(ગતાંકથી આગળ)

શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના યુગમાં આપણે એમ કરી શકીએ અને કરીશું. ભારતમાંના આપણા સમગ્ર જીવન અને કાર્યપદ્ધતિમાં ક્રાંતિકારક પરિવર્તનની જરૂર છે. સખત પરિશ્રમથી, અર્પણભાવના સાથેના કાર્યથી, માનવીય તાકીદની ઊંડી ભાવનાથી જ એ આવે. એટલે એ ફિલસૂફી આપણે સૌને માટે તેમજ જગતના મોટાભાગને માટે ખૂબ જ અગત્યની છે. એટલે, શ્રીકૃષ્ણ કહે છે : बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि, ‘આ યોગબુદ્ધિ પ્રાપ્ત કરીને, હે અર્જુન, કર્મનાં બધાં બંધનો તું તોડી શકીશ.’ બંધનમાં નાખે માટે તું કર્મથી ડરે છે. તું યોગબુદ્ધિનો આશ્રય લેશે તો, તને કશું બંધન નહીં થાય એમ હું તને ખાતરી આપું છું. પ્રત્યેક મનુષ્યને આશીર્વાદ આપી એને ઊંચે ચડાવે એવું તત્ત્વદર્શન આ છે. શા માટે એમ છે ? આપણે સૌ કર્મરત રહી શકીએ અને છતાં, બંધનથી મુક્ત રહી શકીએ, એવું વૈશ્વિક ઔચિત્ય આ છે. कर्मबन्धं, ‘કર્મથી થતું બંધન’, ‘તેનો તું નાશ કરીશ.’, प्रहास्यसि. કર્મ રહેશે, બંધન જશે. સર્વ લોકો માટે આ મહત્ત્વનો બોધ છે. પછી આ માર્ગનું એક સુંદર લક્ષણ શ્રીકૃષ્ણ આપે છે :

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।। 2-40।।

‘આમાં અધૂરા કાર્યનો બગાડ થતો નથી કે નથી વિપરીત પરિણામ આવતું. આ અલ્પ ધર્મ પણ મોટા ભયમાંથી બચાવે છે.’

नेह अभिक्रमनाशोऽस्ति, ‘યોગ બુદ્ધિના આ રાજમાર્ગમાં અધૂરો પ્રયત્ન પણ નકામો જતો નથી.’ તમે કંઈ કામ માંડો છો અને, સંજોગોવશ તેને અધૂરું મૂકી દો છો. ફરીથી આરંભ કરો ત્યારે તમારે એ એકડે એકથી કરવું પડે છે. જિંદગીની ઘણી બાબતો, આ કક્ષામાં આવે છે. બધા ધાર્મિક વિધિઓની બાબતમાં આ સાચું છે. તમે ધાર્મિક વિધિ આરંભો, અર્ધેથી એ છોડી દો; એ ફરી શરૂ કરો ત્યારે, અર્ધેથી એ આરંભી શકાતો નથી. તમારે એકડે એકથી જ એ માંડવો પડે. પણ આ બાબતે તેમ નથી. આ માર્ગમાં બધું ઉત્તરોત્તર ઉમેરાતું જાય છે. તમારાથી થઈ શકે તેટલું કરો પછી, છોડી દો અને થોડા સમય પછી, જ્યાં છોડી દીધું હતું ત્યાંથી જ એ હાથ પર લો. પછી આગળ ચાલુ રાખો, આગળ ચાલુ રાખો; એ ઉત્તરોત્તર વૃદ્ધિ કહેવાય છે. વાસ્તવમાં ચારિત્ર્ય ઘડતરની એ જ રીત છે. ચારિત્ર્ય વિકાસ ઉત્તરોત્તર વૃદ્ધિગત છે. કંઈ પ્રવૃત્તિ કરીને તમારા ચારિત્ર્યનું ઘડતર કરો; પછી બીજું કંઈ આવી પડતાં પેલું અધૂરું મુકાઈ ગયું; પછી વળી અનુકૂળતાએ પુન : હાથમાં લીધું. આ અદ્‌ભુત શ્લોકનો અર્થ આ છે. नेह अभिक्रमनाशोऽस्ति અને प्रत्यवायो न विद्यते, ‘કર્મમાં કોઈ ભૂલ થાય તો પરિણામ વિપરીત આવતું નથી.’ પછી જોરદાર ખાતરી આપે છે.’ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात्, ‘આ અલ્પ ધર્મ, આ તત્ત્વજ્ઞાન, નાનો અંશ પણ મોટા ભયમાંથી બચાવે છે.’ ચારિત્ર્ય ઘડતર કંઈ એક દિવસનો મામલો નથી. એ કાર્ય તમે આરંભો છો, ધીમે ધીમે ઘડતર કરતા જાઓ છો, મહાન ચારિત્ર્ય વિકસાવો છો તેમાં સમય લાગે છે. ને એમ, ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું ચારિત્ર્ય તમે ઘડો છો ને એ માટે માનવતાપૂર્ણ સ્રોતોને કામે લગાડો છો. એટલે, બધા ચારિત્ર્ય – ઘડતરમાં, नेह अभिक्रमनाशोऽस्ति, ‘પ્રયત્ન વૃથા જતો નથી,’ અધૂરું છોડતી વખતે તમે જે કંઈ કર્યું છે તે તમારું જ રહે છે; પાછા આવી, અટક્યા હતા ત્યાંથી આરંભ કરો. કોઈ માણસ ઘર બાંધવા બેસે તેના જેવું આ છે; એનો અંદાજ લાખ રૂપિયાનો છે પણ એની પાસે દસ હજાર રૂપિયા જ છે એટલે, એ પાયો નાખી ઊભણી સુધી ચણતર કરે છે. પછી પૈસા ખૂટી જતાં કામ અટકી જાય છે.

