ગતાંકથી આગળ….

શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે છે કારણકે તે મનુષ્યના મનને પરમાત્મા સાથે જોડે છે. એના અનુસંધાનમાં શ્રીકૃષ્ણ કહે છે કે, (૧) એ સ્થિતપ્રજ્ઞ પોતાનાં બધાં દુ :ખોનો નાશ કરી શકે છે. આવો સ્થિતપ્રજ્ઞ દ્વન્દ્વ ભાવથી મૂંઝાતો નથી. (ર) જેે ગુણાતીત બને છે એટલે કે વિશ્વમાં જે અસાધારણ બનાવો બની રહ્યા છે તેનાથી અલિપ્ત રહે છે, (૩) જે જાણે છે કે પરમાત્મા સર્વેનો મિત્ર છે અને પોતાનો બધો વ્યવહાર આ સત્યને કેન્દ્રમાં રાખીને કરે છે, (૪) જે નિરંતર દુ :ખોની અંદર રહીને પણ પરમાત્માની પૂર્ણ ભક્તિથી પ્રાર્થના કરે છે, (૫) બધા શક્ય રસ્તાઓએ પોતાનું જીવન પ્રભુને સમર્પણ કરતો જે માયાને તરી જાય છે, (૬) જે દૃઢ સંયમી હોય છે, કોઈને ધિક્કારતો નથી અને જેને કોઈ તૃષ્ણા નથી અને બધાં કેન્દ્રોથી પર છે- તેઓ પોતાનાં દુ :ખોનો નાશ કરે છે.

શ્રીકૃષ્ણની વાણી આગળ કહે છે કે જે દુ :ખથી (૧) અશાંત થતો નથી, જે સુખને માટે તલસતો નથી, જે રાગ, ભય અને ક્રોધથી પર છે, તે પોતાનાં દુ :ખોનો નાશ કરી શકે છે. આ અને આવાં અનેક વચનોથી અગાધ શિક્ષણ આપ્યા બાદ શ્રીકૃષ્ણ એક બહુજ સહેલો ઉપાય સૂચવે છે : સામાન્ય મનુષ્ય જાત માટે પ્રભુને સર્વ સમર્પણ એ અનંત શાંતિ અને સર્વ દુ :ખોના નિવારણ માટેનો એક માત્ર ઉપાય છે. ઉપરના પ્રમાણભૂત સૂચનો કોઈ પણ વ્યક્તિ ગમે તે વખતે અને જગતના કોઈપણ ભાગમાં, જો વર્તનમાં મૂકે, તો છેવટે તો પોતાનાં દુ :ખોનો નાશ કરી શકે છે. એમાં કોઈ શંકા નથી.

અત્યાર સુધી આપણે દુ :ખના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરી, પરંતુ આપણાંમાંના ઘણાને આ ઉકેલ માફક નહિ આવે. આવો ઉકેલ કદાચ આપણે એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખીશું અથવા તો આપણા પ્રતિકૂળ સંજોગોને લીધે આપણે એ બતાવેલી શિસ્ત અને નિયમો પાળી શકીશું નહિ. તેમ છતાં આ દુ :ખનો એક મૂળભૂત પ્રશ્ન હોઈ આપણા જીવન સાથે જડાયેલો છે. એટલે આપણે નિદાન, આપણા પૂરતાં તે દુ :ખ દૂર થાય તો પણ જેમ બને તેમ ઓછાં કરી જીવન જીવવા જેવું બનાવવું જોઈએ, કે જેથી આપણે જગતના રોજબરોજના વ્યવહારમાં ડહાપણ, ઉત્સાહ અને સંપૂર્ણ આનંદથી ભાગ લઈ શકીએ. તોપણ આ રીતે દુ :ખનો સાપેક્ષ ઉપાય શોધતી વખતે એ યાદ રાખવું જરૂરી બનશે કે આપણાં પ્રમાણભૂત શાસ્ત્રો અને સંતોએ જે ઉકેલ સૂચવ્યા છે તેને ધ્યાનમાં રાખીને આગળ ચાલવું.

હવે આપણે આપણાં દુ :ખો, કે જેમાં આપણામાંના ઘણા ખરા સપડાયેલા છે, તેને ઓછા કરવાના વહેવારુપણાનો વિચાર કરીએ. મુખ્ય મુદ્દાની વાત એ છે કે, આપણાં દુ :ખો બાબત આપણું વલણ બરાબર હોવું જોઈએ. આવું વલણ કેળવવા માટે આપણે શું કરીશું ?

