(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

કહેવાયું છે કે ગીતાના અધ્યાયોની પુષ્પિકા સર્વપ્રથમ એ સત્તા ધરાવનાર ઈશ્વરના અસ્તિત્વની ઘોષણા કરે છે. તેના પછી કહ્યું—‘श्रीमद्भगवद्गीतासूपनिषत्सु’— ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા ઉપનિષદમાં’. અહીં ગીતાને ઉપનિષદ કહી. આ પહેલાં કહ્યું હતું કે ગીતા ઉપનિષદરૂપી ગાયોનું દૂધ છે, અર્થાત્ ઉપનિષદોનો નિચોડ છે. અહીં કહે છે કે માત્ર નિચોડ જ નહીં પરંતુ ગીતા ઉપનિષદ જ છે. અને કેવું ઉપનિષદ? श्रीमद्भगवद्गीता—શ્રીભગવાન દ્વારા ગવાયેલું. ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ છે, તેથી તેના વિશેષણમાં ‘श्रीमद्भगवद्गीत’ ન કહેતાં ‘श्रीमद्भगवद्गीता’ કહ્યું છે. ‘ગીતા’નો અર્થ ‘જે ગવાયેલી છે’. તો, શ્રીભગવાન સ્વયં જે ઉપનિષદનું ગાન કરે છે, તેનું જ નામ ગીતા. આ માહાત્મ્ય છે ગીતાનું. અને હકીકતે પણ ગીતા એટલું તો પૂર્ણ શાસ્ત્ર છે કે જો તેને ઈશ્વર-ઉક્ત કહેવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

ત્યાર પછી પુષ્પિકામાં કહેવાયું કે ગીતા બ્રહ્મવિદ્યા છે, અને યોગશાસ્ત્ર પણ છે. આપણે પહેલાં જોયું કે ગીતા અધ્યાત્મ અને વ્યવહાર, શાસ્ત્ર અને કળા બંનેનો અદ્‌ભુત સમન્વય કરે છે. પહેલાં એમ કહેવાયું છે કે યોગની બે સુંદર વ્યાખ્યાઓ ગીતામાં દૃષ્ટિમાન થાય છે. એક પરિભાષા જ્ઞાનપરક છે, અધ્યાત્મપરક છે, શાસ્ત્રપરક છે, તો બીજી પરિભાષા કર્મપરક છે, વ્યવહારપરક છે, કલાપરક છે. એકમાં કહેવાયું—‘समत्वं योग उच्यते’ (૨/૪૮), તો બીજામાં કહેવાયું—‘योग: कर्मसु कौशलम्’ (૨/૫૦).

ગીતાગાયક કૃષ્ણ

મેં કહ્યું છે કે કૃષ્ણ યુગાચાર્ય છે. તેઓ મહાન ક્રાંતિકારી છે. તેમનાં કથની અને કરણીમાં કોઈ પાર્થક્ય નથી. જેવો ઉપદેશ આપે છે, તેવું જ આચરણ પણ કરે છે. તેમણે અર્જુનને દ્વન્દ્વોમાં બુદ્ધિને સમતોલ કરવાનું કહ્યું. તેઓ સ્વયં તેનું ઉદાહરણ છે. કૃષ્ણનું જીવન તેમના ઉપદેશો પરનું ભાષ્ય છે. જ્યારે પણ હું ગીતાના કોઈ શ્લોકને સમજવા અસમર્થ હોઉં છું, ત્યારે કૃષ્ણના ચરિત્ર તરફ નજર નાખું છું કે તેમણે એવી પરિસ્થિતિમાં શું કર્યું હતું. બસ, એ શ્લોકનો અર્થ મારી આંખોની સામે સ્પષ્ટ થઈ જાય છે. હું કહી રહ્યો હતો કે કૃષ્ણનું જીવન તેમના ઉપદેશોનું પ્રામાણિક વૃત્તવર્ણન છે. જરા કૃષ્ણને જુઓ. અર્જુન કહે છે—હું યુદ્ધ નહીં કરું. સાંભળીને કૃષ્ણ વિચલિત નથી થતા. તેમના હોઠો પર એ જ સ્મિત છે, જે ગોપીઓને જોઈને પ્રગટ થતું હતું. તેઓ જે કોમળતાથી વાંસળીમાં ફૂંક મારે છે અને જે દૃઢતાની સાથે વાંસળીનાં છિદ્રો પર આંગળીઓ નચાવે છે, એ જ કોમળતા અને દૃઢતાની સાથે અર્જુનને સમજાવે છે. તેઓ કોમળ પણ છે અને કઠોર પણ છે. એટલે જ તો કવિ ગાન કરે છે—

प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये।
ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः॥

‘હે ભક્ત-કલ્પદ્રુમ! હે દંડપાણિ! હે જ્ઞાનમુદ્રાધારી કૃષ્ણ! હે ગીતામૃત-દોહનકર્તા! તમને પ્રણામ છે.’

