સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર કહેતા તે ગ્રહણ કરતા. સંન્યાસ દીક્ષા લેવા માટે હજી એમના મનની તૈયારી ન હતી. આમ છતાં પણ એમનું મન સતત શ્રીઠાકુર તરફ ખેચાયેલું રહેતું. શ્રીભૂપેન્દ્રનાથ બોઝે એમનો એક હૃદયસ્પર્શી પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘હું અને નરેન્દ્રનાથ એક વકીલની ઓફિસમાં કામ કરતા હતા. વચ્ચે વચ્ચેથી તેઓ એ વખતે ચાલ્યા જતા. ક્યારેક એમને શોધવા માટે મને મોકલતા. ક્યારેક એવું પણ બનતું કે તેઓ શ્રીરામકૃષ્ણને ત્યાં પણ ન મળે અને એમની હંમેશની જગ્યાએ પણ ન મળે, એટલે છેલ્લે એકવાર મેં એમનું એ ઠામઠેકાણું પૂછ્યું, પણ એમણે કંઈ જવાબ ન આપ્યો.

એક દિવસ હું ઓફિસમાંથી નીકળ્યો, શહેરના એક બીજે જ રસ્તે ગયો. ત્યાં ઝૂંપડાં જ હતાં, અમસ્તુંય ત્યાં કોઈ જાય નહીં. એ વિસ્તારના દરેક ઘરે ભયંકર ગરીબી મને દેખાણી. ત્યાંજ એક ગંદી ઝૂંપડી આગળ સાધુના વેશમાં મેં એક માણસને ભીખ માગતાં જોયો, મારી આંખો અને મારી નજર પર મને વિશ્વાસ ન આવ્યો. અહીં આટલાં ગરીબ માણસો એને શું ભીખ આપવાના!, કોણ હશે આ સંન્યાસી? હું એની પાસે ગયો. એક ગરીબ વૃદ્ધ સ્ત્રીએ એને ખોબો ભરીને ચોખા આપ્યા અને એના બદલામાં એ સંન્યાસીએ એ વૃદ્ધ સ્ત્રીને પ્રેમથી ખૂબ આશીર્વાદ આપ્યા. એ સંન્યાસી પાછા વળ્યા એટલે મેં એનું મોં જોઈ લીધું, હું તો ચમકી ગયો. આ તો સંન્યાસીના વેશમાં નરેન્દ્ર (વિવેકાનંદ) જ છે! અમે એકબીજાની સામે આવી ગયા. એમણે મને પોતાની પાછળ આવવા કહ્યું, ઝડપથી ચાલતાં થોડી જ વારમાં અમે નદીકિનારે પહોંચ્યા. ઘાટના ઉપલા પગથિયે બેઠા.’

નરેન્દ્રનાથે કહ્યું, ‘મારાં આ વસ્ત્ર બધું જ સૂચવે છે, મારે સંન્યાસી બનવું છે. શ્રીરામકૃષ્ણની ભાવધારામાં મારે ભળી જવું છે, એકરૂપ થઈ જવું છે, પણ મને જ મારી જાત પર વિશ્વાસ આવતો નથી, મારે મારા ઢીલા મન સાથે એમને સમર્પિત થવું નથી. સંન્યાસી થવું એ જરાય સરળ નથી. અમારાં ખાનદાન, જાત, પ્રતિષ્ઠા અને સંપત્તિની પરિસ્થિતિની તને જાણ છે. અત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ ભલે સારી ન હોય પણ વીસ વર્ષ પહેલાં જુદી હતી.

એ બધાંનો મને ખૂબ ગર્વ છે અને આ જ ગર્વ કે અભિમાન મને નડે છે. મને થાય છે કે શું હું એક સંન્યાસી બનીને અતિનમ્ર થઈ શકીશ? ભિક્ષા માગીને ગુજરાન ચલાવવા જેટલો નિરભિમાની થઈ શકીશ? આવા બધા મનમાં ઊઠતા પ્રશ્નોનો ઉત્તર શોધવા આવી રીતે સંન્યાસીનાં વસ્ત્રો પહેરીને આવાં ઝૂંપડાંમાં ભીખ માગતો ફરું છું. અલબત્ત એમની પાસેથી ભિક્ષા તો ઓછી મળે છે પણ અધ્યાત્મની દૃષ્ટિએ જે હું પામું છું એ અપાર છે. મારો ‘અહંભાવ’દૂર કરવામાં મને એ સહાયરૂપ બને છે. મારામાં નમ્રતા આવી ગઈ છે એવું હવે મને લાગે છે. કદાચ હવે હું બધું ત્યજીને મારા ગુરુનો યોગ્ય શિષ્ય બની શકીશ.

