(ગતાંકથી આગળ)

મન હજાર બાબતોમાં વહેંચાઈ ન જાય તેવી શક્તિ આપણે વિકસાવવી જોઈએ, નહીં તો દરેક બાબતને ચપટી જેટલી ચિત્તશક્તિ મળશે. કિરણો વેરવિખેર થાય છે ત્યારે, એ ઊંડે સુધી જઈ શકતાં નથી. કિરણો સમાહિત – એકત્ર – થયાં હોય ત્યારે જ, એ ઊંડે સુધી ભેદી શકે છે, જેમ કે ક્ષ- કિરણો – મનુષ્ય ચિત્તનું પણ તેવું જ છે. સંસ્થાઓમાં અપાતા કે સંસ્થા બહાર અપાતા, સમગ્ર શિક્ષણમાં ચૈતસિક શક્તિની અખંડિતતાનું આ કાર્ય સતત ચાલુ રહેવું જોઈએ. મારી ચૈતસિક શક્તિને મારે કેવી રીતે અખંડ રાખવી ? એને પ્રભાવકતા કેવી રીતે આપવી, ભેદક શક્તિ કેવી રીતે આપવી – એ સૌની ચિંતાનો વિષય બનવો જોઈએ. એને બીજા કોઈએ જોવાની જરૂર નથી. મારી આસપાસના જગત સાથે હું કેવી અદ્‌ભુત રીતે કામ પાડું છું તેના પરિણામને લોકો જોશે. તો સમગ્ર માનવ શિક્ષણનો હેતુ એ છે. થોડાં પાઠયપુસ્તકો અને, પરીક્ષા પાર કરવી – એ શિક્ષણનો બહારનો ભાગ માત્ર છે. એનો ખરો અંદરનો ભાગ મનનો, ચિત્તનો, આ વિકાસ છે; એને આવું સ્વરૂપ આપવું તે બારામાં પછીના ત્રણ શ્લોકો એક ગહન સંદેશ આપે છે :

यामिमांपुष्पितांवाचंप्रवदन्त्यविपश्चितः।
वेदवादरताःप्रार्थनान्यदस्तीतिवादिनः।।42।।

‘અલંકારપ્રચુર ભાષા વાપરનારા જ્ઞાની નથી. હે અર્જુન, વેદના શબ્દાર્થને વળગી રહી એ લોકો દલીલ કરે છે કે બીજું કશું છે જ નહીં.’

कामात्मानःस्वर्गपराजन्मकर्मफलप्रदाम्।
क्रियाविशेषबहुलांभोगैश्वर्यगतिंप्रति।।43।।

‘એ લોકો કામનાઓથી ભરેલા છે, પુનર્જન્મ અને કર્મનાં ફળ દેનાર સ્વર્ગને ઉત્તમ માને છે અને, ભોગ તથા ઐશ્વર્ય આપતા ક્રિયાકાંડ પ્રચુર એ હોય છે.’

भौगैश्वर्यप्रसक्तानांमयापहृतचेतसाम्।
व्यवसायात्मिकाबुद्धिःसमाधौनविधीयते।।44।।

‘જે ભોગ અને ઐશ્વર્યમાં રત છે, જેમનાં મન વશ છે તે લોકો માટે, સમાધિ તરફ લઈ જતી નિશ્ચયાત્મક બુદ્ધિનો વિકાસ શકય નથી.’

વેરણછેરણ મનવાળા લોકો પાર્થિવ અને સ્વર્ગીય બધાં સુખની પાછળ દોડે છે અને, વેદાનુસારી ક્રિયાકાંડોમાં રમમાણ રહે છે. આવા ક્રિયાકાંડોમાં વ્યસ્ત રહેનારાઓ કદી પણ વ્યવસાયાત્મિકા બુદ્ધિ વિકસાવી શકે નહીં. શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, यामिमांपुष्पितांवाचंप्रवदन्त्यविपश्चितः, ‘જે લોકો अविपश्चितः, જ્ઞાન વગરના, સમજ વગરના છે તેઓ, ધર્મને નામે पुष्पितांवाचं, અલંકારપ્રચુર ભાષા વાપરે છે.’

