વિવેકજ્યોતિ વર્ષ ૪૫, અંક ૩માંના બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

છાંદોગ્ય ઉપનિષદમાં ઈશ્વરને ‘ભૂમા’ કહ્યા છે. એનો વ્યાપક દૃષ્ટિએ અર્થ છે ‘મહાન’. આપણે ઈશ્વરને સંકુચિત ધર્મ, સંપ્રદાય કે માનસિક સ્તરે લઈ જવા ન જોઈએ. ઈશ્વર મહાન છે એટલે ખરેખર મહાન છે. એમની મહાનતામાં બધું સમાઈ જાય છે. જ્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર મહાન છે, બીજી જ ક્ષણે આપણે વિચારીએ છીએ કે ઈશ્વર ખ્રિસ્તીઓનો છે કે યહૂદીઓનો; હિંદુઓનો છે કે મુસલમાનનો; ત્યારે આપણે આપણી વાત કહીએ છીએ. જો ઈશ્વર મહાન છે તો તે બધી વસ્તુઓ કરતાં મહાન હશે જ. સમુદ્રથી અને આકાશથી પણ મહાન, મનથી અને જીવનથી મહાન, મૃત્યુથી અને બધી જ્ઞાતઅજ્ઞાત વસ્તુઓથી મહાન છે. પછી આપણે એવું ન કહી શકીએ કે ઈશ્વર કેવળ માનવ ઈતિહાસના પૂરક છે કે કોઈ વિશેષ જનસમૂહના ઉદ્ધારક છે. એ વાત સાચી છે કે ઈશ્વર કાળમાં થનારી બધી ઘટનાઓ અને ઈતિહાસની વિશિષ્ટતાઓ માટે જવાબદાર છે, પણ તેઓ એટલેથી જ અટકી જતા નથી.

તેઓ અક્ષય છે. તેઓ ઈતિહાસ, કાળ, આપણા મત-સંપ્રદાય અને ગ્રંથોથી પણ મહાન છે. ઈશ્વરનું આવી રીતે ચિંતન કરવાથી આપણામાં ચરિત્રની યથાર્થ ભવ્યતા નિખરી ઊઠે છે. આપણે ઘણાં વર્ષોથી ધાર્મિકજીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ છતાં પણ આપણે પોતાના આધ્યાત્મિક દૃષ્ટિકોણને ઉદાર બનાવતા નથી. એનું કારણ એ છે કે આપણી ઈશ્વર વિષયક ધારણા સંકુચિત અને સાંપ્રદાયિક હોય છે. એને લીધે આપણા ચરિત્રમાં પરિવર્તન આવતું નથી. આપણે જેવા સંકીર્ણ માનવરૂપે જન્મ્યા હતા તેવા જ રહીએ છીએ. આપણે ધાર્મિક તો કહેવાઈએ છીએ પરંતુ આપણું હૃદય વિશાળ બનતું નથી. એટલે આપણે મહાન ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ અને એની મહાનતાના ભાગીદાર બનવું જોઈએ. મહાનતાનો અર્થ છે આધ્યાત્મિક પૂર્ણતા એટલે કે અજ્ઞાન, સંકીર્ણતા, કટ્ટરતા, દ્વેષ, રાગ અને પક્ષપાતમાંથી મુક્તિ.

ચરિત્રને ઉદાર બનાવવા આ જ સાધનરીતિ છે. જો આપણામાં ધૈર્ય અને અધ્યવસાય હોય તો આપણને આ સાધનામાં સિદ્ધિ મળશે. આ સિદ્ધિનું રૂપ કેવું હશે? ત્યારે આપણે પણ સેન્ટ ફ્રાંસિસની સાથે મળીને આવી પ્રાર્થના કરી શકીશું :

‘હે પ્રભુ! મને તારી શાંતિનું યંત્ર બનાવ

જ્યાં ઘૃણા ત્યાં હું પ્રેમ વાવું,

જ્યાં આઘાત ત્યાં ક્ષમા અને

સંશય ત્યાં વિશ્વાસ લાવું,

જ્યાં નિરાશા ત્યાં આશા અને જ્યાં અંધકાર ત્યાં પ્રકાશ

તેમજ જ્યાં ઉદાસીનતા ત્યાં પ્રસન્નતા વાવું.’

જરા વિચાર કરો કે એક વ્યક્તિ પોતાના ચરિત્રને ઉદાર બનાવવાની સાધનામાં સિદ્ધ થઈને પોતાની ચોતરફ શાંતિ, આનંદ, બળ, પ્રેમ અને વિશ્વાસ જ ફેલાવી રહી છે. શું આ સમાજની સાચી સેવા નથી? માનવતા નિ :સ્વાર્થ પ્રેમ અને પવિત્રતા ઝંખે છે, શાંતિ અને સહાનુભૂતિની અભિલાષા રાખે છે.

આની પૂર્તિ વિજ્ઞાનથી નહીં થાય, શિલ્પવિજ્ઞાનથી પણ નહીં થાય, રાજનીતિ કે સંધિકરારોથી પણ ન થાય; એ પૂર્તિ તો ત્યારે જ થાય કે જ્યારે એ સમાજને ઉદાર ચરિત્ર, મહામના પુરુષોનો સંગ મળી રહે. આપણા સમાજને વિદ્વાનો અને રાજનીતિજ્ઞો કરતાં આવાં પવિત્ર સ્ત્રીપુરુષોની વધારે આવશ્યકતા છે.

આવી વ્યક્તિનું ચરિત્ર નિર્મળ હોય છે અને કરણી અને કથનીમાં કોઈ ભેદ નથી હોતો એટલે જ આપણે આશા, ઉત્સાહ અને ધૈર્ય સાથે આપણા ચરિત્રને ઉદાર બનાવવાની આ સાધનામાં લાગી જવું જોઈએ. એનાથી મળતી સિદ્ધિ કેવળ આપણા માટે જ ઉપકારી નીવડે છે એવું નથી પરંતુ આપણી આસપાસના લોકો, મિત્રો, પાડોશીઓ અને સમગ્ર સમાજ માટે વરદાન સ્વરૂપ બની જાય છે. ઉદાર ચરિત્ર એક એવું સર્વોચ્ચ મૂલ્ય છે કે જેની આપણે વ્યાખ્યા કે સ્પષ્ટતા કરી શકતા નથી. પણ અનુભવ સાહજિક રીતે કરી શકીએ છીએ અને પ્રયત્નપૂર્વક એ સર્વોચ્ચ મૂલ્યને અધિકારમાં લાવી શકીએ તો આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ના પુરોધા બની જઈએ છીએ.

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.