ગતાંકથી આગળ…

સ્વામી સંતોષાનંદે સ્વામી શિવાનંદજીની એક સ્મૃતિની વાત કહી છે: ‘લક્ષ્મીપૂજા હતી. હું પોથી વાંચીને મંત્ર કહેનાર તંત્રધારક હતો. એ દિવસે સાંજ પછી ચંદ્રગ્રહણ થવાનું હતું. મારે ઉપવાસ હતો. પૂજા પતી અને ગ્રહણ શરૂ થયું. એટલે હું જમી ન શક્યો. દરરોજ સાંજે હું મહાપુરુષ મહારાજ પાસે જતો અને એમની ચરણસેવા કરતો. એ પ્રમાણે હું મહારાજ પાસે ગયો. એમણે મને પૂછ્યું, ‘આજે પણ પગ દબાવીશ?’ મેં કહ્યું, ‘હા મહારાજ.’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘પણ મેં કંઈ ખાધું નથી. મને ભૂખ લાગી છે.’ ત્યારપછી તેમણે એક વ્યક્તિને ખાવાનું લાવવા કહ્યું. એ રાજભોગ મીઠાઈ ખાઈને મહારાજે કહ્યું, ‘આ અંધવિશ્વાસ છે. એક ગ્રહનો છાયો બીજા પર પડે છે, આટલી જ વાત છે. પ્રકૃતિ પર એની અસર જરૂર પડે છે, એ નિમિત્તે જપધ્યાન કરે છે. મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે છે.’

આ પ્રસંગ છે સાવ સામાન્ય, પણ પોતે જ અંધવિશ્વાસને દૂર કરવાનો દાખલો બેસાડે છે.

(શિવાનંદ સ્મૃતિ સંગ્રહ- ખંડ.૨ લે. સ્વામી અપૂર્વાનંદ, પૃ. ૩૩)

સ્વામી પરશિવાનંદજીએ કહેલી એક સંસ્મરણ વાતમાં સ્વામી શિવાનંદજી અને સ્વામી અભેદાનંદજી વચ્ચેના ગાઢ પ્રેમસંબંધની ઝાંખી જોવા મળે છે. સ્વામી અભેદાનંદ રામકૃષ્ણ વેદાંત મઠ દ્વારા કાર્ય કરતા હતા અને સ્વામી શિવાનંદજી બેલુરમઠમાં હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસનો જ આધાર લઈને આ બંને સંસ્થાઓનું કામ ચાલતું. બંને વચ્ચે વિચાર મતભેદ ન હતો.

સ્વામી પરશિવાનંદ એકવાર સ્વામી શિવાનંદજીને મળવા ગયા. તેઓ બીડન સ્ટ્રીટના રસ્તે આવેલ સ્વામી અભેદાનંદના મઠમાં રહેતા હતા. એ જાણીને સ્વામી શિવાનંદે તરત ઉત્સુકતાથી પૂછ્યું, ‘ઓહો! કાલીભાઇને (સ્વામી અભેદાનંદ) ત્યાંથી આવ્યા છો? કેમ છે કાલીભાઈને? એમને મારા વંદન કહેજો.’

ત્યારપછી ફરીવાર ૧૯૨૫ના સપ્ટેમ્બરમાં સ્વામી પરશિવાનંદ સ્વામી શિવાનંદજીને મળવા ગયા. આ વખતે પણ એમણે કાલી મહારાજના પ્રેમથી ખબરઅંતર પૂછ્યા. ઘણા વખતથી એમને મળ્યો જ નથી એમ કહીને યાદ પણ કર્યા. કાલીભાઈને એક ચાદર અને થોડા પૈસા પરશિવાનંદ સાથે મોકલ્યા.

વેદાંત મઠમાં પાછા ફર્યા પછી સ્વામી પરશિવાનંદે આ બધી વસ્તુઓ સ્વામી અભેદાનંદજીને આપી. એ જોઈને એમને ઘણો આનંદ થયો અને કહ્યું, ‘જોયું ને, અમારા ગુરુભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો અલૌકિક છે અને તમે લોકો દસ જણા એક દિલથી કામ કરી શકતા નથી.’ (શિવાનંદ સ્મૃતિ સંગ્રહ- ખંડ.૨ લે. સ્વામી અપૂર્વાનંદ, પૃ. ૬૪-૬૫)

સ્વામી શિવાનંદજીના મનમાં દરેક માટે એમના હૃદયની લાગણી, કરુણા-પ્રેમ કેવાં હતાં એની એક વાત સ્વામી આત્માનંદે કહી છે.

