यद्दच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम्।।32।

‘સ્વર્ગનાં દ્વાર ખોલતું આવું યુદ્ધ વણમાગ્યું આવે ત્યારે ક્ષત્રિય વીર સુખી થાય છે.’

આ યુદ્ધ यद्दच्छया च उपपन्न, ‘તારું વણમાગ્યું આવ્યું છે, પોતાની મેળે આવ્યું છે.’ यद्दच्छया, ‘ભાગ્યજોગે’; स्वर्गद्वारमपावृतम, ‘સ્વર્ગનાં દ્વાર ખોલનાર છે.’ सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धभीद्दशम, ‘પોતાનું યુદ્ધકૌશલ વાપરવાની તક મળે તો ક્ષત્રિય સુખ પામે છે.’ બીજા પાસાં એને નહીં ગમે. એટલે તો, નાગરિકોના દંગાઓ વખતે લશ્કરના સૈનિકોને કામ કરવું ગમતું નથી કારણ કે એમાં પોતાના જ માણસોને મારવાના છે. એમને એ જરાય પસંદ નથી. અને જવલ્લે કટોકટી જેવા સંજોગોને બાદ કરતાં, કોઈ રાષ્ટ્રે તેમ કરવું જોઈએ નહીં. આ યુદ્ધ यद्दच्छया उपपन्न, ભાગ્યવશાત્ આવી પડેલું છે; પાંડવો એને ટાળવા ચાહતા હતા. પણ કૌરવોને એવી કંઈ પડી ન હતી. યુદ્ધને આવશ્યકતા તરીકે કોઈ સ્વીકારે નહીં. ગીતા જેના ભાગરૂપ છે તે મહાભારત યુદ્ધને ટાળવા પર જ ભાર મૂકે છે. નિત્ય શાંતિ જ ઝંખો. આ મહાકાવ્યમાં એવો લડાયક અભિગમ કે ફિલસૂફી છે જ નહીં. પણ માનવ સંજોગોની અસમાનતાને કારણે આત્મરક્ષણના સંજોગો આવી પડે છે અને એ આત્મરક્ષણની ખાતરી આપતું કોઈપણ કર્મ કરવું ઘટે. મહાભારતના સંદર્ભમાં, યુદ્ધની બોલબાલા એ અર્થમાં જ થયેલી છે. આ ગ્રંથ આધ્યાત્મિક છે અને પાંડવોના જયેષ્ઠ નેતા યુધિષ્ઠિર છે; એ શાંતિના ચાહક છે, એ કોઈનો દ્વેષ કરતા નથી; એમનું બીજું નામ અજાતશત્રુ, ‘જેનો શત્રુ હજી જન્મ્યો નથી તે,’ કેટલું સાર્થક છે ! એમના બીજા ભાઈઓનો સ્વભાવ પણ એવો જ હતો અને શ્રીકૃષ્ણ પણ તેમને યુદ્ધ ત્યજવાનું કહે છે અને કૌરવો સાથે વાટાઘાટો કરવાનું કહે છે. મહાભારતની અખિલાઈનો તમે અભ્યાસ કરશો તો, એ યુદ્ધનો ગ્રંથ છે એમ તમને કદી લાગશે જ નહીં. પણ યુદ્ધ ઊગી રહ્યું હતું. મનુષ્ય પ્રકૃતિ અનેક રીતે વિકૃત થઈ ગઈ છે; તોર, ગર્વ અને એવું બધું આવ્યું. કુરુક્ષેત્રના યુદ્ધ તરફ દોરી જતી આ બધી ઘટનાઓ જોઈ શકાય છે. બાબતને પાટે ચડાવવાનો બીજો માર્ગ જ હતો નહીં. દિલ્હી દૂરદર્શન મહાભારતની ફિલ્મ શૃંખલા બનાવશે ત્યારે, નાની નાની બાબતોથી વાતને વધતી તમને જોવા મળશે અને એનો અંત, ઈ.પૂ. ૧૪૦૦ આસપાસના મોટામાં મોટા પૌરાણિક આંતરયુદ્ધમાં આવતો દેખાશે. એ યુદ્ધે આપણા અનેક લોકોનો અને આપણી સંસ્કૃતિનો સંહાર કર્યો હતો, પછીથી સમગ્ર પરિસ્થિતિ જ પલટાઈ ગઈ. આપણા દેશના ઈતિહાસમાં મહાભારતનું યુદ્ધ સીમાવર્તક છે. પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે :

अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि।।33।।

‘આ ધર્મયુદ્ધ તું નહીં લડે તો, તારા ધર્મથી ચલિત થઈને તું કીર્તિ નહીં વરે અને પાપમાં પડશે.’ અર્જુન, આ યુદ્ધ તું નહીં લડે તો, તારું શું થશે ? ततः स्वधर्मं कीर्तिं च हित्वा, ‘તારા પોતાના ધર્મનો તું નાશ કરશે અને તારી રળેલી કીર્તિને ગુમાવશે.’पापमवाप्स्यसि, અને, ‘પાપમાં પડશે.’

