વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લખો તમારું ભાગ્ય. તમારા જીવનની રંગોળી તમે દોરો, અને તમને જેવા ગમે તેવા મનપસંદ રંગો તમે પૂરો. તમે જ તમારા ભાગ્યવિધાતા બનો.

માનવી જ્યારે આ ધરતી પર આવે છે, ત્યારે એ માત્ર હાડમાંસનું પૂતળું જ હોય છે. મોટો થતાં આગળ જઈ તે ગમે તે બની શકે છે. અમીર કે ગરીબ? સફળ કે નિષ્ફળ? સુખી કે દુઃખી? શું બનવું એ કઈ વાત પર નિર્ભર છે? મોટા ભાગના નિર્માલ્ય લોકો તેને ભાગ્ય માને છે, જ્યારે થોડા ઈતિહાસ બદલનારા કર્મવીરો તેને કર્મ કહે છે.

મનુષ્ય પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. પરમાત્માએ તેની પ્રતિકૃતિ રૂપ બધું જ મનુષ્યને આપેલ છે. આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ. મનુષ્યે પોતાને મળેલ ઈશ્વરીય વરદાનરૂપ શક્તિઓના ઉપયોગ દ્વારા તેની બરોબરી કરી ચમત્કારો સર્જી દીધા છે.

પરમાત્માએ મનુષ્યને પેદા કરી વરદાન આપેલ છે કે ‘તું જે ધારીશ તે બની શકીશ, કરી શકીશ. તું જેવું વિચારીશ તેવું તારા જીવનમાં બનશે. તારા અંતઃકરણમાં જે આત્મસંવાદ, કલ્પના, ભાવ કે વિચાર કરીશ તેવી તારી બહારની દુનિયા બનશે. મારા તને તથાસ્તુ છે. તારી અંદરથી જ્યારે અવાજ આવશે કે હા, હું કરી શકું છું, ત્યારે તું ધારે તે કરી શકીશ. પરંતુ સાથોસાથ તારી અંદરથી ના, નો અવાજ આવશે કે ના, ના આ મારાથી ના થાય. ત્યારે તું ખરેખર કરી શકવાની શક્તિ ધરાવતો હોવા છતાં ક્યારેય નહિ કરી શકે.

બસ મારા તો હર વખતે તથાસ્તુ જ હશે. શું વિચારવું તે તું નક્કી કરજે. મારી પાસે કશું માગવા આવતો નહીં કારણ કે તેમાં હું કશું જ નહિ કરી શકું, બધો જ અધિકાર તારા હાથમાં છે. તેનો કેવો ઉપયોગ કરવો તે તારે નક્કી કરવાનું છે.

મેં તો તને બુદ્ધિમાન, બળવાન અને બહાદુર બનાવ્યો છે. મેં તારામાં અપાર સંભાવનાઓ મૂકી તને મારા સમકક્ષ બનાવ્યો છે.’

… દરેકની અંદર સિંહ અને ઘેટું બંને મૂક્યાં છે. સિંહ એ સકારાત્મકતા છે, જે કેમ થાય તે માટે વિચારે છે અને તે કરીને રહે છે. કારણ કે જ્યારે સિંહ જાગે ત્યારે સાથોસાથ તારામાં બુદ્ધિમતા, બહાદુરી અને આત્મબળ પણ જાગી ઊઠે છે.

ત્યારે તું ગમે તેવાં અસંભવ લાગતાં કાર્યોને કરીને ચમત્કાર કરી શકે છે. પરંતુ જ્યારે ઘેટું તારો માલિક બનીને બેઠું હશે ત્યારે તું તારી શક્તિઓને ભૂલી જઈશ…

…સિંહ બની તેની સામેના પડકારો, જોખમો, અવરોધો સામે લડીને તે જે ધારે તે કરી શકે તેવો જ બની જાય. પછી ભલેને તે અનાથ હોય, અપંગ હોય, ગરીબ હોય, કે અનપઢ હોય, આવા થોડા સિંહનાં તને હું ઉદાહરણ આપું.

