(નવેમ્બર ૨૦૧૨થી આગળ)

ઈર્ષ્યાની આગ

ઈર્ષ્યા ઘૃણાની ચિરસંગિની છે. બંને સદૈવ સાથે વિચરણ કરતી રહે છે. પૂર્ણત : અસ્વાસ્થ્યકર ઈર્ષ્યાભાવનાથી પીડાતા લોકો બેચેન અને પરેશાન રહે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાની સફળતા જોઈને જ બેચેન થઈ જાય છે.

માનવના છ શત્રુઓમાં (કામ-ક્રોધ-મદ-લોભ-મોહ-મત્સર) ઈર્ષ્યાનું સ્થાન છઠ્ઠું છે. એ અસીમ ક્ષતિકારક છે. એવા લોકો પણ જન્મ્યા છે જેમણે કામ અને ક્રોધ પર વિજય મેળવી લીધો છે, પરંતુ એવા લોકો પણ ઈર્ષ્યાથી ગ્રસ્ત થઈને અન્યાય અને છળકપટ કરવામાંથી અચકાતા નથી. ઈર્ષ્યાથી પૂર્ણત : મુક્ત રહેનાર વ્યક્તિ જ ખરેખર મહાન છે. સ્વામી વિવેકાનંદે ‘ઈર્ષ્યાથી મુક્ત થવાની’ વાતને જ અહિંસાની પરિભાષા કહી છે.

એક નદીના બંને કિનારે બે સાધક તપ કરતા હતા. દીર્ઘકાળની તપસ્યા પછી ઈશ્વરે એમાંથી એકને દર્શન આપીને પૂછ્યું, ‘તમારી શું ઇચ્છા છે?’ તપસ્વીએ કહ્યું, ‘નદીને પેલે પાર પણ કોક વરદાન માટે તપ કરે છે. એને જે ફળ મળે એનાથી બેગણું મને મળે એમ હું ઈચ્છું છું.’ ભગવાન આ સાંભળીને બીજા તપસ્વી સામે પ્રગટ થયા અને એને પહેલા તપસ્વીની ઇચ્છા વિશે વાત કરી. અને પછી પૂછ્યું, ‘હવે તમારે કયું વરદાન જોઈએ છે?’ પેલા તપસ્વીએ કહ્યું, ‘પ્રભુ મારી એક આંખ ચાલી જાય અને હું કાણો થઈ જાઉં.’ એટલે પેલા તપસ્વીને એવું વરદાન મળ્યું કે જેથી એણે પોતાની બંને આંખો ગુમાવી.

આ વાર્તા એ દર્શાવે છે કે ઈર્ષ્યા કેવી રીતે તપસ્વીઓને પણ અભિભૂત કરી શકે છે. કઠોર તપસ્યા પછી પણ સાધકને ઈશ્વરનાં દર્શન થયા પછી એક અંશમાત્ર પણ અહંકાર ન રહેવો જોઈએ. આ અહંકાર જ મનના ષડ્ રિપુઓનો આધાર છે. આ વાર્તા તપસ્યા કે તપસ્વી વિશે નથી. પરંતુ ઈર્ષ્યાના દૂરગામી પ્રભાવો તરફ અસર કરે છે.

મહાભારત કહે છે : ‘સજ્જનોની ઘૃણા કરવી પાપ છે.’ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જો આપણે સજ્જનોને માન સન્માન ન આપી શકીએ તો ભગવાન આપણાથી નારાજ થાય છે. બર્ટ્રાંડ રસેલનું કથન છે, ‘ઈર્ષ્યા સુખનો સૌથી મોટો શત્રુ છે.’

