પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ લાંબા સહવાસથી ગમતી થઈ જાય છે, પરંતુ માણસનું દુ :ખ તરફનું વલણ ફેરફાર વગરનું રહેલું છે. જૂના કાળમાં દુ :ખને માણસ ધિકકારતો હતો તેટલો જ આજે પણ ધિક્કારે છે. દુ :ખને દૂર કરવા તે ગમે તે ઉપાય કરવા તૈયાર થશે. દુ :ખની નિવૃત્તિ માટે જગતની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. વિજ્ઞાન, કળા અને તત્ત્વજ્ઞાનના વિકાસની પાછળ પણ માણસની દુ :ખ- નિવૃત્તિની શોધની કથા છે. ધાર્મિક ક્રિયાકાંડ પાછળ પણ આવી જ કથાઓ છે. ગુનાખોરી અને આપઘાત પાછળ પણ કોઈ સ્ત્રી કે પુરુષની નિરાશામાંથી દુ :ખ-નિવૃત્તિની શોધકથા જ હોય છે. જે લોકો દારૂ અગર બીજાં કેફી પીણાંની લતે ચઢે છે તેમાં પણ દુ :ખમાંથી છૂટવા માટેનો માર્ગ ખોળવાપણું છે.

આમ માણસે જાતે પોતાને અને પોતાના પાડોશીને દુ :ખ-મુક્ત કરવા માટે જ કેટલાંય દુ :ખો જન્માવ્યાં છે અને તેમ છતાં પરિણામ શું ? દુ :ખ-મુક્તિના ઉપાય શોધવામાં એ સફળ થયો છે ? આ પ્રશ્નનો જવાબ ના અને હા બન્ને હોઈ શકે.

આટલા બધા પ્રયત્નો છતાં માણસ દુ :ખથી મુકત થવામાં સફળ થયો નથી તે જીવનનું એક સત્ય તેને છેવટે સમજાય છે. દિવસને અંતે જેમ રાત્રી નકકી જ છે તેવી જ રીતે જીવનમાં દુ :ખ અને મૃત્યુ નકકી જ છે. પૃથ્વી પર જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દુ :ખ રહેવાનું જ. દુ :ખની વાસ્તવિકતાનો નાશ માણસ નથી કરી શક્તો અને તેને માટે એને કંઈ રસ્તો બતાવવામાં આવ્યો નથી. તેમ છતાં અંગત દુ :ખ દૂર કરવાની રીતો શોધવામાં માણસ સફળ થયો છે. અને આ શોધ આશાજનક અને મદદરૂપ છે, અને આ શોધ દરેક બુદ્ધિશાળી માણસે જીવન આનંદદાયક બનાવવા માટે જાણવી જરૂરી છે. તેથી હા-ના નો જવાબ દુ :ખ-નિવૃત્તિ માટે જ ઉપર આપ્યો તે કદાચ આ પ્રમાણે સમજી શકાય. સંસારમાં કાંટા હંમેશાં છે. પરંતુ તે કાંટા આપણને લાગે નહીં તે માટે સાવચેત રહેવું અગર તો જો કાંટો વાગે તો બીજો એક કાંટો લાવી પહેલા કાંટાને કાઢી નાખવો અને ત્યાર બાદ બન્ને ફેંકી દેવા અને લાગેલા કાંટાથી દુ :ખ-મુકત થવું.

સ્વાભાવિક રીતે જ દુ :ખ એ જીવનનો મૂળભૂત પ્રશ્ન છે. તેથી તેના ઉકેલ માટે પણ મૂળભૂત કુદરતી ઇલાજ યોજવા જોઈએ.

પ્રથમ તો આપણે બધાએ એ વાત યાદ રાખવાની છે કે આપણાં ઘણાં બધાં દુ :ખોને માટે આપણે પોતે જવાબદાર છીએ અને તેથી તેના નિવારણની યોજના આપણે જ કરવી પડશે.