अकीतिर्ञ्चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम्।
संभावितस्य चाकीतिर्र्मरणादतिरिच्यते।।34।।

‘લાંબા સમય સુધી લોકો તારી અપકીર્તિ ગાશે; સન્માનિત વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુ કરતાંયે વધારે ભૂંડી છે.’

બીજા લોકો પણ તારું બૂરું બોલવાના. બીજાઓ તારી ઠેકડી કરશે. લોકો કહેશે કે અર્જુન કાયર હતો, રણભૂમિમાંથી એ નાસી ગયો. ને જે વ્યક્તિએ સમાજમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે તેને માટે તે ગુમાવવું તે મૃત્યુ કરતાંયે બદતર છે. આ અદ્‌ભુત કથન છે. ‘death before dishonour ‘ (‘અપમાનના પહેલાં મૃત્યુ આવે’) એવું અંગ્રેજી કથન છે; એ જ વાત અગાઉ મહાભારતમાં કહેવાઈ છે : संभवावितस्य चाकीतिर्र्मरणात् अतिरिच्यते, ‘અપમાનિત થઈને જીવવા કરતાં મૃત્યુ ચડિયાતું છે.’ આ વિચાર અદ્‌ભુત છે. બધા વીર પુરુષો એ રીતે જ વિચારે છે. આપણા ઘણા લોકો આ સત્ય સમજતા નથી. સ્વમાનની ભાવના નીચી જ જતી જાય છે. હું અપમાન સહન કરવાને તૈયાર છું પણ, મારે પૈસો જોઈએ, બીજું કંઈ નહીં. માનવજીવનમાં પૈસો અગત્યનો ભાગ ભજવતો થાય છે ત્યારે, માનનું સ્થાન ઓછું ને ઓછું અગત્યનું બને છે; સજ્જનોને સન્માન વહાલું છે અને સન્માન વેચીને પૈસો નહીં મેળવે. જેમના પિતા ગરીબ થઈ જવાથી કરજમાં અને નાદારીમાં મૃત્યુ પામ્યા હતા તે સ્વ. ચિત્તરંજન દાસનો દાખલો મેં અગાઉ આપ્યો હતો. પછી દાસ વકીલ બન્યા. પહેલા જ દાવામાં એમને થોડા પૈસા મળ્યા. એ પૈસાનું એમણે શું કર્યું ? પહેલું કામ એમણે કોર્ટે જવાનું કર્યું અને ત્યાં જઈ નાદારની યાદીમાંથી મૃત પિતાનું નામ એમણે કઢાવી નાખ્યું. પૈસા કરતાં સ્વમાનને વધારે ચડિયાતું ગણવાનો એ દાખલો છે. એ પાઠ આપણે નવેસરથી શીખવાનો છે. છેલ્લા કેટલાક દશકાથી આપણે એ ભૂલી ગયા છીએ. પોતાની બધી પ્રતિષ્ઠા ચાલી જાય તેની જરાય ન પડી હોય એવા લોકો આજે છે; છતાં પોતે મોટા ભા હોય તેમ સમાજમાં હરેફરે છે. એ કેન્દ્ર બની જાય છે. પુસ્તક લખીને એ લાખો રૂપિયા રળે છે. આપણા સમાજમાં અને બીજે આજે એ સ્થિતિ પ્રવર્તે છે.

भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्।।35।।

‘મહારથીઓ માનશે કે તું ભયનો માર્યો યુદ્ધમાંથી ભાગી ગયો છો; અને જેમણે આજ સુધી તારું બહુમાન કર્યું છે તેઓ તને ઉતારી પાડશે.’

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम्।।36।।

‘તારા શત્રુઓ તારે વિશે ન કહેવાનાં વેણ બોલશે; તારી શક્તિ અને વિદ્યાની નિંદા કરશે. એથી વધારે દુ :ખકર બીજું શું હોઈ શકે ?’ તો આ કાયરતા છોડી, તારી મુશ્કેલીઓનો સામનો કર, એ આખરી સલાહ ૩૭મા શ્લોકમાં અર્જુનને શ્રીકૃષ્ણ આપે છે.

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।37।।

हतो वा प्राप्स्यसि स्वर्गं, ‘તું હણાઈશ તો વીરગતિ પામી સ્વર્ગે જઈશ. અથવા જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ; માટે, હે અર્જુન, ઊભો થા, લડવા માટે કૃતનિશ્ચયી બન.’

વિદેશી આક્રમકો સામે રણજંગમાં જે રાજપૂતવીરોએ માન અને ગૌરવપૂર્વક પોતાના પ્રાણ આપી દીધા તેમને, આજે આપણે કેટલા યાદ કરીએ છીએ ! આજે પણ તેમને આપણે આદરપૂર્વક સ્મરીએ છીએ. એટલે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે जित्वा वा भोक्ष्यसे महीम्, ‘ધાર કે તું જીતશે તો આ ધરતી પર તું આધિપત્ય ભોગવીશ.’ આમ એકેય રીતે તું ખોટમાં નથી. મનુષ્યમાંના વીર ભાવનું એ ઉદૃીપન છે.

