પ્રકરણ : ૧

નાના ખુશ અને તેના પરિવારજનોને ચાલો મળીએ.

ચાલો આપણે ખુશભાઈને મળીએ, જેને પ્રેમથી પરિવારજનો અને અંતરંગ લોકો ખુશીલાલ કહે છે. લત્તાના બધા લોકો એને ખુશના નામે જાણે છે. અત્યારે તેની ઉંમર દસ વર્ષની છે અને ચોથા ધોરણમાં ભણે છે. એના આદર્શ પુરુષ સ્વામી વિવેકાનંદ છે. તે સ્વામીજીના આદર્શાે પર ચાલીને બીજાને પણ સ્વામીજીના માર્ગે ચલાવવાનો પ્રયત્ન કરે છે. આપણી આ વાર્તાનો નાયક ખુશ છે.

ચાલો ખુશના પિતાને મળીએ

ખુશનો જન્મ સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. એમના પરિવારના લોકો પાવનકારી વિચારવાળા હતા. તેઓ હંમેશાં ગરીબો પર દયા રાખતા, ભોજનવસ્ત્ર આપતા અને માંદગીને સમયે મદદ કરતા. આવાં અનેક પરોપકારી કાર્યો કરતા. ખુશના પિતા ઉચ્ચ શિક્ષણ મેળવીને એક ખાનગી કંપનીમાં ઉચ્ચઅધિકારી બન્યા. જવાબદારીવાળું કામ, ૧૨ થી ૧૪ કલાક કામ કરતા. અઠવાડીએ એક દિવસની રજા. આ દિવસ તેઓ પરિવાર સાથે ગાળતા. એમાંય ખુશને વધારે સમય આપતા. તેઓ સ્વામી વિવેકાનંદના જીવનની ઘટનાઓ કહીને ખુશને પ્રેરણા આપતા. ‘પોતાની ભૂલો માટે બીજાને ક્યારેય દોષી ન ગણો. પૂરેપૂરી જવાબદારી તમારે ખભે લઈ લો’- એમને સ્વામીજીનો આ સંદેશ બહુ પ્રિય હતો. પોતાના કર્મક્ષેત્રમાં એમણે આ આદર્શને અપનાવ્યો અને એને લીધે લોકો એમને માન અને આદરની નજરે જોતા. એમણે ખુશને પણ એક જવાબદાર વ્યક્તિ બનવા શીખવ્યું.

હવે ખુશનાં માતાને પણ મળી લઈએ

ખુશનાં માતા ભણેલાં છે. ઘરે રહીને પોતાના પરિવારની સેવા પ્રેમથી કરે છે. ફુરસદના સમયે તેઓ પૂજાઅર્ચના, ધ્યાન કરે છેે. તેઓ ભણેલાં છે એટલે બાળકોનાં ચારિત્ર્ય ઘડતરમાં એમનો મહત્ત્વનો ભાગ રહે છે. તેઓ પતિને સારાં ધર્મસ્થાનોને દાન આપવા કહે છે. ભક્તિભાવથી ઉત્સવોનું આયોજન કરવા પણ કહે છે. એને લીધે લોકોની ઈશ્વર પરની શ્રદ્ધા વધે છે.

ખુશ છે ચંચળ, ટીખળી અને તોફાની. માને બહુ હેરાન કરે. સ્વામી વિવેકાનંદ નાના હતા ત્યારે ઘરમાં તોફાન કરતા અને મા ભુવનેશ્વરીદેવી એને કાબૂમાં લાવવા માથે ઠંડું પાણી રેડતાં. આ વાત માતાને યાદ આવતી. ખુશનાં માતા એને સંયમમાં રાખવા ઉપાય વિચારતી. એમને લાગ્યું કે સ્વામી વિવેકાનંદની કેટલીક જીવન ઘટના સંભળાવવાથી તે શાંત રહેશે. આ ઉપાય ખરેખર સફળ નિવડ્યો. સ્વામી વિવેકાનંદનું નામ સાંભળતાં જ ખુશનું ચંચળ મન સ્થિર થઈ ગયું. તેઓ પુત્રને હંમેશાં ‘સદા આજ્ઞાકારી રહો અને સત્ય, માનવતા તેમજ દેશ પ્રત્યે વફાદાર રહો તો તમે સમગ્ર વિશ્વને હચમચાવી શકો.’ – સ્વામીજીનો આ સંદેશ યાદ રાખવા કહેતાં.

