‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

૧૯મી સદીના સાડા ત્રણ દાયકા પછી (૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ) શ્રીરામકૃષ્ણનું અવતરવું એ વિશ્વના ધર્મ ઇતિહાસનું એક સીમાચિહ્ન હતું. એ વખતના અંગ્રેજોના પાટનગર સમા કોલકાતાથી ૯૮ કિમી દૂર આવેલ એક પછાત ગામમાં ગદાધર નામના બાળકનો જન્મ થયો હતો અને ત્યાં જ એમણે બાળપણ વિતાવ્યું. એમના અતિવિલક્ષણ અને ગૂઢ જ્ઞાનની વાણી તથા આચરણોએ એમને ‘વિલક્ષણ રામકૃષ્ણ’ બનાવી દીધા. આ શબ્દ રામકૃષ્ણ અને એમના શિષ્યો વિશે મહાન ગ્રંથ લખનાર અમેરિકાના ક્રિસ્ટોફર ઈશરવુડે વાપર્યા છે. ‘આ વિલક્ષણતા કે અસાધારણતા એ હંમેશની હકીકત બની છે અને એ અનુભૂતિનો વિષય છે’, આમ છતાં પણ એમાંની બધી બાબતોને આપણે બૌદ્ધિક કે તાર્કિક દૃષ્ટિએ સમજાવી ન શકીએ.

કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એમના જીવનની હકીકતોનું જ્ઞાન હોવું જરૂરી છે. વળી એ વ્યક્તિને જાણવા માટે એમનાં ચારિત્ર્ય, કાર્ય કે આચરણો, વાણી અને ઉપદેશોને સ્વીકારવા કે આત્મસાત્ કરવાની ક્ષમતા પણ આવશ્યક છે. એને લીધે એની વ્યક્તિમત્તાના હાર્દ સુધી આપણે પહોંચી શકીએ છીએ. આ કાર્યને અસરકારક રીતે પાર પાડવા કોઈ પણ વ્યક્તિએ પોતાની સંકલ્પનાની કેટલીક પૂર્વ ધારણાઓને દૂર કરવી પડે. વળી કોઈ પણ વ્યક્તિને સમજવામાં બીજી વ્યક્તિની માન્યતાઓ અને એના દૃષ્ટિબિંદુઓ સાથે સંમતિ સાધવી એવું પણ નથી. પરંતુ શ્રીરામકૃષ્ણ જેવા આધ્યાત્મિક જગતની મહાન વિભૂતિને સમજવાનો પ્રયત્ન કરવા માટે શ્રદ્ધાની જરૂર પડે ખરી, ભીતરની શ્રદ્ધા અને એમને માટે માન-આદર પણ જોઈએ. એમને સાંગોપાંગ જોવાની, જાણવાની ઉત્કટતા અને ખંત સાથે ગહનતાપૂર્વક મનથી ગ્રહણ કરવાની શક્તિ પણ જરૂરી છે.

પોતાના નાનકડા ગામમાંથી શ્રીરામકૃષ્ણ કોલકાતા આવ્યા ત્યારે તેઓ હજુ તરુણ અવસ્થામાં હતા. થોડાં વર્ષો પછી સંજોગોએ એમને કોલકાતાના ઉત્તર વિસ્તારના દક્ષિણેશ્વર મંદિરમાં લાવી મૂક્યા. અહીં તેઓ ૧૨ વર્ષ સુધી ગહન અને સઘન આધ્યાત્મિક અભ્યાસ કે તપમાં નિમગ્ન રહ્યા. પોતાના નિર્મળ ચારિત્ર્ય, સત્ય શોધનાની ઊંડી ઝંખના અને પૂર્ણ નિષ્ઠાને લીધે તેઓ આધ્યાત્મિક ક્ષેત્રની સર્વોચ્ચ સિદ્ધિના શિખરે પહોંચી ગયા. આમ છતાં પણ પોતાના વિચિત્ર હાવભાવ, દર્શનો અને અનુભૂતિઓને લીધે અવારનવાર હાંસીનું પાત્ર પણ બનતા. ૧૮૭૫ના માર્ચમાં સુપ્રસિદ્ધ બ્રાહ્મોસમાજના નેતા કેશવચંદ્ર સેનને આ વાતની જાણ થઈ અને એમણે પ્રશંસા કરી. સાથે ને સાથે સુશિક્ષિત લોકોનું ધ્યાન એમના તરફ ખેંચ્યું.