ઢાકામાં જ્ઞાન ચાકલાદાર નામના એક ડોક્ટર હતા. એમની પરિસ્થિતિ સારી ન હતી. રામકૃષ્ણ મિશનથી લગભગ ૨ માઈલ દૂર એમનું ઘર હતું. તેઓ રોજ સવારે સાઈકલ લઈને મઠમાં આવતા. એકાદ બે કલાક ધ્યાન-જપ કરી થોડો પ્રસાદ લઈને પછી ઘરે જતા. વરસાદ પડે, તોફાન-હુલ્લડ થાય પણ એમના નિયમમાં કાંઈ ફેરફાર ન થાય. તેઓ નિષ્ઠાપૂર્વક પોતાનું વ્રત પાળતા. સ્વામી શિવાનંદજી જ્યારે ઢાકાના મઠમાં ગયા ત્યારે ડોક્ટર ચાકલાદારને ઘણો આનંદ થયો. એમણે પોતાના ઘરે લઈ જવાની ઘણી ઇચ્છા હતી. પણ ગરીબ હોવાને લીધે કહેવાની હિંમત ન કરી શક્યા.

એક દિવસ હિંમત કરીને સ્વામી શિવાનંદજીને પોતાની ઇચ્છાની વાત કહેતાં કહ્યું, ‘મહારાજ, હું ગરીબ માણસ છું, સાધનસંપન્ન લોકો તમને કેટલાં માન-આદર-સત્કારથી એમને ઘરે લઈ જાય છે. તમને મારા ઘરે બોલાવવાની ઇચ્છા તો છે, પણ પેલા લોકોની જેમ તમારી પધરામણી કેવી રીતે કરી શકું? મને એ પોસાય તેમ નથી.’ એ સાંભળીને સ્વામી શિવાનંદજીએ કહ્યું, ‘ના દીકરા, ગરીબના ઘરે હું નથી જતો.’ ફરી ફરીને ઈશારાથી ‘ના ના’ કરી અને કહ્યું, ‘તને ખબર નથી? હું ગરીબના ઘરે નથી જતો.’ આ સાંભળીને ડોક્ટરનું મોઢું ઊતરી ગયું, તેઓ ઉદાસ થઈ ગયા.

બે દિવસ પછી અચાનક સવારના પહોરમાં જોયું તો એક અવાજ સંભળાયો, ‘ચાકલાદાર, એય ચાકલાદાર!’ એમ કહીને કોઈક બોલાવે છે. બહાર આવીને જુએ છે તો કોણ હતા? સ્વામી શિવાનંદજી પોતે! એમના એક સેવકને સાથે લઈને ડોક્ટરના ઘર સામે ઊભા છે. ડોક્ટરના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમનું હૃદય પ્રેમ અને લાગણીથી ભરાઈ આવ્યું. એમણે સ્વામી શિવાનંદજીને દંડવત્ પ્રણામ કર્યા. સ્વામી શિવાનંદજીએ કહ્યું, ‘જો ને, હું ગરીબના ઘરે જતો નથી! આ ઘર કોનું છે? કહે તો?’ ડોક્ટર કાંઈ સમજ્યા નહીં. એમણે કહ્યું, ‘મહારાજ, આ ઘર મારું છે.’ એટલામાં સ્વામી શિવાનંદે એને રોકીને કહ્યું, ‘ના, ના, દીકરા! આ તો શ્રીઠાકુરનું ઘર છે. હવે સમજ્યો ને! હું ગરીબના ઘરે નથી જતો. આ તો ઠાકુરનું ઘર છે એટલે હું અહીં આવ્યો!’ આ શબ્દો સાંભળીને ડોક્ટર ચાકલાદાર ગદ્ગદ થઈ ગયા.

(શિવાનંદ સ્મૃતિ સંગ્રહ- ખંડ.૨ લે. સ્વામી અપૂર્વાનંદ, પૃ. ૧૮૯) (ક્રમશ:)

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.