ગતાંકથી આગળ…

સ્વામી શિવાનંદ ‘મહાપુરુષ મહારાજ’ના નામે ઓળખાતા. રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, બનારસમાં તેઓ થોડા દિવસ રહ્યા હતા. એ દરમિયાન બંગાળમાંથી ચાર ભક્તો એમને મળવા આવ્યા. એમાંથી એક થોડો ઉદાસ હતો. જીવનમાં કરેલાં ખોટાં કામથી એને પસ્તાવો થતો હતો. એની આંખમાં આંસુ આવી રહ્યાં હતાં. સ્વામી શિવાનંદજી પાસે એણે પોતાનું મન હળવું કર્યું. એણે કહ્યું, ‘મહારાજ, મેં જિંદગીમાં ઘણાં પાપ કર્યાં છે. એનો વિચાર કરતાં જ હું ડરી જાઉં છું. આપ તો કૃપાળુ છો, કૃપા કરીને મને મદદ કરો.’ એ માણસ કાલાવાલા કરતો હતો, એના શબ્દોમાં પાપની કબૂલાત અને પ્રામાણિકતા હતી. એ જોઈને સ્વામી શિવાનંદ મહારાજને દયા આવી. થોડીવાર શાંત રહ્યા અને પછી એને પૂછ્યું, ‘ભાઈ, તેં શું કર્યું છે? તને દારૂની કુટેવ પડી છે કે પછી બીજું કોઈ ખોટું કામ કર્યું છે?’ એ સાંભળીને ભક્તે કહ્યું, ‘આમાંથી એકેય કુકર્મ મેં કર્યું નથી.’ એટલે સ્વામી શિવાનંદજીએ હૃદયપૂર્વકની દયા સાથે કહ્યું, ‘તો પછી તું કયા પાપની વાત કરે છે? તેં શ્રીરામકૃષ્ણના શબ્દો સાંભળ્યા નથી? તેઓ કહેતા કે પાપ તો રૂના ડુંગર જેવાં હોય છે. એક નાનો એવો તણખો પડે એટલે બળીને ખાખ થઈ જાય. અને પછી તો ફક્ત રાખ જ રહે. એવી જ રીતે પાપના ઢગલા પર ઈશ્વરની કૃપાની એક જ દૃષ્ટિ પડે તો ય પળવારમાં એ પાપ બળીને ખાખ થઇ જાય. એટલે તું ગભરા મા! ઈશ્વરને અંતરથી પોકાર! પછી તારે બીજા કશાની જરૂર નહીં પડે.’

સ્વામી શિવાનંદ મહારાજના આ શબ્દોમાં આપણને એમની દૃઢતા જોવા મળે છે. મનથી નબળો પડેલો એ ભક્ત એમની પાસેથી એક નવો ઉત્સાહ અને નવી પ્રેરણા લઈને પાછો ફર્યો. ક્રમશ : એના જીવનનો પ્રવાહ પણ સન્માર્ગે વળ્યો. (ધ સાગા ઓફ અ ગ્રેટ સોલ- લે. સ્વામી વિવિદિશાનંદ, પૃ. ૫૫)

સ્વામી શિવાનંદ મહારાજ ચિંતનશીલ અને ધીરગંભીર પ્રકૃતિના હતા, સાથે ને સાથે એક કર્મયોગી પણ હતા. ૧૮૯૯માં કોલકાતા શહેર અને એની આસપાસના જિલ્લાઓમાં પ્લેગનો રોગચાળો ફેલાયો. લોકો મોટી સંખ્યામાં મૃત્યુ પામતા હતા. લોકોનું આ દુ :ખ સ્વામી વિવેકાનંદથી ન જોવાયું. એ વખતે તેઓ બીમાર હતા એટલે સ્વામી શિવાનંદજી અને પોતાનાં શિષ્યા ભગિની નિવેદિતા બંનેને એ સેવા અને મદદની કામગીરી સોંપવાનો પ્રસ્તાવ તૈયાર કરવા કહ્યું. પોતાની સલામતીની પરવા કર્યા વગર સ્વામી શિવાનંદે એમના આ કાર્યમાં ઝંપલાવ્યું. લોકોની સેવા કરી, રોગથી સાજા કર્યા, સ્વચ્છતા રાખતાં શીખવ્યું અને એમનાં દવાદારૂ પણ કર્યાં.