ધીમે ધીમે મધ્યમવર્ગના ગૃહસ્થ ભક્તોનું એક નાનું વૃંદ શ્રીરામકૃષ્ણની આકર્ષક વ્યક્તિમત્તા અને ઉપદેશથી અત્યંત પ્રભાવિત થયું અને એમાંથી એક ભક્તોનું હાર્દસમું વૃંદ રચાયું. આ પહેલાં પણ દક્ષિણેશ્વરના કેટલાક બંદૂકધારી શિખો અને બરાકપુર છાવણીના સૈનિકો, બડાબજાર વિસ્તારના કેટલાક મારવાડી વેપારીઓ, ગંગા સાગરના યાત્રાળુઓ તેમજ અહીંતહીં ભમતાં લોકો આ સંતની આજુબાજુ એકઠા થવા લાગ્યા. આ મુલાકાતીઓને તેઓ ભક્તિભાવભર્યાં કીર્તનગાનથી આનંદ આપતા. પરંતુ જ્યારે તેઓ સમાધિભાવમાં આવી જતા ત્યારે એમનું આવું ગાન થંભી જતું અને એમનું મુખ દિવ્યાનંદના હાસ્યથી ચમકી ઊઠતું. જ્યારે તેઓ બાહ્ય ભાનમાં આવતા ત્યારે તેઓ ઈશ્વર વિશેની પોતાના હૃદયની વાતો સતત કરતા અને મુલાકાતીઓ પણ એમની વાતો ભાવપૂર્વક સાંભળતા અને આનંદપૂર્વક એમને નિરખતા રહેતા. તેઓ પરમહંસના નામે સુખ્યાત બન્યા. આ બધું એમણે જુદા જુદા ધર્મપંથોની આધ્યાત્મિક વિભૂતિઓની સાધનાના પથે ચાલીને મેળવ્યું હતું.

મૂક્પણે અને સ્થિરધીર રીતે એમની જીવનકથા અને ઉપદેશો પ્રસર્યા. એમની મહાસમાધિથી ગરીબ-તવંગર, વિદ્વાન-નિરક્ષર એવા લાખો લોકો એમના વિશે સાંભળીને કે વાંચીને પોતાના જીવનના તારનું ઉચ્ચકક્ષાએ અનુસંધાન કરવામાં સફળ નીવડ્યા. વળી કેટલાક લોકો શ્રીરામકૃષ્ણને પૂર્ણપણે સમજવા અને ગ્રહણ કરવામાં પોતાની અસમર્થતા પણ વ્યક્ત કરે છે વળી કેટલાક એવા પણ છે કે એમનું વર્ણન સાંગોપાંગ પૂર્ણ અને સુંદર તેમજ એમાં કશુંયે ઉમેરવાનું ન રહે એ રીતે કરી શકે છે. આ બધા શ્રીરામકૃષ્ણને પૂરેપૂરી રીતે જાણ્યા-સમજ્યા હોય કે ન હોય છતાં પણ આટલી તો પ્રશંસા કરવી રહી કે એમાંના ઘણા લોકો અમીકૃપા પામેલા છે અને એમણે પોતાની ક્ષમતા પ્રમાણે એમનાં વાણી અને ઉપદેશને ગ્રહણ કર્યાં છે.