આપણે સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે જીવનનાં બધાં જ સ્તરોમાં દુ :ખ આવેલું છે. તમને ગમે તે ક્ષેત્રે અને ગમતી પરિસ્થિતિમાં જ રહેવાનું પસંદ હશે અને તેનો જ આગ્રહ રાખો તો તમારા દુ :ખનો અંત શક્ય નથી. દાખલા તરીકે, તમે એક કાંટા ઉપર તમારી આંગળી દબાવો છો અને ત્યાંથી ઉપાડવાની ના પાડો છો. પરિણામે લોહી નીકળે છે અને તમે રડો છો. ઊંટ કાંટાવાળી ડાળીઓ ખાવાનું પસંદ કરે છે અને જેમ તે વધારે ખાય છે તેમ તેના મોંઢામાંથી વધારે લોહી નીકળે છે, છતાં ખાવાનું તે છોડતું નથી. આવી પરિસ્થિતિમાં તમારે તમારું મન બદલવું જોઈએ. તેમાં બીજો કોઈ મદદ કરી શકે નહિ.

એક એવી પરિસ્થિતિનું ક્ષેત્ર છે કે જ્યાં તમે વિચાર કરો છો કે કંઈ વર્તન કરો છો-કે તમે શરીર અને મન છો; અથવા તો તમે સદા યુવાન રહેશો અને વૃદ્ધાવસ્થા તમને આવવાની નથી-કે પછી તમને કોઈ રોગ થવાનો નથી-કે મૃત્યુ તમારી પાસે અને તમારા કુટુંબ પાસે આવવાનું નથી. કે તમે જે બધું ભેગું કરો છો, તે સદાકાળ તમારી સાથે રહેશે. આ પરિસ્થિતિમાં પણ તમે તમારા દુ :ખનું નિવારણ નહિ કરી શકો. કારણ કે તમારી આ બધી આશાઓ ખોટી છે અને ખોટી સાબિત થવાની છે અને તે આશાઓ જ વહેલી કે મોડી દુ :ખ લાવશે.

એક એવી પરિસ્થિતિય છે કે જ્યારે તમે વિચારો છો કે તમે કોઈ ચાલાકીથી અથવા વધુ શ્રમ કરીને ખોટાં કર્મોના ફળને અટકાવી શકશો. પરંતુ આ પરિસ્થિતિમાં પણ તમે દુ :ખ-મુક્તિ ન લાવી શકો. પ્રકૃતિના કાયદાને છેતરી શકશો નહિ. શા માટે આપણે વર્તમાન સ્થિતિમાં જ દુ :ખનો અંત લાવવાની આશા ન રાખીએ ? કારણ કે જીવનનો અર્થ જૂઠો સહયોગ, જૂઠી આકાંક્ષાઓ અને આપણા સર્વમાં રહેલું અજ્ઞાન જ છે. એટલે આપણે વસ્તુના સ્વભાવનું સાચું દર્શન કરીએ, જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ, જૂઠા ભય અને જૂઠી આકાંક્ષાઓનો ત્યાગ કરીને એ રીતે અંગત દુ :ખો દૂર કરવા માટે આપણી જાતને તૈયાર કરીએ. જો તમે વધારે પડતો અયોગ્ય ખોરાક ખાશો, તો તમને જરૂર બેચેની લાગશે. સારું તો એ કે આવો ખોરાક ખાવો જ નહિ.

આપણા આ અસ્તિત્વનું સ્તર ઊંચું લઈ જવા માટેના ઉપાય તરીકે કંઈક શુદ્ધ ‘ખોરાક’ની જરૂર છે કે જેથી દુ :ખોનું નિવારણ કરી શકાય. અને તે માટે આપણે જે મહાન અને કરુણાવંત પુરુષોએ શાસ્ત્રો લખ્યાં છે, તે શાસ્ત્રો તરફ તથા જેમણે તે લખ્યાં છે તેમના જીવન તરફ વળવાની જરૂર છે. જે ગુરુઓની વાતો પ્રમાણભૂત ન હોય, અગર જેનાં લખાણ માટે શંકા-કુશંકાઓ ઊભી થઈ હોય તેમના તરફ વળવાનો કોઈ અર્થ નથી. એ રીતો જ વિશ્વાસપાત્ર ગણાય છે કે જે સમયના વહેવા સાથે અને સેંકડો વર્ષો વીત્યા છતાંય સત્ય અને મદદરૂપ સાબિત થઈ હોય.

