શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે?

આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના પર વિજય મેળવવાના ઉપાય પણ શીખવા માગતા નથી. એક સત્ય ઘટના આ વાત સ્પષ્ટ કરી દે છે :

એક પતિએ પોતાની પત્નીને કહ્યું, ‘ચાલો આપણે આશ્રમમાં જઈને ક્રોધ પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો એ વિશે પ્રવચન સાંભળી આવીએ. વિષય ઘણો રોચક છે.’ પરંતુ, એ સ્ત્રીએ કહ્યું કે તે પોતાના ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય શીખવા નથી માગતી. એનું કારણ એ છે કે એની પાસે આ ક્રોધ જ એકમાત્ર એવી ચીજ છે કે જેનાથી તેનાં બાળકો ડરે છે. પોતાનાં બાળકો પર નિયંત્રણ રાખવાના એ એક માત્ર ઉપાયને તે ગુમાવવા ઈચ્છતી નથી! તેનો આ દૃષ્ટિકોણ કે ક્રોધની પણ થોડી ઉપયોગિતા છે એ થોડો અસામાન્ય લાગે છે. અહીં આપેલી ઉક્તિમાં આ ભાવ જોવા મળે છે, ‘જ્યાં કોમળતા નિરર્થક સાબિત થાય છે ત્યાં કઠોરતા જ ઉચિત છે.’ સદાચારની દૃષ્ટિએ નહીં પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિએ ક્રોધને સ્વીકૃતિ મળી શકે.

વાતચીત દરમિયાન પેલા પતિએ એવો સંકેત કર્યો કે તેની પત્ની વાતવાતમાં નારાજ થઈ જાય છે. એની આ ટિપ્પણી એક રોચક પરિસ્થિતિને સમજવામાં સહાયક બની ગઈ. અહીં એક પ્રશ્ન પૂછી શકાય, ‘શું તમે ક્રોધનો ઉપયોગ કરો છો કે ક્રોધ તમારો ઉપયોગ કરે છે? શું ક્રોધ આપના હાથોમાં એક કુશળયંત્ર છે કે પછી તમે પોતે તમારા ક્રોધના હાથનું રમકડું બની ગયા છો?’

જો આપણે ક્રોધ પર નિયંત્રણ કરવાનું શીખ્યા નથી તો ક્રોધને સુનિયોજિતરૂપે કોઈ રચનાત્મક ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકીએ. ક્રોધનો અધિકારપૂર્વક તથા સુનિયોજિતરૂપે ઉપયોગ કરી શકવો ઘણું કઠિન કાર્ય છે. એરિસ્ટોટલ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ ક્રોધિત બની શકે. આ ઘણું સહેલું છે, પણ ઉચિત વ્યક્તિ પર યોગ્ય માત્રામાં સુયોગ્ય સમયે ઉચિત ઉદ્દેશ માટે અને યોગ્ય પ્રકારે ક્રોધ કરવો એ સૌ કોઈ વ્યક્તિના વશની વાત નથી અને સરળ પણ નથી.’

જે રીતે પાણીને ગરમ કરવા માટે વીજળી કે ગરમીનો માપી માપીને ઉપયોગ કરવો જોઈએ તેવી રીતે જો મા પોતાના ક્રોધને સુનિયોજિતરૂપે સારી રીતે ઉપયોગ કરવાનું જાણે તો આપણે એમ કહી શકીએ કે તેનું આચરણ સ્વીકાર્ય છે. અલબત્ત, આમ કરતાં પહેલાં એ જોવું જોઈએ કે બીજા બધા ઉપાયો નિષ્ફળ ગયા છે કે કેમ? આ સ્ત્રી જો પોતાનાં બાળકોને વિદ્યુતયંત્રથી ગરમ શેક દેતી વખતે પોતે જ દાઝી જાય તો પછી દીર્ઘકાલીન દૃષ્ટિએ તેની ક્રોધ ચિકિત્સા પણ એનું ભલું ન કરી શકે. જે લોકો પોતાના બાળકો કે કોઈ બીજા પર આ ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કરવા તત્પર બને છે તેને માટે ઉપર્યુક્ત ઉક્તિનો મનોવૈજ્ઞાનિક અર્થ સમજી લેવો અત્યંત આવશ્ય છે.

એ વાત સાચી છે કે દરેક માતાના હૃદયમાં પોતાનાં સંતાનો વિશે હિતકામના રહે છે. અસામાન્ય માતાઓની વાત જુદી છે. ઉપરના ઉદાહરણમાં એક માતા અનુશાસનના ઉપાયે ક્રોધ દ્વારા પોતાના પુત્ર પર ઉપકાર જ કરવા ઈચ્છે છે, પરંતુ મૂલત : ક્રોધ એક વિષાક્ત અને સંક્રામક ભાવ છે. જ્યારે કોઈ માતા ખરેખર નારાજ થઈને પોતાનાં બાળકો પર પ્રહાર કરે છે તો બાળકો પણ ક્રોધે ભરાઈ જાય છે. પરંતુ તેઓ પ્રભાવકરૂપે પોતાની પ્રતિક્રિયા કે વિરોધ પ્રદર્શિત કરી શકતાં નથી. આ ઉપરાંત ભયના માધ્યમથી અનુશાસન લાદવામાં આવે તો તેની એક સારી ટેવમાં પરિણત થવાની સંભાવના બહુ ઓછી છે. એનું કારણ એ છે કે ભયની સાથે બાળકોના હૃદયમાં વ્યક્ત ન થતી શત્રુતાનો ભાવ પણ વધી જાય છે. એનું પરિણામ એ આવે છે કે એનો ક્રોધ મનમાં ને મનમાં અવચેતન સ્તરે જઈને અવસરની પ્રતીક્ષા કરતો રહે છે. સાથે ને સાથે ચિત્તમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિકારની સૃષ્ટિ પણ રચાય છે. એક દિવસ જ્યારે આ શત્રુતાનો વિસ્ફોટ થાય છે ત્યારે ક્રોધ પર નિયંત્રણ ન શીખવા ઈચ્છતી એ માતા પોતાનાં વયસ્ક સંતાનો પર પોતાની આ ક્રોધચિકિત્સાનો ઉપયોગ કરી શકતી નથી. અને અંતે પોતે અત્યંત દુ :ખી થઈ જાય છે. આ પરિસ્થિતિ માટે ખરેખર એ પોતે જ જવાબદાર છે. આ વાત વિચારણીય છે કે શું કેટલાક સમયના ફાયદા માટે પોતાના સંતાનપ્રેમના કાયમી અને સ્થાયી લાભનો બલિ ચડાવી દેવો યોગ્ય ગણાય ? પરંતુ માએ પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવવાની વિદ્યા શીખ્યા પછી ક્રોધ ચિકિત્સાનો ઉપયોગ કર્યો હોત તો પરિસ્થિતિ પૂર્ણત : જુદી જ હોત. એ પરિસ્થિતિમાં શ્રીરામકૃષ્ણની બોધકથાના સાપની જેમ તે ફૂંફાડો મારતી રહેત પણ બાળકને દંશ ન દેત.

જે વ્યક્તિ ક્રોધ પર નિયંત્રણ રાખવાનું શીખી નથી એના દ્વારા ક્રોધનો રચનાત્મક ઉપયોગ અસંભવ છે.

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.