उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।।

‘મનોરથ કરવાથી કે દીવાસ્વપ્નો જોવાથી નહીં પણ, ઉદ્યમથી જ તમે જગતમાં સિદ્ધિ પામી શકો છો. મનોરથ એટલે મનના રથને ચલાવવો અને હવામાં ઊડવું. એ પાકો રાહ નથી. પછી દૃષ્ટાંત આવે છે : થોડી ઘરડી ઉંમરવાળો સિંહ શિકારે જઈ શકતો નથી અને મોઢું ખૂલ્લું રાખી પડયો રહે છે. એ એમ માનતો હોય છે કે કોઈ હરણ મોઢામાં આવી પડશે. પણ એમ બનતું નથી. આ રીતે સિંહને કશો ખોરાક મળતો નથી. તેને દિવસના ખોરાક માટે ઘણી મહેનતથી કામ કરવું પડે છે. એ જ રીતે શ્રીકૃષ્ણ માનવજાતને પરિશ્રમ કરવા કહે છે; તો જ જીવન માણી શકાશે.

હવે ૩૮ શ્લોકથી નવું સંગીત સાંભળવા મળશે. એ જોરદાર સંગીત શ્રીકૃષ્ણના મૌલિક તત્ત્વદર્શનનું છે; પ્રાચીન ઉપનિષદોએ વિકસાવેલા માનવ શકયતાઓના વિજ્ઞાન પર આધારિત વ્યવહાર્ય વેદાંતના દર્શનમાંથી એ જીવનદર્શન એમણે વિકસાવ્યું છે. બીજા અધ્યાયના આ ૩૮મા શ્લોકથી આગળ સમગ્ર માનવવિકાસ માટે શ્રીકૃષ્ણ એને વર્ણવે છે.

શ્રીકૃષ્ણ શું કહે છે ?

सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ।।38।।

‘સુખ અને દુ :ખ, લાભ અને ગેરલાભ, જય અને પરાજયને સમાન ગણીને, તું યુદ્ધ કરવા લાગી જા. તેથી તને કંઈ પાપ નહીં લાગે.’