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानंदं कृष्णं वन्दे जगद्गुरुम्॥

‘કંસ અને ચાણૂરને મારવાવાળા, દેવકીને પરમ આનંદ આપવાવાળા, વસુદેવનંદન, દેવદેવ, જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.’

કૃષ્ણ કલ્પદ્રુમ જેવા કોમળ છે, તો દંડ જેવા કઠોર પણ છે; ભક્તજન-સુલભ છે, તો કઠોર જ્ઞાનમુદ્રાધારી પણ છે! તેઓ વસુદેવ-દેવકી માટે કોમળ દેહધારી આનંદદાતા છે, તો કંસ અને ચાણૂર માટે કઠોર મર્દનકારી પણ છે! એટલે જ તો પાંડવોને નિશ્છલ સ્નેહ આપ્યો, તો કૌરવો માટે તેઓ અભિશાપ પણ બન્યા. કૌરવોના ભયંકર વમળમાંથી પાંડવોની વિજય-નૌકાને હેમખેમ બચાવીને પાર ઉતારી. તેઓ તો ભક્તજનોને પાર જ ઉતારે છે. જે કોઈ તેમના શરણમાં જાય છે, તેનો હાથ પકડી લે છે અને તેની નાવને નિર્વિઘ્ને પાર પહોંચાડી દે છે. કવિ કહે છે—

भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला।
शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला।
अश्वत्थामाविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी।
सोत्तिर्णा खलु पाण्डवै रणनदी कैवर्तक: केशव:॥

‘જે સમરનદીના ભીષ્મ અને દ્રોણ બે કિનારા છે, જેનું જળ જયદ્રથ છે; જેમાં ગાંધારરાજ નીલકમલ છે, શલ્ય મગર છે, કૃપાચાર્ય ધારા છે, કર્ણ ઊર્મિઓ છે, અશ્વત્થામા અને વિકર્ણ ભયંકર મોટી માછલી છે, દુર્યોધન વમળ છે, તે નદી પાંડવોએ કેશવ-નાવિકની મદદથી પાર કરી લીધી.’

ગીતા: મહાભારતનો જ અંશ

આ ગીતાગાયક કૃષ્ણનું મહિમામય રૂપ છે, જે મહાભારતના માધ્યમથી આપણી સમક્ષ પ્રગટ થાય છે. ગીતા મહાભારતના અંશના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો કહે છે કે આ મહાભારતનો અંશ નહીં , પરંતુ પછીથી તેની રચના કરી મહાભારતમાં તેને સામેલ કરી દીધી છે. તેમના મત પ્રમાણે ગીતા મહાભારતમાં ઉમેરવામાં આવી છે, પ્રક્ષિપ્ત કરવામાં આવી છે. પરંતુ એવા પણ ધુરંધર વિદ્વાનો છે, જેઓ આ મતને નથી માનતા અને કહે છે કે ગીતા સ્વતંત્રરૂપે નથી લખાયેલી, પરંતુ મહાભારતના અંશરૂપે જ લખાયેલી છે. તેઓ પોતાના મતના સમર્થનમાં પ્રમાણ આપતાં કહે છે કે બન્ને ગ્રંથોની ભાષા સમાન છે. જો બન્ને અલગ અલગ સમયની રચના હોય તો એ બંનેની ભાષામાં ચોક્કસ જ અંતર હોત. ભાષાઓનો એક પ્રવાહ હોય છે. ભાષાઓની પોતાની એક શૈલી હોય છે. પચાસ વર્ષોમાં ભાષામાં શૈલી અને પ્રવાહની દૃષ્ટિએ કંઈક તો બદલાવ જરૂર આવે છે. આપણે અંગ્રેજી ભાષાને લઈએ કે હિન્દી ભાષાને જ લઈએ. પાછલાં પચાસ વર્ષોમાં શૈલીમાં કેટલું અંતર જણાય છે. પરંતુ મહાભારત અને ગીતાનું અધ્યયન કરવાથી એવું નથી જણાતું કે ક્યાંય ભાષાનો પ્રવાહ બદલાયો હોય. જે હોય તે, આપણે આ પાંડિત્યના ઊહાપોહમાં નથી પડવું. આપણા માટે એટલું જાણી લેવું પર્યાપ્ત છે કે ગીતા મહાભારતમાં પ્રક્ષિપ્ત કરવામાં આવી નથી, પરંતુ તેનો પોતાનો જ અંશ છે. જો મહાભારત દૂધ છે, તો ગીતા તેમાંથી પ્રાપ્ત થતું માખણ છે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.