હેલન કેલર. મેં તેને બહેરી, મૂંગી અને આંધળી બનાવી. છતાં તેની અંદરનો સિંહ જાગતો હતો અને તેણે અંધો અને અપંગો માટે જે કામ કર્યું છે તેનો જગમાં જોટો મળવો મુશ્કેલ છે. આવો જ બીજો સિંહ છે ટેરી ફોક્સ જેને કેન્સર થયેલ, અને એક પગ કાપવો પડેલો.

ડોક્ટરોએ કહેલું કે તું હવે થોડા સમયનો મહેમાન છે. ત્યારે તેણે કપાયેલા એક પગે કેન્સરગ્રસ્ત શરીર સાથે કેન્સર માટેનું ભંડોળ એકઠું કરવા માટે કેનેડાના પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધીની દોટ લગાવી.

તે રોજ મેરેથોન દોડ (૨૬ માઈલ) જેટલું અંતર દોડતો. ૧૯૮૦માં ૧૭ કરોડનું ભંડોળ એકઠું કર્યું. થોડા દિવસ બાદ તે મૃત્યુ પામ્યો. આજે તેની યાદમાં દર વર્ષે સમગ્ર વિશ્વમાં દોડ દોડાય છે. અત્યાર સુધીમાં ૫૦૦ મિલિયન (૨૫૦૦ કરોડ રૂપિયા)નું ભંડોળ એકઠું થઈ ચૂક્યું છે.

કેનેડામાં આજે શહેરે શહેરે તેનાં સ્ટેચ્યુ છે. કેનેડાનો તે નેશનલ હિરો છે. આવું ત્રીજું ઉદાહરણ છે મેરી ક્યુરીનું જેણે બચપણથી જીવનના છેલ્લા શ્વાસ સુધી તેની સામેના પડકારોનો સામનો કરતાં રહીને બબ્બે નોબેલ પ્રાઈઝ મેળવ્યાં છે.

તે યુવાનીમાં જ વિધવા બની હતી. છતાં તેની બંને બાળકીઓને જિંદગીના જંગમાં વિજેતા બનવા તૈયાર કરી હતી. તેની બંને પુત્રીઓને નોબેલ પ્રાઈઝ મળ્યાં હતાં.

પરિવારના તમામ સભ્યોને નોબેલ પ્રાઈઝ! દારુણ ગરીબી અને અપાર યાતનાઓ સામે પણ તે પોતાનાં સ્વપ્નાં સાકાર કરવા સિંહણ બની લડી હતી.

આવું ચોથું ઉદાહરણ છે જેસિકા કોક્સનું જેને મેં જન્મથી જ હાથ આપેલા ન હતા છતાં તેનું સ્વપ્ન હતું કાર ડ્રાઈવ કરવાનું અને વિમાન ઉડાડવાનું!

આજે તે વગર હાથે કાર ચલાવે છે અને વિમાનને આસમાનમાં સેર કરાવે છે. હાથ વગરની જગતની એકમાત્ર પાયલોટ તે આ કરી શકી કારણ કે તેનો સિંહ જાગતો હતો.

આવું પાંચમું ઉદાહરણ છે રાઈટ ભાઈઓનું. સાયકલના ધંધામાંથી મળતા થોડા ઘણા પૈસા ભેગા કરીને વિમાનની શોધ માટે ખર્ચ કરતા હતા. તેમના પ્રયોગોની વૈજ્ઞાનિકો, છાપાંવાળા અને આખી દુનિયા હાંસી ઉડાડતી હતી.

વૈજ્ઞાનિકો તેમને ઉતારી પાડતાં કહેતા કે આ મૂર્ખાઓ ખોટા કૂચે મરે છે. હવાથી ભારે વસ્તુ કદી ઊડી જ ન શકે. છાપાવાળાઓ તેમના પ્રયોગોની નિષ્ફળતાની વાતો છાપીને લોકોને હસાવતા અને કહેતા કે મનુષ્ય કદી ઊડી જ ન શકે, જો એમ હોત તો ભગવાને જ આપણને પાંખો આપી હોત.