तस्मादुत्तिष्ठ कौन्तेय, ‘તો અર્જુન, ખડો થઈ જા.’ कौन्तेय એટલે કુન્તીનો પુત્ર. युद्धाय कृतनिश्चयः ‘આવી પડેલા યુદ્ધનો સામનો કરવા કૃતનિશ્ચયી થઈને; ‘હું નાસી નહીં જાઉં, બળપૂર્વક સામનો કરીશ.’ એ નિશ્ચય સાથે ખડો થઈ જા.

પહેલા અધ્યાયની ચર્ચા કરતી વખતે મેં આરંભમાં જણાવ્યા પ્રમાણે, અર્જુનને ખરેખર યુદ્ધ લડવાનું હતું. મારે તમારે સાચાં યુદ્ધો લડવાનાં નથી હોતાં. પણ ગીતાબોધ આપણને સૌને લાગુ પડે છે કારણ કે, આપણે માટે યુદ્ધનો પ્રકાર રોજિંદા સવાલોના સામનાનો છે. એમની ઉપર આપણે વિજય મેળવવાનો છે, ભીતરથી પૂરતી શક્તિ પ્રાપ્ત કરી એમનો સામનો કરવાનો છે. આ તત્ત્વદર્શન જગતને લાગુ પડે છે. અર્જુનને સાધન બનાવી શ્રીકૃષ્ણે જગતને બોધ આપ્યો છે એમ શંકરાચાર્યે કહ્યું છે; अर्जुनं निमित्तीकृत्य. તમે અહીં ભારતમાં હો કે અમેરિકા કે યુરોપમાં, રશિયામાં હો કે ચીનમાં, તત્ત્વદર્શન એ જ રહે છે. યુદ્ધમાં કોઈનો સંહાર કરનાર માટે જ એ છે એવું જરાય નથી. એટલે, હવે પછીથી, એક વિશેષ દૃષ્ટાંત લઈને તમે એને વૈશ્વિક સંદર્ભમાં મૂકો છો. હવે પછીથી, જીવન અને કર્મનું ગહન તત્ત્વજ્ઞાન માંડવામાં આવ્યું છે. યુદ્ધ- પરિસ્થિતિનો અર્જુન સામનો કરે એ એનો હેતુ હતો. પણ મારા અને તમારા માટે એનો હેતુ છે આપણને હિંમતવાન અને બળવાન બનાવવાનો, જીવનના પડકારોનો સામનો કરતા કરવાનો. પોતાના સંજોગો પર પોતાનો કાબૂ છે તેમ માનવીએ બતાવી આપવું જોઈએ. એણે સંજોગવશ બની બેસવું ન જોઈએ. મનુષ્યને એ ગૌરવમાં પુન : સ્થાપિત કરવા માટે તત્ત્વદર્શનની જરૂર છે. આ સમગ્ર ગ્રંથમાં શ્રીકૃષ્ણ એની માંડણી કરવાના છે. એ ખૂબ વ્યવહાર્ય જીવન દર્શન છે એથી તો, પછીના કેટલાક શ્લોકમાં ગીતા એને યોગ નામ આપે છે. હું તમને યોગ શીખવું છું. પણ આપણે યોગ કહીએ છીએ ત્યારે, આપણે એનો અર્થ પ્રાણાયામ, શીર્ષાસન કે એવો બીજો ‘શારીરિક વ્યાયામ’ કરીએ છીએ. અહીં એવો અર્થ છે જ નહીં. જીવનનું એ વ્યવહાર્ય દર્શન છે ને એ વડે આ અદ્‌ભુત માનવ પરિસ્થિતિ સાથે કેમ કામ પાડવું, તમારી પોતાની આધ્યાત્મિક ચેતના કેમ વિકસાવવી અને, તમારી આસપાસના લોકોનાં સુખ અને કલ્યાણ માટે તમે શી રીતે સાધનરૂપ થાઓ છો તે વિષયક છે. નાના શબ્દ યોગ વડે સર્વસમાવિષ્ટ અધ્યાત્મ દર્શન શ્રીકૃષ્ણ રજૂ કરે છે. થોડા શ્લોકો પછી આપણી સન્મુખ એ આવશે. तस्मात् उत्तिष्ठ, ‘માટે ખડો થઈ જા.’ પડ્યો ન રહે , આળસુ ન થા, આરામ છોડ. હોશિયાર થઈ જા, ચેતનવંતો થઈ જા, કર્મમાં લાગી જા. સદા જાગ્રત રહેવાનું બુદ્ધે પણ કહ્યું છે. આપણામાં આરામપ્રિય અને આળસપ્રિય થવાની વૃત્તિ છે. એ ન હોવી ઘટે. એટલે, વેદાંતમાં તમને उत्तिष्ठ जाग्रत, ‘ઊઠો, જાગો’નું ઘ્રુવપદ વારંવાર સાંભળવા મળશે. જીવન પરિશ્રમ કરનારાઓ માટે છે – નબળાઓ, ઊંઘણશીઓ, આળસુઓ માટે નથી.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.