ગતાંકથી આગળ…

શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના અહંથી – આ નાનકડો અહં જિતાઈને તેને સ્થાને વિશાળ અહં આવે નહીં ત્યાં સુધી આપણે વામણા રહેવાના. ‘તમે’ કહેતાં ના શીખીએ ત્યાં સુધી, આપણે વિકાસ સાધ્યો જ નથી. આપણે કાચો અહં જ રહીએ છીએ; એ નાનો અહં વિકસે ત્યારે પાકો થાય અને એ જ સૌની સાથે એકતા અનુભવી શકે. પછી ‘આ બધું મારું જ છે’, એમ હું કદી નહીં કહું. ‘હું’ની જગ્યાએ આપણે ‘અમે’ કહેતાં શીખીશું. આઘ્યાત્મિક વિકાસના પ્રથમ સોપાનનો આ ખૂબ વિકાસ છે.

તો,માનવીની ભીતરના અહંની આ સામગ્રીનો સ્વાઘ્યાય આપણે આજે કરીશું. કેવળ મનુષ્ય સોપાને જ એ ધ્યાનપાત્ર સામગ્રી પ્રક્ષિપ્ત થયેલી જોવા મળે છે. પશુઓમાં અહં નથી. ચિમ્પાન્ઝીને અહં નથી. જગતમાંના કોઈ માનવેતર પ્રાણીને અહં નથી. કોઈ પ્રાણીએ આ અહં વિકસાવ્યો હોત તો આપણે અહીં ના હોત; એણે જગત પર આધિપત્ય જમાવ્યું હોત. આ અહં અદ્‌ભુત નવી સામગ્રી છે. અર્વાચીન ભૌતિક વિદ્યા આજ સુધી એનું ચિંતન કરતી ન હતી. એ બહિર્જગત સાથે કામ પાડતી હતી, એ જગતની ઊંડી તપાસ એણે કરી હતી, એમાં ગોપિત ઊર્જા પ્રાપ્ત કરવા એણે કોશિશ કરી હતી જેથી સારી સભ્યતા ખીલવી શકાય. આ એમનું સમગ્ર વિકસિત ચિંતન હતું. હવે ચિંતનની પ્રગતિની સાથે, અભ્યાસનું કેન્દ્ર માનવી બન્યો છે, એ ગહન સામગ્રી અહં અથવા, ‘હું’ બનેલ છે. એનો અર્થ શો છે ? કોઈ પશુમાં એ ન હતો, કોઈ નવજાત શિશુમાં પણ એ નથી. બાળક બે અઢી વર્ષનું થાય પછી આપણે એને ‘હું’ કહેતાં સાંભળીએ છીએ, ‘મારે આ જોઈએ ને મારે તે જોઈએ.’ ત્યાં સુધી એ કહે છે, ‘આને આ જોઈએ છે’, ‘આને પેલું જોઈએ છે.’ પણ યોગ્ય સમય આવતાં, બાળકમાં આ અહંનું પ્રાકટય થાય છે. આ ગહન નવી સામગ્રીનો આવિષ્કાર પશ્ચિમમાં આજના જ્ઞાનતંતુશાસ્ત્રમાં થયો છે પણ ભારતમાં આપણે, યુગો અગાઉ વેદાંતમાં એના મહત્ત્વને જાણ્યું હતું. વેદાંત એને પ્રારંભિક સામગ્રી ગણે છે; એની અંતિમ દશામાં એ નથી; માત્ર ફણગો ફૂટયો છે; ઘણો આઘ્યાત્મિક વિકાસ હજી આગળ સાધવાનો છે. આત્મજ્ઞાનનો સમગ્ર વિષય એમાં સમાવિષ્ટ થાય છે અને ગીતાના વ્યવહારુ વેદાંતનો સમગ્ર બોધ એમાંથી આવે છે. માટે આ વિષયને ગહન ગણવો જોઈએ અને મને આનંદ છે કે છેલ્લાં ૫૦-૭૫ વર્ષથી, અહં અને એની શકયતાઓના ગહન વિષય તરફ પશ્ચિમ ઘ્યાન દઈ રહ્યાું છે. એચ.જી. વેલ્સ, જી.પી. વેલ્સ અને જુલિયન હક્સલીએ ૧૯૨૭માં લખેલા ‘ધ સાયન્સ ઓફ લાઈફ’માં આ વિષયના નિરૂપણનો આછો પડઘો ઝિલાયો છે. એમાં (પૃ.૮૭૫-૭૯ પર) માનવ ઉત્ક્રાંતિમાં અહંના સ્થાન વિશે એક આશ્ચર્યકારક ખંડ છે :

