૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. તેમણે કાલીકૃષ્ણ(સ્વામી વિરજાનંદના પૂર્વાશ્રમનું નામ)ને કહ્યું, ‘વારુ, છોકરા, તને મારી સાથે આવવું ગમશે?’ આવી આનંદદાયી દરખાસ્ત સાંભળીને કાલીકૃષ્ણ તો ખુશ ખુશ. એમની મંડળીમાં બીજાં સભ્યો હતાં – વૈકુંઠનાથ સંન્યાલ, હરમોહન મિત્ર, યોગિન મા અને ગોલાપ મા. તેઓ બર્દવાન થઈને શ્રીરામકૃષ્ણ દેવની જન્મભૂમિ કામારપુકુર પહોંચ્યાં. અહીંથી તેઓ ખેતરોમાં ચાલતાં ચાલતાં જયરામવાટી ગયાં.

એક બંગાળી માતા જેમ પોતાના પુત્રને વહાલથી આવકારે તેમ યુવાન કાલીકૃષ્ણની દાઢીને હાથથી સ્પર્શીને શ્રીશ્રીમાએ એમના પ્રત્યે પ્રેમભાવ વ્યક્ત કર્યો. આવા પ્રેમાળ સ્પર્શથી યુવાન તપસ્વીનું હૃદય આનંદ અને શાંતિથી છલકાઈ ઊઠ્યું. માતા જગદ્ધાત્રીની પૂજા રિવાજ પ્રમાણે એક દિવસને બદલે ત્રણ દિવસ ચાલી. કાલીકૃષ્ણ ઘણા નાના હતા એટલે શ્રીશ્રીમા શારદાદેવી એની ઉપસ્થિતિમાં પોતાની સ્ત્રીસુલભ લજ્જા ન અનુભવતાં. એટલે એની ફરજ શ્રીમા માટે જુદી જુદી ચીજવસ્તુઓ પૂરી પાડવાની થઈ. આ રોકાણ દરમિયાન કાલીકૃષ્ણે કામારપુકુરની અનેક વાર મુલાકાત લીધી હતી. પછીથી એનું સ્મરણ કરતાં તેઓ કહે છે, ‘હું જ્યારે કામારપુકુરમાં હતો ત્યારે મારું હૃદય વિલક્ષણ પવિત્રતા, શાંતિ અને આનંદના ભાવથી ભરાઈ જતું અને વાસ્તવિક રીતે અનુભવતો કે હું પાવન ભૂમિ પર ચાલી રહ્યો છું. સાદા અને ઘાસથી છવાયેલા શ્રીરામકૃષ્ણના એ ઝૂંપડામાં કેવું તો આકર્ષણ છે! આ દુન્યવી માયાની નહીં પણ આધ્યાત્મિકતાની ઝંકૃતિઓ જાગતી હોય તેવું લાગે છે.’

શ્રીશ્રીમા શારદાદેવી સાથે થોડા દિવસો દિવ્ય આનંદમાં ગાળીને તેઓ વરાહનગર પાછા ફર્યા. પછીથી સ્વામી વિરજાનંદજીએ પોતાનાં આ સંસ્મરણો હૃદયસ્પર્શી ભાષામાં આ રીતે વર્ણવ્યાં છે : ‘હૃદયમાં મોટા ખાલીપાની લાગણી સાથે હું વરાહનગર મઠમાં પાછો ફર્યો. પણ મારે શા માટે એને ખાલીપો કહેવો જોઈએ ? શું મારું હૃદય શ્રીશ્રી માની દિવ્યકૃપાથી, સૌને ચાહતી જગજ્જનની માતાની અસીમ દિવ્યકૃપાથી ભરાઈ ગયું ન હતું ? મેં તેમના વિશે આ પહેલાં જે અપૂરતાં વર્ણન સાંભળ્યાં હતાં તેના કરતાં તેઓ કેવાં હતાં તેની બહુ અલ્પ કલ્પના કરી શક્યો. જે મારાં મનપ્રાણને સંપૂર્ણપણે પોતાના તરફ આકર્ષીને મને એમનો પોતાનો આપ્તજન બનાવી દેનાર આવી માની કોણ કલ્પના પણ કરી શકે ! હું ઘરે હતો ત્યારે મારી માતાને ઉત્કટતાથી ચાહતો અને તેમને પણ મારા પ્રત્યે અસીમ પ્રેમ હતો. પણ શ્રીમા શારદાદેવી તો અસંખ્ય પૂર્વજન્મોનાં મા છે, મારા અસ્તિત્વ સુધ્ધાંનાં મા !’

