાહને સ્થાન નથી. તમે માગો નહીં ત્યાં સુધી, તમને અપાયેલી વસ્તુનું કશું મૂલ્ય નથી. એટલે, બધા ટીકાકારો કહે છે કે, ગીતા બીજા અધ્યાયના સાતમા શ્લોકથી શરૂ થાય છે; એ શ્લોકમાં અર્જુન કહે છે, ‘હું તમારી પાસેથી જ્ઞાન માગું છું. મારે માટે શ્રેયસ્કર શું છે તે હું જાણતો નથી. કૃપા કરી મને તે સમજાવો.’

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः।
यच्छ्रेयः स्यात्‌ निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥७॥

‘દૈન્યના દોષથી મારી જન્મજાત પ્રકૃતિ દબાઈ ગઈ છે અને, મારાં ધર્મ અને ફરજ વિશે હું મૂંઝવણ અનુભવું છું; માટે હું તમને પૂછું છું: મારું શ્રેય શામાં છે તે મને સ્પષ્ટ કહો. હું તમારો શિષ્ય છું; તમારે શરણે આવેલા એવા મને બોધ આપો.’

कार्पण्यदोषोपहत स्वभावः, ‘દીનતાના દોષથી મારી જન્મજાત પ્રકૃતિ દબાઈ ગઈ છે; धर्मसम्मूढचेताः, ‘મારો ધર્મ શો છે એ વિશે હું મૂંઝવણ અનુભવું છું; पृच्छामि त्वां, ‘હું તમને પૂછું છું;’ यच्छ्रेयः स्यात्‌ निश्चितं ब्रूहि तन्मे, ‘મારું શ્રેય શામાં છે તે મને સ્પષ્ટ કહો; शिष्यस्तेऽहं, ‘હું તમારો શિષ્ય છું;’ शाधि मां त्वां प्रपन्नम्, ‘તમારે શરણે આવેલા એવા મને બોધ આપો.’

પ્રથમ અધ્યાયને અંતે આપણે સાંભળ્યું હતું તેના કરતાં, અહીં અર્જુન પોતાની પરિસ્થિતિ વધારે ગંભીર રીતે સમજાવે છે. ત્યાં, એ સાવ ભાંગી પડયો હતો, મનનું સંતુલન એણે ગુમાવ્યું હતું. એટલો બધો ગ્લાનિગ્રસ્ત એ હતો. મેં અગાઉ કહ્યા પ્રમાણે આ અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકોમાં શ્રીકૃષ્ણે એને પાયેલા ટોનિક પછી, અર્જુન થોડો ઠંડો પડ્યો. પોતાની મુશ્કેલીઓને એ વધારે સુરેખ ભાષામાં રજૂ કરી શકયો. આપણા જીવનમાં આપણે સૌ આવા સંજોગોમાંથી પસાર થઈએ છીએ. એક બાબત સિવાય, અર્જુન અનન્ય નથી. આપણે સૌએ લડાઈ લડવાની હોતી નથી કે, યુદ્ધ ખેલવાનું હોતું નથી. અર્જુનને યુદ્ધ ખેલવાનું હતું; પણ આપણે સૌએ જીવનસંગ્રામ ખેલવાનો હોય છે, પ્રશ્નોનો સામનો કરવાનો અને તેમને ઉકેલવાના હોય છે અને સિદ્ધિ માટે યત્ન કરવાનો હોય છે. આપણી સૌની સામે પડકાર ઊભો છે. એટલે, સૌની સામે યુદ્ધ કરનાર અર્જુનો આપણે થવાના નથી. ગીતાનો અર્થ એ નથી. એક ચોક્કસ પરિસ્થિતિ; એમાંના કશાકનું સનાતન મૂલ્ય છે. એ પરિસ્થિતિમાંથી સનાતન મૂલ્યને તારવી લો. એથીસ્તો, બીજા અધ્યાયના પૂર્વાર્ધ પછી, યુદ્ધ શબ્દ ક્યાંય સંભળાતો નથી. પછીનું બધું ચારિત્ર્ય, શુચિતા, પ્રેમ, કરુણા વિશે છે. બારમા અધ્યાયે પહોંચીએ ત્યારે, ‘મારો સાચો ભક્ત કોણ?’એ પ્રશ્નમાં બધા બોધનું પ્રતિબિંબ પડે છે. શ્રીકૃષ્ણ કહેશે: ‘જે દૃઢ અને નિર્ભય છે અને બીજાઓને પણ દૃઢ અને નિર્ભય બનાવે છે, તે મારો સાચો ભક્ત છે. પોતાના બળનો ઉપયોગ બીજાના નાશ માટે એ કરતો નથી.’: यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः, ‘જે જગતને ડરાવતો નથી અને જે જગતથી ડરતો નથી.’ (ગીતા, ૧૨.૧૫), તે ઉચ્ચ ચારિત્ર્ય છે. બીકણ વ્યક્તિ જગતને ડરાવતી નથી. પણ એ બીકણ છે. ને એ સદ્‌ગુણ નથી. પરંતુ  એક અતિ બળવાન વ્યક્તિ જગતને ડરાવી શકે છે. એ પણ મોટો સદ્‌ગુણ નથી. પણ દૃઢતા અને નિર્ભયતા ધારણ કરો અને, બીજાઓમાં તે પ્રેરો – એ આદર્શ માનવતા છે. માત્ર આ ગ્રંથનો જ નહીં પણ આપણા સમગ્ર સનાતન ધર્મ સાહિત્યનો એ મુખ્ય બોધ છે. ઉપનિષદો; ગીતા, મહાભારત, ભાગવત સર્વમાં ઉત્તમ મનુષ્યના સનાતન ધર્મ ચિત્તને નિર્દેશતો એ શબ્દ જોવા મળે છે. એ શબ્દ અજાતશત્રુ, ‘જેનો શત્રુ હજી જન્મ્યો નથી તે.’ તમારે શત્રુ છે, તમે એને ચાહો છો, એને ક્ષમા આપો છો તે એક બાબત છે. તમને શત્રુ જ નથી, તમે કોઈને શત્રુ માનતા જ નથી, મનની એ ઉચ્ચતમ સ્થિતિ છે. એ ઘણો અર્થગર્ભ શબ્દ છે; અજાતશત્રુ, ‘જેનો શત્રુ અજાત – જન્મ્યો નથી તેવો – છે તે; માનવવિકાસની એ ઉચ્ચતમ કક્ષા છે. કદાચ, આંગળીને વેઢે ગણાય તેટલાં મનુષ્યો જ એ ઉચ્ચતમ દશાએ પહોંચી શકે છે. પરંતુ એ જ ઉચ્ચતમ દશા છે. ઓછા ને ઓછા આક્રમક થઈને, વધારે ને વધારે પ્રેમાળ અને શાંતિચાહક થઈને એ દિશામાં આગળ વધે તો, કોઈપણ મનુષ્ય કુદરતી વિકાસ દ્વારા પોતે કોઈ પણ પરિસ્થિતિમાંથી ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શકે છે. તે કુદરતી વિકાસનું એ સર્વસ્વ બની જશે.  માનવ વિકાસની ફિલસુફી તરીકે સામાન્ય સંજોગોમાંથી પેલી ઉચ્ચ કક્ષાની યાત્રાનું આલેખન ગીતામાં થયું છે. 