सुखदुःखे, ‘સુખમાં ને દુ :ખમાં’, लाभालाभौ ‘લાભમાં અને ગેરલાભમાં,’ जयाजयौ, ‘જય અને પરાજયમાં’ તારા ચિત્તને સમતોલ રાખ. આ બધા બદલાતા સંજોગોમાં તારા ચિત્તને બને એટલું શાંત રાખ. ततो युद्धाय युज्यस्व,‘આવા ચિત્ત સાથે તું યુદ્ધમાં લાગ’ ને, તારા જીવનમાં પણ તેમ જ રહે, તો તને કદી પાપ લાગશે નહીં.’ नैवं पापमवाप्स्यसि, ‘આ અભિગમ હશે તો તને કદી પાપ નહીં લાગે!’ ચિત્તની આ સ્વસ્થતાનો વિચાર અદ્‌ભુત છે. મોટું કાર્ય કરવું હોય તો, ઉત્તેજનાથી તે સિદ્ધ થતું નથી. સ્વસ્થ, શાંત, સ્થિર કાર્ય વડે તમે મહાન સિદ્ધિને વરો છો. આજના રાજકારણમાં નકરી ઉત્તેજના છે. તમે જઈને ટોળાંને ઉશ્કેરો અને એ ઉશ્કેરાટ પણ થોડી પળ પછી શમી જશે. પણ મહાન કાર્યકર્તાઓ તેવા નથી હોતા. એમની માન્યતા સુદૃઢ હોય છે, એ શાંત અને સ્થિર હોય છે, એ લોકો પ્રવૃત્તિ કરે છે, મુશ્કેલીઓનો સામનો કરે છે અને પોતાનાં ચિત્તને શાંત અને સ્વસ્થ રાખીને ઉકેલ કાઢે છે. શાંત અને સ્વસ્થ નર કે નારી જ ઉત્તમ કાર્ય કરે છે. ઉશ્કેરાયેલ નરનારી સારું કામ કર્યાનો દેખાવ કરે, પણ એ ઘોંઘાટ જ હોય છે. પોતાના એક પ્રવચનમાં ડૉ. રાધાકૃષ્ણને કહ્યું હતું કે, આજનાં નરનારી ઈશ્વરમાં માનતાં નથી; એ લોકો માને છે, ‘હરીફરીને સારું કરવું.’ પણ તમે બરાબર અવલોકન કરશો તો, ‘સારું કરવા કરતાં, હરફર વધારે છે !’ ખૂબ ઉત્તેજના, ખૂબ ધમાલ અને દળ્યું સાવ થોડુંક. આજે આપણા સમાજમાં આવા ઘણા લોકો છે. પણ સ્વસ્થ, શાંત, સ્થિર કાર્ય સાચું કાર્ય છે. અહીં શ્રીકૃષ્ણ એ પ્રકારના કાર્યનું કહે છે; એ ગૃહિણીને, વહીવટદારને તેમજ વ્યવસાયીને લાગુ પડે છે : સ્વસ્થ, શાંત, સ્થિર કાર્ય. મનનું વલણ ઊંચે નીચે જવાનું છે. વાસ્તવમાં એનું પોતાનું મોટું મનોવિજ્ઞાન છે. સરોવરમાં પથરો નાખતાં તરંગો ઊઠે તેમ, બાહ્ય જગતનો કોઈપણ અનુભવ ચિત્તમાં તરંગો જન્માવે છે; મન એવું છે. કેટલાક અનુભવો મોટા તરંગો જન્માવે છે અને, કેટલાક તરંગો એટલેંટિકના તરંગો જેવડા હોય છે. એ બધું ખરાબ છે. તમે માનસિક સમતુલા ગુમાવી બેસો છો. આપણા રોજિંદા કાર્યમાં થોડું ઘણું સંતુલન આપણે જાળવીએ છીએ, સિવાય કે કશું અસાધારણ બને. પરંતુ જ્યારે અસ્થિરતાવાળી અસરો ચિત્ત પર પડતી હોય કેળવણી વડે આપણા ચિત્તની સ્વસ્થતા વધારી શકીએ. શ્રીકૃષ્ણ આ તત્ત્વદર્શનનો આરંભ કરે છે કારણ, એ જીવનનું અને કર્મનું તત્ત્વદર્શન માંડવાના છે અને જીવન અને કર્મ ચિત્તને અવારનવાર ઊંધુંચત્તું પણ કરી નાખે. એટલે ચિત્ત સાથે કામ પાર પાડતાં આપણે શીખવું જોઈએ. એને શાંત અને સ્થિર રાખવું જોઈએ. બોધનો આ પ્રારંભ છે. આગળ જતાં શ્રીકૃષ્ણ પોતાના દર્શનને વ્યાખ્યાયિત કરતાં કહેશે समत्वं योग उच्यते, યોગ એટલે સમત્વ. આ ચિત્ત શાંત અને સ્થિર હોય તે યોગ. સામાન્યપણે એમ હોતું નથી. કોઈ પ્રાણીને લો. પ્રાણીને કોઈ આવેશ જાગે તો, એનું ચિત્ત ખળભળી ઊઠે છે. પછી કોઈ કાર્યમાં એ પ્રગટ થવો જ જોઈએ. પછી એ આવેશ શમે. પ્રાણીવર્તનનું એ સ્વરૂપ છે. માનવીનું ચિત્ત અણકેળવેલું હોય ત્યારે બહુધા, એ આમ વર્તે છે; આપણે પ્રાથમિક દશામાં હતા ત્યારે આપણે તેમ જ કરતા. જો કે ત્યારે પણ, માનવતંત્રમાં થોડી શાંતિ ઊગી હતી કારણ, પ્રકૃતિએ જ એવી વ્યવસ્થા કરી છે કે, દરેક ઇન્દ્રિયસંવેદના જેટલી સામગ્રી અંદર મોકલાવે તેનું અવલોકન થાય ને પછી જ ચાલક પેદાશ તરીકે એને પસાર થવા દેવામાં આવે. આંતરગ્રહણ અને બહિ :પ્રક્ષેપ વચ્ચે થોડો ગાળો સામાન્ય જનોને પણ હોય જ.

