બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ રામકૃષ્ણ મિશનના સેક્રેટરી હતા. વિદ્યાર્થી જીવનની ઉન્નતિ માટેની એમની મૂળ હિંદી પુસ્તિકા ‘એકાગ્રતા ઔર ધ્યાન’માંથી શ્રીમતી લવણાબેન ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદનો એક અંશ અહીં પ્રસ્તુત છે. સં.

એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે. એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક મોટી ભૂલ છે. એકાગ્રતા તો પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે, પછી ભલે એ ગમે તે કાર્યમાં રત હોય, એવું જોવા મળે છે કે લુહારો, વાળંદ, સોની, વણકરમાં સહજ રૂપે જ એકાગ્રતા વિકસિત થાય છે. હથોડો ઝીંકતી વખતે લુહાર જો જરાક જ ભૂલ કરે તો પોતાના જ હાથને કચડી નાખે, એવો સંભવ છે; વાળંદનો અસ્ત્રો જો જરાક લસરી જાય તો ચામડીમાં ઘારું પડી જાય; સુથારની પકડ રંધાથી ઢીલી પડે તો પોતાના જ અંગુઠાનું આવી બને. એવી જ રીતે સોનીકામ પણ ખરેખર અત્યંત જટિલ છે. વણકર પણ પોતાની શાળ પર દૃષ્ટિ સ્થિર રાખે ત્યારે જ તે સારી ગુણવાવાળું કાપડ વણી શકે. પણ આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ વ્યાખ્યાનો સાંભળીને કે પુસ્તકો વાંચીને એકાગ્રતાનો અભ્યાસ કરતો નથી.

એમનાં કાર્યોમાં આવશ્યકતા પ્રમાણે ઉત્પન્ન પરિસ્થિતિઓએ જ એમનામાં એકાગ્રતાને વિકસાવી છે. આ પરિસ્થિતિઓ કેવી કેવી છે ? એ પરિસ્થિતિઓ એવી છે કે એમનાં કાર્યમાં નાની એવી ભૂલ પણ એમને માટે ભયાનક દુર્ઘટનાનું કારણ બની શકે. ઉપર્યુક્ત બધાં કાર્યોમાં જોખમ તો રહે જ છે. એટલે જ એમણે પોતાના મનને સંયમમાં રાખીને ઘણી સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે. એ જ રીતે પોતાના વ્યાવસાયિક કાર્યમાં એ લોકો એકાગ્રતા કેળવી લે છે. એટલું જ નહિ, પણ એવાં અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે કે જેમાં પેઢી દર પેઢી આવી જ એકાગ્રતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે આઈ.ટી.આઈ.માં શિલ્પ વિદ્યા શીખતા તાલીમાર્થીમાં કોઈ લુહારનો છોકરો હોય તો તે બીજા છોકરા કરતાં ઝડપથી એ કળામાં નિપુણ બની જાય. બીજા કામ-ધંધાઓમાં પણ આવું જ બને છે. કોઈ વ્યક્તિ કોઈ નવા કાર્યમાં શીઘ્રતાથી દક્ષતા પ્રાપ્ત કરી લે એવું બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ બધાં નિરીક્ષણોના આધારે આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે એકાગ્રતા નિરંતર પ્રયાસ દ્વારા જ કેળવી શકાય છે. અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું: ‘અભ્યાસથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છેે.’ તો પછી અર્જુનનો એ પ્રશ્ન કયો હતો? એ પ્રશ્ન હતો : ‘હે કૃષ્ણ ! આ મન તો અત્યંત ચંચળ અને પ્રબળ છે. એને નિયંત્રણમાં રાખવું એ વાયુને વશમાં કરવા જેવું છે. તો આવા મનને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય ?’ ભગવાન શ્રીકૃષ્ણે એનો ઉત્તર આપતાં કહ્યું: ‘હે અર્જુન ! તું કહે છે એ સાચું છે. એ મનને નિયંત્રણમાં રાખવું સરળ નથી. આમ છતાં પણ આવા ચંચળ મનને પણ નિયમિત ‘અભ્યાસ’ તથા ‘વૈરાગ્ય’ દ્વારા વશમાં લાવી શકાય છે, એ વાત પણ સાચી છે.’

અર્જુનનો પ્રશ્ન સાવ સ્વાભાવિક છે અને ભગવાનનો ઉાર પણ એવો જ સરળ-સ્વાભાવિક છે. મનને સંયમમાં લાવવાની સમસ્યા કોઈ નવી વાત નથી. જેટલો માણસ પોતે પ્રાચીન છે એટલી જ આ સમસ્યા પ્રાચીન છે. ભલે માનવની જીવનચર્યા અસંયમિત અને અનૈતિક હોય પણ એના પરિણામે માણસની પોતાની થોડી ઘણી વૃદ્ધિ થઈ છે ખરી. વસ્તુત : અર્જુન એ ઘણો સાહસિક અને નીતિવાન પુરુષ હતો. એટલે જ અર્જુન જેવા વ્યક્તિનું મન પણ ચંચળ તથા નિરંકુશ હોઈ શકે તો પછી સુખની શોધમાં ભટકતા અને ભોગમાં આસક્તિ રાખનારા આજના લોકોના મનની તો વાત જ શી કરવી!

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.