આ સર્વજનસુખપ્રદ, સર્વસંતાપહારી, મોક્ષપ્રદ, સંગીતશાસ્ત્ર શું એટલું બધું સહજ છે કે એ ચિરકાળ સુધી અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ ‘ઉસ્તાદજી’ લોકોના હાથમાં પડ્યું રહેશે? આપણે જોયું કે બીજગણિત અને શબ્દશાસ્ત્રનાં બધાં અતિસૂક્ષ્મ તત્ત્વ આમાં સમાયેલાં છે. અલંકાર, ન્યાય તથા મનોવિજ્ઞાનની સાથે તેને આંતરિક મેળ છે. બાહુલ્યના ભયથી અમે એની વધારે ચર્ચા કરી નથી. આ વિશે મહારાજા શૌરીન્દ્ર મોહન ઠાકુર સમગ્ર હિંદુજાતિના નિષ્કપટભાવે કૃતજ્ઞતાના પાત્ર છે. એમના પ્રયત્ન, તેમના અધ્યવસાય તથા એમની વિપુલ આર્થિક સહાયતાથી આ મુમૂર્ષુ સંગીત શાસ્ત્રનો પુનરુદ્ધાર થઇ રહ્યો છે.

અહીં નીચે અમે પૂર્વોક્ત પ્રણાલી દ્વારા સ્વરલિપિમાં બાંધીને કેટલાંક ગીત આપીએ છીએ.

(ત્યારપછી ભૈરવ રાગના સરગમ આપીને ગ્રંથકારે ભૈરવ કવ્વાલીમાં રવીન્દ્રનાથના ‘તુમિ કિ ગો પિતા આમાદેર’ ગીતની પ્રથમ બે કડીઓ સ્વરલિપિમાં બાંધી છે. આ ઉપરાંત યદુ ભટ્ટ રચિત ‘વિપદ ભય વારણ યે કરે ઓરે મન’ છાયાનટ-ઝપતાલ) પૂરા ગીતની સ્વરલિપિ આપી છે. ત્યારપછી ‘ચંદ્ર બશિષે જ્યોતિ તોમારિ’ (ભૂપાલી-સૂરફાસ્તા) ગીતની સ્વરલિપિ ‘આદિ નાથ પ્રણવ રૂપ સંપૂરણ દાઓ હે તવ પ્રસાદ’ (યમન-કલ્યાણ-સૂરફાસ્તા) તથા ‘દાઓ હે સુમતિ દીને, દીન બંધુ ભગવાન’ (કાનડા-આડા) વગેરે ગીતોની સ્વરલિપિ આપીને લેખકે કંઠ્ય સંગીતના પ્રસંગને પૂરો કર્યો છે. ત્યારપછી સંગતના પ્રસંગનો આરંભ થાય છે. -વર્તમાન લેખક.)

વાદન અને બોલ

આ પહેલાં આપણે કહ્યું છે કે સમય નિરૂપણના અભાવે ગાન થઇ શકતું નથી અને એ સમયને હાથના સ્થાને યંત્રથી નિરૂપણ કરવાની વાતને વાદન કહે છે.

ઠેકા- કોઈ તાલના વાદન જે મૂળથી ઉત્પન્ન થાય છે, તે જ મૂળના નામને ઠેકા કહે છે. એટલે ચૌતાલની કલ્પના કરીએ. આ તાલમાં બાર માત્રાઓ છે; આ બાર માત્રાઓને વળી ચાર તાલ તથા બે ફાંકમાં વિભાજીત કરવામાં આવે છે. આ કેટલાક તાલ ખાલી (ફાક)ને હાથના સ્થાને એમની વચ્ચેના શૂન્યકાલોને કેટલાક ધ્વનિઓ દ્વારા પૂર્ણ કરીને એ બાર માત્રાઓ દરમિયાન કેટલાક ધ્વનિસૂચક શબ્દ નિવિષ્ટ કરવામાં આવ્યા છે. એનું નામ ઠેકા. આનાથી પણ સંતોષ ન પામીને વાદ્યકારોએ એને વધુ મધુર કરવાના હેતુથી એક બે કે અનેક એવા પ્રકારના બારમાત્રાના વિશિષ્ટ તાલોને એકત્ર કરીને કેટલાક ધ્વનિસૂચક શબ્દ સન્નિવિષ્ટ કર્યા છે. એનું નામ બોલ છે.

વાદ્ય વગાડવાના કે સંગત કરવાના નિયમ

વાદકે ગાયકનું અનુસરણ કરવાનું હોય છે. ગાયક જે સ્થાને પોતાના પ્રધાન સમ કરે છે, વાદકે એ સ્થાન પર સારું એવું ધ્યાન આપવું પડે અને ત્યાંથી જ વાદ્ય બજાવવાનો આરંભ કરવાનો હોય છે. જે સ્થાન પર ગાયક પાછા ફરે એ જ સમયે એ સમાપ્ત થાય, આ પ્રકારના બોલ બજાવવા ઉચિત બનશે. જો બોલ એટલા મોટા હોય કે ત્યાં સમાપ્ત ન થાય તો પછી વિશેષ સાવધાની સાથે જ્યાંથી તિહાઇ લગાડવા પર વાદન યથાયોગ્ય પ્રધાન સમ પર આવીને સમાપ્ત થાય તે રીતે બોલ સમાપ્ત કરવા પડે.

