શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ

આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની શકે છે. હવે અહીં ભગવાન શ્રીકૃષ્ણ એ પરમગતિનો દરવાજો બધાને માટે ખોલી નાખે છે. ભલે પરંપરા આ વર્ગના કેટલાક લોકોને પાપયોનિ માને, પરંતુ શ્રીકૃષ્ણ તેની સાથે સહમત નથી. તેઓ આ પરંપરાનો વિરોધ કરે છે અને કહે છે કે જે કોઈ પણ સાચા મનથી ભગવાનનું શરણ લે છે, તે જ પરમપદના અધિકારી છે. તેના ઉદાહરણરૂપે આપણને મહાભારતમાં ‘વ્યાધગીતા’ના પ્રસંગમાં એક આખ્યાન જોવા મળે છે, જ્યાં બ્રાહ્મણકુમાર તપસ્વી કૌશિક ગૃહસ્થ-ધર્મનું પાલન કરનાર મહિલા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછીથી મિથિલા જઈને ધર્મવ્યાધ નામના કસાઈ પાસેથી વેદાંત સંબંધી શંકાઓનું નિરાકરણ મેળવે છે. આ જ રીતે એક અન્ય સ્થળે જાજલિ નામક ઋષિ તુલાધાર વૈશ્ય પાસેથી જીવન અને અધ્યાત્મના રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.

કહેવાનો અર્થ એ છે કે મહાભારત ગીતા પરની એક વિશદ-સ્પષ્ટ ટીકા છે. અને પહેલાં જ કહેવાયું છે કે તેનો દૃષ્ટિકોણ અત્યંત ક્રાંતિકારી છે. મહાભારત કાળના ભારતની કલ્પના કરો, ત્યારે પ્રતીત થાય છે કે ધર્મના ક્ષેત્રમાં ખૂબ અંધવિશ્વાસ પ્રવર્તી રહ્યો હતો. ત્યારે ધર્મના નામ પર લોકોનું શોષણ થતું હતું. એનું અનુમાન એ પરથી લગાવી શકાય છે કે તે સમયે સ્ત્રી, વૈશ્ય અને શૂદ્રને પાપયોનિ કહેવામાં આવતાં હતાં. શ્રીકૃષ્ણ એ ધાર્મિક અને સામાજિક શોષણના વિરોધમાં ઊભા રહી ઘોષણા કરે છે કે પરમપદને પામવાનો અધિકાર મનુષ્યને જન્મથી જ નથી મળી જતો. એક વિશેષ વર્ણમાં જન્મ લેવામાત્રથી મનુષ્યને જ્ઞાનનો અધિકાર નથી મળી જતો. આ અધિકાર તો મનુષ્ય પોતાનાં કર્મો અને બુદ્ધિથી પ્રાપ્ત કરે છે. આના જ ઉદાહરણરૂપે આપણે મહાભારતમાં તે મહિલા, એ તુલાધાર વૈશ્ય અને એ ધર્મવ્યાધ શૂદ્રને જ્ઞાનનાં અધિકારી જોઈએ છીએ અને એ પણ જોઈએ છીએ કે તેઓ પોતાનાં કર્મોને યજ્ઞ બનાવીને એટલાં ઉન્નત થઈ ગયાં કે તેમણે બ્રાહ્મણ તપસ્વી કૌશિક અને જાજલિ મુનિને જ્ઞાનનો ઉપદેશ આપવા માટેનો અધિકાર પ્રાપ્ત કરી લીધો.

એટલે જ તો શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનાં જ કર્મોમાં લાગી રહેવાનો ઉપદેશ આપે છે. અર્જુને યુદ્ધને ભયંકર કર્મ માન્યું. તે ભિક્ષા દ્વારા જીવનયાપન કરવાનું શ્રેયસ્કર માનવા લાગ્યો હતો. ભગવાન તેના ભ્રમને દૂર કરતાં કહે છે (૧૮/૪૫-૪૬)—

स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर:।
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु॥

यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव:॥

‘પોતપોતાનાં કર્મોમાં લાગેલા રહીને મનુષ્ય સિદ્ધિની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. પોતાનાં કર્મોમાં રત રહીને તે સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરે છે, તેનો ઉપાય સાંભળ. જે પરમાત્માએ સમસ્ત ચરાચર જગતની ઉત્પત્તિ કરી છે, અને જેનાથી આ સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે, તેની પોતાનાં કર્મો દ્વારા પૂજા કરીને મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.’

આમ, આપણે જોઈએ છીએ કે ગીતા ભગવતી એ સંસિદ્ધિની પ્રાપ્તિ માટે બધાને આહ્વાન આપે છે. તેની દૃષ્ટિએ જીવનના પરમ પ્રયોજનને પ્રાપ્ત કરવા માટે પુરુષ કે સ્ત્રીનો કોઈ ભેદ નથી; અને ન તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રનો પણ ભેદ. તેના માટે કોઈ શ્વેત કે શ્યામ નથી, દેશ કે ધર્મનો પણ ભેદ નથી. જે બુદ્ધિમાન છે, વિવેકી છે, આ સંસારમાં રહીને પણ સંસારને પોતાનો ન સમજીને જે પરમેશ્વરને જ પોતાનો સમજે છે, એ જ ગીતાજ્ઞાનનો અધિકારી બને છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને ઉપદેશ કરતાં કહે છે—

“સંસારમાં રહો, પરંતુ સંસાર તમારામાં ન રહે. નાવ જળમાં રહે એ ઠીક છે, પરંતુ જળ નાવમાં રહે એ ઠીક નથી.” જેની બુદ્ધિમાં આવી ધારણા થઈ ગઈ છે, તે બુદ્ધિમાન છે અને એ જ ગીતારૂપી દુગ્ધામૃતનું પાન કરવાનો અધિકારી બને છે.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.