અનુવાદક : મેધા કોટસ્થાને

રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદજીનું સ્થાન ઘણું મોટું અને મહત્ત્વપૂર્ણ હતું. સંઘમાં કોઈકવાર તાત્ત્વિક મતોમાં સંદિગ્ધતા ઊભી થતી. કાર્યકર્તાઓ, સંન્યાસીઓના વિચારભેદને કારણે ઘણી વખત આવી અસ્પષ્ટતા અને હતાશા ઊભાં થતાં. આવા વિકટપ્રસંગે સ્વામી બ્રહ્માનંદજીએ બધી સમસ્યાઓનું નિરસન કરવાનો સક્રિય પ્રયાસ કર્યો હતો.

૨ ફેબ્રુઆરી, ૧૯૧૬ની આ ઘટના છે. એ દિવસે સ્વામી બ્રહ્માનંદજીએ વ્યક્ત કરેલા વિચાર અને આદર્શ અત્યંત મૂળભૂત અને મહત્ત્વના છે. રામકૃષ્ણ સંઘની વિચારધારાને તે સ્પષ્ટરૂપે વ્યક્ત કરે છે. ભિન્ન ભિન્ન કેન્દ્રો પર કાર્ય કરવા નિયમિત આવનાર લોકોની તેમજ દુ :ખીપીડિતને મદદ કરવા માટે અનેક સેવાવૃત્તિઓની આવશ્યકતા હતી. વિપત્તિગ્રસ્ત લોકોને મદદ કરવા જતાં સાધના, જપ, તપ અને ઉપાસનામાં ખલેલ પડે છે એ વાત ધ્યાનમાં આવતાં ઘણાના મનમાં દ્વિધા ઊભી થઈ. સહસચિવ સ્વામી શુદ્ધાનંદે સંઘના અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીને આ દ્વિધાની વાત કરી. એ દિવસે મઠના બધા સાધુઓ અને બ્રહ્મચારીઓને એકસાથે બોલાવ્યા. આ વખતે સ્વામી પ્રેમાનંદ અને સ્વામી શારદાનંદ પણ હાજર હતા. સૌ એકત્ર સંન્યાસીઓ, બ્રહ્મચારીઓને ઉદ્દેશીને સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું :

તમારામાંથી કેટલાક કહે છે કે મિશનમાં કામ કરવાથી સાધના, જપ, તપમાં મુશ્કેલી પડે છે. પીડિતો માટેનાં સેવાકાર્યોને લીધે આધ્યાત્મિક પ્રગતિ થતી નથી. અમે જે ભાવની અપેક્ષા રાખીએ છીએ એ તમને સમજાશે નહીં. પણ એ ભાવને સ્વીકારી લેવો એ તમારા માટે યોગ્ય બની રહેશે. એક વાત હું દર વખતે કહું છું અને આજે પણ ભાર દઈને કહીશ કે પીડિતોની સેવા કરવા જાઓ, સવાર-સાંજ અને કામ પત્યા પછી છેવટે એકાદ બે વાર ઈશ્વરનું નામ સ્મરણ કરો અને જપધ્યાન કરો… તમારા બધાની નજર સામે યુરોપમાં કેટલું ભયંકર યુદ્ધ ચાલે છે. શું તમને એ દેખાતું નથી? એ બધા લોકો પોતાના દેશ માટે બૈરાં, છોકરાં, ભોગવિલાસ સર્વનો ત્યાગ કરીને પોતાનું બલિદાન આપી રહ્યા છે. તમારી સામે ઈશ્વરપ્રાપ્તિનો ઉચ્ચ આદર્શ છે. એને માટે અને જગતના કલ્યાણ માટે તમે સૌ પોતાનાં ઘરબાર ત્યજીને ઠાકુરનાં ચરણે આશ્રય લીધો છે. તો પછી આ સેવા કાર્યો કરતી વેળા તમે બધા અકળાઓ છો કેમ? સ્વામી વિવેકાનંદ અમને કહેતા, ‘જરા વિચાર કરો, ‘બહુજન હિતાય’ આ એક જન્મારો ખર્ચાય તો એમાં શું? કોણ જાણે કેટલાય જન્મ આળસ પ્રમાદમાં વિત્યા હશે? જગતના કલ્યાણ માટે આ એક જન્મ વીતી જાય તો એમાં ડરવાનું શું?’

સ્વામી બ્રહ્માનંદની આ સ્પષ્ટ સમજણથી સૌના મનનો ભ્રમ દૂર થયો. અને બધા લોકો પીડિત, દુ :ખીનાં સેવા કાર્યોમાં દિલથી લાગી ગયા.