એ લોકો વાતવાતમાં વેદોમાંથી અવતરણો આપે છે અને વેદો શું કહે છે તેની ચર્ચા કર્યા કરે છે. અહીં વેદોનો અર્થ વેદોનો કર્મકાંડ વિભાગ છે; એ તમને સ્વર્ગનો કોલ આપે છે : એ બધા યજ્ઞો ને ક્રિયાકાંડો કરો અને સ્વર્ગે જાઓ. આ અભિગમનું એમને વળગણ कामात्मानः, ‘કામનાઓથી ઊભરાતા’, મારે આ જોઈએ ને મારે તે જોઈએ. એ જ રીતે स्वर्गपरा, ‘સ્વર્ગે જવાની ઇચ્છાથી ઘેલા.’ ઘણા ધર્મોને આવી સ્વર્ગવાળી ફિલસૂફી હોય છે. जन्मकर्मफलप्रदाम्, ‘જેનું ફળ જન્મ અને ક્રિયાકાંડો છે.’ क्रियाविशेषबहुलांभोगैश्वर्यगतिंप्रति, ‘જુદા જુદા ક્રિયાકાંડો હોય છે ને એમનો હેતુ ભોગ અને ઐશ્વર્ય તરફ લઈ જવાનો હોય છે.’ भौगैश्वर्यप्रसक्तानांमयापहृतचेतसाम्, ‘જેમનાં ચિત્ત આ ભોગ અને ઐશ્વર્યથી આકર્ષિત છે તેઓ’; એમનું શું થાય છે? व्यवसायात्मिकाबुद्धिःसमाधौनविधीयते, ‘સમાધિના ઉચ્ચતમ સાક્ષાત્કાર તરફ લઈ જતી બુદ્ધિ તેમની પાસે પહોંચતી જ નથી !’ કામનાઓના અને મહત્ત્વાકાંક્ષાઓના હજારો ફાંટાઓમાં એમની બુદ્ધિ વેરવિખેર થયેલી હોય છે. વેદના ક્રિયાકાંડના અતિરેકની આ આકરી ટીકા છે. વેદોના આવા ક્રિયાકાંડોની વાત ઉપનિષદોમાં પણ આવે છે. અહીં પણ એ જ પ્રકારની ટીકા જોવા મળે છે; કારણ કે ચારિત્ર્ય અને અધ્યાત્મના વિકાસમાં એ સહાયરૂપ નહીં હોય. જરૂર છે આધ્યાત્મિક વિકાસની અને, તમારી આસપાસના લોકોને ચાહવાની અને તેમની સેવા કરવાની શક્તિની. ઓછામાં ઓછા ક્રિયાકાંડ અને વધારેમાં વધારે ચારિત્ર્યવિકાસની નીતિ હોવી જોઈએ. પૃથ્વી ઉપર તેમજ સ્વર્ગમાં સુખોપભોગની આવી જલસાવાદી ફિલસૂફીથી કશું વળે નહીં.

આટલું કહ્યા પછી, શ્રીકૃષ્ણ આપણને વેદોનું મૂલ્યાંકન કહે છે; આવું માત્ર આપણા સનાતન ધર્મમાં જ જોવા મળે છે. બીજે બધે, પોતાનાં ધર્મશાસ્ત્રો વિશે ઊંચામાં ઊંચી ભાષામાં વાત કરવાની જ પ્રણાલી છે. આ સનાતન ધર્મમાં, આપણા પવિત્ર ગ્રંથો વેદોનો આપણે આદર કરીએ છીએ તો પણ, આપણે એમને ઉચ્ચતમ આસને બેસાડતા નથી. એ હમેશાં દ્વૈતીયિક છે. એમાં સત્ય સમાયેલું નથી. એમાં સત્યને લગતી માહિતી માત્ર છે. આપણા જમાનામાં શ્રીરામકૃષ્ણ પણ એ જ વાત કરે છે : હિન્દુ પંચાંગમાં લખ્યું હોય છે કે આ વર્ષે આટલા ઈંચ વરસાદ પડશે પણ, તમે પંચાંગને દબાવો તો એક ટીપુંયે પાણી તેમાંથી નીકળશે નહીં. એ જ રીતે, વેદોમાં આત્માના, ભગવાનના, સાક્ષાત્કાર સહિતની અનેક બાબતો કહી છે પણ, એ વેદોને નીચોવો, તમને કશું સાંપડશે નહીં. કેવળ તમારી અનુભૂતિને નીચોવવાથી તમને સત્ય સાંપડશે, સત્યનો અનુભવ થશે. તો વેદાધ્યયન કરો, પછી એમને બાજુએ મૂકી દો અને જાતે સત્યનો સાક્ષાત્કાર કરો. આપણા ઈતિહાસમાં, ઉપનિષદોમાં, આ અભિગમ ઘણા પ્રાચીન કાળમાં ખીલવવામાં આવ્યો હતો. પ્રાચીનતમ ઉપનિષદોમાંનું એક બૃહદારણ્યક ઉપનિષદ આ ક્રાંતિકારક વાત કહે છે : वेदो अवेदो भवति, ‘સત્યનો સાક્ષાત્કાર કર્યા પછી વેદોનું કશું મૂલ્ય નથી.’ સાક્ષાત્કારની કક્ષાએ વેદ અવેદ બની જાય છે એ કેટલો તો સુંદર વિચાર છે ! બીજા કોઈ ધર્મમાં આવું હિમ્મતભર્યું કથન તમને નહીં મળે – બાઈબલની પાર જાઓ; કુરાનની પાર જાઓ, જો કે એમનાં રહસ્યવાદીઓએ તેમ કર્યું છે ને તે માટે એમણે, કેટલીક વાર, આકરી સજા ભોગવી છે. માત્ર ભારતમાં જ ભારપૂર્વક કહી શકાય છે : વેદોનો ઉપયોગ કરો, શાસ્ત્રોનો ઉપયોગ કરો, એ શું કહે છે તે સમજી લો ને પછી, જાતે સત્યનો સાક્ષાત્કાર કરવા કોશિશ કરો. ગ્રંથોમાં છે તેના કરતાં, અનુભવ ઘણો ઉચ્ચતર છે – એટલે તો, વેદો માટે ખૂબ માન હોવા છતાં, ભારતમાં આપણને શીખવવામાં આવે છે કે આપણે વેદોની પાર જવાનું છે.

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.