(નવેમ્બર ૨૦૧૨ થી આગળ)

મારા (સ્વામી વિરજાનંદ) આવ્યાના કેટલાક સમય બાદ યોગેન મહારાજ (સ્વામી યોગાનંદ), કાલી મહારાજ (સ્વામી અભેદાનંદ), અને તુલસી મહારાજ (સ્વામી નિર્મલાનંદ) ઉત્તર ભારતમાં તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. કાલી મહારાજે અલાહાબાદમાં ઝૂંસીમાં અનેક દિવસો સુધી રહીને ભિક્ષા માગીને તપસ્યા કરી હતી. પાછા ફરવાના સમયે તેઓ અલાહાબાદના વસંત નામના સત્તર – અઢાર વર્ષના એક છોકરાને બ્રહ્મચારી બનાવવા માટે પોતાની સાથે લઈ આવ્યા હતા. કાલી મહારાજ મોટા ભાગનો સમય અંદરથી દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં સંસ્કૃત અને વેદાંતનો અભ્યાસ કરતા. એ રૂમ ત્યાર બાદ ‘કાલી તપસ્વીના રૂમ’ના નામે ઓળખાયો.

મેં જયારે મઠમાં આવવાનું શરૂ કર્યું ત્યારે ‘આહિરીટોલા’ માંથી કેટલાક યુવકો પણ મઠમાં આવતા. કાનાઈ (પછીથી તેઓ સાધુ બન્યા અને સ્વામી નિર્ભયાનંદ નામ મળ્યું.) અને નંદ એ યુવકોમાં પ્રથમ હતા. એ વખતે જોવા મળતું કે જે જે યુવકો મઠમાં આવતા એમનો પ્રયાસ જે તે કામ શોધીને એ કામ કે સેવા કરવાનો રહેતો અને એમાં એમને વધારે આનંદ મળતો. શશી મહારાજ જવલંત ઉદાહરણરૂપ હતા. તેઓ યુવકોમાં કામને વહેંચી દેતા. યુવકો પણ એ કામ ઉત્સાહ અને આનંદ સાથે મળીને કરતા. નિવારણ નામે એક યુવક ઠાકુરના નામે નવા નવા ગાનની રચના કરતો અને મઠમાં આવીને પખવાજ અને મંજીરાં લઇને પોતાના સાથીઓને ભેગા કરીને કીર્તન કરતો. શશી મહારાજ પણ તેમાં સામેલ થતા.

સંન્યાસીઓનાં થોડાંઘણાં વસ્ત્રો એક દોરીની ઉપર લટકાવેલાં રહેતાં. કપડાં રાખવા કોઈ કબાટ પણ નહીં. દાળ અને ચોખા માટલામાં રહેતાં. એક બે રૂપિયાનું પરચૂરણ પણ ઠાકુરનાં કપડાં રાખવાની પેટીની નીચે પડ્યું રહેતું. આવશ્યકતા અનુસાર ખરીદી કરવા માટે તે વપરાતું. એનો હિસાબ રાખવાની કોઈ પંચાત નહોતી. મારા જવાના કેટલાક સમય પહેલાં એક યુવક આશ્રમમાં રહેવા આવ્યો હતો. તે એ નહીં જેવું પરચૂરણ ચોરીને ભાગી ગયો હતો. ઠાકુરને બે વખત નૈવેદ્ય તેમજ બે વખત ભોગ ધરવાના સમયે આઠ-આઠ પાનબીડાં સજાવવામાં આવતાં. ચાનું ચલણ નહોતું – પણ મેલેરિયા કે શરદીવાળા કોઈ કોઈ ચા પીતા. ચાપાનની શરૂઆત આલમ બજાર મઠથી થઈ હતી.

નિર્જનમાં સાધનભજન, જપધ્યાન કરીને ઈશ્વરલાભ કરવો, એ બધાનો આદર્શ હતો. મઠમાં કે તીર્થ સ્થાને રહીને કઠિન તપશ્ચર્યાના ભાવે તેઓ પ્રયત્નશીલ રહેતા. શશી મહારાજ આમાં અપવાદ હતા. મઠમાં ઠાકુર અને તેમનાં સંતાનોને છોડીને બીજે જવું એમના માટે અસહ્ય હતું. બાર વર્ષના સમયગાળા દરમિયાન કેટલાક કલાકો માટે પણ કલકત્તા નહોતા ગયા. એકવાર માત્ર તેઓ કોઈને જણાવ્યા વગર મઠ છોડી ચાલ્યા ગયા હતા. આ ઘટનાથી એમનાં ગુરુભાઇઓના મનમાં ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેઓ તેમને શોધવા માંડ્યા. સદ્ભાગ્યે તેમણે બીજે જ દિવસે શશી મહારાજને દક્ષિણેશ્વરમાં શોધી કાઢ્યા. અને તેમને મઠમાં લઇ આવ્યા હતા. આ પછી એક જ વાર તેઓ સ્વામીજીની સ્વાગત સભા માટે કલકત્તા ગયા હતા. જ્યારે સ્વામીજી ગોપાલ શીલના ઉદ્યાનગૃહમાં રહેતા હતા ત્યારે શશી મહારાજ જ્યારે ઇચ્છા થતી ત્યારે તેમને મળવા જતા. કેટલાક કલાક સ્વામીજીના સત્સંગમાં વિતાવી તેઓ પાછા ફરતા.

(ક્રમશ 🙂

Total Views: 242

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.