એ દરમિયાન સ્વામી વિવેકાનંદના કહેવાથી સ્વામી શિવાનંદજીએ આ સેવાકાર્ય માટે ફંડ એકઠું કરવાની પહેલ કરી. ૧૮૯૯ દરમિયાન દાર્જિલિંગના કેટલાક ભાગોમાં ભેખડો ધસી પડવાથી ઘણું નુકસાન થયું હતું. એ વખતે પણ એમણે આર્થિકનિધિ ઊભો કર્યો. ૧૯૦૧માં રામકૃષ્ણ મિશનના મુખ્ય કેન્દ્રમાં કેટલાક સુધારાવધારા કરવા પૈસાની જરૂર હતી. આ માટે પણ એમણે એ પૈસા ભેગા કરવા ઘણી મહેનત કરી હતી.

ઈશ્વરની પ્રાપ્તિ માટેના પ્રયત્નો અને એની સાથે આવી સામાજિક જવાબદારીઓ નિભાવવાનું ભાન અને એ માટેના સક્રિય પ્રયાસ એ સ્વામી વિવેકાનંદ અને એમના બધા ગુરુબંધુઓમાં એક સરખી રીતે જોવા મળતી વિશિષ્ટતા હતી. (ધ સાગા ઓફ અ ગ્રેટ સોલ- લે. સ્વામી વિવિદિશાનંદ, પૃ. ૪૪)

સ્વામી શિવાનંદનો સ્વભાવ ગહનગંભીર, અંતર્મુખી અને પ્રેમાળ હતો. સ્વામી ભાસ્કરાનંદે એમનું એક સંસ્મરણ કહ્યું છે :

‘તેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં સવારના પહોરમાં ત્રણ વાગ્યે ઊઠી જતા. મંદિરમાં આસન પાથરીને ધ્યાન-ધારણા કરતા. મઠનાં દૈનંદિન કાર્યો અને બ્રહ્મચારીઓનાં વ્યવહાર-વર્તન તરફ તેમની નજર રહેતી. ઢીલું વર્તન જરાય ન ચાલતું.

૧૯૨૦ની આ એક ઘટના છે. થોડા સાધુ બ્રહ્મચારીઓ સાથે હું બેલુરના રસ્તે લીલુવા તરફ ફરવા ગયો હતો. પાછા ફરતાં સાંજ પડી ગઈ. બેલુર મઠમાં સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. સ્વામી વિવેકાનંદના ઓરડામાં અંધારું જોઈને એમણે બીજા સાધુઓને ઓરડામાં દીવો કરવા કહ્યું. પાછળથી ખબર પડી કે એ દીવો કરવાનું કામ તો મારું હતું. તે દિવસે ફરીને આવતાં થોડું મોડું થઈ ગયું હતું. કોઈને ખબર ન પડે એ માટે હું આ કામ બીજાને સોંપીને ગયો ન હતો.

અમે બધા પાછા ફર્યા. મારા એક ગુરુભાઈએ મને કહ્યું, ‘આજે તને તારી ભૂલની સજા થશે જ. કદાચ મઠમાંથી બહાર જવાનું પણ બને’. રાત્રે જમ્યા પછી મહાપુરુષ મહારાજે મને બોલાવ્યો. હું તો ગભરાઈ ગયો. મેં કાલાવાલા કર્યા. એમણે જરાય ગુસ્સે થયા વિના અસીમ પ્રેમભર્યા શબ્દોમાં મને કહ્યું, ‘તું હમણાં જ અહીં નવો નવો આવ્યો છે. તું અત્યારથી જ ભૂલો કરીશ તો તને રાખવામાં નહીં આવે. હવે પછી તારાં માતા અહીં આવશે ત્યારે એમને તને લઈ જવાનું કહીશ. આજે સ્વામીજીના મંદિરમાં દીવો ન કરવાની તેં ભૂલ તો કરી જ છે. પણ ફરી આવી ભૂલ ન થાય એ ધ્યાન રાખજે. શ્રીઠાકુરના કામમાં આવી ગફલત ન ચાલે. આવા કામમાં સાતત્ય જાળવવાથી ધીરે ધીરે ચિત્તશુદ્ધિ થાય છે.’ ત્યારપછી સ્વામી ભાસ્કરાનંદના કાર્યમાં ક્યારેય ઉણપ ન જોવા મળી. ત્યાર પછી તેઓ ક્વાલાલમ્પુરમાં ગયા હતા. (શિવાનંદ સ્મૃતિ સંગ્રહ- ખંડ.૧ લે. સ્વામી અપૂર્વાનંદ, પૃ. ૯૯.) (ક્રમશ 🙂

Total Views: 109
By Published On: July 1, 2013Categories: Suruchi Pande, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram