સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે સૂક્ષ્મ સહજવૃત્તિઓનું શું ? તેમના પર કાબૂ કઈ રીતે મેળવી શકાય ? જ્યારે મને ક્રોધ ચડે છે, ત્યારે મારું આખું મન ક્રોધનું એક જબરદસ્ત મોજું બની જાય છે. હું તેને અનુભવું છું, તેને જોઉં છું, તેને સ્પર્શી શકું છું, તેને હલાવી – ચલાવી શકું છું, તેની સાથે લડી પણ શકું છું; પણ જ્યાં સુધી તળિયે રહેલાં તેનાં કારણોને હું પકડી શકું નહિ, ત્યાં સુધી તેની સાથેની લડાઈમાં હું પૂરેપૂરો સફળ નહિ થાઉં. કોઈ માણસ મને કંઈક ખૂબ કડવાં વેણ કહે છે અને મને લાગે છે કે હું ગરમ થતો જાઉં છું… જ્યારે તેણે પ્રથમ મને ગાળો ભાંડવા માંડી ત્યારે મને વિચાર આવ્યો કે, ‘હવે મને ક્રોધ ચડવાનો છે.’ ક્રોધ એક વસ્તુ હતી અને હું બીજી; પણ જ્યારે હું ક્રોધમાં આવી ગયો, ત્યારે હું ક્રોધરૂપ બની ગયો. આ લાગણીઓ આપણા પર અસર કરે છે, એવું આપણને ભાન થાય તે પહેલાં જ તેમને જડમૂળમાંથી, તેમના સૂક્ષ્મ સ્વરૂપમાંથી જ કાબૂમાં લેવાની છે. મનુષ્યજાતિના મોટા ભાગને તો આ વૃત્તિઓ જે સૂક્ષ્મ અવસ્થામાં અચેત મનમાંથી ઉપર આવે છે તે સૂક્ષ્મ અવસ્થાઓનું ભાન પણ હોતું નથી. પરપોટો જ્યારે તળાવને તળિયેથી નીકળે છે ત્યારે આપણે તેને જોઈ શકતા નથી, તેમ જ એ લગભગ સપાટી સુધી આવી જાય છે ત્યાં સુધી આપણે તેને જોઈ શકતા નથી; માત્ર જ્યારે તે ફૂટે છે અને તરંગ ઉપજાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે એ ત્યાં છે. આ તરંગો સાથેની ઝપાઝપીમાં આપણે ત્યારે જ સફળ થઈ શકીશું કે જ્યારે આપણે તેમની કારણ અવસ્થામાં જ તેમને પકડી શકીશું અને જ્યાં સુધી તમે તેમને પકડી નહિ શકો અને તેઓ સ્થૂલ થાય તે પહેલાં તેમને તાબે નહિ કરી શકો ત્યાં સુધી કોઈ પણ વિકાર પર પૂરેપૂરો વિજય મેળવવાની કશી આશા નથી. વિકારો પર કાબૂ મેળવવા માટે વિકારોને મૂળમાંથી જ દાબવાના છે; ત્યારે જ આપણે તેમનાં બીજ સુદ્ધાં બાળી શકીશું. જેમ શેકેલાં બીજ જમીનમાં વાવવામાં આવે તો તે કદી ઊગતાં નથી તેમ આ વિકારો પણ પછી ફરીથી જાગશે નહિ. (સ્વા. વિ. ગ્રંથમાળા – 1.260-61)

ક્રોધનાં સંગી તત્ત્વો પર વિજય

પતંજલિ આ સૂક્ષ્મ સંસ્કારો પર નિયંત્રણ મેળવવાનો ઉપાય બતાવે છે. ‘આ સૂક્ષ્મ સંસ્કારોનો નાશ કરવાનું સાધન છે એમને પોતાની મૂળ કારણ અવસ્થામાં વિલીન કરી દેવા.’ સ્વામી વિવેકાનંદ આ સૂત્રની વ્યાખ્યા આપતાં કહે છે : ‘સૂક્ષ્મ સંસ્કારોને તેમની કારણાવસ્થામાં પહોંચાડીને તેમનો નાશ કરવાનો છે. સંસ્કારો એ એવી સૂક્ષ્મ અસરો છે કે જે આગળ ઉપર સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે. આ સૂક્ષ્મ સંસ્કારો પર કાબૂ કેવી રીતે મેળવવો ? કાર્યનો તેના કારણમાં લય કરવાથી(કાબૂ મેળવી શકાય). જ્યારે ચિત્ત કે જે પોતે એક કાર્યરૂપ છે, તેનો તેના કારણરૂપ અસ્મિતા કે ‘હું’પણાની ભાવનામાં લય કરવામાં આવે છે, ત્યારે અને કેવળ ત્યારે જ સૂક્ષ્મ સંસ્કારો તેની સાથે નાશ પામે છે, ધ્યાનથી તેમનો નાશ થઈ શકતો નથી.’ (સ્વા. વિ. ગ્રંથમાળા – 1.261)

