૨૬ ઓક્ટોબરે, બુધવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું. ૨૭ ઓક્ટોબરે, સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પૂર્વાધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજનો વિદાય સમારંભ

૬ નવેમ્બર, રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે વિવેક હોલમાં સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજનો ૬૦૦ જેટલા ભક્તોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. સમારંભનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. આ પ્રસંગે ભૂજ કેન્દ્રના સંવાહક શ્રીગોરે સ્વામીજીના મિલનસાર સ્વભાવ અને કેન્દ્રના સંચાલન તેમજ વિકાસમાં એમનાં સૂચનોનો ઉલ્લેખ કરીને સેવાને બિરદાવી હતી. ધાણેટી કેન્દ્ર અને શાળા વતી શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ ધાણેટી ગામ અને શાળા તેમજ વિદ્યાર્થી મંદિરના સાર્વત્રિક વિકાસ માટે એમણે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા અને એમની વિનમ્રતા અને સૌની સાથે ભળી જવાના સ્વભાવને પણ બિરદાવ્યો હતો. ઉપલેટા ભાવપ્રચાર કેન્દ્રના શ્રી ભાનુબહેને કહ્યું હતું: ‘ઉપલેટાના કેન્દ્ર માટે નવી જમીન ખરીદવામાં તેમજ ત્યાર પછીના કેન્દ્રના વિકાસ માટેનાં કાર્યોમાં સ્વામી ધ્રુવેશાનંદજીનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. અમારી મુશ્કેલીઓ કે અડચણોમાં એમનું માર્ગદર્શન અમારા માટે એક અનેરું પ્રેરણાબળ બની ગયું છે. મારા, અમારા અને આપણા આ સ્વામીજી આપણને હંમેશાં યાદ રહેશે અને અમે કહીએ ત્યારે તેઓ અહીં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરીએ છીએ.’ રસિકભાઈ ભાલોડિયા પરિવાર તરફથી શ્રી કિશોરભાઈ શાહે ઉપલેટા કેન્દ્રના વિકાસ માટે રૂ. ૨,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરીને સ્વામીજીએ આપેલી આ કેન્દ્રના વિકાસ માટેની સેવાને બિરદાવી હતી. 

કાર્યક્રમના પ્રારંભમાં સ્વામી મંત્રેશાનંદે સ્વામીજીના નિર્મળ, નિખાલસ સ્વભાવ; સર્વ પ્રત્યેના આદરભાવ અને પ્રેમભાવ તેમજ દરેક કાર્યમાં ઝીણવટભરી નજર રાખવાની શક્તિને યાદ કરીને એમના પ્રદાનને બિરદાવ્યું હતું. એમના કાર્યકાળ દરમિયાન શ્રીરામકૃષ્ણ પુરાણ અને શ્રીરામકૃષ્ણ કથામૃત સહિતનાં બીજાં ૪૫ જેટલાં પ્રકાશનો થયાં છે. એ દ્વારા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રવાહ સમગ્ર ગુજરાતમાં પ્રસર્યો છે. સ્વામી પ્રભુસેવાનંદે આરોગ્ય કેન્દ્રના સાર્વત્રિક વિકાસ માટે એમણે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. એમણે હંમેશાં શિવભાવે જીવસેવાનું કાર્ય કર્યું છે. 

જામનગરના પ્રો. સરવૈયાએ સ્વામીજીના સાથ-સહકાર અને ઉદાર ભાવને બિરદાવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના શ્રીમતી કવિતાબેન સૂદ, શ્રી ભદ્રાયુ વછરાજાની, મિતલબેન દોશી, શ્રી જીતુભાઈ અંતાણી અને શ્રી પ્રવીણભાઈ પરમાર સહિત સૌએ સ્વામીજીના ભક્તજનો માટેના અનન્ય પ્રેમભાવ, સૌની સાથે ભળી જવાની એમની સાહજિક પ્રકૃતિ, સર્વ સેવાના આશ્રમના કાર્યક્રમમાં એમણે લીધેલ સક્રિય રસ, આબાલવૃદ્ધ સૌને આદર ભાવે આવકાર આપનાર એક સંનિષ્ઠ સંન્યાસી તરીકે બિરદાવ્યા હતા. માળિયા મિયાણાના વતની અને રાજકોટમાં રહેતા શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ શ્રીરામકૃષ્ણ ભાવધારાના રંગે રંગાઈને માળિયા મિયાણામાં ભાવપ્રચાર કેન્દ્ર શરૂ કરવા બધી સવલતો આપવાની વાત કરીને સ્વામીજીના મિલનસાર સ્વભાવને બિરદાવ્યો હતો. સ્વામીજીને બધા ભક્તો તરફથી શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી અને શ્રી મનસુખભાઈ મહેતાએ એમની વિવિધ સેવાઓને બિરદાવતું સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નવા વરાયેલા અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામી ધ્રુવેશાનંદજી સાથેના પોતાના ૨૧ વર્ષના સુદીર્ઘકાળના પરિચયનો ચિતાર આપીને એમણે કરેલી વિવિધ સેવાઓને બિરદાવી હતી અને એમની પાસેથી કેટલાય ઉદાત્ત ગુણો અને કાર્ય કુશળતા, વહીવટી ક્ષમતાના ગુણ તેમણે કેળવ્યા છે અને આ બધા ગુણો એમને આ આશ્રમના સંચાલન માટે હંમેશાં માર્ગદર્શન રૂપ રહેશે એમ જણાવ્યું હતું. જ્યારે જ્યારે સલાહ-માર્ગદર્શનની જરૂર પડે ત્યારે એમનું માર્ગદર્શન મળતું રહેશે એ વાત નિ:શંક છે.