હજી એક વાતની મારામાં હિંમત આવી છે. તે એ છે કે ઘણા દિવસો સુધી હું અન્ન વિના જીવી શકું છું. મારામાં અનાહાર રહેવાની શક્તિ આવી ગઈ છે. એટલે જ મારા પોતાના વિશે પાકી ખાતરી કે શ્રદ્ધા થયા વિના શ્રીરામકૃષ્ણ પાસે સંન્યાસ દીક્ષા માગવાની મારામાં હિંમત ન હતી. પણ હવે મને લાગે છે કે એવી હિંમત કે શ્રદ્ધા મારામાં આવશે.’

ભગવાન બુદ્ધ સમી નીરવ શાંતિ જેમના વદન પર તરવરે છે એવા સ્વામી વિવેકાનંદે પોતાનાં મન-હૃદયમાં કેટકેટલી સમસ્યાઓના વાવાઝોડા પચાવ્યાં હશે એની પ્રતીતિ આપણને આ પ્રસંગો પરથી મળી શકે છે.

(રામકૃષ્ણઃ ‘ધ ફેસ ઓફ સાયલંસેસ્’ લે. સ્વામી નિખિલાનંદ અને ધનગોપાલ મુખર્જી. પા.નં. ૮૮-૮૯)

* * *

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ ભાષણ અને એને લીધે એમને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદની વાત વાંચીને અને એ વખતનું સ્વામીજીનું પ્રચંડ પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને કે એના વિશે સાંભળીને આપણું હૃદય આનંદથી ઊભરાઈ જાય છે, પરંતુ આવા સ્વામીજીએ કેવા કેવા વિકટ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો, એ વાત આપણે ભૂલી જઈએ છીએ.

અમેરિકામાં ભ્રમણ કરતી વખતે રસ્તો ન ચૂકી જવાય અને એમના રંગ તથા વિચિત્ર જાતનાં કપડાં જોઈને કોઈ એમને પજવે નહીં કે હેરાન ન કરે એટલે તેઓ ઘણી વખત બહાર જતી વખતે કોઈકને સાથે લઈ જતા. અમેરિકામાં એમનેે હિંસક અનુભવોનો સામનો કરવો પડ્યો હતો એ એમને બરાબર યાદ હતો.

શ્રીમતી હેન્સ બરોનું એક સ્મરણ અહીં યાદ આવે છે, ‘રસ્તે બહાર નીકળતી વખતે કોઈ અપમાનજનક ઘટના બનવાની સતત શક્યતા રહેતી એટલે સ્વામીજી કોઈ એક પરિચિત મહિલાની સાથે બહાર જતા. એમનું માનવું એવું હતું કે રસ્તે જતા લોકો મારી નહીં પણ મારી સાથે રહેલ સ્ત્રીની અદબ રાખશે. એકવાર હું અને સ્વામીજી સાન્ફ્રાન્સિસ્કોમાં કોઈ સ્થળે જઈ રહ્યાં હતાં, અમે શહેરના જે ભાગમાંથી જતા હતા એ ભાગ થોડો કંગાલ જેવો વિસ્તાર હતો. તેઓ જતા હતા તે વખતે કેટલાક ફાલતુ લોકો આવ્યા અને સ્વામીજીને અપશબ્દો કહ્યા. સ્વામીજીએ એ તરફ જરાય ધ્યાન ન આપ્યું. તેઓ કંઈ ન બોલ્યા પણ અમે આગળ વધ્યાં એટલે એમણે કહ્યું, ‘જો અત્યારે તમે મારી સાથે ન હોત તો આ લોકોએ મારા પર કોઈક ને કોઈક વસ્તુ ફેંકી હોત.’

એમણે શિકાગોમાં ઘટેલી એક ઘટનાની વાત કરી. ‘એક માણસ સીધેસીધો એમની સામે આવી ગયો અને એમનાં વસ્ત્રો ખેંચીને પૂછ્યું કે ભાઈ જાહેર સ્થળે આવાં નાઈટગાઉન શા માટે પહેરે છે?’ અમેરિકન લોકોના આવા અસભ્ય અને ઉદ્ધત વર્તનથી સ્વામીજીને ખેદ થતો. એમણે એકવાર કહ્યું, ‘ભારતમાં ગમે તેવા કપડાં પહેરીને લોકો હરીફરી શકે છે અને ત્યાં આવી દુઃખદ ઘટના ઘટતી નથી.’

આવા અપમાનજનક પ્રસંગો સ્વામીજીએ કેટલી હિંમત, શક્તિ અને શાંતિથી પચાવ્યા હશે. એમણે ક્યારેય હિંમત ન હારી.

ઘણી વખત લોકો એમનું અપમાન કરતા, આમ છતાં સ્વામીજી તરફથી એ બધાને ભગવાન બુદ્ધના જેવી કરુણા જ મળતી.’

(‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ, ન્યૂ ડિસ્કવરીઝ્, અ ન્યૂ ગોસ્પેલ’ – લે. મેરી લૂઈ બર્ક, વો. ૬, પૃ. ૩૧, ૩૨.)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.