બાળકો પણ ઈર્ષ્યા કરી શકે છે. જો મા એક બાળક સાથે પક્ષપાત કરે તો બીજું બાળક ઈર્ષ્યાળુ અને અધીર બની જાય છે. માતાપિતા જો બાળકોને ખાવાની ચીજવસ્તુ કે વહાલપ્રેમમાં નિષ્પક્ષ રહે તો સંતાનોને સુખ અને આનંદ મળે. પ્રૌઢ લોકો બાળકોની જેમ ખૂલેખૂલી ઈર્ષ્યા પ્રગટ કરતા નથી. પરંતુ એમની દાનતનો એમના વ્યવહાર દ્વારા ખ્યાલ આવી જાય છે. તેઓ બીજા દ્વારા થયેલાં સારાં કાર્યોને દુર્ભાવના પ્રેરિત માને છે. ઈર્ષ્યાળુ લોકો ક્યારેય બીજાના સદ્ગુણોની પ્રશંસા કરી શકતા નથી. તેઓ એવી રીતે વાતો કરે છે જાણે તેઓ પૂરેપૂરા નિષ્પક્ષ, બુદ્ધિમાન અને નિતાંત લાગણીશીલ હોય. આમછતાં પણ શેક્સપિયરના નાટક ‘ઓથેલો’ના પાત્ર ઈયાગોની જેમ તેઓ ઈર્ષ્યાથી આંધળા બનીને બીજાના વિનાશનું કાવતરું રચતા રહે છે.

એકવાર એક અધ્યાપકે પોતાના ઉત્તમ વ્યવહાર તેમજ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો પ્રેમ અને સ્નેહ મેળવ્યાં. તેઓ વિદ્યાલયના આચાર્ય પર પણ પુત્ર જેવી પ્રેમની દૃષ્ટિએ જોતા. આ શિક્ષક વિનમ્ર, નિષ્ઠાવાન અને ઈર્ષ્યાભાવથી મુક્ત હતા છતાં પણ આચાર્ય એને જોઈને ગુસ્સે થઈ જતા. ચારપાંચ વર્ષો સુધી આચાર્યે ક્યારેય એ શિક્ષક સાથે પ્રેમ કે આદરપૂર્વક વાત ન કરી. આ શિક્ષકની હાજરીમાં આચાર્ય થોડા ચિડાઈ જતા. એમની વધારે ને વધારે લોકપ્રિયતાની સાથે જ આચાર્યની ઈર્ષ્યા પણ ક્રમશ : તીવ્ર થતી ગઈ. અંતે એમણે ચાલબાજી કરીને એ અધ્યાપકની બદલી કરાવી દીધી. એનાથી એને થોડી રાહત મળી. તેઓ એ સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ અધ્યાપક સારું કાર્ય કરતા હતા અને એને લીધે એના વિદ્યાલયનું ગૌરવ પણ વધ્યું હતું.

સુચિત્રાએ જ્યારે સાંભળ્યું કે તેના દિયરનાં બાળકોને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે તો તે ઉદ્વિગ્ન થઈ ગઈ. તે બીજાને સંભળાવતી હોય તેમ બોલી ઊઠી, ‘અરે, આજે તો ગલીએ ગલીએ ડાૅક્ટર મળે છે. એવું લાગે છે કે જાણે આ વ્યવસાયમાં હવે આકર્ષણ નથી. આજે ભાઈ, કોણ ડોક્ટર બનવા ઈચ્છે છે. મારો છોકરો તો ક્યારેય ડોક્ટર નહીં બને!’

વસ્તુત : એના પુત્રે પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ખરો પ્રયાસ કર્યો, પરંતુ એના ગુણાંક ઠીક ઠીક પ્રમાણમાં ઓછા હોવાથી એને પ્રવેશ મળ્યો નહીં. આનાથી એ સિદ્ધ થાય છે કે ‘આપણે કોઈ પણ બાબતને તેના યથાર્થ સ્વરૂપે નહીં પણ પોતપોતાના મનોભાવો પ્રમાણે જોતા હોઈએ છીએ.’

