સામાન્ય રીતે પુત્ર જન્મ કોઈપણ કુટુંબ માટે આનંદનો ઉત્સવ બને. જીતેન્દ્રભાઈ મારુના પરિવારમાં એક પુત્ર અવતર્યો. પણ ઈશ્વરે એના નાક, તાળવું અને હોઠ ક્રૂર બનીને લઈ લીધા. આખો પરિવાર આ બાળકને જીવાડવા માટે સતત ઝઝૂમતો રહ્યો. દોઢ વર્ષની ઉંમરે મુંબઈની જસલોક હોસ્પિટલમાં એના પર છ-છ મોટાં ઓપરેશનો થયાં. ત્યાંના નિષ્ણાંતોએ પ્લાસ્ટિક સર્જરીથી આ ઉત્તમને નાક, તાળવું અને હોઠ આપ્યાં. નાક માટે તો ડ્રીલથી હોલ પણ પાડ્યા. નબળું શરીર, હાથ પૂરતો વળે નહીં એટલે ફિઝિયોથેરાપીની ચિકિત્સા સેવા શરૂ થઈ.

આ રીતે જન્મેલા ઉત્તમે કે એના પરિવારે જરાઈ હિંમત ન હારી. સ્વામી વિવેકાનંદ કહેતા ‘જો તમારામાં પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો તમે સર્વ કંઈ કરી શકો છો.’ ઈશ્વર પરની અસીમ શ્રદ્ધા, અખૂટ ધીરજ, માતપિતાના અને બાળકના સતત પ્રયાસોથી આ નાના બાળકે આજે ગીતાના ૭૦૦ શ્લોક, અનેક સ્તોત્રો, વેદ-ઉપનિષદના કેટલાક શ્લોકો, ભજન અને ગીતો કંઠસ્થ કરી લીધાં છે. ઘર, શાળા અને બાલભવનના વાતાવરણમાં ઉછરેલ આ ૯ વર્ષનો ઉત્તમ અંધ હોવા છતાં હિંચકા, લપસિયા ખાય છે; ઝૂલા અને રોપ વોકિંગ પણ કરીને આનંદ માણે છે. પ્રજ્ઞાચક્ષુ મીનાબેન રાઠોડ પાસે બ્રેઈલલિપિ પણ શીખે છે.

ઈશ્વરની આ એક અદ્‌ભુત ચમત્કાર જેવી કરામત છે. એ આપણને કોઈક અંગઉપાંગ વિના જન્મ તો લેવડાવે છે પણ એની સાથે બીજી કેટલીયે કલાનું કૌશલ પણ આપણામાં ઠાંસી ઠાંસીને ભરી દે છે.

આ બાળક ઉત્તમની સ્મરણશક્તિ અદ્‌ભુત છે. સંગીત એને અત્યંત પ્રિય છે. અને સંગીતનું સતત શ્રવણ કરતાં કરતાં ૪૦ જેટલા રાગ પર પોતાનું ગળું અજમાવી લીધું છે. સંગીત શિક્ષકો પાસેથી ગાયન અને તબલાની તાલીમ પણ લઈ રહ્યો છે. નૃત્યકળામાં પોતાનું નૂર બતાવવા નૃત્યની તાલીમ પણ લે છે.

૯ વર્ષના જન્માંધ અને અનેક ખોડખાપણ સાથે જન્મેલા આ ઉત્તમે પોતાની ઉત્તમત્તા સિદ્ધ કરી રાજકોટના એક સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ૧૯ જૂન, ૨૦૧૧ ને રવિવારે હેમુ ગઢવી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં આ કુદરતે દીધેલી કરામતવાળા બાળકે સૌના હૃદયને પોતાના ત્રણ કલાક સુધીનાં ગીત-ગાનમાં ડૂબાડી દીધાં હતાં. આ એમનાં ગીતોમાં મહમ્મદ રફી, મુકેશ, મહેન્દ્ર કપુર, કિશોરકુમાર, મનહર ઉધાસ, પંકજ ઉધાસ તો હોય પણ પંડિત જશરાજના ગીતોથી એણે પ્રેક્ષકોનાં હૃદય જીતી લીધાં.

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જૂનો ધર્મ કહે છે કે જે ઈશ્વરમાં નથી માનતો તે નાસ્તિક છે, પણ નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’

બાળકો ! તમે પણ ગમે તે પરિસ્થિતિમાં હો પણ આત્મશક્તિ કેળવો, સતત પ્રયત્નશીલ રહો અને જિંદગીની પ્રત્યેક મુસીબતનો હસતાં હસતાં અને વીરતાથી સામનો કરો તો વિજય તમારા હાથમાં જ રહેવાનો. આ કળા કેળવવા માટે આપણે ૯ વર્ષના અપંગ-અંધ ‘ઉત્તમ’ને મળીને ‘ઉત્તમ’ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બાળક ક્યાંય બહારનો નથી, રાજકોટ શહે૨નો છે, પણ છે અનન્ય બાળક.

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.