(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૦૬-૦૭)

સંઘના પરમાધ્યક્ષરૂપે સ્વામી બ્રહ્માનંદની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી. દરેક સાધુ, બ્રહ્મચારીની સાધના પર એમની નજર રહેતી. સંઘના મૂળ ઉદ્દેશથી પણ તેઓ પૂરેપૂરા વાકેફ હતા. એમણે આ મૂળ ઉદ્દેશમાંથી જરાય ચલિત ન થવાય એવો આદર્શ રાખ્યો હતો.

એકવાર પૈસાદાર એવા સદ્ગૃહસ્થના એકના એક દીકરાનું અકાળે અવસાન થયું. તેઓ ખૂબ દુ :ખી થઈ ગયા. પોતાના દુ :ખનો ભાર હળવો કરવા તેઓ નિયમિત રીતે મઠમાં આવતા. મઠના સાધુ સંન્યાસીઓ સાથે થોડી વાર રહેતા પણ ખરા. એમના વિચારોમાં ધીમેધીમે પરિવર્તન આવવા લાગ્યું. નિર્લેપ વૃત્તિવાળા સંન્યાસીઓને જોઈને એમને થયું કે આપણે પણ કશુંક કામ કરવું જોઈએ. રામકૃષ્ણ મિશનનાં લોકોપયોગી કાર્યો અને લોકસેવાનું વ્રત જોઈને લાખોની ઉપજવાળો પોતાનો વ્યવસાય દાનમાં આપી દેવાનો એમને વિચાર આવ્યો.

તેમણે સ્વામી પ્રેમાનંદજી પાસે જઈને આ કહ્યું. એમનું આવડું મોટું મન જોઈને સ્વામી પ્રેમાનંદને એમના પ્રત્યે કૌતુક થયું. એક દિવસ યોગ્ય સમય જોઈને સ્વામી બ્રહ્માનંદજી સમક્ષ વાત કરી. ઉપલક દૃષ્ટિએ જોતાં આ દાન ઘણું હિતકર દેખાતું હતું. પણ સ્વામી બ્રહ્માનંદજીના મનમાં આના કરતાં પણ થોડા જુદા અને ભવિષ્યના વિચારો આવ્યા. સ્વામી બ્રહ્માનંદજીની વિચક્ષણ બુદ્ધિને લાગ્યું કે આ દાની માણસ હમણાં દુ :ખનો દાઝેલો છે. એના મનમાં આવેલો આ વૈરાગ્ય પણ પ્રાસંગિક અને ક્ષણિક છે. હમણાં એ બધું લાગણીવશ થઈને દાનમાં આપી દેશે. પછી એ માટે એને પસ્તાવો થવાની શક્યતા છે. એટલે એને લીધે એને ભવિષ્યમાં માનસિક ત્રાસ પણ થાય. એ વખતે તો તેમણે સ્વામી પ્રેમાનંદને કંઈ કહ્યું નહીં. પણ હાથ જોડીને બોલ્યા, ‘બાબુરામ, સત્સંગ-સાધુસંગને લીધે આ વ્યક્તિના મનમાં વૈરાગ્યભાવ આવ્યો છે. શું એના સહવાસથી આપણા મનમાં આવી વિષયબુદ્ધિ ઉત્પન્ન કરવી જોઈએ?’ સ્વામી પ્રેમાનંદ બધું સમજી ગયા. થોડા જ શબ્દોમાં સ્વામી બ્રહ્માનંદજીએ આ દાન કરવા પાછળનું કારણ અને એમાંથી ઉદ્ભવતી ગંભીર સમસ્યા પણ બતાવી દીધી.

આ નાનકડી ઘટનાના સ્વામી બ્રહ્માનંદજીએ ઉચ્ચારેલા વાક્ય પરથી આ બાબત પર સારો એવો પ્રકાશ પડે છે. કોણે અને શાનો સ્વીકાર કરવો? દાન કરનારનો હેતુ અને કારણના મહત્ત્વને સમજવું. આવા દાન કરનારને દાન આપવા પાછળના અનેક હેતુ હોય છે. કોઈ અપેક્ષા રાખ્યા વગર, ખરા હૃદયથી આપેલું દાન. (જેને લીધે બીજાને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એ જ દાન શ્રેષ્ઠ છે.)

(સ્વામી બ્રહ્માનંદ ચરિત, લે. સ્વામી પ્રભાનંદ, પૃ-૨૦૯-૧૦)

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.