(૧) આપણે સમજવું જોઈએ કે, જગતમાં આપણે એકલા જ દુ :ખી નથી. જગતમાં જે દુ :ખ છે તેનો અંશ જ આપણે ભાગે આવ્યો છે અને આપણાં દુ :ખનો કેટલોય ભાગ બીજાં પ્રાણીઓને ભાગે ગયો છે.

(ર) આપણે આપણા મનને એવી રીતે કેળવવું જોઈએ કે, આવેલાં દુ :ખનો વિવેક અને વિનયથી એ સ્વીકાર કરે, ધિક્કાર, વિરોધ અને ચિડિયાપણાના વલણને બદલે મિત્રતાભર્યું અને બહાદુરીભર્યું વલણ દુ :ખો તરફ બતાવવું જોઈએ.

(૩) આપણે દુ :ખોની અતિશયોક્તિ કરવી ન જોઈએ. કદાચ એમ પણ બનતું હોય કે આપણે ધારતા હોઈએ તેટલું દુ :ખ ન પણ હોય. ભૂતકાળનાં દુ :ખ સાથે વર્તમાન દુ :ખને ઉમેરવાની વૃત્તિને લીધે દુ :ખો બેવડાશે. તદુપરાંત ભવિષ્યમાં આવનાર આપણી કલ્પનાનાં દુ :ખોનો ઉમેરો ન કરવો જોઈએ. એમ પણ બને કે આપણે કલ્પેલાં દુ :ખ ભવિષ્યમાં ન પણ આવે. હંમેશાં યાદ રાખો કે આપણા કરતાં પણ વધારે દુ :ખી માણસો છે.

(૪) આવનાર દુ :ખ માટે તૈયાર પણ રહેવું જોઈએ. (એ દુ :ખ માત્ર કલ્પિત ન હોવાં જોઈએ) કે જેથી ઊંઘતા ઝડપાઈ ગયા જેવું ન થાય. દુ :ખથી ભાગી છૂટવાની વૃત્તિ ન હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદ હંમેશાં કહેતા : એ રાક્ષસનો સામનો કરો.

(૫) આપણી સહનશક્તિ વધારવી જોઈએ. આપણામાં જે અગાધ શક્તિ રહેલી છે, તેની આપણને બહુ થોડી ખબર છે. આપણે જે દુ :ખ માટે ફરિયાદ કરીએ છીએ, તેનો આપણામાં રહેલી શક્તિ પાસે કોઈ હિસાબ નથી. તેમ છતાં તે શક્તિને વધારેને વધારે ઓળખવી જોઈએ અને તેનો સુંદર ઉપાય પ્રાર્થના છે.

(૬) આત્મા એ શરીર અને મનથી જુદો છે, એ સમજણ વધારવી. જો કે આ કામ ધણું અઘરું છે, પણ બધા જ આધ્યાત્મિક ગુરુઓ એ જ ઉપદેશ આપે છે. ધણું કરીને અસાધ્ય રોગો સિવાયનાં બધાં જ દુ :ખો વહેલાં કે મોડાં જવાનાં જ છે અને અત્યારે જે છે, તેમાંનું એક પણ દુ :ખ આત્માને સ્પર્શતું નથી.

(૭) બીજાનાં દુ :ખો તરફ સહાનુભૂતિ બતાવીને એ રીતે પણ તેમને મદદરૂપ થઈએ. આમ કરવાથી આપણાં દુ :ખોની તીવ્રતા સ્વાભાવિક રીતે ઓછી કરી શકીશું.

હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ :ખ તરફનું આપણું વલણ, જો આપણા અંતરમાંથી સહજ રીતે ઉત્પન્ન થયું નહિ હોય, તો તેની કંઈજ કિંમત નથી. સ્વામીજીના નિર્દેશ પ્રમાણે તે કોઈ કાર્ય નહિ કરે. તમારું હાસ્ય કૃત્રિમ નહિ હોવું જોઈએ. કોઈ મિત્રને આવકારતાં તમે હાથમાં જે પુષ્પ રાખો છો, તે કાગળનું કે પ્લાસ્ટિકનું ન હોવું જોઈએ. તેમાં અસલ પુષ્પની સુગંધ હોવી જોઈએ. આ જાતનું વલણ આપણાં અંતરમાંથી ઊગવું જોઈએ. આપણાં મનને તીવ્ર આધ્યાત્મિક રીતે કેળવવું જોઈએ.