જયરામવાટીના રોકાણ વખતે સ્વામી સારદાનંદજી અને કાલીકૃષ્ણને મલેરિયા થયો અને ત્યાંથી પાછા ફર્યા પછી પણ કાલીકૃષ્ણને મલેરિયાનો તાવ ચાલુ રહ્યો. સ્વામી નિરંજનાનંદજીની આજ્ઞાથી તેઓ થોડા દિવસ બલરામ બોઝના ઘરે ગયા અને ત્યાં શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય ડૉ. બિપીન ઘોષની સારવાર લેવા લાગ્યા.

૧૮૯૩ નો મધ્યકાળ હતો. આલમબજાર મઠના રોકાણ દરમિયાન કાલીકૃષ્ણનાં મનહૃદય આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયાં હતાં. હજુ સુધી જયરામવાટીથી લાગુ પડેલો મલેરિયા સાવ નિર્મૂળ થયો ન હતો. આમ છતાં પણ એમણે આ રોગને અવગણ્યો અથવા આ રોગથી સાજા નથી થયા, એ વાતને છુપાવી રાખી. આ સમયે શ્રીશ્રી મા બેલુરમાં નીલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં રહેવા આવ્યાં. એક દિવસ કાલીકૃષ્ણ એમને મળવા આવ્યા અને એમની વિનંતીથી તેઓ રાજીખુશીથી એક રાત ત્યાં રહેવા સહમત થયા. ગોલાપમા અને યોગિનમા પણ શ્રીશ્રીમા સાથે રહેતાં. શ્રીશ્રીમાને બીજે દિવસે સવારે પ્રણામ કરવા કાલીકૃષ્ણ આવ્યા અને પ્રણામ પછી તેમણે મઠમાં જવાનું હતું. તેઓ આવ્યા અને શ્રીશ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શ્રીમાએ કહ્યું, ‘બેટા, આ વખતે તને જોઈને મને ઘણું દુ :ખ થયું. આ પહેલાં કેવું મજાનું સુદૃઢ શરીર હતું ! મલેરિયાના વારંવારના હુમલાથી આ શરીર સાવ સૂકલકડી બની ગયું છે. તું મઠમાં જોડાયો છે પણ તને ખબર છે કે આ બધા નિર્ધન સાધુઓ છે. તેઓ તારું પોષણ વ્યવસ્થિત રીતે કેમ કરી શકે ? એટલે હું તને કહું છું, તું ઘરે પાછો જા અને પોષક આહારથી તેમજ યોગ્ય દવા-ચિકિત્સાથી તું સારો સાજો થઈ જા, ત્યાં સુધી ત્યાં રહેજે.’ શ્રીશ્રીમાની આ આજ્ઞા સાથે કાલીકૃષ્ણને જાણે કે વીજળી ત્રાટકી હોય એમ લાગ્યું. તેઓ એક શબ્દ પણ ન બોલી શક્યા. એમને મૂક જોઈને શ્રીશ્રીમાએ ફરીથી કહ્યું, ‘હા, મારા દીકરા, હું કહું છું તેમ કર.’ કાલીકૃષ્ણનું હૃદય વિષાદથી ભરાઈ ગયું અને તેમની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. તેઓ ઝડપથી ઓરડામાંથી નીકળી ગયા, બગીચાના એક ખૂણામાં ઊભા રહ્યા અને ખૂબ રડવા લાગ્યા. જો કે શ્રીશ્રીમા એમના હૃદયની પીડાને જાણતાં હતાં, છતાં એમણે પોતાની આજ્ઞા પાછી ન લીધી. તેમણે ગોલાપમાને કહ્યું, ‘અરે ! કાલીકૃષ્ણની આ હાલત જોઈને હું તો ધ્રૂજી ઊઠી ! એટલે જ મેં એને ઘરે જવા કહ્યું. સાથે ને સાથે મેં એના હૃદયને ઘણું દુ :ખ પહોંચાડ્યું છે, એમ વિચારીને મારી આંખો પણ ભીની થઈ ગઈ છે !’

ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે દિવસે સવારે શ્રીશ્રીમા પાસે જવાની અને તેમની પાસે મંત્રદીક્ષા માટે પ્રાર્થના કરવાની સલાહ આપી. શ્રીશ્રીમાએ કાલીકૃષ્ણની ઉત્કટ ઇચ્છાને સંતોષી અને તેણે કેવી રીતે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ તે વિશે સૂચનો પણ આપ્યાં. શ્રીશ્રીમાની અમીદૃષ્ટિવાળા સંસ્પર્શથી કાલીકૃષ્ણને એક નવીન બળ મળ્યું અને ઘરે જઈને ગહન આધ્યાત્મિક સાધનાઓ કરવામાં પોતાનો સમય વિતાવશે એવો મક્કમ નિર્ણય કર્યો.

કાલીકૃષ્ણે શ્રીશ્રીમાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને આલમબજાર મઠ જવા ઊપડ્યા. અહીં તેઓ પોતાના ઘરે જતાં પહેલાં રોકાયા. વર્ષાઋતુ હતી, ગંગા પૂરબહારમાં, ગાઢ ધુમ્મસથી વાતાવરણ આચ્છાદિત, આકાશમાં ઘનઘોર વાદળાં હતાં. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને કાલીકૃષ્ણ નાવમાં બેઠા ત્યારે શ્રીશ્રીમાએ તેમને નીલાંબરબાબુના ઉદ્યાનગૃહની અટારીમાંથી જોયા. શ્રીશ્રીમાની નજર તેમના પર જ હતી. એવું લાગતું હતું જાણે કે તેઓ કાલીકૃષ્ણ પર પડતાં વરસાદનાં ફોરાંને ગણી રહ્યાં હતાં. એ દેખીતી વાત હતી કે તેઓ પોતે પણ વરસાદથી પલળી રહ્યાં હતાં. આ હૃદયસ્પર્શી દૃશ્ય કાલીકૃષ્ણના હૃદયમાં એક અમીટ છાપ પાડી ગયું.

આવી રીતે પંદર માસ વીતી ગયા. વળી પાછા ત્યાગ-વૈરાગ્યના અગ્નિએ આ પાંજરે પુરાયેલા સિંહને બેચેન બનાવી દીધો. પોતાની આ મનોદશાની વાત કરતો એક સુદીર્ઘપત્ર તેમણે જયરામવાટીમાં શ્રીશ્રીમાને લખ્યો. આ પત્રનું એકે એક વાક્ય કાલીકૃષ્ણના હૃદયની ઝંખનાનું વર્ણન હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. જાણે કે એક ભયગ્રસ્ત પુત્ર હોય તેમ અને જાણે કે આ ભૌતિક જગત તેને ગ્રસી જાય તેવો ભય સેવીને તેમણે પોતાના સંરક્ષણ માટે શ્રીશ્રીમાની અમીકૃપા મેળવવાની તીવ્ર ઇચ્છા એ પત્રમાં વર્ણવી હતી. એ પત્ર આ શબ્દોમાં લખાયો હતો :

૫રમ પૂજ્ય આદરણીય શ્રીશ્રીમાનાં ચરણ કમળમાં

શ્રીમા,

આપનાં ચરણકમળમાં મારા અનેક સાષ્ટાંગ પ્રણામ સ્વીકારશો… હે મા, માત્ર તમે જ જાણો છો એ કારણોથી હું આપને અવારનવાર પત્રો લખતો નથી. પરંતુ આ વખતે એક મહામુસીબતમાં હોવાને લીધે હું આપને આ પત્ર ભય સાથે લખું છું.