ક્રોધનો ઉદય એક ચિત્તવૃત્તિ કે તેની પર પહેલાં એક વિચારના પરપોટાના રૂપે થાય છે. આ વિચારનો પરપોટો અવિદ્યા-અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. પતંજલિનો ઉપદેશ કહે છે, ‘અનિત્ય, અપવિત્ર, દુ:ખકર અને આત્માથી ભિન્ન પદાર્થમાં ક્રમશ: નિત્ય, પવિત્ર, સુખકર તથા આત્માની પ્રતીતિ ‘અવિદ્યા’ છે. (2.5)

અવિદ્યા સર્વદા અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશ સાથે જોડાયેલી રહે છે. આ બધાં યોગમાં બાધક છે અને એમનામાંથી પ્રત્યેકનું ક્રોધના ઉદયમાં સારા પ્રમાણમાં યોગદાન રહેલ છે. અજ્ઞાનમાં ઉત્પન્ન થનાર અને એમાં જ નિવાસ કરનાર અવિદ્યાના આ ચાર સહયોગીઓને સમજવા જરૂરી છે. દૃષ્ટા (આત્માને જોવાનાં યંત્રો (મન તથા ઇન્દ્રિયો) સાથેના તાદાત્મ્યને અસ્મિતા કે અહંકાર કહે છે. આનંદ પ્રદાન કરનાર આસક્તિને રાગ કહે છે. જે કંઈ પણ પીડા કે કષ્ટ આપે છે એને દ્વેષ કહે છે. જીવન પ્રત્યેના મોહને અભિનિવેશ કહે છે અને જે કંઈ પણ આ મોહના માર્ગમાં અડચણ બને છે, તેનાથી ક્રોધ આવે છે, ત્યારે આપણે પૂરેપૂરી રીતે એક સાંસારિક જીવન જીવીએ છીએ, ત્યારે આપણા જીવનમાં અવિદ્યા તથા તેના નુકસાનકારક સાથી વધારે દૃઢતાપૂર્વક ઘર કરી જાય છે. આવે વખતે આપણે ક્રોધને નિયંત્રિત કરી શકતા નથી અને તેના દાસ બની જઈએ છીએે. પરંતુ આપણામાંથી દરેક માટે વિવેક કે વિચારનો અભ્યાસ કરવો સંભવ છે. એના દ્વારા આ બધાના પ્રભાવોને નિર્બળ બનાવી શકાય છે. સાથે ને સાથે અંતે ઈશ્વરની કૃપાથી અવિદ્યાનો નાશ કરી શકાય છે. જે લોકો અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશરૂપી અવિદ્યાની શક્તિને નિર્બળ બનાવવા વિવેક અને વિચારનો અભ્યાસ કરીને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેમણે આ સલાહને અપનાવવી જોઈએ કે કામનાઓને વધારે સમય સુધી ચિત્તમાં ટકવા ન દેવી. વ્યક્તિએ સંભવિત પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવા પોતાના મનમાં આ પ્રકારના જીવતા ક્રોધરૂપી બોમ્બને વહન કરતાં રહેવું ન જોઈએ, ‘જો તેણે એવું કર્યું કે કહ્યું, તો આજે હું તેને મારી નાખીશ. ગયે વખતે મેં એને માફ કરી દીધો પરંતુ આ વખતે હું એને મૂકવાનો નથી!’ ક્રોધિત થવાથી આવો સ્વભાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે આપણા ચિત્તને ગાંડપણ સુધી વિકૃત કરી શકે છે.

