સંમેલનના કાર્યક્રમની મીતાક્ષરી નોંધ
સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ર૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ યુવા સંમેલન તથા તા. ૨૮ના રોજ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢમાંથી આવેલા ત્રણ હજાર ભાઈ-બહેનોએ આશ્રમના પવિત્ર વાતાવરણનો લાભ લીધો હતો.
૨૬મી જાન્યુઆરી સવારે ૮ વાગે પી.વી. મોદી સ્કૂલના બાળકોના ગાન તથા સિસ્ટર નિવેદિતા સ્કૂલનાં બાળકોએ સ્વદેશમંત્રના ગાનથી કાર્યક્રમની શરૂઆત કરી. સ્વામી સુવીરાનંદજીએ આશ્રમ દ્વારા બ્રેઇલ લિપિમાં તૈયાર થયેલ ‘સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ત્યાર પછી ડૉ. સુભદ્રાબેન દેસાઈ દ્વારા ભજનગાન રજૂ થયાં હતાં. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વાગત અને પ્રારંભિક પ્રવચન આપ્યું હતંુ. ત્યાર પછી ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અક્ષય અગ્રવાલે યુવાનોમાં સ્વાત્મશક્તિ ખીલવીને જીવનમાં કેવી રીતે ફળદાયી બનાવી શકાય એ વિશે ભારતની પ્રતિભાનાં અનેક ઉદાહરણો દ્વારા વાત કરી હતી. રામકૃષ્ણ મઠ અને મિશનના આસી. સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુવીરાનંદજીએ અધ્યક્ષ સ્થાનેથી સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો અને ઉદ્ધરણો ટાંકીને આ સ્વાત્મશક્તિને કેળવવાની વાત કરી હતી. સ્વામી ક્રિપાકરાનંદજીના ભજનનો આનંદ યુવાનોએ માણ્યો હતો.
બીજા સત્રનો પ્રારંભ સંગીત વિદ્યાલય જોધપુરના આચાર્ય પંડિત રાજેન્દ્ર વૈષ્ણવ અને જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. અનુપ રાજ પુરોહિતના ભજનથી થયો હતો.
મુંબઈ રેલવે વિકાસ કોર્પાે. ના ડૉ.પી.સી. સેહગલે સાચા શિક્ષણની આવશ્યકતા વિશે સ્વામી વિવેકાનંદના કેળવણી વિશેના વિચારો સાથે સુસંગત રહીને ચર્ચા કરી હતી. ત્યાર પછી તરુણ ભારત સંઘ જયપુરના ડૉ.રાજેન્દ્ર સિંઘે સમાજ માટે ફળદાયી કેળવણીની આવશ્યકતા, યુવાશક્તિને કામે લગાડીને સમાજનું પરિવર્તન એ વિશે ઉદાહરણો સાથે ચર્ચા કરી હતી. રામકૃષ્ણ મઠ, પૂણેના અધ્યક્ષ આ સમારંભના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી શ્રીકાન્તાનંદજીએ યુવાનો માટે ચારિત્ર્ય ઘડતર અને મૂલ્ય શિક્ષણ વિશે સ્વામીજીના વિચારોનું દોહન રજૂ કર્યું હતું.