તિહાઇ- વાદન સમાપ્ત થવાના સમયે વિવિધ પ્રકરણોના કેટલીક માત્રાવાળા અત્યંત લઘુબોલ ત્રણવાર વગાડવામાં આવે છે. તેની અંતિમમાત્રા ગીતના કે ગાનના પ્રધાન સમ પર આવીને સમાપ્ત થવી જોઈએ. તેનો ઉપયોગ કરવાનું તાત્પર્ય એ છે કે એના દ્વારા ગાનનો પ્રધાન સમ વિશેષ ઉત્કર્ષ પ્રાપ્ત કરે છે અને શ્રોતાઓના મનમાં પહેલેથી જ વિશેષરૂપે પ્રતિભાસિત થાય છે.

લય- ગીતની મૂળમાત્રામાં સમય સ્થાપનનું નામ લય છે. અર્થાત્ જે સમય દરમિયાન એક માત્રા ઉચ્ચારિત થાય છે, એ સમયે જે નિયમનો આધાર લેવામાં આવે છે તેનું નામ લય છે. ધારો કે એક ગાનમાં એક એક સેકંડે એક એક માત્રા એવો નિયમ થાય છે. જો ગીતની પ્રથમ પંક્તિનો અડધો ભાગ આ નિયમથી અને બાકીનો અડધો બે સેકંડમાં એક એક માત્રા ઉચ્ચારિત થાય તો એનાથી ગીતનો લય અશુદ્ધ બની જાય.

લયના બે પ્રકાર છે- વિલમ્બિત અને દ્રુત.

વિલમ્બિત લય

માત્રાત્મક સમય દૂર દૂર હોવાને લીધે એને વિલમ્બિત લય કહેવાય છે. અર્થાત્ જેની માત્રા અધિક કાળ સુધી વ્યાપિત કરવી પડે છે તે જ વિલમ્બિત લય છે. દ્રુપદ ગાયનમાં સામાન્યત : અસ્થાયી તથા અંતરા વિલમ્બિત પદમાં ગાવાનો નિયમ છે. ત્યાં સુધી કે કેટલાક પોતાના તાલબોધ દેખાડવા માટે એને એટલો વિલમ્બિત કરે છે કે મોટા ભાગના માટે તે અરુચિકર બની જાય છે. વિલમ્બિત પદમાં ગાયન દ્રુપદમાં વિશેષ ઉપયોગી છે. એનું કારણ એ છે કે દ્રુપદમાં સૂરને વિશેષરૂપે દેખાડવાની અત્યંત આવશ્યકતા રહે છે. દ્રુત લયમાં એ એટલો અધિક નિષ્પન્ન થતો નથી.

દ્રુત લય

માત્રા જે સમય દરમિયાન ઉચ્ચારિત થાય છે તે સમય અલ્પ હોવાથી જ તેને દ્રુતલય કહે છે. દ્રુપદના અભોગ સંચારી અપેક્ષાકૃત દ્રુતલયમાં ગવાય છે. ખયાલનો અંગવિશેષ ‘તેલના’ વગેરે અતિદ્રુત લયમાં ગવાય છે. બધા વિષય સહજ રીતે બધાંના હૃદયને આકર્ષી શકતા નથી. જે સહજ હોય છે તે જ હૃદયને મુગ્ધકર બને છે. એને જો થોડા વધારે મનોયોગ સાથે જોવાય કે સંભળાય તો તે વધારે મુગ્ધ કરે છે. જે પદાર્થમાં આપણે જેટલો વધારે મનોયોગ સાધીએ તેટલો જ તે સુંદર લાગે છે. આ જ કારણે અંગ્રેજીમાં કહેવત છે કે પ્રેમીનાં નેત્ર કોફીના શ્યામલ લલાટમાં પણ હેલનના અનુપમ સાંૈદર્યને જુએ છે. દ્રુપદ વગેરે કેટલાક પ્રકારનાં ગાન બધાંના મનને ગમતાં નથી. અંગ્રેજી ગીત સાંભળીને મોટા ભાગના લોકો ઊભા થઇને ચાલી જવા તત્પર થાય છે. પરંતુ સંસ્કારી અને શિક્ષિત લોકો એમાં જ આનંદનો અનુભવ કરે છે. સામાન્ય લોકોમાં દ્રુપદ અપ્રિય બને છે. એનું એક મુખ્ય કારણ એ છે કે તે વિલમ્બિત પદમાં ગવાય છે. મનનો સંયમ કેળવવો એ ઘણી કઠિન વાત છે. એક ભાવ કે એક પદાર્થમાં મનને એક પળ પણ સ્થિર રાખવું કેટલું દુષ્કર છે એ જેમણે એનો પ્રયાસ કર્યો હશે એમને જ ખબર હોય. મન હંમેશાં ભિન્ન ભિન્ન પ્રકારની ચાહના રાખે છે. દ્રુપદમાં એક એક સૂર એક એક શબ્દની ઉપર સારા એવા સમયકાળ સુધી સ્થાયી રહે છે એને લીધે તે મોટા ભાગના લોકોને ગમતો નથી. ટપ્પા જેવા દ્રુતલયનાં ગીતોમાં માત્રાની સાથે સૂર પણ ઘણી ઝડપથી પરિવર્તિત થયા કરે છે એટલે એમાં મનને કેળવવું એટલું દુષ્કર નથી બનતું.

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.