બીજાના ક્રોધનો સામનો

આપણે બીજાના ક્રોધનો કેવી રીતે સામનો કરીએ, ક્રોધ પર વિજય મેળવવાનો એક બીજો પક્ષ આ છે. સજ્જન અને ઉદાર હોવા છતાં જ્યારે આપણે બીજાના તિરસ્કાર કે ક્રોધનો શિકાર બનવું પડે, ત્યારે આપણે શું કરવું? કેટલીક પરિસ્થિતિઓ તો પતંજલિએ બતાવી છે, તે પ્રમાણે ‘શાબ્દિક ભ્રાંતિ’ની જેમ જણાય છે અને એ જરાય ભયંકર નથી હોતી. પરંતુ વિચાર કરીએ તો એ હાસ્યાસ્પદ પણ લાગી શકે. એકવાર એક વર્તમાનપત્રમાં ભારત સરકારના એક મંત્રી વિશે અત્યંત અપ્રિય, નિંદાત્મક અને અપમાનજનક ટિપ્પણી સાથે એક સંપાદકીય લેખ પ્રસિદ્ધ થયો. કેટલાક સાંસદોએ તે મુદ્દાને ઉઠાવીને મંત્રીને ભડકાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ જરાય ઉત્તેજિત ન થયા. એમણે આ આખી ઘટનાને પૂરેપૂરી ઇન્કારીને કહ્યું, ‘શું જોડો મનુષ્યને ડંખે તો માણસે જોડાને ડંખવું જોઈએ!’ આ રીતે ‘શાબ્દિક ભ્રાંતિ’ પર કોઈ ઓછું સમતુલન રાખનાર વ્યક્તિ કદાચ ક્રોધથી રાતોપીળો થઈ ઊઠે. જો આપણે પોતાના અહંભાવને  હાનિકારક સીમા સુધી રોકી શકીએ તો ઘણી સરળતાથી દરેક બાબતની રોચક તેમજ નિરર્થક બાજુને જોઈ શકીશું અને એ રીતે પોતાના ક્રોધના ઉતાર-ચડાવને આપણા દાસ બનાવીને હાસ્યાસ્પદ સ્થિતિ સુધી પહોંચાડવામાંથી બચી શકીશું. માનવીય તથા સામાજિક સંબંધોમાં ક્રોધનો ઓછો અને હાસ્યવિનોદનો વધારે ઉપયોગ થવો જોઈએ. જીવનમાં ક્યારેક ક્યારેક આપણને વિસ્ફોટક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ધારો કે કોઈ માણસ મારા ઘરમાં આગ ચાંપી રહ્યો છે, તો હું તત્કાલ એની પાછળ દોડીને એને પકડીને મારવા નહીં મંડું. એને બદલે પહેલાં તો હું એ આગને હોલવવા દોડીશ. તો પછી આગને માટે જવાબદાર એ માણસને પકડવા વિશે શું થયું? હા, એ પણ ઘણું જરૂરી છે, પરંતુ જે માણસને પકડવાનો છે એ તો હું પોતે જ છું. એ સમયે આપણે પતંજલિના આ સ્વર્ણિમ ઉપાયને અપનાવવો પડે. એની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે : દાખલા તરીકે, મનમાં જ્યારે ક્રોધનો મોટો આવેશ આવ્યો હોય ત્યારે તેને રોકવો કઈ રીતે ? તેનાથી વિરોધી પ્રકારનો વિચારતરંગ મનમાં ઊભો કરીને. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો. કોઈ વાર સ્ત્રીને પોતાના પતિ પર ખૂબ ક્રોધ આવ્યો હોય અને એ અવસ્થામાં તેનું બાળક આવી ચડે અને તેને તે વહાલથી બચ્ચી ભરે, તે વખતે પેલું ક્રોધનું મોજું શમી જાય છે અને એક નવું મોજું ઊઠે છે, બાળક પ્રત્યેના પ્રેમનું એ મોજું પહેલાને દબાવે છે. ક્રોધનો વિરોધી ભાવ છે પ્રેમ. (સ્વા. વિ. ગ્રંથમાળા – 1.280)               (ક્રમશ:)

Total Views: 433

One Comment

  1. Punambhai Patel July 18, 2023 at 12:03 am - Reply

    Useful

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.