એકલા હોઈએ ત્યારે રાત્રિની નીરવ શાંતિમાં અને કેટલાક ઘણા ચિંત્ય અવસરોએ, આપણે જાણવા ઇચ્છયું છે : મારા વિશ્વમાં આવી પ્રખર રીતે કેન્દ્રસ્થ અને આ જગત પર કબજો જમાવવા આટલો આતુર અહં કદી વિરામ પામે ખરો ? એના વિના જગતનું કશું અસ્તિત્વ જ નથી. છતાંય આ ચેતનામય અહં આપણે રાતે ઊંઘી જઈએ છીએ ત્યારે (dies) મૃત્યુ પામે છે અને પોતાના અસ્તિત્વના ભાનનાં એનાં પગલાં એ ક્યારે માંડે છે તે આપણે જાણી શકતાં નથી. (અહંમાં કેન્દ્રિત) વ્યક્તિત્વ માત્ર પ્રકૃતિની એક રીત, તાકીદના મૂલ્યની સુવિધા એ કામચલાઉ ભ્રાંતિ છે.

‘માનવીને વિશ્વનું ચિત્ર જેટલું વધારે બુદ્ધિશાળી અને સર્વગ્રાહી થયું તેટલું, એના અનિવાર્ય, અંતિમ અસ્વીકાર સાથેના વૈયક્તિક જીવન પરનું ઘ્યાન વધારે અસહ્યા થતું ગયું છે…’ ‘(ઉચ્ચતર અસ્તિત્વ સાથેની એકરૂપતા અને એમાં ભાગ એવા) આ અહંના વિલીનીકરણથી એ પોતાના અહંથી છૂટી જાય છે અને એ જોડાણમાં અવ્યક્તિલક્ષી અમરતા પ્રાપ્ત કરે છે, એનું પોતાનું વ્યક્તિત્વ વિશાલતર વ્યક્તિત્વમાં લીન થઈ જાય છે. ધાર્મિક રહસ્યવાદનો આ અર્ક છે અને વ્યક્તિત્વની જીવશાસ્ત્રીય અન્વીક્ષા આપણને રહસ્યવાદીઓની કેટલા નજીક આણે છે તે નોંધપાત્ર છે. આ બીજી વિચારસરણી અનુસાર, વ્યક્તિ પોતાને ખોઈને પોતાને જ બચાવે છે. પણ રહસ્યવાદના બોધ અનુસાર, વ્યક્તિ પોતાના ઈષ્ટમાં એકરૂપ થઈ જાય છે અને જીવનના વૈજ્ઞાનિક અર્થ અનુસાર, એ ટોમ, ડિક હેરી તરીકે જાતને ભૂલી જઈ, જાતને માનવી તરીકે પામે છે… પાશ્ચાત્ય રહસ્યવાદી અને પૌરસ્ત્ય સંતને અર્વાચીન વિજ્ઞાનમાં પ્રોત્સાહન અને પીઠબળ સાંપડે છે અને વ્યવહારુ નીતિનો રોજિંદો બોધ સાંપડે છે; બેઉનું શિક્ષાસૂત્ર એક જ છે : અહંને વશમાં રાખો અને અહં પથ છે, ધ્યેય નથી.’ (ક્રમશ:)

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.