આપણા માનવ મનમાં પ્રચંડ વિકાસનો એ આરંભ છે. કૃષ્ણ એ આરંભને નિર્દેશે છે. આંતરગ્રહણ અને બહિ :પ્રક્ષેપ વચ્ચે થોડો સમય જવા દો. ધારો કે કોઈ મને ગાળો ભાંડે છે; હું તરત સામો ભાંડવા લાગું છું. એમ નહીં કરવાનું; એનો અર્થ એ કે તમે પ્રાણી છો, સ્વયંગતિક છો. કાર્ય અને પ્રતિકાર્ય સમાન અને વિરોધી હોય છે એ આપણે જાણીએ છીએ. એ નિયમ યંત્રનો છે. પણ માનવ પ્રાણીઓની બાબતમાં એમાં ફેરફાર થઈ શકે. કાર્ય એક એકમ હોય તો, પ્રતિકાર્ય દસ એકમ કે શૂન્ય એકમનું હોઈ શકે. એ દર્શાવે છે કે તમે મુક્ત છો. જ્યારે ઉત્ક્રાંતિની ક્ષિતિજે જીવન દેખાય છે, ભલેને એ સાવ પ્રાથમિક કક્ષાએ હોય, પણ ત્યારે મુક્તિ પણ દેખાય છે. મુક્તિની બીજી કોઈ વ્યાખ્યા નથી. તમે માત્ર બાહ્ય સંજોગોનું પ્રાણી નથી. તમારા પ્રતિકારનું નિયમન તમે કરી શકો છો. જેમ તમારા પ્રતિકારનું નિયમન તમે કરતા થાઓ, તમે માનવપણાની પ્રાપ્તિ મેળવતા થાઓ, પછીની ભીતરની કૂચ અનન્ય છે. તમારા મનની સાથે તમે જાતે જ કામ પાર પાડો છો. ભીતર શાંતિનો ભાવ તમે જન્માવો છો. પરિણામે મહાન સિદ્ધિઓ આવે છે. ઇન્દ્રિય સંવેદનાના આંતરગમન અને ગતિજનક બહિર્ગમન વચ્ચેના ચિત્તના આ સંતુલનથી માનવ ઉત્ક્રાંતિ આરંભાય છે. એને વધારે ને વધારે દૃઢ કરવું ઘટે. આ વાત આપણી સામે વારંવાર આવશે કારણ, આજુબાજુના જગતની સાથે કામ પાર પાડવામાં અને, પોતાની જાતને કુશળતાથી વાપરવામાં આ માનવચિત્તની કેળવણી તે તો ગીતાનું વિષયવસ્તુ છે. કોઈ બાહ્ય કુશળ વ્યાપારને વશ પ્રાણી આપણે રહેતા નથી. આપણા જીવનને ઘડતી કૌશલશક્તિ આપણે છીએ. પ્રત્યેક મનુષ્યે આ હાંસલ કરવું જોઈએ અને, જ્ઞાનતંતુશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર આપણને આજે કહે છે કે, આ કુશલ અભિગમથી પોતાના જીવન સાથે કામ પાર પાડવાની શક્તિ પ્રકૃતિએ મનુષ્યને બક્ષી છે. એણે માત્ર પ્રાણી બની નહીં રહેવું જોઈએ. એ મુક્ત બની શકે અને આ મુક્તિનો ઉપયોગ કરી શકે; અર્વાચીન જીવશાસ્ત્ર, જ્ઞાનતંતુશાસ્ત્ર અને પ્રાચીન વેદાંતનો એ બોધ છે. મુક્તિની અનુભૂતિ વડે વેદાંત વિકાસના અનુભવને ઉચ્ચતમ કક્ષાએ લઈ જાય છે. તે છે મુક્તિ-મોક્ષ. આંતરગમન અને બહિર્ગમન વચ્ચેની ખાઈ મૂકવાની સ્વતંત્રતા મુક્તિ તરફની માનવ કૂચનો આરંભ છે. એમાંથી અદ્‌ભુત સિદ્ધિ સાંપડશે.

