પ્રસિદ્ધ નાટ્યકાર, કવિ અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષ એકવાર સ્વામી વિવેકાનંદની પાસે આવ્યા અને કહ્યું, ‘ભાઈ નરેન, તમારે એક કામ કરવું પડશે. મારી એક વિનંતી છે.’ ત્યારે નરેને કહ્યું, ‘જી.સી., ગિરીશચંદ્ર ઘોષને તેઓ જી.સી. કહેતા, તમારે વિનંતી કરવાની હોય? તમે આદેશ આપો, આદેશ.’ ત્યારે ગિરીશચંદ્ર ઘોષે કહ્યું, ‘તમે આપણા ગુરુદેવને સમજ્યા છો એવી રીતે બીજું કોઈ સમજ્યું નથી અને પ્રભુ એ તમને કેટલી બધી શક્તિ પણ આપી છે તો અમારી એવી ઇચ્છા છે, તમે શ્રીરામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખો.’ ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘જી.સી. તમે કહ્યું તે વાત સાચી છે. ક્યારેક મને એવી શક્તિનો અનુભવ થાય છે કે સમસ્ત પૃથ્વીને દડાની જેમ ફેંકી દઉં પણ તમે બીજી જે વાત કરી કે શ્રીરામકૃષ્ણદેવનું જીવન લખવાની તે મારાથી કદાપિ નહીં થાય. અરે! હું રામકૃષ્ણદેવને સમજ્યો છું કેટલું? કેટલી અપૂર્વ એની મહિમા! અરે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ ભગવાન રામકૃષ્ણદેવની સીમા ન થઈ શકે. શ્રીરામકૃષ્ણનો મહિમા તો અનંત! આ તો એવી વાત છે કે કોઈ એક વ્યક્તિને શિવજીની મૂર્તિ ઘડવાનું કહે ને બની જાય વાનરની મૂર્તિ. શું હું આવી રીતે શ્રીરામકૃષ્ણના મહિમાને મ્લાન કરી નાખું? નહીં; નહીં, હું કેટલું રામકૃષ્ણદેવને સમજ્યો છું? મારા દ્વારા આ અશક્ય કાર્ય નહીં થઈ શકે. બધું મારા માટે શક્ય છે પણ શ્રીરામકૃષ્ણદેવની જીવન ગાથા લખવાનું મારા માટે શક્ય નથી.’ અને ખરેખર સ્વામી વિવેકાનંદે છેવટ સુધી શ્રીરામકૃષ્ણદેવનું જીવન ન લખ્યું. શ્રીરામકૃષ્ણદેવને સમજવાની બહુ મોટી ચાવી એમણે પોતે રચેલ શ્લોક અને સ્તોત્ર દ્વારા આપણને આપી દીધી –

स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे।
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः॥

રામકૃષ્ણ મિશનનાં દેશ વિદેશમાં વ્યાપ્ત સર્વ શાખાઓ અને સેંકડો અનૌપચારિક કેન્દ્રોમાં અને અનેક જગ્યાએ  ‘ખંડન ભવબંધન જગવંદન વંદી તોમાય..’ આ સ્તોત્ર સંધ્યા આરતી સમયે ગવાય છે. સ્વામીજીએ પોતે એ રચનાને સંગીત આપ્યું, લયબદ્ધ કર્યું અને શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતીએ સહુથી પહેલાં ગાયું.  આ સ્તોત્રમાં શ્રીરામકૃષ્ણદેવનો મહિમા અપૂર્વ રીતે વર્ણવામાં આવ્યો છે. શ્રીરામકૃષ્ણનું જીવન, એમનો સંદેશ અને એમના ગુણોનું સમસ્ત વર્ણન તથા શ્રીરામકૃષ્ણદેવનું ધ્યાન અદ્ભુત રીતે થઈ જાય એવું આ સ્તોત્ર છે. 