હવે ખુશના દાદાજીને મળીએ

ખુશનાં દાદાદાદી પણ પરિવાર સાથે રહેતાં. એના દાદા નિવૃત્ત સરકારી અધિકારી હતા. તેઓ ખૂબ ભણ્યા હતા. તેઓ નીડર છે અને ખુશને શરીર અને મનથી બળવાન બનવાનું કહે છે. દાદાજી સહનશીલ સ્વભાવના છે. ક્યારેક ખુશનો ક્રોધ શાંતિથી સહન કરી લે છે. તેની સાથે રમતી વખતે ખુશ ખેલકૂદનું નૈતિક મૂલ્ય પણ શીખે તેનું તેઓ ધ્યાન રાખતા. ‘દરેક કાર્યક્ષેત્રમાં તમારે અત્યંત વ્યાવહારિક બનવું જોઈએ. આખો દેશ જાણે કે કોરાકટ દાર્શનિક સિદ્ધાંતોથી જર્જર થઈ ચૂક્યો છે’ – સ્વામી વિવેકાનંદનો આ સંદેશ તેઓ તેને હંમેશાં યાદ કરાવતા. દાદા પાસેથી સ્વામી વિવેકાનંદના આ સંદેશને સાંભળીને ખુશ પણ પોતાની દુનિયામાં એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરતો.

ચાલો ખુશનાં દાદીજીને મળીએ

ખુશનાં દાદીમા દસ ધોરણ સુધી ભણ્યાં હતાં. તેઓ એક પવિત્ર નારી છે અને ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્ત છે. ભલે ઓછું ભણેલાં છે પણ ખુશના મનનો તેઓ મોટો સહારો છે. જ્યારે સ્વામીજીના આદર્શાેને પૂર્ણ કરવા ખુશ અસફળ થાય છે ત્યારે તે દાદીમા પાસે દોડી જાય છે અને તેમની પાસેથી સાન્ત્વના અને સહાય મેળવે છે. દાદીના ખોળામાં બેસીને એને ઘણી શાંતિ મળે છે. એમની સતત સહાયથી ખુશની આત્મશ્રદ્ધા વધે છે. ‘જો તમે એક હજારવાર અસફળ થાઓ તો પણ એકવાર ફરીથી પ્રયત્ન કરો’ સ્વામીજીનો આ સંદેશ દાદીજીને ખૂબ ગમે છે અને તેઓ ખુશને વારંવાર કહેતાં રહે છે. આ સંદેશ ખુશની ભીતર આત્મવિશ્વાસ ઊભો કરે છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્ત છે. એટલે ખુશને પોતાનો ‘બાલગોપાલ’ માને છે અને એ રીતે તેને ચાહે છે. તેમને એવો વિશ્વાસ છે કે ખુશ સમાજ માટે ઉપયોગી નીવડશે. એ માટે તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે આશીર્વાદ આપવા પ્રાર્થના કરે છે.

ચાલો ખુશના ભાઈને મળીએ

ખુશનો ભાઈ એનાથી ચાર વર્ષ મોટો છે. એની ઉંમર ૧૪ વર્ષની છે. તે નવમા ધોરણમાં ભણે છે. તે અભ્યાસમાં ઘણો સારો છે અને પોતાના વર્ગમાં લગભગ પ્રથમ આવે છે. એને મશિનો બહુ ગમે છે. મોટો થઈને તે મિકેનિકલ એન્જિનિયર બનવા ઇચ્છે છે. પોતાના નાના ભાઈને તે ખૂબ ચાહે છે. પણ ખુલ્લા મને તે આ વાત ખુશને કરતો નથી. ખુશે કેટલીયે વાર મોટાભાઈના મિત્રો સાથે રમવાનો પ્રયત્ન કર્યો, પણ નાનો છે એમ માનીને તેને રમાડતા નહીં. નાનાને મોટા સાથે રમાડવામાં ઘણી પંચાત ઊભી થાય. ખુશ આવા વર્તનથી દુ:ખી થઈ જતો. તે પોતે પોતાને સમજુ અને શાણો સમજતો હતો. બીજાઓ પણ તેને એ રીતે સન્માને એવી તે બીજા પાસે અપેક્ષા રાખતોે. પણ પોતાનો મોટોભાઈ એને નાનો જ ગણતો. ક્યારેક ક્યારેક સ્વામી વિવેકાનંદના ચાહક હોવાને લીધે બીજા ઘણા એની પ્રશંસા કરતા. પણ મોટોભાઈ ક્યારેય આવું ન કરતો. જ્યારે ખુશ સ્વામી વિવેકાનંદના આદર્શને આચરણમાં મૂકવામાં અસફળ થતો ત્યારે તેનો ભાઈ તેની જરૂરી ટીકા કરતો. મોટાભાઈના આવા વર્તનથી ખુશને મૂંઝવણ થતી. ખુશ તો હંમેશાં ભાઈને સાથ સહકાર આપવા ઇચ્છતો અને એની પાસેથી સહાય અને પ્રશંસા મળે એવું ઇચ્છતો. તેનો ભાઈ મહેનતુ વિદ્યાર્થી હતો. પોતાનો નાનોભાઈ સ્વામીજીનો ચાહક છે એટલે તે એમ પણ ઇચ્છતો કે ખુશ સ્વામીજીનો આ સંદેશ પોતાના જીવનમાં જીવી બતાવે – ‘કર્મ, કર્મ, કર્મ ! આ જ તમારું ધ્યેય બની જાય.’

(ક્રમશ:)

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.