સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન દ્વારા આરંભાયેલ સેવાપ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિકાની જાણકારી આપતો આ લેખ એક સંન્યાસી દ્વારા લખાયેલ છે. – સં.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ. – આત્માની મુક્તિ અને સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે’ એક સંન્યાસી આ વિશ્વમાં જન્મ ધારણ કરે છે. આ ત્યાગ અને સેવાની વાણીના મૂર્તિમંતરૂપ ૧૫૦ વર્ષ પહેલાં એક દિવ્યવિભૂતિ માનવરૂપે અવતરી.

‘સ્વામી વિવેકાનંદ’ના નામે એ મહાન વિભૂતિને જગત આખું ઓળખે છે. શાશ્વતતાની સરખામણીએ ૧૫૦ વર્ષ નગણ્ય ગણાય, પરંતુ આજના અજાગ્રત અને અચેત વિશ્વમાં બધી વિસંગત બાબતોને વિસ્મૃતિની ગર્તામાં ભંડારી દેવાય છે. એવા સમયે જન્મનાં ૧૫૦ વર્ષ પછી પણ એક વ્યક્તિને સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં આટલા ઉત્સાહ અને ખંતથી યાદ કરાય છે, એ બાબત સૌથી વધારે ધ્યાનાકર્ષક છે.

સ્વામીજીના અવતરણની પશ્ચાદ્ભૂમિ

શ્રીરામકૃષ્ણની વિનંતીથી સ્વામીજી દિવ્યલોકમાંથી આ ભૂમિ પર અવતર્યા હતા. જેમને શ્રીરામકૃષ્ણદેવે શિવના અવતારરૂપ, નરઋષિ અને સપ્તર્ષિ મંડળના એક ઋષિ કહ્યા હતા, એવા ‘સ્વામી વિવેકાનંદ’ એક અવતારરૂપે સમગ્ર માનવજાતને ‘તેમની ભીતર રહેલ દિવ્યતા’નો સંદેશ આપવા અવતર્યા હતા. ૧૯મી સદીના છેલ્લા ૩.૭ દાયકાનો આ સમયગાળો હતો. છેલ્લી દોઢ સદીથી ભારત બ્રિટિશશાસન તળે કચડાતું હતું. ભારતની પ્રજાએ આત્મગૌરવ ગુમાવ્યું હતું. જાણે કે તે કોઈ અજાણી સભ્યતાના વમળમાં ફસાઈ ગઈ હોય તેવી બની ગઈ હતી. એમની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના ભવ્યવારસાની વાત ધીમે ધીમે વિસ્મૃતિમાં સરવા લાગી. પશ્ચિમની સંસ્કૃતિએ ધીમે ધીમે એમનાં મન પર કબજો જમાવી દીધો. ૧૮ વર્ષના બહાદુર, પવિત્ર, તીક્ષ્ણ મેધાવી એવા નરેન્દ્રનાથ દત્ત પણ પશ્ચિમના રંગે રંગાયા અને દરેક વસ્તુને કે વાત ને તેઓ બૌદ્ધિક અને તાર્કિક દૃષ્ટિએ જોતા શીખ્યા. અલબત્ત, એમનું ભીતરનું હૃદય તો ભારત જેને ‘ઈશ્વર’ કહે છે એ ‘સત્ય’ની શોધમાં મગ્ન રહેતું.

