રામકૃષ્ણ મિશન વડોદરાની સમાચાર વિવિધા

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ આ કેન્દ્રની મુલાકાતે ૨૯ માર્ચથી ૧લી એપ્રિલ સુધી પધાર્યા હતા. તેમના વરદ હસ્તે નવનિર્માણ પામનાર સભાખંડનો શિલાન્યાસ વિધિ અને ‘મા સારદા અન્નક્ષેત્ર’નો પ્રારંભ થયો હતો. સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશના પ્રચાર પ્રસાર માટે આશ્રમના પ્રાંગણમાં પ્રસ્થાપિત એલ.ઈ.ડી. સ્ક્રીનનો શુભારંભ પણ એમના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એમણે પોતાના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદને વિશ્વના અત્યંત મહત્ત્વના ૭૫ વ્યક્તિઓમાં સ્થાન મળ્યું છે. એમના વિચારો અને જીવન આજે પણ પ્રાસંગિક છે. સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના કેટલાય કાર્યક્રમોની માહિતી એમણે આપી હતી. આ પ્રસંગે પોરબંદર, રાજકોટ અને લીંબડીના મુખ્ય સ્વામીજીઓ અને વડોદરાના માનનીય સાંસદ શ્રીબાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ ઉપસ્થિત હતા. શ્રી શુક્લે પોતાની સાંસદ સભ્યની ગ્રાંટમાંથી પ્રસ્તાવિત સભાખંડ માટે રૂ. ૨૫ લાખનું દાન જાહેર કર્યું હતું. રામકૃષ્ણ કેન્દ્ર વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. ડૉ. કમલકાંતના સંવાહકોએ આ હોલ માટે ૪૦ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદે અન્નક્ષેત્રની માહિતી આપી હતી.

૧૨ એપ્રિલ શુક્રવારે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ સુધી એક જાહેર સભાનું આયોજન થયું હતું. આ સભામાં ‘શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ’ વિશે અલાહાબાદ મઠના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી, પૂણેના અધ્યક્ષ સ્વામી શ્રીકાંતાનંદજી, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી અને આસાનસોલના સચિવ સ્વામી સુખાનંદજીનાં પ્રવચનનો લાભ ભાવિકોએ લીધો હતો.

એ જ રીતે ૧૩ એપ્રિલ શનિવારની સાંજની જાહેર સભામાં ‘શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદ’ વિશે ઉપર્યુક્ત સંન્યાસીઓ ઉપરાંત લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનાં પ્રવચનો ભક્તોએ માણ્યાં હતાં.

એ જ રીતે ૧૪ એપ્રિલ રવિવારની સાંજની જાહેર સભામાં ‘સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા’ વિશે ઉપર્યુક્ત સંન્યાસીઓનાં પ્રવચનો ભક્તોએ માણ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તારીખ ૨ એપ્રિલ થી ૯ એપ્રિલ સુધી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ પધાર્યા હતા. દરરોજ સાંજના સંધ્યાઆરતી પછી તેઓ ભાવિકોને દર્શન આપતા. તારીખ ૪,૬,૭ એપ્રિલના રોજ જિજ્ઞાસુ ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. ૯ એપ્રિલના રોજ સાંજના ૬ :૦૦ વાગ્યે આશ્રમમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં શરૂ થયેલ ‘વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ’ના યુવાનોના કૌશલ્યનું નિરીક્ષણ કરીને તેમને દેશની સેવામાં લાગી જવા અને સ્વામી વિવેકાનંદના સેવા અને ત્યાગના આદર્શને જીવનમાં ઉતારવાની શીખ આપી હતી. તે દિવસે સાંજે ૬ :૪૫ કલાકે પુસ્તકાલય ભવનમાં ‘બાલપુસ્તકાલય-વાંચનાલય’ અને ‘બાલવિકાસ કેન્દ્રનું’ મંગળ ઉદ્‌ઘાટન એમના વરદહસ્તે થયું હતું. તે જ દિવસે રાત્રે આરતી પછી મંદિર નીચેના હોલમાં તેમનો અભિવાદન સમારંભ અને એમના આશીર્વચન ની જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં ૩૦૦ જેટલા ભક્તોએ તેમના પ્રવચનનો લાભ લીધો હતો. તેમણે પોતાના પ્રવચનમાં ભાવિકોને સંબોધીને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશની આજના જીવનમાં અને યુગમાં પ્રાસંગિકતા અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના સર્વસેવાકીય, આદર્શ અને વિચાર પ્રવર્તન માટે બધી ભાષાઓમાં પુસ્તક પ્રકાશન, વિભાગીય અને કેન્દ્રિય ધોરણે યુવશિબિરો, મૂલ્યલક્ષી કેળવણીના વિવિધ કાર્યક્રમો, યુવાનો માટે પ્રેરણા કેન્દ્રો, જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એની સવિગત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે ભાવિકજનોએ ભાવપૂર્વક પ્રણામ કર્યા હતા. ત્યાર પછી ૭૦૦ જેટલા ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ૮ એપ્રિલના રોજ મંદિર નીચેના હોલમાં ભાવિકજનોને ભક્તિના મહિમાનું અને ભક્તિના પ્રકારોનું રસપાન કરાવ્યું હતું.