આપણી ભારતીય વિચારધારાને જ વળગી રહીને આપણે જોઈએ કે અંગત દુ :ખોનો અંત કેવી રીતે આણી શકાય ? ભારતીય પ્રજ્ઞાનું ખરું સત્ય ઉપનિષદોમાં છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં જીવનના મૂળભૂત પ્રશ્નોનો જવાબ તેમાંથી મળી રહે છે. દુ :ખ-મુક્તિના આ વિષયની ગુરુચાવી રૂપે એક ઉપનિષદ (શ્વેતાશ્વતર ઉપનિષદ) કહે છે કે જ્યારે મનુષ્યસમુદાય આકાશને ચામડાની જેમ લપેટી શકશે ત્યારે તે પરમદેવ પરમાત્માને જાણ્યા વિના દુ :ખસમૂહનો અંત લાવી શકશે.

આપણી શોધનો-દુ :ખ-મુકત કેમ થવું તેનો સચોટ અને પૂરો જવાબ અહીં આપણને મળે છે, બ્રહ્માંડને ચામડાથી ઢાંકવું અશક્ય છે, તેમ પરમ ચૈતન્યના જ્ઞાન સિવાય દુ :ખ-મુક્ત થવું પણ અશકય છે. આ કથનનો અર્થ બે રીતે સમજી શકાય : (૧) જેણે પરમાત્માને જાણ્યા છે, તેનાં બધાં દુ :ખનો અંત આવી ગયો છે. (ર) જેણે પરમાત્માને જાણવા માટેની રીતો અને તેની શિસ્તનું આચરણ કરવાનો રસ્તો લીધો છે, તે દુ :ખ દૂર કરવાના રસ્તા ઉપર જઈ રહ્યો છે. બીજા બધા રસ્તા દુ :ખના મૂળને નાશ કર્યા સિવાય તેની કાતીલતા ઓછી કરવાવાળા છે. તે બધા દુ :ખના એકાદ જલદ હુમલા સામે ટકી શકે તેમ નથી. વળી ફરી એક્ વાર ઉપનિષદ તેની તે જ વાત હકારાત્મક રીતે કહે છે : એક જે સર્વોપરી સત્તા છે, તે દરેકની ભીતર રહેલી છે. તે પોતાનાં ઘણાં સ્વરૂપોમાં જણાય છે. જે સુજ્ઞ મનુષ્યો તેને પોતાની અંદર જોઈ શકે, તેઓને અનંત સુખ પ્રાપ્ત થાય છે, બીજાને નહિ. (કઠોપનિષદ ૨.૨.૧૨)

બીજા શબ્દોમાં કહીએ તો તે પરમ ચૈતન્યને જેઓ પોતાની અંદર જોઈ શકે છે, તે પોતાનાં દુ :ખોનો અંત આણી શકે છે. નાશવંત વસ્તુઓમાં તે એક અનંત અને પરમ સત્ય છે અને તે સભાન તત્ત્વોમાં તે સાચી જાગૃત ચેતના છે. તે અદ્વૈત છે, છતાં બધાની ઇચ્છાઓ તૃપ્ત કરે છે. સુજ્ઞ મનુષ્યને જ અનંત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાને નહિ. (કઠોપનિષદ ૨.૨.૧૩) અને આ અનંત શાંતિ ત્યારે જ આવશે કે જ્યારે બધાં જ દુ :ખ દૂર થયાં હશે. વળી, તે જ ઉપનિષદ બીજા એક શ્લોકમાં કહે છે : ‘અણુ કરતાં પણ નાનો અને બ્રહ્માંડ કરતાં પણ મોટો એવો આત્મા દરેક જીવંત પ્રાણીમાં રહેલો છે. જેને કોઈ તૃષ્ણા નથી, તે સ્વને જોઈ શકે છે અને તે મન અને ઇન્દ્રિયોની શાંતિ દ્વારા દુ :ખમાંથી મુક્ત થાય છે.’ (કઠોપનિષદ ૧.૨.૨૦)