સ્વામી વિવેકાનંદે જે કાર્ય ન કર્યું તે પાછળથી ત્રણ વ્યક્તિઓએ કર્યું. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી સારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ નામનું પુસ્તક લખ્યું. આ ઐતિહાસિક અને અદ્ભુત ગ્રંથમાં શ્રીરામકૃષ્ણદેવના જીવનની પ્રત્યેક ઘટનાની એમણે ચકાસણી કરી. Most authentic biography of Shri Ramakrishna અત્યંત પ્રમાણભુત ગ્રંથ કે જ્યાં લેખકે કહ્યું કે, એક પણ એવી ઘટના કે વસ્તુનું વર્ણન નથી કે જેની ચકાસણી તેમણે સ્વયં ન કરી હોય. અત્યંત આધારભૂત, પ્રામાણિક ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પાંચ ભાગમાં લખ્યો છે. બીજી રચના એટલે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’. તેના લેખક માસ્ટર મહાશય શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ પોતાની ડાયરીમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોને નોંધતા. એમના જે વાર્તાલાપો થતાં એમને એ જ દિવસે પોતે ટાંકી રાખતા. પછી પાછળથી સ્વામી વિવેકાનંદને આ ખબર પડી એમણે ડાયરી જોઈ અને કહ્યું કે આનું પ્રકાશન કરો. એમણે કહ્યું, આમાં તો અદ્ભુત વાત છે! સ્વામી વિવેકાનંદના અત્યંત આગ્રહથી આ જ ડાયરીનું ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રૂપે પ્રકાશન થયું. જે બંગાળીમાં પાંચ ભાગમાં છે. પછી એનો અનુવાદ બે ભાગમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રૂપે ગુજરાતીમાં થયો. એ ઉપરાંત દેશ-વિદેશની વિભિન્ન ભાષાઓમાં પણ તેનો અનુવાદ થયો છે.

આજે લાખો લોકોને શાંતિનું સિંચન ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ કરી રહ્યું છે. જેમાં આપણને એમ લાગે છે કે શ્રીરામકૃષ્ણદેવ આપણી સામે સાક્ષાત્ બેઠા છે અને આપણી સાથે વાતો કરે છે. એ શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તકના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ અમર થઈ ગયા. સ્વામી સારદાનંદજી અમર થઈ ગયા અને ત્રીજું એક અદ્ભુત પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ પુંથી’. શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્તોમાંના એક અક્ષયકુમાર સેન એના લેખક છે. એમને સ્વામી વિવેકાનંદ રમૂજમાં ‘શાખ ચુન્ની’ કહીને બોલાવતા. એટલે કે બંગડી પહેરેલી ચૂડેલ. કારણ કે દેખાવમાં કદરૂપા હતા પણ અત્યંત ભક્તિવાન. સ્વામી વિવેકાનંદની આ એક પ્રથા હતી કે દરેકને હુલામણું નામ આપતા. શાખ ચુન્ની (અક્ષયકુમાર સેન)ને સ્વામી વિવેકાનંદે પ્રેરણા આપી અને આ પુસ્તક લખાવ્યું.  જેવી રીતે રામાયણ પદ્યમાં ગવાય છે તેવી રીતે લોકભોગ્ય ભાષામાં બંગાળીમાં અક્ષયકુમાર સેને શ્રીરામકૃષ્ણદેવના જીવનપ્રસંગોની પદ્યાકારે રચના કરી. એમણે પોતે જે પ્રસંગો જોયાં હતા, મ્હાણ્યા હતા, પોતે સાંભળ્યા હતા એ શ્રીરામકૃષ્ણ પુંથીમાં છે. જે વાત ભગવાન શ્રીરામના જીવન માટે તુલસીદાસે કરી એ જ રીતે અક્ષયકુમાર સેને શ્રીરામકૃષ્ણદેવના જીવન માટે પદ્યમાં કરી. ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણ આપણી પાસે છે. વાલ્મીકિ રામાયણમાં અદ્ભુત અને આધારભૂતતાનો ઇતિહાસ જોવા મળે છે પણ ભાવનાઓનો ઉત્કર્ષ તુલસી રામાયણમાં મળે છે. તુલસી રામાયણના રામ એ પુરાણા નહીં, ત્રેતાયુગના નહીં પણ આજના યુગના અનુભવાય છે. એ કામ જે તુલસીદાસે કર્યું એ જ કામ, અવતાર વરિષ્ઠાય  રામકૃષ્ણદેવના જીવન-સંદેશને અક્ષયકુમાર સેને લોકભોગ્ય બનાવી કર્યું. બંગાળમાં ગામડે ગામડે તેમણે આનો પ્રચાર કર્યો. 