શ્રીરામકૃષ્ણનો પ્રભાવ

આ બાબતમાં કોઈને પણ એ જાણીને આશ્ચર્ય થવાનું કે ઠાકુરના સમયમાં પુષ્કળ માનપાન પામતા કેટલાક લોકો અવારનવાર શ્રીરામકૃષ્ણ વિશે મૂંઝવતા અને એમનો ધારદાર વિરોધ કરતા મતો પણ પ્રગટ કરતા. બ્રાહ્મોસમાજના અગ્રણી પ્રતાપ મજૂમદારે લખ્યું છે: ‘મારામાં અને એનામાં સામાન્ય તત્ત્વ શું છે? હું એક યુરોપના રંગે રંગાયેલો સુસભ્ય, સ્વકેન્દ્રી નાસ્તિક જેવો કહેવાતો ભણેલો-ગણેલો તર્કવાદી અને તે (શ્રીઠાકુર) એક ગરીબ અભણ, અસભ્ય, રોગી, મિત્ર વિહોણા, સંકોચશીલ, અડધાપડધા મૂર્તિપૂજક એક હિંદુ ભક્ત? મારે એમનાં દર્શન કે સાંભળવા માટે શા માટે કલાકોના કલાકો સુધી બેસવું?.. એમને સાંભળીને શા માટે મારે મંત્રમુગ્ધ બની જવું? અને હું એકલો જ નહિ પણ મારા જેવા ડઝનબંધ લોકો આવું જ કરે છે.’ વિલિયમ ડિગ્બી નામના ‘મદ્રાસ ટાઈમ્સ’ના સંપાદક અને ‘પ્રોસ્પરસ બ્રિટિશ ઈંડિયા’ના લેખકે નોંધ્યું છે: ‘ગત શતાબ્દિ દરમિયાન બ્રિટિશ બુદ્ધિપ્રતિભાનાં સૌથી શ્રેષ્ઠ ફળપ્રદ પરિણામો આપણને રોબર્ટ બ્રાઉનિંગ અને જ્હોન રસ્કિનમાં જોવા મળે છે. પરંતુ બંગાળના અસભ્ય જેવા લાગતા અને અભણ શ્રીરામકૃષ્ણની સરખામણીમાં તેઓ બંને અંધારામાં ફાંફાં મારનાર છે. આપણે જેને ભણતર કહીએ છીએ તેના વિશે કંઈ જાણતા નથી, પણ તેઓ યુગપુરુષની વાણી બોલે છે અને થાકેલા હારેલા મર્ત્ય માનવીઓને તેઓ ઈશ્વરાનુભૂતિની વાત કરે છે.’

બીજી બાજુએ પ્રો. વિનયકુમાર સરકાર જેવાને ઈશુએ આપેલી આજ્ઞાઓ, ફરજો કે સદ્‌ગુણની વાત શ્રીરામકૃષ્ણના ઉપદેશમાં જોવા મળતી નથી. વળી આપણને એમના ઉપદેશોમાં જ્ઞાતિ, જાતિ સુધારણા કે સામાન્ય જનસમૂહના ઉદ્ધાર કે બીજી સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે તર્ક અને તેના ઉપદેશ-પ્રચારની વાતેય જોવા મળતી નથી. આમ છતાં પણ આપણા દૈનંદિન જીવનની મહત્ત્વની અને પાયાની બાબતો માટે  એમના દ્વારા આપણને એક શ્રદ્ધેય માર્ગદર્શક અને સૌના મિત્ર મળી રહે છે.