આ પ્રકારનું પાયારૂપ શિક્ષણ આપણને ભગવાન બુદ્ધનાં સૂત્રોમાંથી મળે છે. ભગવાન બુદ્ધ કહે છે : આપણે જે કંઈ છીએ, તે આપણા વિચારનું પરિણામ છે. આપણે જે કંઈ છીએ, તેના પાયામાં આપણા વિચાર છે અને આખી રચના આપણા વિચાર છે. ગાડાને ખેંચનાર બળદનાં પગલાંની પાછળ જેવી રીતે ગાડાનું પૈડું આવે છે, તેવી જ રીતે આપણા વિચાર અને કાર્યની પાછળ દુ :ખ આવે છે. તેથી તમારા દુ :ખને માટે કોઈને દોષ દેતા નહિ. જો કોઈ માણસ ખોટું કરે તો તેને ફરીથી તેવું કરવા દેશો નહિ, અને ખોટું કર્યા બદલ આનંદ માણવા દેશો નહિ. પાપમાંથી જ દુ :ખ ઉત્પન્ન થાય છે. જો કોઈ માણસ શુભ કામ કરે તો ફરીથી તેવું કરવા તેને ઉત્સાહિત કરશો. શુભ કાર્યનો આનંદ એ ભલે માણે. શુભમાંથી જ સુખ ઉત્પન્ન થાય છે. કોઈ દુષ્ટતાને હળવાશથી ન લે અને એમ તો ન જ ધારે કે તે મારી પાસે નહિ આવે. જેવી રીતે પાણીનાં ટીપાં પડવાથી પાણીનું વાસણ ભરાઈ જાય છે, તેવી જ રીતે મૂર્ખ માણસ અતિ દુષ્ટ બની જાય છે. કોઈ શુભને પણ હળવાશથી ન લે, અને એમ તો ન જ ધારે કે તે મારી પાસે નહિ જ આવે. જેવી રીતે એક એક ટીપું પડતાં પાણીનું વાસણ ભરાઈ જાય છે, તેમ ડાહ્યો માણસ એક એક સદ્ગુણને ગ્રહણ કરતો આખરે સંપૂર્ણ સદ્ગુણી બની જાય છે. આ અનુસંધાનમાં ભગવાન આગળ કહે છે : આકાશમાં, સમુદ્રની મધ્યમાં, મોટા પહાડોની ઊંડી ગુફાઓમાં પણ એવી કોઈ જગા નથી કે જ્યાં સંતાઈ રહેવાથી કોઈ અશુભ કાર્યોનાં ફળથી મુક્ત રહી શકે. આ જ પ્રમાણે શુભ કર્મોના શુભ આશીર્વાદ અચૂક મળશે જ.

જ્યારે આપણે હૃદયપૂર્વક એમ સ્વીકારીએ કે આપણે જે છીએ તે આપણાં એ વિચારોનું અને કર્મોનું પરિણામ છે કે જે વિચારો અને કર્મો આપણે ભૂતકાળમાં આ દુ :ખ લાવવા માટે કર્યા હતાં. ત્યારે આ જાતનું વલણ પણ આપણા દુ :ખો ઓછાં કરવામાં મદદરૂપ થશે; અને ખરા દિલથી અને કુશળતાપૂર્વક આપણે દુ :ખો દૂર કરવાના પ્રયત્નમાં લાગી જઈશું.

આયુર્વેદના પ્રાચીન આચાર્ય શ્રી સુશ્રુતના ક્હેવા મુજબ દુ :ખો ત્રણ પ્રકારનાં હોય છે : આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. આધિભૌતિક એટલે કોઈ જનાવરથી અથવા કુદરતી આફતથી દુ :ખો થાય તે. હિંમત અને નિવારક ઉપાયો એ જ એના ઉપચાર છે. આધિદૈવિક એટલે નસીબ, તકદીરને લીધે થયેલ દુ :ખો અને આધ્યાત્મિક દુ :ખો તેને કહેવાય કે જે વ્યક્તિના શરીર અને મનથી ઉત્પન્ન થયાં હોય. આધિભૌતિક અને આધિદૈવિક દુ :ખોને આપણે કેમ દૂર કરી શકીએ અગર તેને માટે શું કરવું, એ બાબત શ્રી સુશ્રુતનો મત એવો છે કે તે કલ્પના અગર અટકળરૂપ ગણાય. પરંતુ આધ્યાત્મિક એટલે કે શરીર અને મનથી ઉત્પન્ન થયેલ દુ :ખ આપણે કેટલેક અંશે કાબુમાં રાખી શકીએ.