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘એનું પુસ્તક વાંચીને મેં જે આનંદ અનુભવ્યો એ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ પુસ્તકનું બહોળું વેચાણ થાય એવાં બધા જ પ્રયત્નો કરશો. પછી અક્ષયને ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનું કહેજો. કમાલ કરી અક્ષય! અક્ષય પોતાનું કાર્ય બરાબર કર્યે જાય છે. ગામડે ગામડે જઈને શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશની ઘોષણા કરજો. આનાથી વધારે ભાગ્યશાળી કામ બીજું શું હોઈ શકે?’

સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ પુંથી માટે કેટલાંક સૂચનો કર્યાં હતાં:

૧. વેદો, વેદાંતો અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું, એનું આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે.

૨. શ્રીરામકૃષ્ણદેવનું જીવન સમજ્યા વિના માણસો વેદો, વેદાંતો અને અવતારો વગેરેને સમજી શકે નહીં. એ બધાનું સ્પષ્ટીકરણ શ્રીરામકૃષ્ણ હતા. આ બધી વાતો પણ પુંથીમાં સમાવવી. 

૩. એમના જન્મ અને આગમન સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારોના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીના ઈશ્વરી પ્રેમના ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેના, અમીર અને ગરીબ વચ્ચેના, ભણેલા અને અભણ વચ્ચેના, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેના આ બધા ભેદભાવોને નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા. હિન્દુ અને મુસલમાન, હિન્દુ અને ખ્ર્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. જુદાપણાનો જે ઝઘડો હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે.

આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રેમની ભરતીએ સહુને એક કરી દીધા છે. સ્વામીજીનાં સૂચનોને ધ્યાનમાં રાખી પાછળથી અક્ષયકુમારે તેનું પાલન કર્યું. એમના પુસ્તકમાં આ બધી વાતો વણી લીધી. 

શ્રીરામકૃષ્ણદેવ અવતાર છે, એ અંગેની ધારણા શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના થોડા દિવસો પહેલાં સ્વામીજીના મનમાં દૃઢમૂળ થઈ હતી. સ્વામી વિવેકાનંદ કોઈ વાત કારણ વગર માની લે તેવા ન હતા. એ તો સંશયવાદી હતા. આપણાથી અનેક ગણા સંશયવાદી હતા. અને એ સંશય એમને છેવટ સુધી રહ્યો હતો. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના દિવસે શ્રીરામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી એના ત્રણ દિવસ પહેલાની વાત છે. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થયું હતું અને એમને સારવાર માટે કાશીપુર ઉદ્યાનમાં લાવવામાં આવ્યા હતા અને સારવાર લઈ રહ્યા હતા. એમના સંન્યાસી શિષ્યો સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ વગેરે, એ વખતે તો કોલેજના વિદ્યાર્થીઓ હતા અને સંન્યાસ લીધો ન હતો, તેઓ સારવારમાં હતા. ત્યારે સ્વામી વિવેકાનંદના મનમાં સંશય આવ્યો. અરે! લોકો કહે છે શ્રીરામકૃષ્ણ ઈશ્વરના અવતાર છે. ઈશ્વરના અવતારની આવી દશા! આવી કરુણ અવસ્થા કે એ બોલી શકતા નથી, કાંઈ ખાઈ શકતા નથી. આટલી વેદના થઈ રહી છે. અચાનક એમનાં મનમાં વિચાર આવ્યો કે આટલી બધી વેદના જ્યારે તેઓ સહન કરી રહ્યાં છે ત્યારે તેઓ પોતાના મોઢે એમ કહેશે કે ‘તેઓ ઈશ્વરના અવતાર છે’, તો જ હું સ્વીકાર કરીશ અને અદ્ભુત વાત! હજી તો આ વિચાર એમના મનમાં આવ્યો છે ત્યાં તો શ્રીરામકૃષ્ણ એમના તરફ જોઈને કહે છે, ‘અરે! નરેન, હજુ અવિશ્વાસ, હજુ અવિશ્વાસ! જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ આ દેહમાં શ્રીરામકૃષ્ણરૂપે છે. તારા વેદાંતના મત પ્રમાણે નહીં.’ વેદાંતના મતે તો બધા જ અવતાર છે. પછી સ્વામી વિવેકાનંદ – નરેન્દ્રનાથ તેમનાં ચરણ પકડે છે અને કહે છે: ‘ગુરુદેવ માફ કરો, માફ કરો. મારું મન બહુ પાજી છે. મારું મન વારંવાર સંશયવાદી બની જાય છે. હે પ્રભુ! હવે સંશય નહીં કરું. મને માફ કરો.’ એ પછી સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવ પર એક શ્લોકની રચના કરી:

