ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક અને ચિંતકનો લેખ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદ વિશે વિચાર કરીએ તો શું કલ્પના આવે ?

ભૂતકાળના મહાન લોકોની કલ્પના કરીએ, તો ક્યારેક તો માની પણ ન શકાય કે આવા લોકો થઈ પણ ગયા હશે ! આટલી પ્રજ્ઞા, આટલું જ્ઞાન, આટલું કર્મ… શું એક વ્યક્તિ કરી શકે ખરી ? પણ જ્યારે આપણી પાસેથી હમણાં જ પસાર થઈ ગયેલ અને જેનાં કાર્યાેનું તો દસ્તાવેજીકરણ થયેલ છે, જેનાં કાર્યાેનો નક્કર પૂરાવો ‘બેલુર મઠ’ જ હાજર છે, તે વિવેકાનંદ વિશે વાંચીએ અને જાણીએ, ત્યારે થાય કે ના, ભૂતકાળમાં પણ આવા અદ્ભુત લોકો થઈ ગયા જ હશે અને તેમણે પણ અનન્ય કાર્યાે કર્યાં જ હશે, કારણ કે વર્તમાનમાં સ્વામીજીએ તો કેવળ દસ જ વર્ષમાં આ કાર્યાે કર્યાં હતાં. દસ જ વર્ષમાં તેમણે ભારત અને સમગ્ર પશ્ચિમ જગતને હલબલાવી નાખ્યું હતું.

આવા ભૂતકાળના મહાન લોકોમાંથી કોની સાથે સ્વામીજીની તુલના કરી શકાય ? વિવેકાનંદના વ્યક્તિત્વનો જો બરાબર અભ્યાસ થાય અને તેમનાં લખાણોનો અભ્યાસ થાય, તો બે મહાપુરુષો સાથે તેમની તુલના વિના સંકોચે કરી શકાય. ભૂતકાળમાં આચાર્ય શંકરની પ્રજ્ઞા આપણને સ્તબ્ધ કરે છે અને ભગવાન બુદ્ધની કરુણા પણ નતમસ્તક કરે છે. શંકરાચાર્યને વાંચીએ છીએ ત્યારે પ્રજ્ઞાની ઊંચાઈ કેટલી હોઈ શકે તેનો ખ્યાલ આવે છે અને બુદ્ધનાં કાર્યાેને તપાસીએ છીએ ત્યારે તેમની કરુણાના ઊંડાણનો ખ્યાલ આવે છે. પણ વિવેકાનંદના જીવનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ બન્ને-પ્રજ્ઞા અને કરુણા-તેમનામાં સ્પષ્ટ જોવા મળે છે.

એ જ રીતે સ્વામીજીના કાર્યની વ્યાપકતાને તપાસીએ છીએ, તો તે ભારતીય જ્ઞાનના પ્રસારનું ત્રીજું પગલું લાગે છે. મહર્ષિ વ્યાસે વૈદિક સાહિત્યને ગોઠવ્યું અને વ્યવસ્થિત કર્યું. તો શંકરાચાર્યે તેને સમજાવી, સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું અને સ્વામી વિવેકાનંદે આ જ સાહિત્યને અમેરિકા અને પશ્ચિમમાં જઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું. વિવેકાનંદ વામનનું ત્રીજું પગલું છે. આનાથી આગળ હવે કોઈ પગલું હશે કે કેમ તે શંકા છે. એટલે સ્વામીજીમાં ફરી વ્યાસ અને શંકરાચાર્યનો પણ સંગમ થયો છે. આમ સ્વામીજીનો અનેક દૃષ્ટિકોણથી અભ્યાસ કરી શકાય છે અને દરેક અભ્યાસ તેમના એક નવા પાસાને ખુલ્લું કરે છે.

પણ હવે એકવીસમી સદી આવી પહોંચી છે. પૂરજોશમાં આગળ વધી રહી છે. આજના યુવાનોના હાથમાં હવે દેશ અને દુનિયાનું સુકાન આવી રહ્યું છે. વિશ્વ એક નવો જ ધબકાર અનુભવી રહ્યું છે. યુવાનો પણ વિકાસ કરવા થનગની રહ્યા છે. તેમની પાસે જે શક્તિ છે તેનાથી પણ તેઓ ક્રમશઃ પરિચિત થતા જાય છે. પણ તેમને માર્ગદર્શનની જરૂર છે. તેઓ ચારે બાજુ એવી વ્યક્તિ કે વ્યક્તિઓને શોધી રહ્યા છે જે તેમને યોગ્ય અને લાંબા ગાળાનું માર્ગદર્શન આપી શકે. તેમને એવું તો માર્ગદર્શન આપે જે તેમનો અને દેશ-વિદેશનો, એટલે કે વિશ્વનો, સ્વસ્થ વિકાસ કરી શકે. પણ કમનસીબે તેમને અત્યારે તો એવી કોઈ વ્યક્તિ દેખાતી નથી જેની પાસે જઈ નિરાંતે બેસી શકે અને માર્ગદર્શન મેળવી શકે.

