શિક્ષણ… એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. (૬.૪૨-૪૩)

આપણા મનુ ભગવાનનો શો આદેશ છે ? ‘પુત્રના જેટલી જ કાળજી અને ધ્યાનપૂર્વક પુત્રીઓનું પાલનપોષણ કરવું તથા તેમને ભણાવવી.’ જેવી રીતે ત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ પુત્રોને પરણાવવા જોઈએ તેવી રીતે પુત્રીઓએ પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને માબાપોએ તેમને શિક્ષણ આપવું જોઈએ. પરંતુ આપણે ખરેખર શું કરી રહ્યા છીએ ? આપણી સ્ત્રીઓની સ્થિતિ આપણે સુધારી શકીશું ? એમ કરીશું તો જ આપણા કલ્યાણની આપણે આશા રાખી શકીશું, નહિતર અત્યારે છીએ તેવા જ પછાત રહેવાના. (૯.૨૧૨)

હિન્દુ સ્ત્રીઓ ખૂબ આધ્યાત્મિક અને ઘણી ધાર્મિક છે; કદાચ જગતની બીજી કોઈ પણ સ્ત્રીઓ કરતાં આ બાબતમાં તેઓ ખૂબ મોખરે છે. આ સુંદર ગુણો જો જાળવી રાખી શકીએ અને સાથોસાથ જો અમે સ્ત્રીઓનો બૌદ્ધિક વિકાસ સાધી શકીએ, તો ભવિષ્યની હિન્દુ નારી જગતની આદર્શ સ્ત્રી બનશે. (૭.૩૨૮)

ઘણા અને ગંભીર પ્રશ્નો છે. પણ એમાં એવા કોઈ પ્રશ્નો નથી, કે જે પેલા જાદુઈ શબ્દ ‘શિક્ષણ’ દ્વારા ઉકેલી ન શકાય. (૬.૪૨)

ધર્મને મધ્યબિંદુ તરીકે રાખીને સ્ત્રીઓમાં ધાર્મિક કેળવણીનો પ્રસાર કરવાનો છે; બીજી બધી કેળવણી ધર્મથી ગૌણ ગણાવી જોઈએ. ધાર્મિક શિક્ષણ, ચારિત્ર્યનું ઘડતર અને બ્રહ્મચર્યવ્રતનું પાલન, આ ત્રણ બાબતો ઉપર ધ્યાન અપાવું જોઈએ. (૯.૬૪)

હું ધર્મને શિક્ષણના અંતરતમ સત્ત્વ તરીકે ગણું છું… હું ધારું છું કે શિક્ષકે આ બાબતમાં તેમજ બીજી બધી બાબતોમાં વિદ્યાર્થીની પ્રારંભિક ભૂમિકાને પિછાનવી જોઈએ અને પછી તેને તેની પોતાની ઓછામાં ઓછા પ્રતિકારની દિશામાં વિકાસ કરવામાં સહાય કરવી જોઈએ. (૬.૪૩)

સ્ત્રીઓની કેળવણીની બાબતમાં આરંભ કરવાનો વિચાર કરીએ તો આપણી હિન્દુ સ્ત્રીઓ શીલ અને સત્ત્વ શું છે એ સહેલાઈથી સમજે છે, કારણ કે એ તેમને વારસામાં મળેલું છે. તો બીજી બધી બાબતો કરતાં સહુ પ્રથમ તેમનામાં એ સતીત્વના આદર્શને ખૂબ મહત્ત્વ આપો, જેથી તેમનામાં દૃઢ ચારિત્ર્યભાવના વિકસે, અને એના જોરે પરિણીત દશામાં, અગર પોતે રહેવા ચાહે તો અપરિણીત દશામાં પણ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના શીલમાંથી સહેજ પણ ચલિત થવા કરતાં પોતાના જીવનનું બલિદાન આપતાં પણ અચકાય નહિ. આદર્શ ગમે તે હોય, પરંતુ એ આદર્શ ખાતર જીવનનો ભોગ આપવો એ શું ઓછી વીરતા છે ? (૯.૧૬૦)

-‘ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ-પૃ. ૧૧૫-૧૬’માંથી

(ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ- પૃ. ૯૨-૯૪)

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.