મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની આતુરતાથી સ્મરણ-મનન અને મંત્રજાપ કરવાથી એની મેળે થાય.

રોજની તાલીમ (અભ્યાસ) અને વૈરાગ્ય વિના મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો કશોય સુગમ કે સહજ ઉપાય નથી.

જેટલો સમય જપ-ધ્યાન કરો, પછી ભલેને ૧૦-૧૫ મિનિટ કરો તેય સારું, પણ એટલું ય પૂરેપૂરું અંતર રેડીને કરજો. ઈશ્વર, તે તો અંતર્યામી છે. અંતર જુએ. એ કાંઈ કેટલો સમય ધ્યાન કર્યું કે કેટલી માળા ફેરવી, એ ન જુએ.

શરૂઆતમાં તો જપ-ધ્યાન નીરસ જ લાગે. છતાંય દવા પીવાની પેઠે કર્યે જવું જોઈએ. ત્રણ ચાર વરસ નિષ્ઠાપૂર્વક એ કર્યે જઈએ ત્યારે આનંદ મળે. ત્યારે પછી એક દિવસનો ખાડો પડે તો ય બહુ દુ:ખ થાય, કશામાં મન ન લાગે.

આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો પ્રયત્નની જરૂર. હું પ્રયત્નપૂર્વક સાધના કરીને ઈશ્વર દર્શન કરીશ, એવો દૃઢ સંકલ્પ કરી નિષ્ઠાપૂર્વક ત્રણ ચાર વરસ સુધી રોજ ઓછામાં ઓછું સવારે ને સાંજે બેય વખત બબ્બે કલાક સુધી આસન ઉપર બેસીને જપ-ધ્યાન કર્યે જવું જોઈએ.

સંસારી માણસને માટે વધુ પ્રાણાયામ કરવો સારો નહિ. જેઓ વધુ પ્રાણાયામ કરવાને આતુર હોય, તેમણે નિયમિત સમય, નિયમિત પૌષ્ટિક સાત્ત્વિક આહાર, નિયમિત કામકાજ, ચિંતા વિનાનું તંદુરસ્ત જીવન, એકાંત સ્થાન, ચોખ્ખી હવા, પેટ સાફ, ઓછી વાતચીત વગેરે રાખવું જોઈએ. અને આ બધામાંથી પ્રથમ તો બરાબર બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ. આ બધાંનો ભંગ થાય તો હૃદયનો અથવા મગજનો રોગ થવાનો ભય ખરો.

જપ કે ધ્યાન કરતાં કરતાં જ્યારે મન સ્થિર થાય, શુદ્ધ થાય, ત્યારે મન જ તમારો ગુરુ બને, અંદરથી જ બધી બાબતો સમજાઈ જાય, સંશય અને પ્રશ્નોનું સમાધાન મળી આવે, આગળ ઉપર તમારે શું કરવું, કઈ રીતે વર્તવું એ બધું મન જ કહી દે.

(પરમપદને પંથે, પૃ.૨)

Total Views: 495

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.