ખરી રીતે તો ઘણાં ખરાં દુ :ખો તો આપણાં શરીર અને મનમાંથી ઉત્પન્ન થાય છે, અને આવાં દુ :ખોનાં બીજ આપણે વાવેલાં હોય છે, તેનો પાક આપણે લણવાનો હોય છે, અને સહન કરવું પડે છે. તૌ પણ એવાં દુ :ખોના નિવારક ઉપાયો અત્યારથી જ લેવા – એ માર્ગ આપણે માટે ખુલ્લો છે. અને એ માર્ગે આપણે નક્કીપણે એમ કહી શકીએ કે, આપણે ભવિષ્યને માટે દુ :ખોનો સંગ્રહ કરતા નથી. અને આ રીતે આપણે આપણાં દુ :ખો ઓછાં કરી શકીએ.

આને માટે રસ્તો શો ? તેને માટે ભગવાન બુદ્ધે આપેલ સીધો-સાદો ઉપદેશ આપણે અમલમાં મૂકીએ, તો બહુ અનુકૂળ થાય. બુદ્ધ દસ પાપોમાંથી મુક્ત થવાનું કહે છે. દરેક જીવંત પ્રાણીનાં દરેક કામ દસ વસ્તુથી બુરાં થાય છે. અને એ દસ વસ્તુઓને છોડી દેવાથી શુભ થાય છે. ત્રણ પાપ શરીરથી, ચાર પાપ જીભથી અને ત્રણ પાપ મનથી થાય છે. આપણાં ઘણાં ખરાં દુ :ખો આ દસ પાપોથી થતાં કર્મો અને વિચારોનો પરિપાક છે. અને તેથી આપણે જાણવું જોઈએ કે તે શું છે અને તેનાથી મુક્ત કેમ થવાય ? ભગવાન બુદ્ધ પાપો ક્યાં છે, તે કહે છે અને તે દૂર કરવા માટે દસ આજ્ઞાઓ પણ આપે છે.

શરીરથી થતાં ત્રણ પાપો, તે હિંસા, ચોરી અને વ્યભિચાર છે. જીભથી થતાં ચાર પાપો, તે અસત્ય, ચાડીચુગલી, ગાળ અને નિરર્થક વાતો છે. મનથી થતાં ત્રણ પાપો તે લોભ, તિરસ્કાર અને અપરાધ છે, આપણે કેવી રીતે આ દસ પાપોમાંથી મુક્ત થઈ આપણાં ભવિષ્યનાં દુ :ખોને ઊભા થવા ન દઈએ ?

માટે ભગવાન બુદ્ધે બહુજ સ્પષ્ટ સૂચનાઓ આપી છે અને તે નકારાત્મક અને હકારાત્મક બન્ને છે. શરીરના પાપો માટે : (૧) કોઈની હિંસા ન કરો અને જીવન માટે સહાનુભૂતિ રાખો. (૨) ચોરી કરો નહિ, લૂંટો નહિ, દરેકને તેની મહેનતનાં ફળ લેવામાં મદદરૂપ થાઓ. (૩) અપવિત્રતાથી દૂર રહો અને સંયમી જીવન જીવો.

આ સૂચનો ટૂંકાં છે, અને બહુજ ઓછા શબ્દોમાં કહેલાં છે છતાં તેનામાં આપણને દુ :ખની તીવ્રતામાંથ મુક્ત કરવાની તાકાત છે. હિંસા એ શબ્દમાં બધાજ પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે. વિચાર, વાણી અને વર્તનમાં જે હિંસાવાળો હોય છે, તે વહેલો મોડો પોતાની જાત ઉપર એવી જ હિંસાને આમંત્રે છે, જે દુ :ખ જ લાવે છે. બીજી બાજુ જે ફક્ત હિંસાથી દૂર જ છે, એટલું જ નહિ, પણ પ્રાણીમાત્ર પ્રત્યે પવિત્ર આદરની દૃષ્ટિથી જોવાનો સ્વભાવ કેળવે છે, તો સરવાળે તેનાં દુ :ખો દૂર થાય છે.
(‘પ્રબુદ્ધ ભારત’ ડિસેમ્બર-૧૯૭૬ના અંકમાંથી)

Total Views: 388

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.