તા. ૪ એપ્રિલ, ૨૦૧૩ના રોજ એ.વી.પી.ટી. કોલેજ, રાજકોટમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી મહારાજે પ્રવચન આપ્યું હતું. ૫૦૦ વિદ્યાર્થીઓની સભામાં હોનહાર વિદ્યાર્થીઓને મહારાજના વરદ હસ્તે પારિતોષિક અપાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડી

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તારીખ ૫ એપ્રિલથી ૭ એપ્રિલ સુધી એક વિશેષ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય દિવસ સંધ્યા-આરતી પછી રામકૃષ્ણ મિશન આશ્રમ, આસાનસોલના સચિવ સ્વામી સુખાનંદજીનાં શ્રીરામચરિતમાનસ પર વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં ભાવિકજનોએ રામરસપાન કર્યું હતું. ૭મી એપ્રિલ સવારે ૯ થી ૧ સુધી ભક્તજનો માટે એક સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોરબંદરના સ્વામી આત્મદીપાનંદજી, આસાનસોલના સ્વામી સુખાનંદજીનાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રી મા સારદાદેવી અને સ્વામીજીના જીવન અને સંદેશ પર વ્યાખ્યાનો હતાં. ભક્તજનોએ આ વ્યાખ્યાનો ભાવથી માણ્યા હતા. શિબિરના અંતે પ્રસાદનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

રામકૃષ્ણ મિશન આશ્રમ, આસનસોલ ના સચિવ સ્વામી સુખાનંદજી મહારાજે તા. ૮ એપ્રીલ થી તા. ૧૦ એપ્રીલ દરમિયાન રામચરિત માનસમાંથી કેવટ પ્રસંગ અને બીજા કેટલાક પ્રસંગો પર રસપ્રદ અને ભાવવાહી આખ્યાનો રજુ કર્યા હતા અને પોરબંદરના ભક્તજનોને લાભ આપ્યો હતો. સ્વામી નીર્મોહાનંદજીએ રામજીના ભજનો સંભળાવ્યા હતા.

શ્રીગોપાલભાઇ પોપટ (ઓનરરી પેટ્રન, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, યુ. કે.) એ આશ્રમના દાતવ્ય ચિકિત્સાલય માટે રૂપિયા અગિયાર લાખનો ચેક અર્પણ કર્યો હતો.

ગુજરાત ભાવપ્રચાર પરિષદ વાર્ષિક સંમેલન

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ વાર્ષિક સંમેલન તારીખ ૧૬-૦૪-૨૦૧૩ના રોજ વિવેકાનંદ સેવાસમિતિ, ઊપલેટા કેન્દ્રમાં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં યોજાયું હતું. આ સંમેલનમાં ૧૦ કેન્દ્રોમાંથી ૭ કેન્દ્રો – ભુજ, ધરમપુર, અમદાવાદ, ઊપલેટા, ધાણેટી, જુનાગઢ, જામનગર અને પ (પાંચ) આમંત્રિત કેન્દ્રો ભાવનગર, જઘડીયા, અંકલેશ્વર, હિમ્મતનગર, અને અંજારના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી, લીંબડીના સ્વામી આદિભવાનંદજી, રાજકોટના સ્વામી સર્વસ્થાનંદજી અને પોરબંદરના સ્વામી આત્મદીપાનંદજીએ ગુજરાતમાં વધુને વધુ કેન્દ્રો સ્થપાય અને એમનાં કાર્યો વિસ્તરતાં રહે એવો અનુરોધ કર્યો. પ્રારંભમાં ઘ્વજવંદન, મંત્રોચાર, દીપપ્રાકટ્ય, અને સ્વાગત્ના કાર્યક્રમો હતા. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના વિવિધ કાર્યક્રમો, પ્રકલ્પો અને ગ્રંથમાળાના નવા પ્રકાશન અંગે વિગતવાર માહિતી આપી. બેલૂર મઠની માર્ગદર્શિકાના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો.

રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુર

આ કેન્દ્રનાં ઉપક્રમે ૧૧ એપ્રિલ ના રોજ આયોજીત આધ્યાત્મિક શિબિર માં સ્વામી નિખિલાત્માનંદજી (અધ્યક્ષ, રામકૃષ્ણ મિશન, અલાહાબાદ) એ ‘સ્વામી વિવેકાનંદ અને હનુમાનજી’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું.

પ્રણાલીગત વિલક્ષણ જ્ઞાન ધરાવતા અને પાયાના સંશોધન કરનાર બુદ્ધિધનનું સન્માન

પોતાની કુદરતી પ્રતિભા દ્વારા ભારતના બુદ્ધિધન ગણાતા કેટલાક ગ્રામ્ય વિસ્તારના અને પાયાનું સંશોધન કરનારાએ રાષ્ટ્રને ઘણી મોટી મહિમા પ્રદાન કરી છે. એમનો સાતમો રાષ્ટ્રિય સન્માન સમારંભ ૭ માર્ચ, ૨૦૧૩ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી, સાયન્સ અને ટેકનોલોજીના મંત્રીશ્રી જયપાલ રેડ્ડી, એન.આઈ.એફ.ના ચેરમેન પદ્મભૂષણ ડૉ. આર.એ. માશેલકર, પ્રો. અનિલ ગુપ્તા, સીબીઆઇના ભૂતપૂર્વ નિયામક કાર્તિકેયન અને સ્વામી સર્વસ્થાનંદ ઉપસ્થિત હતા. પારિતોષિક માટે આખા દેશમાંથી આશરે વીસ હજાર જેટલાં પ્રવેશપત્રો આવ્યાં હતાં તેમાંથી ૪૬ સંશોધકોને એવોર્ડ અને પારિતોષિકો અપાયાં હતાં.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન, સુરત

સુરત શહેરમાં વરાછા રોડ પર આવેલ સ્વામી આત્માનંદ સરસ્વતિ ઈન્સિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ૨૮ ફેબ્રે. ૧૩ ના રોજ ‘કન્ટ્રીબ્યૂટર સ્ટુડન્ટ ડેવલપમેન્ટ એન્ડ ગોલ સેટીંગ’ વિશે સ્વામી સર્વસ્થાનંદજીએ અને જીટીયુના સીપીડી વિષયના પ્રણેતાઓએ ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૨૫૦ શિક્ષકોને ‘વર્ક એથિક્સ એન્ડ સોશિયલ રિસ્પોન્સબીલીટી એઝ એ સ્ટૂડન્ટ્સ મેન્ટર’ વિશે સંબોધ્યા હતા.

ડિપેક્ષ રજતજયંતી મહોત્સવ, પૂણે

સૃજન દ્વારા યોજાયેલ પૂણેની કોલેજ ઓફ એન્જિનિયરીંગ અને પૂણે યુનિવર્સિટી તેમજ એમસીસીઆઈ દ્વારા તા. ૬ માર્ચ થી ૧૦ માર્ચ ૨૦૧૩ સુધી અધ્યાપકો, શિક્ષકો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસની જુદા જુદા વિષયો પર એક શિબિરનું આયોજન થયું હતું. શિબિરનું ઉદ્‌ઘાટન ભારત ફોર્જના સીએમડી શ્રી કલ્યાણી અને સકલ પેપર્સના એમડી શ્રી પવારે કર્યું હતું. આ પાંચ દિવસને શિબિરમાં રાજકોટ આશ્રમના સ્વામી સર્વસ્થાનંદજી, શ્રી અનિલ દાતાર (એઆરડીઇ, ડીઆરડીઓના નિયામક), નિવૃત્ત એર વાઈસ માર્શલ બી.એન. ગોખલે, ડૉ. ખોડકે (મહારાષ્ટ્ર ટેક. એજ્યુ. ના નિયામક), ડૉ. રાજેન્દ્ર જગદલે (વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્કના નિયામક)એ પોતપોતાનાં વ્યાખ્યાનો આપ્યાં હતા.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.