વિચારો, જ્યારે જગત આખું તેની વિરુદ્ધમાં હતું. એટલે કે બધાં ઘેટાં બેં-બંે કરતાં હતાં ત્યારે તેની અંદરનો સિંહ ત્રાડો પાડતો હતો. તે ઊડવાની સંભાવના માટે વિચારતા હતા, જો તે પેલાં ઘેટાંઓની વાત માનીને બેસી રહ્યા હોત તો? વિમાન વગરની દુનિયાની જરા કલ્પના કરી જુઓ.

આવું છઠ્ઠું ઉદાહરણ છે રોલ્સ રોઈસનું જેણે માત્ર આઠ વર્ષની ઉંમરે પિતા ગુમાવેલા. પિતાની બીમારી પાછળ ઘર દેવાદાર બની ગયું હતું.

આઠ વર્ષનો રોઈસ તેના પિતાની લોટ દળવાની ચક્કી ચલાવવા માંડેલો. તેને ભણીને એન્જીનિયર બનવું હતું.

પરંતુ ગરીબીને કારણે ભણી જ ન શક્યો. છતાં તેનાં સ્વપ્ન મોટાં હતાં. તેનો સિંહ જાગતો હતો.

તેણે રસ્તાની મહારાણી જેવી કરોડોની કિંમતની રોલ્સ રોઈસ કારોનું સર્જન કરી ઈતિહાસ સર્જી દીધો. એ પહેલાં વજનને ફેરવવા માટેની ક્રેઈનોમાં સુધારાવધારા કરીને તેને અગિયાર ગણી ક્ષમતાવાળી બનાવી તેણે જગતમાં ખળભળાટ મચાવી દીધેલો.

પ્લેનનાં એન્જીનો ત્યારે ત્રણેક કલાક ઉડ્ડયનની ક્ષમતા ધરાવતાં હતાં, તેને ૧૬ કલાકની ક્ષમતાવાળાં બનાવી વિશ્વમાં એક અનોખી ક્રાંતિ સર્જી દીધી. તેણે યુવાનીમાં જ અનાથ, ગરીબ અને અનપઢ બાળકો માટે અબજોની ચેરીટી કરેલી. તેના માનમાં તેના જીવતે જીવત પૂતળાં ઊભાં કરવામાં આવેલાં! એક ગરીબ અનાથ રોલ્સ રોઈસ આ કરી શક્યો કારણ કે તેનો સિંહ જાગતો હતો.

આવાં થોકબંધ ઉદાહરણોથી ઈતિહાસ ભરેલો પડ્યો છે. મનુષ્ય જે વિચારે છે તે બને છે. જો કે આવા બધા સિંહની સામે મેં તમામ પ્રકારના મુસીબતોના પહાડ ખડકી દીધા હતા. મેં તેમને હરાવવાના તમામ પ્રયાસો કરેલા, છતાં તેઓએ મને – પરમાત્માને પરાજય આપ્યો છે. તે જીત્યા અને હું હાર્યાે છું. કારણ કે તેની અંદરનો સિંહ જાગતો હતો.

જો એ બધા ઈતિહાસ સર્જી શકતા હોય તો તમને બધાને તો મેં તેનાથી ઘણું વિશેષ આપ્યું છે. બસ, તમારી અંદરના ‘ઘેટાને’ મારી નાખો અને સિંહને જગાડી દેજો. તમારું નામ પણ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે, તમે બધા બુદ્ધિમાન બનશો, બહાદુર બનશો અને બળવાન બનશો. તમે પણ સફળ થઈ શકો છો અને ચમત્કાર સર્જી શકો છો.

(ભાલોડિયા પરિવાર દર્પણમાંથી)

(ક્રમશઃ)

Total Views: 651

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.