એની પ્રાપ્તિ માટે, કોઈવાર, જગતના સંજોગો અનુસાર, તમારે લડીને, યુદ્ધ કરીને પણ અનિષ્ટનો સામનો કરવો પડે. એમ ન કરો તો, તમારી જાતનો કે, સમગ્રપણે સમાજનો વિકાસ તમે સાધી શકો નહીં. અનિષ્ટનો સામનો ન કરીએ તો, એ અનેકગણું થઈ જાય. સાધુ માટેના બોધથી ગૃહસ્થ માટેનો બોધ જુદો છે. ગૃહસ્થને કુટુંબ છે, એની દેખભાળ રાખવાની છે, એનું રક્ષણ કરવાનું છે. ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો ચોરને આદર આપીને, ‘આ પણ લઈ જાઓ,’ એમ ગૃહસ્થ ન કહી શકે. પણ કેટલાક મોટા સાધુઓએ તેમ કર્યું છે. વિવેકાનંદના જીવનચરિત્રમાં આપણે ગાઝીપુરના પવહારી બાબા વિશે વાંચીએ છીએ તેમણે એમ કર્યું હતું. કોઈ ચોર કશું ઉપાડી ચાલતો થયો તો, ચોરની પાછળ દોડતા જઈ બાબા કહેવા લાગ્યા, ‘તમે કેટલુંક ભૂલી ગયા છો, ભાઈ. હું તમને તે આપું છું એ પણ લઈ જાઓ.’ આ સુંદર વિચાર છે. અને પવહારી બાબાને સ્પર્શે પ્રેરાઈ ચોર પણ સાધુ બની ગયો. વિવેકાનંદ હ્યષીકેશમાં એ સાધુને મળ્યા હતા અને, પવહારી બાબાને સ્પર્શે કરેલા પરિવર્તનની કથા સાંભળી હતી. પણ સામાન્ય નાગરિક એમ કરી શકે નહીં. એની ચોરાઈ ગયેલી ચીજ ગઈ તે ગઈ અને, એ ખોટ એણે ભોગવવાની. આવી ખોટ એને પરવડી શકે નહીં. પોતાની પાસે જે કંઈ હોય તેનું રક્ષણ શાંતિપૂર્ણ માર્ગે અને, જરૂર જણાય તો, હિંસક માર્ગે પણ, કરવાનું આપણે શીખવું જોઈએ.

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.