એટલે, આ પળે આપણે કલ્પના કરીએ કે જો આ યુવાનોને સ્વામી વિવેકાનંદ મળી જાય તો ?

તો શું પરિણામ આવે ?

આ કલ્પના આગળ વધારીએ તો તેના બે જવાબ મળી શકે છે. એક તો, માની લો કે મીઠી કલ્પના કરીએ કે સ્વામીજી ‘રૂબરૂ’ મળે તો શું થાય ? સીધો જવાબ છે કે યુવાનો તેમને પકડી લેવાના કે તેમને જે જે મૂંઝવણોનો અનુભવ થાય છે તેનો તે જવાબ આપે ! અને બીજું તેઓ સ્વામીજી પાસેથી નેતૃત્વની પ્રેરણા લે. પહેલા તબક્કામાં પ્રશ્નોત્તરી અને ચર્ચા થાય અને બીજા તબક્કામાં પ્રેરણા અને તાલીમ મળે. આ બન્ને તબક્કાની પણ કલ્પના કરવા જેવી છે. રોમાંચક છે તે !

માની જ લઈએ છીએ કે યુવાનોને સ્વામીજી મળે છે અને તેમની સાથે બેસે છે…

તરત યુવાનો પૂછવાના કે, ‘સ્વામીજી, આપની પ્રેરણાથી અને અત્યારના સમયના પ્રભાવે અમે આગળ વધવા તો પૂરા તૈયાર છીએ. કદાચ માહિતી અને ટેકનોલોજીની દૃષ્ટિએ તૈયાર પણ છીએ. કામ કરવા પણ આતુર છીએ. દેશ માટે અને હવે તો વૈશ્વિક વિકાસ માટે પણ કામ કરવા તૈયાર છીએ… પણ, છતાં, અમને લાગે છે કે કશુંક અમારામાં ખૂટે છે. ક્યાંક કશીક અધૂરપ લાગે છે. નવ્વાણું ટકા તૈયારી હોવા છતાં કોઈક એક ટકો આડખીલીરૂપ બનતો હોય તેમ લાગે છે. સ્વામીજી, આ શું હશે ?’

સ્વામીજી તેમની મૂંઝવણોને સાંભળતી વખતે મંદ મંદ સ્મિત કરતા હશે, તેમની મૂંઝવણોને બરાબર સમજી શકતા હશે. સાંભળ્યા પછી તે આમ જવાબ આપશે, ‘મારા પ્રિય યુવાનો, તમારી મૂંઝવણ હું બરાબર સમજી શકું છું. તમે જે અધૂરપ, કશુંક ખૂટતું હોવાનો ભાવ અનુભવો છો તે સ્વાભાવિક છે અને આવું માત્ર જેઓ કામ કરવા આતુર છે તેમને જ થતું હોય છે. જેઓ અકર્મણ્ય હોય છે તેમને આવું નથી થતું. એટલે પહેલું તો એ જાણો કે તમે સદ્નસીબ છો કે તમને આવી મૂંઝવણ થાય છે. જુઓ, પેલી ભેંસને થાય છે ? કેવી આરામથી તળાવના પાણીમાં નિરાંતે બેઠી છે. તમે આવી ભેંસ નથી. તમે થનગનતા યુવાનો છો. આવી મૂંઝવણ માટે અભિનંદનને પાત્ર છો.’

આમ કહી તેમને આશ્વસ્ત કરશે.

ત્યાં યુવાનો પૂછશે, ‘સ્વામીજી, અમે માનીએ છીએ કે અમારામાં કામ કરવાની શક્તિ તો છે. છતાં પણ એવું લાગ્યા કરે છે કે અમારામાં કોઈ તો મર્યાદા છે જે અમને આગળ વધતાં અટકાવે છે. એ શું હશે ?’

સ્વામીજી તેનો તરત જવાબ આપવાના અને કહેવાના, ‘દોસ્તો ! આનો જવાબ તો મને ખબર જ છે, તમને નહીં. તમારા પૂર્વજો-એટલે કે હું હતો ત્યારના યુવાનો-ની પણ આ જ સમસ્યા હતી. ત્યારે મેં જે જવાબ આપ્યો હતો, તે જ આજે આપું છું કે શ્રદ્ધા રાખો. તમારા પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા અને દેશમાં શ્રદ્ધા ! જો તમારામાં આત્મવિશ્વાસ નહીં હોય તો તમારા માટે મુક્તિ નથી. તમારામાં શ્રદ્ધા રાખો અને એ શ્રદ્ધા પર ટટ્ટાર ખડા રહો.’

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.