જેટલું થયું એટલું ભલું થયું. એ પાકું થઈ જશે. પછી, સમય જતાં, વળી એની પાસે દસ હજાર રૂપિયા એકઠા થાય છે. એ વધારે ચણતર કરે છે. પછી વધારે પૈસા આવ્યા એટલે વળી વધારે ચણતર થયું. આમ ઘણે હપ્તે ઘર બંધાયું. ચારિત્ર્ય ઘડતરના બધા પ્રયત્નોમાં આવું જ બનતું હોય છે અને, એ ચારિત્ર્ય વિકાસનો એક અદ્‌ભુત ગુણ છે, એ તમને બલિષ્ઠ, નિર્ભય, કરુણાવાન અને સૌની સાથે એકરૂપ બનાવે છે. માટે તો, ‘આ ધર્મનો સ્વલ્પ અંશ પણ આપણને મોટા ભયમાંથી ઉગારે છે.’स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोभयात्. નહીં મામા કરતાં કાણો મામો સારો, એ ગીતાનો બોધ છે; ‘કાં બધું, કાં કંઈ નહીં’ એવું નથી. શ્રીકૃષ્ણ મનુષ્ય માત્રને કહે છે : મારા બોધમાંથી લઈ શકો એટલું ગ્રહણ કરો, બની શકે એટલું તમારા જીવનનું અને ચારિત્ર્યનું ઘડતર કરો. ‘અરે ! પેલાએ આટલું બધું કર્યું છે ને મારી પાસે એ શક્તિ નથી એટલે હું કશું જ નહીં કરું.’ એ વિચારે નાસીપાસ ન બનો. એ વલણ યોગ્ય નથી. પેલા માણસે એની શક્તિ અનુસાર કર્યું. તમારી શક્તિ મુજબ તમે કરો. ડગલે ડગલે, તસુએ તસુએ તમારું ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઘડો; તમારી ભીતર રહેલા આ મનોદૈહિક શક્તિસ્રોતનો ઉપયોગ કરો. તમારી ચૈતસિક શક્તિમાંથી તમે બુદ્ધિ નામની અસામાન્ય પેદાશ ઉત્પન્ન કરવાના છો. બુદ્ધિયોગ, યોગબુદ્ધિ એટલે વિવેકશક્તિ માનવ સંવેદનાત્મક અને ચૈતસિક તંત્રમાંનું જ્યોતિર્મય બિંદુ છે. એ જ ચૈતસિક શક્તિના તંત્રમાંથી એનો વિકાસ સાધવાનો છે. માનવની અંદર આપણે એ પ્રચંડ ચૈતસિક રસાયણ કાર્ય કરીએ છીએ. આપણા સમગ્ર દેહને આપણે પ્રયોગશાળા બનાવીએ છીએ. એમાં આપણે આ બુદ્ધિને ધીમે ધીમે ઉત્ક્રાંત કરીએ છીએ. આ બુદ્ધિ એટલે તમારી બુદ્ધિ, વિવેકશક્તિ, સંકલ્પ બુદ્ધિ અને, એની સાથે ભળેલી બધી ઊર્મિઓનો સુભગ સંવાદ. માનવ વિકાસનું એ શ્રેષ્ઠ સાધન છે.

