વશિષ્ઠની સામે, વેધસના પુત્ર હરિશ્ચંદ્રની સામે, અપરાજેય દશરથની સામે, ઉત્તરપાંચાલના સુદાસની સામે, વીતહવ્ય સહસ્રાર્જુનની સામે વિશ્વરથે પડકાર ફેંક્યો. વશિષ્ટના આશ્રમમાં રહીને યુદ્ધ કુશળતાથી એમણે સૌના ધન્યવાદ મેળવ્યા હતા. રાજા ગાધિ અને માતા ઘોષામા એને યાદ કરીને ઝંખતાં હતાં. પિતા મનોમન વાંછતા હતા ‘જેમ અરુણદેવ પ્રતાપી બનીને ઊંચે ચડે છે તેમ વિશ્વરથનો પ્રતાપ આ ભરતોની ભૂમિ પર, ધરતીમાંનાં ખંડેખંડમાં, પર્વતો, સરિતાઓ પર અને અનંત સાગર પર પથરાશે.’

એકવાર અશ્વારુઢ બનીને ગાધિના ચરણમાં માથંુ નમાવીને લોમહર્ષિણીએ કહ્યું, ‘સિંધુ માનવના નાશ પામેલા નગરમાંનું છેલ્લું નગર શંબર. શંબરના રાક્ષસ રાજાએ વિશ્વરથને પોતાના નગરમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. એ રાજાએ વિશ્વરથનો ભ્રાતૃભાવનો મહામંત્ર સ્વીકાર્યો છે. એણે આર્યો સાથે ભાઇચારાના સંબંધો બાંધવાની પહેલ કરવાનું વચન આપ્યું છે. તે સિંધુખીણના માનવોની બધી વિદ્યા, આવડત અને સંસ્કાર સાથે આર્યમાનવોના બંધુભાવનાવાળા જોડાણની નીતિનો રક્ષક બનવા તૈયાર છે. એનું કહેવું એમ છે કે જો આર્યાવર્ત વિશ્વરથની વાત સ્વીકારે તો આર્ય અને અનાર્યોના બંધુભાવની ઘોષણા શંબર નગરથી શરૂ કરીને દંડક, કલિંગ, વિદર્ભ, શૂર્પારિકા અને આખરે સિંહલ દેશ સુધી પહોંચાડવા તૈયાર છે.

ગાધિના પુત્ર વિશ્વરથે મિત્રાવરુણના પુત્ર મૈત્રાવરુણ વશિષ્ઠના રાહને પડકાર્યો હતો. વિશ્વરથે અનાર્યોને દાસ બનાવવાના અને દાસ ન બને તો સંહારી નાખવાના વશિષ્ટના નિર્ણયનો વિરોધ કર્યો. અનાર્યોના સંસ્કાર નગર ગંગાકિનારા પરના શંબરમાં જઇને શંબરરાજા સાથે ચર્ચા કરીને આ વિશ્વરથે બીજા આર્યોને મળવા સંસ્કાર યાત્રા શરૂ કરી. વિશ્વરથનો જીવનમંત્ર હતો, ‘ૐ ભૂર્ભુવ : સ્વ : તત્સવિતુર્વરેણ્યં ભર્ગાે દેવસ્ય ધિમહી ધિયો યો ન : પ્રચોદયાત્- હે સવિતા અમારા ચિત્તની તું શુદ્ધિ કર.’ આમ વિશ્વરથ માનવ-માનવ, પ્રજા-પ્રજા, આર્ય-અનાર્ય વચ્ચે સહકાર-સહચાર સાધવાની ભાવનાથી સતત એ સમયના જૂના મનવાળા આચાર્યો અને રાજાઓ સાથે લડતો હતો. અને વિજય પણ મેળવતો જતો હતો. સરસ્વતીના કિનારે બેઠેલા આર્યજનો જાણે કહેતા હતા, ‘એક જમાનો આથમે છે, અંત પામે છે, દરેક અંતમાં નૂતન જીવનરૂપ આકાર ધરતું હોય છે.’ કોઈકે પૂછ્યું, ‘ભગવન્, અંધકારમાં કશું જ દેખાતું નથી!’ વિશ્વામિત્ર અર્ધી મીંચાયેલી આંખે તેને પ્રત્યુત્તર આપે છે, ‘એટલે જ પ્રકાશની આરાધના જીવનરૂપને જોવા મથે છે.’ સિંધુના કિનારા પરના રઝળપાટથી થાકેલા, સફેદવાળની લટોવાળા, ધીરગંભીર માનવપ્રેમની રેખાઓથી છલકતા ચહેરાવાળા આ વિશ્વપ્રેમી વિશ્વામિત્રે કહ્યું, ‘ત્રણ બાબતો પર જીવન નભે છે- પહેલી વાત છે જીવનનો સામુદાયિક અધિકાર. એ અધિકારનું રૂપ માનવ-માનવ વચ્ચેના પ્રેમનું અથવા મૈત્રીવાળું છે. બીજી વાત છે કાયદો કે કાનૂન. આ કાયદા જીવન વ્યવહારમાંથી મેળવાતા સત્ય અને માનવમન વચ્ચેના સહકારના સંબંધમાંથી ઘડાવા જોઈએ. ત્રીજી વાત છે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો નિર્મળ અનુરાગ. આ અનુરાગ સૌમાં પહેલો અને સૌથી છેલ્લો પણ હોવો જોઈએ.

આજે એ અનુરાગને હણવા સહસ્રાર્જુનનાં લશ્કરો આવી પહોંચે છે. સરસ્વતી પરના આપણાં આવાસો ભલે સૂના થઇ જાય! હું પણ જઇશ એવા પ્રવાસે કે જ્યાંથી આ કિનારાઓ પર પાછા આવવાપણું નહીં હોય! પણ માનવતાની આપણે મૂકેલી સુગંધ અહીં પૃથ્વીના પેટાળમાં પડી પડી પ્રકાશનાં કિરણો ચૂમી ચૂમીને ઊગી નીકળશે. અને કોઈકવાર ભારતભૂમિ પર નવજીવન પામીને ચાલવા માંડશે. ત્યારે માનવીને સમજાશે કે મરણ મિથ્યા છે. જીવન સત્ય છે; કારણ કે એ કદી ગતિ વિનાનું હોતું નથી. આવા શબ્દો ઉચ્ચારતાં આ મગરૂર ઋષિએ એક વિજેતાની અદાથી આથમતા સૂરજની આરાધના કરવા માંડી. એની નજરમાં તેજપુંજ ઊભરાયો. એ ઊઠ્યો. એણે દીવાલ પર ચીતરેલા એક ચિત્ર તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘જુઓ, આ પ્રણય મંત્ર! ઘાસનાં તણખલાંથી ચિતરેલી એ રેખાઓ આખી ભારતભોમ પર લીલોતરી બનીને પ્રકાશની ઉપાસના કરતી આગળને આગળ ધપે છે. જીવનનાં નવાં નવાં રૂપોને ધારણ કરે છે. એને પાછા હટવાપણું છે જ નહીં. એ તણખલાં જેવા મહાન આપણે, પ્રકાશને પામી પામીને રોજે રોજ અનંતતાનો સ્પર્શ કરીને મહાન બન્યા કરીએ છીએ.’ આ શબ્દો બોલતાં બોલતાં પ્રકાશના પ્રણેતાએ વિદાય લીધી, આંખો મીંચી દીધી. જીવનનું પહેલું પ્રકરણ, ભારતીય ભૂમિ પર જાણે કે વિશ્વામિત્રનું રૂપ ધરીને જંપી ગયું.

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.