કહેવાય છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ઈર્ષ્યાળુ હોય છે. એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓ બીજી બધી સ્ત્રીઓને પોતાની હરીફ માને છે. અને એકબીજાની વ્યાવસાયિક અદેખાઈ કરતી રહે છે. વળી ‘એક વિદ્વાન બીજા વિદ્વાનની એવી ઈર્ષ્યા કરે છે કે જેમ એક કૂતરો બીજા કૂતરાને જોઈને ઘૂરકે છે.’ જો એક સંગીતકારની સામે બીજા કોઈ સંગીતકારની પ્રશંસા કરો તો આપણને તિરસ્કારભરી વાતો સાંભળવા મળશે. મોટા ભાગના લોકોને ઈર્ષ્યા નામની ડાકણ વળગી હોય છે!

ઈર્ષ્યાળુ લોકો હંમેશાં અસંતોષને કારણે ક્રોધિત રહે છે. મળેલી સુખસુવિધાઓ અને સંપત્તિથી સુખી થવાને બદલે બીજાની ઉન્નતિ જોઈને મનમાં ને મનમાં દુ :ખી થતા રહે છે. આવા લોકો બીજાના દુર્ભાગ્યને સર્જીને એમના સર્વનાશની આશા રાખીને પોતે પોતાના ભવિષ્યના સર્વનાશનાં બીજ રોપે છે. તેઓ શક્ય હોય ત્યાં સુધી બીજાને દુ :ખ પહોંચાડે છે અને પોતાના જીવનમાં પણ દુ :ખને નોતરે છે.

ઈર્ષ્યાથી મુક્ત થવા માટે એના દુષ્પ્રભાવોને જાણી સમજીને મનુષ્યે ઈર્ષ્યાથી બચવું જોઈએ. વ્યક્તિએ બીજાના સદ્ગુણોની પ્રશંસા અને એમનો આદર કરવો જોઈએ. વ્યક્તિ પોતાના પ્રયત્ન અને કઠોર પરિશ્રમના બળે જ પોતાનો ઉત્કર્ષ સાધી શકે છે. ઈર્ષ્યાથી હાર્યાથાક્યા પહેલાં દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવું જોઈએ કે શું પોતે સંઘર્ષ કર્યા વિના જ સફળ થવા ઈચ્છે છે? શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક નિત્ય પ્રાર્થના કરીને વ્યક્તિ ઈર્ષ્યાની ખરાબ ભાવનાને દૂર ભગાડી શકે. ઈર્ષ્યામુક્ત ન હોવાથી આ લોક અને પરલોકમાં દુર્ગતિ પામે છે. જીના સરમિનારાનું આમ કહેવું છે, ‘જેવી કોઈપણ વ્યક્તિ પોતાની સાથે સંલગ્ન અરુચિકર કે ઝઘડાળુ માણસ સાથે સાચો પ્રેમ કરવાનું શીખી લે તો તે બંધનથી મુક્ત બની જાય.’

શત્રુતાનું દુશ્ચક્ર

ઘૃણા કરનારા લોકો હંમેશાં ઉત્તેજીત અને કટુ હોય છે. ઘૃણા મનને સંકુચિત બનાવે છે અને વિવેક-વિચારને પાંગળા બનાવી દે છે. વેરભાવના એ આંખે કાળાં ચશ્માં લગાડવા જેવું છે. તે આપણી બુદ્ધિને ઢાંકી દે છે. બીજા લોકોમાં જે બાબતને તમે વધારે નાપસંદ કરતા હો એ ભાવને જ પોતાની ભીતર વિકસાવો છો. ઘૃણાનો શિકાર બનનાર વ્યક્તિ બીજાની સાથે એવો ભાવ રાખીને પોતાની ભીતર પણ ઘૃણાને વિકસાવે છે. તે પોતાના અત્યાચારીને ઘૃણાની દૃષ્ટિએ જુએ છે અને હંમેશાં બદલો વાળવાની આગમાં સળગતો રહે છે. ઘૃણા કરનારો માણસ પોતાની માનસિક અને શારીરિક સારી પરિસ્થિતિઓને પણ નાદુરસ્ત કરી દે છે. ઘૃણાને આશરો આપનારા લોકો માનસિક તણાવ અને ચિંતાથી ગ્રસ્ત રહે છે. આવા લોકોને બધા ત્યજી દે છે અને તેઓ ઉદાસ રહે છે તેમજ અકાંકીપણાના દુ :ખથી દુ :ખીદુ :ખી થઈ જાય છે.