ભોજન વિરામ બાદ સ્વામી વિવેકાનંદને સંગીતાંજલી પછી રામકૃષ્ણ મઠ અને મિશન, મુંબઈના અધ્યક્ષ સ્વામી સર્વલોકાનંદજીના અધ્યક્ષ સ્થાને મળેલા ત્રીજા સત્રમાં ભારત વિકાસ ગૃપ ઇન્ડિયા લી. પૂણેના સ્થાપક શ્રીહનુમંતરાવ ગાયકવાડે ભારતનાં પ્રાચીન વારસાને બરાબર જાળવી રાખીને ગ્રામ્ય વિકાસ કેવી રીતે કરવો એ વિશે યુવાનો માણી શકે એવી વાણીમાં મનનીય પ્રવચન આપ્યું હતું. હિન્દીના સુખ્યાત નવલકથાકાર, લેખક અને સ્વામી વિવેકાનંદના જીવન સંદેશના ગહન અભ્યાસુ ડૉ. નરેન્દ્ર કોહલીએ યુવજીવનમાં શક્યતાઓ, અવસરો અને નવી આશાની ક્ષિતિજો ઉઘાડવી એ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. ત્યાર પછી કર્ણાટકના જાણીતા કંઠ્ય સંગીતમાં નિષ્ણાંત શ્રી મહાલક્ષ્મી શિનોયના ભજનને યુવાનોએ મન ભરીને માણ્યું હતું. કોલકત્તાના સુખ્યાત ગાયનોકોલોજીસ્ટ ડૉ. નિવેદિતા બક્ષીએ સાર્થક જીવન જીવવા માટે પ્રબળ ઇચ્છા શક્તિની આવશ્યકતા વિશે આપેલા પ્રવચનને યુવાનોએ માણ્યું હતું. સમારંભનાં અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સર્વલોકાનંદજીએ સ્વામી વિવેકનંદે પ્રબોધેલ ‘શિવજ્ઞાને જીવ સેવાના’ આદર્શની વાત યુવાનો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી હતી.
ચોથા સત્રમાં ૫ :૩૦ થી ૮ :૦૦ સુધી મહારાષ્ટ્રના દામોદર રામદાસીએ રજૂ કરેલ ‘યોદ્ધા સંન્યાસી સ્વામી વિવેકાનંદ’ એક પાત્રીય નાટકને યુવાનોએ માણ્યું હતું.
તા. ૨૭ જાન્યુઆરીના રોજ પ્રથમ સત્રનો આરંભ સવારે ૮.૦૦ વાગે નામનોંધણી પછી ટીજીઈએસના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડૉ. સુભદ્રાબેન દેસાઈના વિવેકાનંદ સુપ્રભાતમ્ સ્તોત્ર ગાનથી થયો હતો.
આ સત્રના અધ્યક્ષ સ્થાને રામકૃષ્ણ મઠ, નાગપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી બ્રહ્મસ્થાનંદજી મહારાજ હતા. એથ્નો ઓર્નિથોલોજીસ્ટ અને એલા ફાઉન્ડના ટ્રસ્ટી પૂણેના ડૉ. સુરુચિ પાંડેએ ભારતીય સંસ્કૃતિ અને ભારતના આધ્યાત્મિક વારસાની ગહન સમજણ અને તેની આજનાં યુવા જગત માટે પ્રાસંગિકતા વિશે મનનીય પ્રવચન અને પાવર પોઈન્ટનું નિદર્શન રજૂ કર્યું હતું. સીબીઆઈના ભૂતપૂર્વ નિયામક શ્રી ડી.આર.કાર્તિકેયના યુવાનોનું જીવન ઘડતર એ આપણા સમાજની તાતી જરૂર એ વક્તવ્યને યુવાનોએ માણ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી શ્રીમત્ સ્વામી બ્રહ્મસ્થાનંદજીએ સ્વામી વિવેકાનંદજીના માનવનું ઘડતર કરોનાં આદર્શાે દ્વારા રાષ્ટ્ર ઘડતર કરનારા પ્રેરક યુવાનો વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું.
ત્યાર પછીના ત્રીજા સત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના આદર્શ વિચારોની રજૂઆત થઈ હતી. આ સમારંભના અધ્યક્ષ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિ. બેલુર મઠના કુલપતિ શ્રીમત્ સ્વામી આત્મપ્રિયાનંદજી હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને ભારતના આધ્યાત્મિક વારસાની ગહન સમજણની આજનાં યુવા જગત માટે પ્રાસંગિકતા વિશે ઉદ્બોધન કર્યું હતું.