મનુષ્યની પ્રજ્ઞા અને આધ્યાત્મિક દૃષ્ટિ આનાથી આગળ ગઈ નથી અને દુ :ખ કેમ દૂર કરવું તેનો આ સંપૂર્ણ જવાબ છે. આ સત્યનો વિરોધ થઈ શકે તેમ નથી કારણ કે તે નિર્ભેળ સત્ય છે. પાછળના વિચારકોએ અલબત્ત, આ સત્યને ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક રીતે વિસ્તારપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો છે. પરંતુ તે સર્વનો છેવટનો જવાબ આ છે : આત્માને ઓળખો, અને દુ :ખનો નાશ કરો. પરમાત્મા સંબંધી જ્ઞાન તમને દરેક દુ :ખમાંથી મુક્તિ આપશે. આવાં સત્યોનું સ્પષ્ટ દર્શન કરાવનારાઓમાંના શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં આ બાબત ઘણી વખત સીધી રીતે તેમજ આડકતરી રીતે ચર્ચે છે અને તેમાં દુ :ખ દૂર કરવાનો માર્ગ બતાવે છે. તેમનાં કેટલાંક કથનો આપણા આ પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ આપે છે અને કેટલાંક આડકતરી રીતે આપે છે. આપણે તેમાંના કેટલાક જવાબો જોવાનો પ્રયત્ન કરીએ. એક અગત્યની ચેતવણી આપતાં શ્રીકૃષ્ણ કહે છે : ઇન્દ્રિયો અને વિષયોનાં સંયોગજન્ય જે ભોગો છે, તે દુ :ખનું જ કારણ છે, એ આદિ અને અંતવાળો છે. હે અર્જુન, જ્ઞાની (વિવેકી) માણસ એમાં રમતો નથી. (ગીતા ૫.૨૨)

ત્યારબાદ એક વધારે સ્પષ્ટ કથનથી દુ :ખ-નાશનું સાધન બતાવે છે : યોગ સઘળાં દુ :ખોને દૂર કરે છે. (ગીતા ૬.૧૭) આ વાત વિગતે સમજાવતાં તેઓ કહે છે : જ્યારે યોગસેવનથી વશીભૂત ચિત્ત સ્થિર-શાંત બની જાય છે, જ્યારે વિશુદ્ધ અંત :કરણથી પરમાત્માને જોતો યોગી પોતાના આત્મામાં જ સંતોષ અનુભવે છે અને યોગી અતીન્દ્રિય, સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય અનંત સુખ અનુભવે છે તેમજ આ આત્મસ્થ યોગી સ્વસ્વરૂપથી વિચલિત થતો નથી. વળી, જ્યારે આત્મલાભને પામીને યોગી બીજા કોઈ લાભને વધારે માનતો નથી અને જેમાં સ્થિત એવો તે ભારે દુ :ખથી પણ વિચલિત કરી શકાતો નથી. ત્યારે દુ :ખોના સંયોગ વગરની અવસ્થાને ‘યોગ’ સમજવો, આ યોગ ખેદરહિત ચિત્ત દ્વારા નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. (ગીતા ૬.ર૦ થી ૨૩)
(પ્રબુદ્ધ ભારત, નવેમ્બર ૧૯૭૬ માંથી સાભાર)

Total Views: 532

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.