સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજના અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

૨૧મી સદીના પ્રભાતે બૌદ્ધિક નવજાગરણ

૨૧મી સદીના ઉષ :કાળે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણી આંખો સમક્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય જાગરણના એક નવા મોજાને પ્રસરતું જોઈ શકીએ છીએ. ભારતના સમાજમાં વિલક્ષણ પરિવર્તનો આવી રહ્યાં છે. વાસ્તવિક રીતે આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે નવભારતનું ઉત્થાન છે. હવે પછીના બે કે ત્રણ દાયકામાં ભારત આર્થિક ક્ષેત્રે સર્વોચ્ચ સત્તા બનવા માટે આગે કદમ ભરી રહ્યું છે. ભારતનું આ નવપરિવર્તન જેને આપણે ‘જ્ઞાન અને માહિતીની ક્રાંતિ’ કહીએ છીએ તેને લીધે આવ્યું છે. કૃષિ સમાજમાં અસ્તિત્વમાં આવેલ ‘કૃષિક્ષેત્રની ઉત્ક્રાંતિ’ સાથે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો. ત્યાર પછી ૧૮મી સદીમાં ‘ઔદ્યોગિક ક્રાંતિ’ આવી. એને પરિણામે ‘ઔદ્યોગિક સમાજ’ અસ્તિત્વમાં આવ્યો અને હવે વિજાણુયંત્રોની ઉત્ક્રાંતિ દ્વારા ‘જ્ઞાન અને માહિતીની ઉત્ક્રાંતિ’ આવી છે. એને લીધે ‘જ્ઞાનમૂલક સમાજ’ અસ્તિત્વમાં આવ્યો છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિની ગાડી આપણે ચૂકી ગયા. પરંતુ હવે જ્ઞાન અને માહિતીની ઉત્ક્રાંતિ દ્વારા ભારત કૃષિસમાજમાંથી જ્ઞાનમૂલક સમાજ તરફ હનુમાન કૂદકો મારે છે.

જ્ઞાનમૂલક સમાજમાં જ્ઞાન અને માહિતી, આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તનોને દોરતાં પ્રબળ પરિબળો છે. માત્ર વિજ્ઞાન કે પ્રૌદ્યોગિક જ્ઞાન નહીં પણ ગમે તે ક્ષેત્રનું આધુનિક દૃષ્ટિવાળું જ્ઞાન અર્થકારણ અને સમૃદ્ધિને વેગ આપવામાં કામ આવે છે. આ જ કાળે અને આ જ પરિસ્થિતિમાં સ્વામીજીના આદર્શાે અને વિચારો સૌથી વધારે પ્રાસંગિક અને સૂચક છે. સ્વામીજીના દેહાવસાન પછી થોડાં વર્ષો બાદ રવિન્દ્રનાથ ટાગોરે મહત્ત્વની વાત બતાવી હતી કે આપણા સ્વાતંત્ર્ય આંદોલનના પ્રારંભિક તબક્કાની એક ખામી એ છે કે વિચારો કે આદર્શાેના પ્રચારપ્રસારને બદલે બાહ્યપ્રવૃત્તિઓ (રેંટિયો કે તકલી ચલાવવી) પર વધારે ભાર દીધો. આ પ્રચાર-પ્રસારનું કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું છે. સ્વામીજીની વિચારો કે આદર્શાેની શક્તિની સમજણને લીધે એમણે કેળવણીને વધારે મહત્ત્વ આપ્યું હતું. આજની દુનિયામાં સ્વામીજીના આદર્શાે કે વિચારોની વ્યાવહારિક ઉપયોગિતા સમજવા આપણે આપણી આસપાસની દુનિયા તરફ એક નજર નાખવી પડે.

જો આપણે વર્તમાનપત્રોના અહેવાલો પ્રમાણે જોઈએ તો સૌ પ્રથમ તો ગુનાખોરીમાં વૃદ્ધિ, હિંસા, ત્રાસવાદી કે અંતિમવાદીઓ દ્વારા થતી ભયંકર માનવ હત્યાઓ, નારીઓ પ્રત્યે થતા ગુનાઓ, અપ્રામાણિકતા, અનૈતિકતા, નશીલા પદાર્થાેનું ભયંકર સેવન, કુટુંબજીવન ભાંગવાં, લાંચરુશવત જેવાં ભયંકર અંધકારનાં દર્શન કરાવતી સમાજ અને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓ તરફ આપણું ધ્યાન જવાનું. આવાં ભયંકર અંધકાર ફેલાવતાં પરિબળોના અત્યંત હાનિકારક પ્રભાવોથી આપણે આપણા યુવાનોને બચાવવા જોઈએ. આજના ઘણા યુવાનો પોતાની નૈતિક સંવેદનશીલતા અને ન્યાયના ભાવને સંતોષે એવી વિચારસરણીની શોધમાં છે અને જ્યારે એમને એવી સુયોગ્ય વિચારસરણી ન મળે ત્યારે માઓવાદ અને ધર્મઝનૂની અંતિમવાદી વિચારસરણીમાં ભયંકર રીતે લલચાઈ જાય છે અને આ યુવાનોનું મગજ ફેરવાઈ જાય છે. આવી વિનાશક વિચારસરણીનો સામનો સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શાે કરી શકે તેમ છે. એટલે જ સમાજના બધા સ્તરના આજના યુવાનો સુધી સ્વામીજીનો સંદેશ પહોંચવો આવશ્યક છે.

વળી જો આપણે ઉપર વર્ણવેલ અંધકાર ફેલાવતાં પરિબળોની પેલે પાર નજર કરીએ તો આજે સમાજમાં કેટલાંય ભાવાત્મક વલણોનાં પરિબળો પણ કામ કરતાં દેખાય છેે. વિજાણુ સાધનોના રૂપે મોબાઈલ, રેડિયો, ટીવી, ડિજિટલ કેમેરા જેવાં સાધનોએ આધુનિક ટેક્્નોલોજીમાં એક મહાન મનોવલણ રચ્યું છે અને આ સાધનો દરેક દેશના ગરીબો સુધી પહોંચી ગયાં છે. આને લીધે સમાજના સભ્યો વચ્ચે વિચારોના આદાનપ્રદાન માટે સતતપણે વધતાં જતાં જોડાણો ઉપર્યુક્ત જ્ઞાન અને માહિતીનાં સાધનોએ ઊભાં કર્યાં છે. પણ એક મોટો વિરોધાભાસ તો એ છે કે આટલી બધી આધુનિક સુવિધાઓ હોવાં છતાં લોકો પોતાની જાતને વધુ ને વધુ એકાકી અને એકબીજાથી અપરિચિત અનુભવે છે. આવું બન્યું છે એનું કારણ એ છે કે બીજા માટે પ્રેમની અનુભૂતિ એ જ સાચું વિચારોનું આદાનપ્રદાન છે. સ્વામી વિવેકાનંદની વિશ્વની આધ્યાત્મિક એકતા અને પોતાના પાડોશી પ્રત્યે પોતાના જેવો જ પ્રેમભાવ રાખવાની સંકલ્પના વૈશ્વિક પ્રેમની સાચી આધારભૂમિકા પૂરી પાડે છે.

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.