આ સત્રમાં નોઈડા ઈન્ટરનેશનલ યુનિ.ના કુલપતિ ડૉ. વિક્રમસિંઘે સ્વામી વિવેકનંદનો યુવાનો માટે સંદેશ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. રામકૃષ્ણ મિશન ઈન્દોરના સચિવ શ્રીમત્ સ્વામી રાઘવેન્દ્રાનંદજીએ યુવાનો માટેની મૂલ્યલક્ષી કેળવણીમાં ચારિત્ર્ય ઘડતરની આવશ્યકતા વિશે પ્રવચન આપ્યું હતું. સ્વામી ક્રિપાકરાનંદજીના ભજન પછી આઈઆઈએમ અમદાવાદના પ્રાધ્યાપક અનિલ ગુપ્તાએ યુવશક્તિના યોજન દ્વારા સમાજનું પરિવર્તન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
સાંજના ૫ :૩૦ થી ૮ :૦૦ સુધી વિક્રમ એકેડેમી ઓફ પર્ફાેમીન્ગ આર્ટસ દ્વારા રજૂ થયેલ નાટક ‘યુગનાયક વિવેકાનંદ’ યુવાનોએ માણ્યું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સ્વામી વિવેકાનંદજીને શાસ્ત્રીય સંગીતાંજલિ
૨૮ જાન્યુઆરીના રોજ સવારના ૮ :૩૦ થી ૧૨ :૩૦ અને ૨ :૦૦ થી ૫ :૦૦ સુધી ‘એ મ્યુઝિકલ ટ્રિબ્યુટ ટુ સ્વામી વિવેકાનંદ’ નામે શાસ્ત્રીય સંગીતનો મહાકુંભ ભાવિકોએ માણ્યો હતો.
યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજી શાસ્ત્રીય સંગીતનું પણ ઉત્કૃષ્ઠ જ્ઞાન ધરાવતા હતા. આવા આ યુગપુરુષને ભારતના અનેક નામી શાસ્ત્રીય કલાકારો દ્વારા સતત તેર કલાક સુધી સ્વરાંજલિ અર્પણ થઈ હતી.
‘ચેલા ભિક્ષા લે કે આના’ રાગ અહિર ભૈરવીના સૂર પં. રાજેન્દ્ર વૈશ્ણવના કંઠે છેડાયા ત્યારે ભાવિકો ભક્તિ રસમાં ડૂબી ગયા. પં. નિત્યાનંદ હલ્દિપુરીજીના બાંસુરીવાદન વખતે આત્મા સો પરમાત્માનો ભાવ.
ભારત રત્ન પં. રવિશંકરના શિષ્ય અને મહિયર ઘરાનાના સમર્થ સિતારવાદક પં. કાર્તિક કુમાર, રામકૃષ્ણ સંઘના સ્વામી ક્રિપાકરાનંદજી, પદ્મ ભૂષણ શ્રીમતી અન્નપૂર્ણા દેવીના શિષ્ય અને દેશના ટોચના બાંસુરીવાદક પં. નિત્યાનંદ હલ્દિપુરીજી, શાસ્ત્રીય ગાયક પં. રાજેન્દ્ર વૈશ્ણવ, જાણીતા પખાવજ વાદક પં. માણિક મુંડે, શાસ્ત્રીય કંઠ્યસંગીતના જાણીતા કલાકાર ડૉ. સુભદ્રા દેસાઈ
સહિતના દિગ્ગજોએ જાણીતા તબલાવાદક પં. ઓમકાર ગુલવદી અને ખડક સિંહની સંગતમાં સૂરોનું સામ્રાજ્ય
સર્જી દીધું હતું. આ ઉપરાંત મહાલક્ષ્મી શેનોયના કંઠ્ય સંગીત, દત્તાત્રય વેલણકર, ડૉ. અનુપ રાજ પુરોહિત તથા ડૉ. બિમલ ભટ્ટાચાર્યએ પણ અનોખો સંગીતમય માહોલ સર્જી દીધો હતો.
Your Content Goes Here