તર્કબુદ્ધિ, કલ્પનાશક્તિ અને ઇચ્છાશક્તિ એની સાથે ઓતપ્રોત થયેલી છે. આપણને એની આવશ્યકતા છે. અને ગીતા આપણને વારંવાર બુદ્ધિની મહાત્તા કહેવાની છે. એનું આહ્‌વાન ગીતામાં અનેક સ્થળે જોવા મળે છે, बुद्धौ शरणमन्विच्छ, ‘બુદ્ધિને શરણે જા.’ એ બુદ્ધિ વડે તમે બધું હાંસલ કરી શકશો, બુદ્ધિ એટલે તત્ત્વત : તર્ક પણ, લૂખો બૌદ્ધિક તર્ક નહીં. ઊર્મિઓથી, લાગણીઓથી પરિપુષ્ટ થયેલો તર્ક. બધું પ્રેરકબળ ઊર્મિઓ અને લાગણીઓમાંથી ઉદ્ભવે છે, બુદ્ધિમાંથી નહીં. પછી પોતાની પ્રભાવકતા સાથે ઇચ્છાશક્તિ આવે છે. ને એમ, આ ત્રણેયને તમે ભેગી કરો ત્યારે, માનવ વિકાસનું એક અદ્‌ભુત ઉપકરણ તમારા હાથમાં આવે છે. એ બુદ્ધિ નામે ઓળખાય છે. શાળા કે કોલેજમાં ભણતો વિદ્યાર્થી અનેક પુસ્તકો ભણે છે પણ, એના બધા અભ્યાસનું અંતિમ પરિણામ આ બુદ્ધિનો વિકાસ છે. પછી પોતાને માટે તેમજ બીજાઓ માટે મોટી વસ્તુઓ આવી મળશે. કોઈ માણસ ડાૅકટર પાસે જાય છે, ડાૅકટર એને તપાસે છે ને પછી કહે છે, ‘તમારે રોજ એક લિટર દૂધ પીવાની જરૂર છે.’ ‘પણ, ડાૅકટર, રોજ લિટર દૂધ પીવાના પૈસા મારી પાસે નથી,’ એમ દર્દી બોલે છે. ‘તો, તમે રોજ અર્ધાે લિટર પીઓ, પા લિટર પીઓ, પણ પી શકાય એટલું પીઓ. એથી જ તમને ફાયદો થશે.’ આ બોધનું સ્વરૂપ આવું છે. તમે જેટલો ગ્રહણ કરી શકો તેટલું સારું. હું એક લિટર ન લઈ શકું તો બિલકુલ લઈશ નહીં – એ બરાબર નથી. માટે તો स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्. એ બુદ્ધિનું સ્વરૂપ કેવું છે? પછીના શ્લોકમાં ઉત્તર છે :

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ।। 2-41।।

‘હે કુરુનંદન, આમાં બુદ્ધિ એક અને એકલક્ષી નિશ્ચયવાળી હોય છે. અનિશ્ચયી લોકોના હેતુઓ અનંત અને બહુશાખાવાળા હોય છે.’