નરેન્દ્રનાથની ઈશ્વરશોધના અને શ્રીરામકૃષ્ણનું મિલન

આ બાજુએ ‘સત્ય’ની અનુભૂતિ વિવિધ માર્ગે કરીને પૂર્વની આધ્યાત્મિકતા-સનાતન ધર્મના ‘આધુનિક મૂર્તિમંતરૂપ’ શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં રહેતા હતા. આ બંનેનું મિલન થયું અને એણે એક ઇતિહાસ સર્જ્યાે. નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને મળ્યા. જાણે કે પશ્ચિમ પૂર્વને મળ્યું. બૌદ્ધિક, તાર્કિક શક્તિ અને ધર્મનું મિલન થયું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એક સાથે મળ્યાં, શંકા અને શ્રદ્ધાનું મિલન થયું. પ્રયોગશીલતા અનુભૂતિ સાથે ભળી. પુસ્તકો અને આચરણ સાથે ભળ્યાં. નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘તમે ઈશ્વરને જોયા છે ?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો, ‘હા, મેં જોયા છે.’ પછી ઉમેર્યું, ‘તને પણ હું બતાવી શકું.’ પૂર્વની આધ્યાત્મિકતાએ પશ્ચિમના ભૌતિકવાદ પર વિજય મેળવ્યો.

નરેન્દ્રનાથનું વિવેકાનંદમાં પરિવર્તન

આમ શિષ્યત્વનો પ્રારંભ થયો. મહાન ગુરુએ મહાન શિષ્યને બરાબર કેળવ્યો. નરેન્દ્રનાથનું વિવેકાનંદમાં પરિવર્તન થયું. તેમણે શીખવ્યું કે ઈશ્વર બધામાં રહેલો છે – ‘સર્વમ્ ખલુ ઇદમ્ બ્રહ્મ’ ઈશ્વર માત્ર મંદિરો, મસ્જિદો કે ચર્ચમાં રહેતો નથી. તે તો સર્વત્ર છે. ‘જો કુછ હૈ સો તૂ હી હૈ.’ આ સત્ય જાણીને સૌથી શ્રેષ્ઠ પૂજા ‘ઈશ્વર બધામાં છે’નો આરંભ થયો.

વિવેકાનંદની ઈશ્વરસાધના અને ‘ભારત’ની શોધ

પોતાના ‘પસંદગીના શિષ્ય’ને ગુરુદેવે જ્યોત સોંપી. પોતાના ગુરુદેવે બતાવેલ પથે શિષ્યે એ ‘ઈશ્વર’ની સાધના શરૂ કરી. પરંતુ એમને મળ્યું શું ? એમની માતૃભૂમિમાં માનવરૂપે રહેલા દેવો ભૂખ્યા, નગ્ન, અજ્ઞાન, અભણ, બની ગયા છે; અરે, તેઓ તો પોતે માનવ હોવાનું પણ ભૂલી ગયા છે અને નર્યા હાડમાંસનું પીંજરું બની ગયા છે. ઋષિઓના આ વંશજો પોતાના ગૌરવને ભૂલી ગયા છે અને ભૌતિકવાદના ચળકાટની સામે બીચારા, બાપડા ભિખારી બની ગયા છે.

ભારતનાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય

સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક સંન્યાસીરૂપે આ ભારતની શોધ કરી. તેમણે તેની ભીતર રહેલ ગૌરવ ગરિમાને અનુભવ્યાં અને ભારતના પતન માટેનાં કારણો પણ શોધી કાઢ્યાં. તેમણે જોયું કે ભારતે કેટલીક મોટી ભૂલો કરી છે. સામાન્ય જનસમૂહની અવગણના થઈ છે, નારીઓનું દમન થયંુ છે અને ભારતના લોકો પોતાના મહાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ભૂલી ગયા છે.

ભાવિ ભારત માટે સ્વામીજીનો સંદેશ

પતનમાંથી ભારતને ફરીથી ઉગારવા એમણે ‘ભારતનું પુન :ઘડતર કરો’નું રણભેદી આહ્‌વાન આપ્યું, એટલે સામાન્ય જનસમૂહની ઉન્નતિ કરવી, નારીજગતની ઉન્નતિ કરવી, સર્વ કોઈને કેળવણી આપવી. પોતાના ભવ્ય ભૂતકાળને જાણવો-ઓળખવો અને ‘ત્યાગ અને સેવાના’ રાષ્ટ્રિય આદર્શ દ્વારા નવભારતનું ગઠન કરવા, ફરીથી જગાડવાનું તેમણે દેશવાસીઓને આહ્‌વાન કર્યું. તેમણે ઉદ્ઘોષણા કરી, ‘મારા જીવનમાં એક દૃશ્ય હું સ્પષ્ટપણે મારી નજરે જોઉં છું કે પ્રાચીન માતૃભૂમિ ભારત ફરીથી જાગી ઊઠી છે, અને પહેલાં હતી તેના કરતાં પણ વધારે ગૌરવમય રીતે પોતાના સિંહાસન પર આરૂઢ થઈ છે.’