આ અધ્યાયના અંતભાગમાં, પોતાના દર્શનનું વિવરણ કર્યા પછી, ૧૮-૧૯ શ્લોકોમાં સંપૂર્ણ સંતુલન, સંપૂર્ણ સ્થિરતા પ્રાપ્ત કરનાર માનવચિત્તના સ્વરૂપનું, ગીતા જેને સ્થિતપ્રજ્ઞ કહે છે તેનું, નિદર્શન શ્રીકૃષ્ણ આપશે. એ શબ્દ આશ્ચર્યકારક છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, શાણપણ; સ્થિત એટલે સ્થિર. આપણું જ્ઞાન સ્થિર નથી. એ આવે છે ને જાય છે. પણ તાલીમ વડે આપણે મનને અને જ્ઞાનને સ્થિર કરી શકીએ. બીજા અધ્યાયના અંતના બે શ્લોકો અદ્‌ભુત છે. પહેલાં નિરૂપણ, પછી દૃષ્ટાંત. આપણે એવું ચારિત્ર્ય ખીલવવું જોઈએ. આમ આ વિષય પ્રત્યેક નર, નારી કે બાળક માટે, દરેક નાગરિક માટે છે. આ માનુષી સમત્વ કેવી રીતે ઘડવું, જન્મથી પ્રાપ્ત આ મનોદૈહિક ઊર્જાને કેવી રીતે વાપરવી, એનો વિકાસ કેવી રીતે સાધવો, એની વૃદ્ધિ કેવી રીતે કરવી, એના ઉત્તમ તત્ત્વને પ્રકટ કરવું. આ કોણે કરવાનું છે ? આપણે પ્રત્યેકે; બીજા મદદ કરી શકે. પણ ખરું કામ તમારું પોતાનું છે. ‘તમે ઘોડાને અવાડે લઈ જઈ શકો પણ એને પાણી પીતો ન કરી શકો.’ એમ એક અંગ્રેજી કહેવત છે. એમ વેદાંત પણ એ બાબત ઉપર ફરી ફરી ભાર મૂકે છે; તમારું ચારિત્ર્ય ઘડતર, તમારું જીવન ઘડતર તમારું પોતાનું કામ છે, તમારો પોતાનો અધિકાર છે, બીજાઓ પર એ ન છોડૉ. મદદ ભલે બીજાઓની લો પણ, એ તમારું પોતાનું જ કામ છે. અને તમે વિકાસ પામશો ત્યારે, જગત આશ્ચર્ય પામશે; જેમ હજાર રૂપિયાની મૂડીથી ધંધો માંડી, એને સારી રીતે રોકી અને પરિશ્રમ કરી લાખોપતિ બનનાર પ્રત્યે લોકો જુએ છે તેવાં જ આદરાશ્ચર્યથી તમારી પ્રત્યે જોઈ લોકો કહેશે, ‘ચૈતસિક શક્તિની નાની મૂડીથી આ આદમીએ બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવનનો મોટો વેપાર-ધંધો ઊભો કર્યો છે. મનુષ્ય વ્યક્તિત્વ બાબત પણ તેવું જ છે. વ્યક્તિને પોતાને અને બહિર્જગતને આશીર્વાદાત્મક મહાન વ્યક્તિત્વ, આપેલી મૂડીને આધારે, કેવી રીતે ઘડવું ? એ વિષય હવે આવશે અને પછીના અધ્યાયોમાં એ ચાલુ રહેશે. આ કહેવાયું છે અર્જુનને પણ, શ્રીકૃષ્ણ દરેકને તે કહે છે. અર્જુન નિમિત્તમાત્ર છે. મારી ચૈતસિક શક્તિના સંપુટ વડે હું શું કરું ?

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.