ઉત્તર ભારતમાં એક વખત એક અકિંચન સંન્યાસી ભિન્ન ભિન્ન સ્થાને વિચરણ કરતા હતા. લોકો આવીને એમના જ્ઞાનની વાતો સાંભળતા. આ સંન્યાસી લોકોને બીજા પ્રત્યેની ઘૃણા અને ક્રૂરતા છોડીને સજ્જન બનવાનો ઉપદેશ આપતા. એક વખત હજારથી પણ વધારે લોકોને સંબોધીને કહ્યું, ‘ઘૃણાથી વધારે ભયંકર બીજું કોઈ પાપ નથી. ઘૃણા સૌથી મોટો ભયંકર રોગ છે. ઘૃણાને ઘૃણાથી જીતી ન શકાય. તેણે પ્રેમ અને સહાનુભૂતિના હથિયારથી જીતવાનો પ્રયત્ન કરો. ન હિ વેરેણ વેરં શમતિ અવેરેણ હિ વેરં શમતિ’. આ સંન્યાસી હતા ભગવાન ગૌતમ બુદ્ધ. ભગવાન બુદ્ધ દ્વારા ૨૫૦૦ વર્ષ પહેલાં લોકોને અપાયેલો આ સંદેશ બધા યુગોમાં સર્વપ્રકારનાં દુ :ખકષ્ટોના ઉપચાર માટે એક રામબાણ ઈલાજ છે. શું તમે કોઈની ઘૃણા કરો છો? જો હા, તો એ તમારી સૌથી મોટી દુર્બળતા છે, એ તમારી સૌથી મોટી ભૂલ પણ છે. એને ત્યાંને ત્યાં તત્કાલ છોડી દો.

મનમાં બીજા પ્રત્યેની ઘૃણાનો વિચાર લાવતાં જ તમે પોતાના ઉપર નિયંત્રણ સ્થાપિત કરવાનો બધો અધિકાર એ ઘૃણાને સોપી દો છો. પછી એ જ તમારાં ઊંઘ, ભૂખ, લોહીનું દબાણ, સ્વાસ્થ્ય અને પ્રસન્નતા પર નિયંત્રણ રાખવાનું શરૂ કરી દે છે. જો તમારા શત્રુઓને ખ્યાલ આવી જાય કે એમના પ્રત્યેની તમારી ઘૃણાના ભાવને લીધે તમારું મન હંમેશાં ઉદ્વિગ્ન અને ચીડિયું રહે છે; તો વસ્તુત : તેમના આનંદનો પાર નહીં રહે. તમારી પોતાની ઘૃણા તમારા દુશ્મનોને કોઈ ક્ષતિ પહોચાડતી નથી. પરંતુ ઊલટાનું તમને જ એ દુ :ખ અને શોકના નરક તરફ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જો તમે પોતાના હૃદયમાંથી ઈર્ષ્યા અને ઘૃણાના ભાવને બીજા પર મોકલો તો તે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તમારા પર આવીને ખાબકવાનો. દુનિયાની કોઈ તાકાત એને રોકી ન શકે. જો તમે એક વાર આવી ખરાબ શક્તિને બહાર મોકલી તો પછી તમારે એનો પ્રત્યાઘાત સહન કરવો જ પડશે એ નિશ્ચિત માની લેજો. આ વાત યાદ રાખશો તો કુકર્મોથી બચતા રહેશો.’

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.