स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे।….

અને એક સ્તોત્રની રચના કરી:

आ चंडाला प्रतिह तस्यो प्रेम प्रवाहो।….

આમ, સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવ પર કોઈ જીવનચરિત્ર ન લખ્યું હોવા છતાં પોતાના અલ્પકાલીન જીવનમાં તેમનો અનન્ય મહિમા ગાયો છે.

સ્વામી વિવેકાનંદે પોતાના પ્રવચનમાં કહ્યું હતું: 

‘વિચારોથી, શબ્દોથી કે કાર્યો દ્વારા મારાથી જો કંઈ પણ ઉપકાર થયો હોય, જો મારા મુખમાંથી દુનિયામાં કોઈને પણ મદદરૂપ થાય એવો એક પણ શબ્દ નીકળ્યો હોય, તો તેનો યશ મને નથી, એ બધો યશ તેમને જ છે. પરંતુ જો મારે મોઢેથી કોઈ શાપવાણી નીકળી હોય, જો મારામાંથી ધિક્કારની કોઈ લાગણી બહાર આવી હોય, તો તે બધો દોષ મારો છે, તેમનો નથી. જે કાંઈ નબળું અને ઊતરતું છે તે બધું મારું છે; જે કંઈ જીવનશક્તિને દેનારું તાકાત વધારનારું, શુદ્ધ અને પવિત્ર છે, તે બધું તેમની પ્રેરણા, તેમની વાણી છે, સ્વયં તેઓ પોતે છે. ખરેખરે, મારા મિત્રો! જગતે હજી એ મહાપુરુષને પિછાનવાના બાકી છે. દુનિયાના ઈતિહાસમાં આપણે પેગંબરો અને તેમનાં ચરિત્રો વિષે વાંચીએ છીએ; એ બધું તેમના શિષ્યોનાં સૈકાંઓ સુધીનાં કાર્યો અને લખાણો દ્વારા આપણી પાસે આવે છે. હજારો વરસ દરમિયાન કોરાઈ કોરાઈને અને ઘડાઈ ઘડાઈને એ મહાન આચાર્યોનાં જીવનચરિત્રો આપણી સમક્ષ આવે છે; અને છતાં મારા મત પ્રમાણે મેં જે મારી દૃષ્ટિ સમક્ષ જોયું છે, જેમની છત્રછાયા નીચે હું રહ્યો છું, જેમનાં ચરણે બેસીને હું સર્વ કંઈ શીખ્યો છું, તે શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન જેવું તેજસ્વી અને ઉચ્ચ જીવન બીજું એકેય મેં જોયું નથી.’ ભગવાન રામકૃષ્ણદેવની જય હો! જય હો! જય હો!

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથના વિમોચન વખતે તા. ૨૪-૨-૨૦૦૮ના રોજ આપેલ પ્રાસંગિક વ્યાખ્યાનના અંશો)

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.