એક વ્યવસાયી કહેવાય છે, બીજો અવ્યવસાયી. વ્યવસાય એટલે પ્રયત્ન, દૃઢ નિશ્ચય વગેરે, એથી ઊલટું તે અવ્યવસાયી. આ બુદ્ધિયોગ દર્શનમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એકદમ દૃઢનિશ્ચયી બુદ્ધિ છે. વ્યવસાય એટલે નિશ્ચય, દૃઢ પ્રયત્ન, એમાં બધાંનો સમાવેશ થાય છે. તમને એ પ્રાપ્ત થાય છે, ને એ એક છે, બે કે ત્રણ કે વધારે નથી. સમગ્ર ઊર્જા સંયોજિત અને એકત્રિત છે. માનવદેહ જુઓ. એ દેહમાં કેટલી વિવિધતા છે ! આત્માથી લઈ, એ તંત્રના મોટામાં મોટા અવયવ સુધી, દરેક વસ્તુ એટલી તો વિવિધ છે, ને તે છતાં સંપૂર્ણ એકીકરણ છે. દરેક અવયવ બીજાને માટે કામ કરે છે. અર્વાચીન જીવશાસ્ત્ર કહે છે તેમ, ભેદ અને અખંડિતતા બંને છે. ભેદ અને અખંડિતતાને માર્ગે જ ઉત્ક્રાંતિ આગળ વધી છે. એ જ રીતે, તમારા આંતરિક જીવનનું તમે ઘડતર કરો ત્યારે એ વસ્તુ જ થવી જોઈએ – ભેદ અને દૃઢ અખંડિતતા. એ અખંડિતતાનો ઉલ્લેખ एकेहकुरुनन्दन તરીકે થયો છે, હે અર્જુન, व्यवसायात्मिकाबुद्धि દર્શનશાસ્ત્રની યોગ શાખામાં એક જ હોય છે. પરંતુ, સામાન્ય જીવનમાં, बहुशाखा ह्यनन्ताश्चबुद्धयोऽव्यवसायिनाम्, ‘જે અવ્યવસાયી, નિશ્ચય વગરના છે તેમનાં મન વેરણછેરણ વર્તે છે.’ એ તંત્રમાં ઊર્જા પ્રકટતી નથી. બધું વેરણછેરણ થઈ જાય છે.

મનની બે દશાઓ હોય છે, એક વેરણછેરણ દશા છે અને બીજી એકત્રિત દશા છે. બધા યોગશિક્ષણમાં એકત્રિત દશાની વાત કરવામાં આવે છે : વેરવિખેર શક્તિઓને ભેગી કરો. સામાન્ય જીવનમાં મન હજાર રીતે વેરવિખેર હોય છે. એટલે એનામાં શક્તિ હોતી નથી. શ્રીકૃષ્ણ કહે છે કે આ કર્મયોગમાં આપણે એ પ્રકારની બુદ્ધિ – એકલક્ષી મન – વિકસાવવાની છે. આવી બુદ્ધિનો વિચાર આશ્ચર્યકારક છે કારણ, ચિત્તની બીજી દશામાં, बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम्. અનિર્ણીત પ્રકારમાં મન હજારો દિશાઓમાં વેરાયેલું છે; એમાંથી કશી ઊર્જા ઉત્પન્ન થતી નથી. આપણે અહીં એ કરવાનું છે. આમ આ શ્લોક આપણી સમક્ષ પોતાની ભીતર અખંડ ચૈતસિક ઊર્જાના વિકાસની વાત મૂકે છે. એ અહીંતહીં વેરવિખેર નથી અને, આપણી ભીતર, આપણે એવું મન વિકસાવવાનું છે. જીવન અને માનવ વિકાસના સ્વસ્થ વિકાસનો આ અભિગમ છે. बहुशाखा ह्यनन्ताश्च, ‘અનેક શાખાઓવાળું અને વેરવિખેર મન,’ વેરવિખેર શક્તિઓવાળાં મનવાળાં લોકો આપણને જોવા મળે છે. ઊર્જા એકત્રિત અખંડ નહીં હોઈ, જીવનની પરિસ્થિતિ પર એનો કશો પ્રભાવ પડતો નથી. ઉદાહરણ તરીકે, ગાંધીજીના જેવા મહામના લોકોનાં મનમાં ઊર્જાનું સુદૃઢ એકીકરણ હતું. એક મન જ બે કે ત્રણ નહીં. ને એ મન અનેક ક્ષેત્રોમાં પ્રવૃત્ત રહે. પણ એ હોય એકચિત્ત. વ્યક્તિમાં રહેલી સમગ્ર ચૈતસિક શક્તિને એ વ્યક્તિએ એકસૂત્ર કરી લીધી છે અને આવી વ્યક્તિની પ્રભાવકતા પ્રચંડ હોય છે.

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.