હું જયરામવાટી આવવા અને આપનાં દર્શનથી મારી જાતને ધન્ય બનાવવા ઇચ્છતો હતો અને જો હું મારી આત્મશ્રદ્ધા વિહોણી મન :સ્થિતિને, લજ્જા અને ભયને કોરાણે મૂકી શકું તો હું મારું હૃદય આપ સમક્ષ ખુલ્લું કરવા અને મારાં બધાં દુ :ખ – ઉદ્વિગ્નતાની વાત કરવા ઇચ્છતો હતો. પરંતુ આપના પ્રત્યેના પૂરતા પ્રેમ અને આદરભાવને અભાવે અને આ મલેરિયાની ઋતુએ મને એમ કરતો અટકાવ્યો છે. મારા હૃદયની ઉદ્વિગ્નતાને આ પત્રમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકું ? બધા કહે છે કે આપ સર્વજ્ઞ છો અને છતાં તમે મારું દુ :ખ ન જાણી શકો તો તેને માટે મારાં દુર્ભાગ્ય જ જવાબદાર છે અને જો એ બધું જાણવા છતાં આપ મારાં દુ :ખને દૂર ન કરી શકો તો એમ ન કરવાનું કારણ પણ આપ જ જાણો છો. હું આપને કરુણામયી માનું છું… આપે પોતે કહ્યું હતું, ‘શું હું એક પથ્થરની પ્રતિમા છું એમ તમે માનો છો ?’ આપ મારી દયનીય દશા જાણીને ખૂબ ખિન્ન થશો, એમ હું માનું છું. પણ જ્યારે ભાવિ મને ગળી જ જવાનું છે એવું મને લાગે છે ત્યારે બીજું હું કરી પણ શું શકું ? હે મા, આપના સિવાય બીજા કોને હું મારી ઉદ્વિગ્નતાની વાત કરી શકું? બીજું કોણ મને શાંતિ અને અભયદાન આપી શકે ? અને આ બધું જાણવા છતાં પણ આપ મારા હૃદયની ઇચ્છાને ન સંતોષો તો એ મારાં દુર્ભાગ્ય જ હશે કે મારાં પૂર્વકર્મનું ફળ હશે, એમ માનીશ.

હે મા, મારા જીવનમાં જે કંઈ બને, અને મારે મરવું પડે તોય હું આપને કેવી રીતે દોષ દઈ શકું ? ‘ઘરે રહીને અને ઈશ્વરને પોકારીને તું વધારે ઝડપથી ઉન્નત થઈશ. આપે જ મને આમ કહીને મારા ઘેર મોકલ્યો હતો. આપે જ મને અનેક રીતે પ્રોત્સાહિત કર્યો છે. આવું ન બન્યું હોત તો પણ તે દિવસે અટારીએથી મારા માટે આપ કેટલું રડ્યાં હતાં તે હું ક્યારેય ભૂલી શકું ખરો ? જ્યારે હું એ વરસાદના દિવસે ઘરે પાછો જતો હતો ત્યારે આપ પોતે વરસાદમાં ભીંજાઈ જઈને ગહનચિંતાથી સતત મને જોઈ રહ્યાં હતાં. મને એવું લાગ્યું કે આપ તો મારા પર વરસાદનાં કેટલાં ટીપાં પડે છે, એ ગણી રહ્યાં હતાં. શું આ બધું હું ક્યારેય ભૂલી શકું ખરો ?

Total Views: 364

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.