પોતાના પ્રતિભાવ આપતાં સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં વિવિધ સેવાકીય કાર્યો માટે સ્વયંસેવક ભાઈ-બહેનો, ઉદાર દિલે સહાય આપનાર ભાવિક ભક્તજનો અને રાજકોટની નજીકમાં રચાયેલી મદારી કોલોનીમાં રાજકોટના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ આપેલ અનન્ય સહકારને યાદ કર્યો હતો. પોતે કરેલી આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભક્તજનોનો સિંહફાળો રહ્યો છે. પોતાના રોટલામાં સૌને ભાગીદાર બનાવવાની ક્ષમતા ગુજરાતની પ્રજામાં છે એ ભાવનાને પણ એમણે બિરદાવી હતી. ગુજરાતી પ્રકાશન કાર્યમાં વર્ષોથી સેવાઓ આપનારને યાદ કરીને એમણે બિરદાવ્યા હતા. વાસ્તવિક રીતે સંસ્થાનું સંચાલન તો એમના ભક્તજનો અને સંનિષ્ઠ સ્વયંસેવકો કરે છે, અમે તો માત્ર પડદા પાછળ રહીને માર્ગદર્શન આપતા રહીએ છીએ. આશ્રમની સાર્વત્રિક પ્રવૃત્તિઓ અને ઉન્નતિ માટે ભક્તજનોનો સહકાર હંમેશાં સાંપડતો રહેશે. પોતે બાંગ્લાદેશના અત્યંત પછાત વિસ્તાર દિનાજપુર જિલ્લામાં જાય છે, પણ એમનું કાર્ય સહજ-સરળ નથી. થોડું પડકાર રૂપ પણ છે. આમ છતાં પણ શ્રીરામકૃષ્ણની ચરણધૂલિથી પવિત્ર બનેલ, શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજની ચરણરજથી પાવન બનેલ આ ભૂમિ, તેમજ હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની જન્મભૂમિમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને શ્રીમા સારદાદેવીની ભાવધારાનો પ્રવાહ વહે છે એટલે મારું કાર્ય પ્રમાણમાં એમની કૃપાથી સરળ બનશે.

ઉપસ્થિત ભક્તોએ સ્વામી ધ્રુવેશાનંદજીને પ્રણામ કરીને તેમજ સ્મૃતિચિહ્ન રૂપે કંઈક અર્પણ કરીને અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના અંતે ૬૫૦ જેટલા ભક્તોએ આશ્રમના પટાંગણમાં પ્રસાદ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરા

વડોદરાના રેલવે સ્ટેશને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના સ્ટોલનું ઉદ્‌ઘાટન ૬ ઓગસ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે વડોદરા ડિવિઝનના ડિવિઝનલ મેનેજર રેલવે શ્રી એ.કે. શ્રીવાસ્તવના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે એમણે ૧૮૮૦ થી માંડીને પુસ્તક વેંચાણના ભારતીય રેલવેના કાર્યનો ઇતિહાસ રજૂ કર્યો હતો. સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી સદાનંદ હાથરસ રેલવે સ્ટેશન, યુપીના સ્ટેશન માસ્તર હતા. એમનું નામ શરદ્ચંદ્ર ગુપ્ત હતું. આ દૃષ્ટિએ રેલવે માટે સ્વામીજીનું અનન્ય મહત્ત્વ છે. એ પહેલાં સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદે ઉપસ્થિત મહેમાનો અને મુખ્ય અતિથિનું અભિવાદન કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે રેલવેના પ્લેટ ફોર્મ પર સ્વામીજીનાં પુસ્તકો વાંચીને ઘણી વ્યક્તિઓએ પોતાના જીવનમાં અજબનું પરિવર્તન આણ્યું છે. સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં આ ઘટના મહત્ત્વની બની રહે છે. આ પ્રસંગે અનિવાર્ય સંજોગોને લીધે મુખ્ય ઉદ્‌ઘાટક રૂપે ન આવી શકનાર ભારત સરકારના રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન શ્રી ભરતસિંહ સોલંકીએ પોતાનો સંદેશો પાઠવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષામાં વડોદરાના શ્રેષ્ઠ સિદ્ધિ મેળવતા વિદ્યાર્થીઓને પુરસ્કારવાનો એક સમારંભ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી વિનોદરાવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એમણે પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને પોતપોતાના જીવનમાં સફળતા મેળવવા સ્વામીજીના ગ્રંથો વાંચવાનું કહ્યું હતું. પોતાનું ઉદાહરણ ટાંકીને એમણે કહ્યું હતું કે હું જ્યારે ૧૧મા ધોરણમાં હતો ત્યારે સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું અને એણે મારા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. મેં રાષ્ટ્રની સેવા કરવાનો નિર્ધાર કર્યો અને આઈ.એ.એસ.ની પરીક્ષા ઘણી મુશ્કેલીઓ છતાં પસાર કરી. સ્વામી વિવેકાનંદના આ શબ્દો વિદ્યાર્થીઓએ હંમેશાં યાદ રાખવા જેવા છે – ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આ સંસ્થામાં નિયમિત આવવા વિનંતી કરી. સ્વામીજીના આદર્શ પર ચાલીને પોતાના જીવનના પરમ ઉત્થાનના કાર્યમાં વિદ્યાર્થીઓને લાગી જવા હાકલ કરી હતી.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.