જ્યારે જ્યારે ઈશ્વર આ ધરતી પર માનવના રૂપે અવતરે છે ત્યારે તેઓ પોતાની સાથે પોતાના સાથીઓ પણ લાવે છે. એમાંથી કેટલાક ઈશ્વરકોટિ કક્ષાના હોય છે. આમ છતાં પણ આ ઈશ્વરકોટિ કક્ષાના સાથીઓ પોતાના ગુરુદેવને પૂરેપૂરા ગ્રહણ કરવા કે જાણી શકવા સમર્થ બન્યા નથી, તેવું વિનયપૂર્વક સ્વીકારે છે. આવું કેટલાક ગતકાળના અવતારો વિશે પણ બન્યું છે. શ્રીરામકૃષ્ણ ક્યારેક ભીષ્મની વાત કહેતા. શરશય્યા પર સૂતેલા આ મહાન વીર નાયકની આંખમાંથી આંસુ વહેતા હતા એ પાંડવોએ અને શ્રીકૃષ્ણે જોયું. જ્યારે એ બધાએ એમને પૂછ્યું ત્યારે ભીષ્મે ઉત્તર આપતાં કહ્યું કે ભલે ભગવાન પોતે એમના સારથિ બન્યા હોય તો પણ પાંડવોનાં દુ:ખપીડાનો અંત નથી, એ વિચારમાં તેઓ પડ્યા હતા. અને એટલે જ તેઓ રડી પડ્યા. પછી એમણે કબૂલ કરતાં કહ્યું: ‘હું ઈશ્વરનાં કાર્યો કે એમની રીતભાત વિશે કંઈ જાણી શક્યો નથી, એનું મને દુ:ખ છે.’

૧૮૮૬ના ઓગસ્ટમાં શ્રીરામકૃષ્ણદેવના દેહાવસાન પછી એમના મોટા ભાગના શિષ્યો અને સહધર્મચારિણી શ્રીમા સારદાદેવીને શ્રીઠાકુરે વારંવાર ખાતરી આપી હતી કે તેઓ હજી પણ હાજરાહજૂર છે અને ચેતનાના બીજા સ્તરેથી તેઓ કાર્ય કરી રહ્યા છે. સ્વામી રામકૃષ્ણાનંદની દૃષ્ટિએ શ્રીઠાકુરના લગભગ બધા પ્રત્યક્ષ શિષ્યોને એમની મહાસમાધિ પછી દર્શન થયાં હતાં. સ્વાભાવિક રીતે આવા વ્યક્તિગત પ્રત્યક્ષ-દર્શન કે આભાસો ધીમે ધીમે વધવા લાગ્યા. આ ઉપરાંત જેમ જેમ સમય વીત્યો તેમ શ્રીરામકૃષ્ણના જીવને પછીની પેઢીઓ પર ભિન્ન ભિન્ન રીતે પોતાનો પ્રભાવ પાડ્યો. સાથે ને સાથે એમના અસાધારણ જીવન અને ઉપદેશ પ્રસર્યાં. એમની વાણીમાં અદ્ભુત શાણપણ હતું જ. પણ નિ:શંક રીતે એમના જીવને એમની વાણી કરતાં વધારે ચમત્કાર કર્યો છે અને એનો પ્રભાવ ભણેલા- ગણેલા-અભણ, રહસ્યવાદી-નાસ્તિક કે ધાર્મિક શ્રદ્ધાવાળા, યુવાન અને વૃદ્ધોમાં એક સરખી રીતે પડતો રહ્યો છે.

એમની પહેલાં આ પૃથ્વી પર જીવી ગયેલ મહાન આધ્યાત્મિક વિભૂતિઓના જીવનની જેમ આપણે કોઈ રચી કાઢેલી, અંધશ્રદ્ધાવાળી વાતો, અપૂરતી સામગ્રીવાળા ગ્રંથો તેમજ શંકા નીપજે તેવાં સાક્ષીભૂત તત્ત્વો કે કેટલીક વહેતી દંતકથાઓ પર આધાર રાખવો પડે છે, તેવું શ્રીરામકૃષ્ણના જીવન વિશે બનતું નથી. એનું કારણ એ છે કે એમનો બધી વિગતો અને પૂરાવાઓ સાથેનો જીવન ઇતિહાસ મળે છે. એટલું જ નહિ એમની પાંચ તસવીરો પણ મળે છે. આ બધું હોવા છતાં પણ ૧૦૦ વર્ષથી વધુ કાળના એમના જીવનના ઇતિહાસના તેમજ ઉપદેશોના અનેક દૃષ્ટિબિંદુ સાથેના અભ્યાસથી પણ એમને પૂરેપૂરા જાણવાની અને સમજવાની સમસ્યા આપણને આજે પણ મૂંઝવે છે.

 (ક્રમશ:)

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.