સ્વામીજીનો પોતાના સેવકો-યુવાનોને સંદેશ

પણ આ કાર્ય કરશે કોણ ? સ્વામીજી કહે છે, ‘મને યુવા પેઢીમાં, આધુનિક પેઢીમાં વિશ્વાસ છે, એમાંથી જ મારા કાર્યકરો આવશે. તેઓ સિંહની માફક બધી સમસ્યા ઉકેલશે.’

આપણી સમક્ષ રહેલું કાર્ય

આપણી સમક્ષ સ્વામીજીના આ આદર્શાેને, વિચારોને માર્ગદર્શક દીપરૂપે રાખીને એમણે આપણા પર વિશ્વાસ મૂકીને સોંપેલ કાર્યની જવાબદારી લેવા નીકળી પડવું જોઈએ. સ્વામીજીનું કાર્ય ખરેખર ‘આપણું કાર્ય છે’, કારણ કે આપણે સૌ આપણી માતૃભૂમિ ભારતના ભવ્યવારસાના વારસદારો છીએ અને ભાવિ ભારતને ઘડનારા છીએ. તેથી સમગ્ર દેશમાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં બધાં કેન્દ્રોએ બાલવિકાસ, નારીસશક્તીકરણ અને યુવજાગૃતિના કાર્યક્રમો સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ભાગરૂપે હાથ ધર્યા છે.

સૌ સાથે સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવીએ

સ્વામી વિવેકાનંદે પોતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અને એમના સંન્યાસીઓને શ્રીરામકૃષ્ણદેવ અને ૫ોતે ઉપદેશેલા આદર્શાે અને વિચારોનું અનુસરણ કરવા માટે વિશ્વસનીય ગણ્યા છે. આ સંઘને હાર્દમાં રાખીને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ઉજવવી જોઈએ. પરંતુ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીએ સંઘની આ સીમાઓ ઓળંગીને દેશના ખૂણે ખૂણે સ્વામીજીના વિચારપ્રવાહનું મોજું પ્રસરાવવું જોઈએ. સ્વામીજીની જન્મ જયંતીની આ ઉજવણી પૂર્ણ અને સાચી બને એટલા માટે અમે સૌ કોઈને આ ઉત્સવમાં જોડાવવા વિનંતી કરીએ છીએ.

વાસ્તવિક ઉજવણી

શ્રીરામકૃષ્ણે જે મહાન કાર્ય કરવા સ્વામી વિવેકાનંદ પર વિશ્વાસ મૂક્યો હતો તે કાર્ય ધીમે ધીમે સ્થિરતાથી સાકાર થઈ રહ્યું છે. યુગધર્મની સ્થાપનાનું કાર્ય આરંભાઈ ગયું છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના ઐતિહાસિક પ્રસંગે આપણે માત્ર સ્વામીજીની છબી મૂકીને તેમને થોડાં પુષ્પો અને પુષ્પહાર અર્પણ કરીને કે તેમના નામે થોડા ઉચ્ચ શબ્દો ઉચ્ચારીને પૂરું કરીએ એટલાથી ચાલશે નહીં. આપણે તો ભારતના નવઘડતર અને પુનર્ઘડતર માટેના મહાન કાર્યમાં આપણી શક્તિને કામે લગાડવાનો પ્રયત્ન કરવાનો છે, તો અને ત્યારે જ આ ઉજવણી ‘સાર્થક ઉજવણી’ બની રહેશે.

Total Views: 307

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.